অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કેરીની વીણી અને તે પછીની વ્યવસ્થા

કેરીની વીણી અને તે પછીની વ્યવસ્થા

આ મુદૃો ખુબજ અગત્યનો છે. કેરીની ટકાઉ શકિત અને ગુણવત્તાનો આધાર કેરી ઉતારવી અને ત્યાર પછી પ્રક્રિયાની ઉપર છે.

વીણી (લણણી) :

  • કેરીની ટકાઉ શકિતનો આધાર કઈ અવસ્થાએ દિવસના કયા સમયે અને કાળજીપુર્વક કરી છે કે કેમ? તેના પર છે. કેરીની સામાન્ય રીતે સવારના સમયે કે સાંજે  ઠંડા પહોરે વીણી કરવી જોઈએ. ફળની જાત પ્રમાણે પરિપકવતાને ધ્યાને રાખી ઉતારવા પાયરી અને સુંદરી જેવી જાતો એપ્રિલના છેલ્લા અઠવાડિયાથી મે ના પહેલાં અઠવાડિયામાં, રાજાપુરી, આફુસ, કેસર જેવી જાત મે માસના બીજાથી ચોથા અઠવાડિયામાં તૈયાર થાય છે. વશીબદામી, દાડમિયો, નિલ્ફાન્સો, આમ્રપાલી, મલ્લીકા જેવી સંકર જાતો જૂન માસમાં, નીલમ, તોતાપુરી,અષાડિયો જુલાઈ–ઓગષ્ટ માસમાં તૈયાર થાય છે. કેરીએ ૠતુ નિવૃતિવાળુ ફળ હોવાથી ઉતાર્યા પછી પકવી શકાય છે.

પરીપકવતા : કેરી એ ૠતુ નિવૃતિવાળુ ફળ (કલાઈમેકટરીક ફ્રુટ) છે, જે ઉતાર્યા પછી પકવી શકાય છે. કેરીને પરિપકવતાની યોગ્ય અવસ્થાએ ઉતારવા જોઈએ. લીલા અને પરિપકવ ફળ વીણી માટે સૌથી યોગ્ય છે, કારણકે તે પાકયા પછી સારા રહે છે અને ગુણવતામાં પૂર્ણ વિકસિત હોય છે. કેરી ફૂલ આવ્યા પછી ૯૦–૧૦૦ દિવસમાં ઉતારવા લાયક થાય છે ત્યારે તેની સાપેક્ષ ધનતા ૧.૦ થી વઘુ, ગર્ભનો ભાગ પીળો હોય છે. કેરીની જુદી જુદી જાતો જુદા જુદા સમયે પાકતી હોય છે દા.ત. હાફુસ કેરી મે માસના બીજા ત્રીજા અઠવાડીયામાં પાકે છે. પાયરી, સુંદરી જાતો હાફુસ કરતાં ૧૦ થી ૧ર દિવસ વહેલી પાકે છે. જયારે કેસર, રાજાપુરી જેવી  જાતો હાફુસ કરતાં ૧૦–૧ર દિવસ મોડી પાકે છે.નિલ્ફાન્સો,સોનપરી,આમ્રપાલી,જેવી જાતો જૂન માસના બીજા અઠવાડીયામાં પાકે છે. જયારે તોતાપુરી, નિલમ, મકારામ, પછાતીયો જેવી જાતો એથી પણ મોડી પાકે છે. કેરીના  ઘણીવાર બે ફાલ હોય તો ફળના પરિપકવતા ના ચિન્હો જોઈને ઉતારવી જોઈએ.

અન્ય કાળજી :

  • વીણી સમયે ફળ જમીન પર પછડાય નહી કે ઘસરકા પડે નહી તે માટે સુધારેલ બેડીથી ડીંટા સાથે તોડવા જોઈએ.
  • ફળને ઈજા ન થાય તેની કાળજી રાખવી, નહિતો રોગ ઉત્પન્ન કરતા જીવાણુઓ દાખલ થઈ ફળને બગાડે છે.
  • ફળને પ્લાસ્ટીક ક્રેટમાં ભરીને હેરફેર કરવા .
  • વીણી બાદ ફળને છાંયામાં રાખવા.

ફળ ધોવા : સામાન્ય રીતે ફળને ધોવામાં આવતા નથી, છતાં ઔધોગિક વિસ્તાર નજીક હોય અવરજવર વાળો કાચો રસ્તો હોય તેમજ રોગ જીવાતનો ઉપદ્રવ હોયતો બાવીસ્ટીન પ૦૦ પી.પી.એમ. વાળા  પાણીથી સાફ કરી સાદા પાણીથી ધોઈ લેવા.

ગ્રેડીંગ કરવું : ફળની ગુણવત્તા જાળવવા અને ઉંચા ભાવ મેળવવા ફળનું ગ્રેડીંગ કરવુ જોઈએ. આ માટે પરિપકવ, નાના, વધારે પાકા, બગડેલા, ફાટેલા, ડાઘાવાળા કે ફુગવાળા ફળોને કાઢી નાખી અલગ કરવા જોઈએ. ફળની જાત અને બજારની માંગ પ્રમાણે રંગ, કદ, વજન વગેરેને આધારે વિવિઘ ગ્રેડ પાડી બજારમાં મોકલવા જોઈએ.

ફળની માવજત : ફળની સંગ્રહ શકિત વધારવા અને રોગ જીવાતથી થતો સડો અટકાવવા માવજત આપવી જોઈએ.

  1. મીણની માવજત
  2. ફુગનાશક દવાની માવજત
  3. વૃધ્ધિ નિયંત્રકો ની માવજત
  4. ગરમીની માવજત.
  5. પેકીંગ :

કેરીના ફળને સ્થાનિક બજારમાં  ક્રેટમાં ભરી લઈ જવાથી ઈજા અને દબાણ અટકાવી શકાય છે.દુરના બજારમાં ફળને ખોખામાં પેક કરીને મોકલવા જોઈએ, જયારે નિકાસ માટે ફળને મજબુત અને આકર્ષક પૂંઠાના ખોખામાં પેક કરવા જોઈએ.

ફળ ઉતારવા : લીંલાં અને પરિપકવ ફળ ઉતારવા જેથી પાકયા પછી સારાં રહે છે. તેમજ ગુણવતામાં પુર્ણ વિકસિત હોય છે. ફળો કાગળ કે પૂંઠાના ખોખામાં પેક કરીને મોકલવામાં આવે તો તેમાં મોકલેલા ફળોને નુકશાન ઓછું થાય છે. તેમજ આકર્ષક પેકિંગના લીધે ફળોનું વેચાણ પણ જલ્દી અને સારા ભાવે થાય છે. પપ (લંબાઈ) × ૩૦ (પહોળાઈ) × ર૧ (ઉંચાઈ) સે.મીના વ્યાસના ત્રણ ત્રણ કાણા હોય તેવા ખોખાનો ઉપયોગ કરવો.

કેરીનો સંગ્રહ : પરિપકવ લીલાફળ સ્ટોરમાં ઉષ્ણતામાને ૪ થી ૧૦ દિવસ સુધી રાખી શકાય છે. લાંબા સમય સુધી કેરીને ટકાવી રાખવા માટે રાસાયણિક માવજત આપવી તેમજ શીતાગારમાં થોડા દિવસ સંગ્રહ કરી શકાય છે. શીતાગારમાંથી ફળ કાઢયા બાદ તે યોગ્ય રીતે પાકતા નથી. કેરીનો સંગ્રહ સારી હવા ઉજાસવાળા સ્થળે ૧૮થી રરં સે તાપમાને કરવો જોઈએ. સાપેક્ષ ભેજમાન ૬૦ થી ૮પ ટકા વચ્ચે હોવું જોઈએ.

જિબે્રલિક એસિડ ત્ર બાવિસ્ટીન અથવા કાઈનેટીન , બાવિસ્ટીન થી સંગ્રહકાળનો સમય ૩–પ દિવસ લંબાવી શકાય છે.

ફળોની પકવણી : કેરી પકવવા માટે સારામાં સારૂ પકવણીનું તાપમાન રપં–૩૦ સે છે. આવી પરિસ્થિતિજો બનાવવામાં આવે તો ફળની ગુણવતા હંમેશા ઉતમ હોય છે. જમીન પર ડાંગરનું પરાળ પાથરી તેના પર કેરી અને પરાળના ૪–પ થર કરી કોથળા કે જુના કાપડની ગોદડી નાખી ૪–૬ દિવસ સુધી કેરીને પરાળમાં પાકવા દેવામાં આવે છે. આમ કરવાથી પાકી કેરીમાં મીઠાશ વધુ આવે છે. રાસાયણિક ક્રિયામાં ઈથેફોન ૧૦૦૦ પીપીએમમાં ફળને પકવણી પહેલાં બોળવાથી ઝડપથી પકવી શકાય છે.

ઉત્પાદન : પુખ્ત વયનું ઝાડ સરેરાશ ૮૦ થી ૧૦૦ કિલો કેરીનું ઉત્પાદન આપે છે. સારી માવજત હેઠળ બરાબર ફેલાયેલા ઝાડ ર૦૦ કિલો જેટલું વધુ કેરીનું ઉત્પાદન આપે છે. આંબાવાડિયામાંથી હેકટરે ૧૦ થી ૧પ ટન કેરીનું ઉત્પાદન મળે છે.

આંબાની ખેતીની મહત્વની સમસ્યાઓ અને તેના ઉપાયો :

કેરીના ઉત્પાદન અને ગુણવતામાં  કેટલીક મહત્વની સમસ્યાઓ અવરોધક બને છે જેનો સમજ પૂર્વક વિચારી યોગ્ય પગલા લેવા જોઈએ.

અનિયમિત કે એકાંતરે ફળવું :

હાફુસ, લંગડો, દશેરી જેવી જાતો એકાંતરે વર્ષે ફળે છે.જે તે જાતના આનુંવાશિક ગુણધર્મો પર  અવલંબે છે. આમ છતા વાડીમાં નિયમિત ખાતર,પાણી ,પાકસંરક્ષણની માવજતો  હવા ઉજાસ  માટે જરૂરી છંટણી કરવાથી સારા પરિણામો મેળવી શકાય છે.

જે વર્ષે વધુ પ્રમાણમાં ફળો આવ્યા હોય તે વર્ષે માર્ચ થી મે સુધી નવી ડાળીઓ ફુટી તેનો પુરતો વિકાસ થાય તે માટે જીબ્રેલીક એસિડ ૧૦ પી.પી.એમ.ત્ર ર ટકા યુરિયા (૧૦૦ લિટર પાણીમાં ૧.ગ્રામ જીબ્રેલીક એસિડ અને ર કિલો યુરિયા) નો છંટકાવ બે વખત  પહેલો એપ્રિલ ના અંતમાં અને બીજો છંટકાવ મે માસના અંતમાં કરવો. સતત ગરમ અને ભેજવાળા હવામાનમાં આંબાની વાનસ્પતિક વૃધ્ધિ વઘુ થાય છે જેને અટકાવવા માટે કલ્ટાર  (રપ% પ્રેકલોબ્યુટ્રાઝોલ) નો ઉપયોગ થાય છે. હાફુસ  તેમજ અન્ય જાતમાં આ રસાયણના ઉપયોગ બાબતે સારા પરિણામો મળ્યા છે.

કલ્ટાર કયારે અને કેવી રીતે આપવું :

  • સામાન્ય રીતે દશ થી ત્રીસ વર્ષના પૂર્ણ વિકસિત ઝાડને ર૦ મી.લી.કલ્ટાર (પ ગ્રામ સક્રિય તત્વ) ૧૦ થી ૧પ લીટર પાણીમાં મિશ્ર કરી ઓગષ્ટના મધ્યથી સપ્ટેમ્બર માસના મધ્ય સુઘી માં એક વાર આપવું.
  • આ મિશ્રણને ઝાડના થડની ફરતે અસરકારક મૂળ વિસ્તારમાં ૧૦ થી ૧ર સે.મી.ઉંડા  રપ થી ૩૦ ખાડા કરી તેમા રેડી ખાડાને માટીથી ઢાંકી દેવા જોઈએ.
  • કલ્ટાર આપતી વખતે જમીનમાં પુરતો ભેજ હોવો જોઈએ.
  • કલ્ટાર આપતા પહેલા ઝાડની નીચે ઉગેલા નીદણનો નાશ કરવો જોઈએ.
  • આ રસાયણનો ઉપયોગ ફકત તંદુરસ્ત ઝાડ પર કરવાથી ઈચ્છિત લાભ મેળવી શકાય છે.
  • કલ્ટારની માવજત આપેલ ઝાડમાં વધૂ ઉત્પાદન મળે છે એટલે પોષક તત્વોની ખેચ ન પડે તે માટે ભલામણ કરતાં વધૂ પ્રમાણમાં (લગભગ રપ% જેટલા) ખાતર આપવા જોઈએ.
  • કલ્ટારની માવજત આપવામાં આવે તો લગભગ ૧ર–૧પ દિવસ જલ્દી પરિપકવ કેરી મેળવી શકાય છે. જેથી સારા ભાવો મેળવી શકાય.

ફળનું ખરણ :

કેરીના વિકાસના જુદા જુદા તબકકામાં મોટા પ્રમાણમાં ફળો ખરી પડે છે ફળ ખરણ પ્રક્રિયામાં આંબાની જાત, જમીનમાં ભેજ, પોષક તત્વોની ઉણપ, હવામાનમાં થતા અચાનક ફેરફાર અને રોગ જીવાતનો  ઉપદ્રવ જેવા કારણો જવાબદાર છે. મોરની એક દાંડી પર જાત પ્રમાણે એક અને વધુમા વધુ બે થી ત્રણ કેરી પરિપકવ થતી હોય છે. વધારાની કેરી ખરી જવી કુદરતી પ્રક્રિયા છે, પણ વધુ પ્રમાણમાં  કેરી ખરી જાય તોજ તેને સમસ્યા ગણી શકાય.

આંબા પરથી ફળ ખરતા અટકાવવા માટે નીચે મુજબના ઉપાયો યોજવાથી ઘણો ફાયદો થઈ શકે છે :

  • જમીનમાં ભેજ અને પોષક તત્વોની ખામી જણાય તો નાઈટ્રોજનયુકત ખાતર જેવાકે યુરીયા, એમોનિયમ સલ્ફેટ વગેરે  આપી પિયત આપવુ.
  • આંબા પર કેરી વટાણા જેવડી થાય ત્યારે અને કેરી લખોટા જેવડી થાય ત્યારે એમ બે વખત ર૦ પી.પી.એમ નેપ્થેલીન  એસેટિક એસિડ અને ર % યુરીયાનુ દ્રાવણ ( ૧૦૦ લીટર પાણીમાં  ર ગ્રામ  અને ર કિલો યુરીયા) બનાવી છંટકાવ  કરવો.
  • હવામાનમાં અચાનક ફેરફાર થયા બાદ તુરતજ રોગ જીવાતનો ઉપદ્રવ અટકાવવા ઝડપથી  નિયંત્રણના પગલા લેવા જોઈએ.
  • મે માસમાં વાવાઝોડાથી કે અતિ ઝડપે વાતા  પવન થી મોટા કદના ફળો ખરી પડે છે. તે માટે પવનની દિશા તરફ શરૂ જેવા વૃક્ષોની ઉચી  જીવંત વાડ બનાવવાથી પવનની ગતી ધીમી પાડી  શકાય. આ માટે કલમો નવી જમીનમાં રોપવાની સાથે સાથે ખેતરની ફરતે શરૂનું વાવેતર કરવું હિતાવહ છે. જેથી આંબાની કલમો અને થડના શરૂ પણ મોટા થઈ જશે.

ફળમાં કપાસી (સ્પોન્જીટીસ્યુ) :

આ ઉપદ્રવ હાફુસ અને જમાદાર જાતની કેરીમાં જોવા મળે છે. મે મહીનામાં સૂર્યની સખત ગરમી જમીન પરથી પરાવર્તિત થતી ગરમી–લૂ ફળમાં ઘુસી જવાથી ફળના માવાને નુકશાન કરે છે. નુકશાની વાળો ભાગ બરાબર પાકતો નથી તેને કપાસી કહીએ છીએ.જે ભાગનો માવો સફેદ,પીળો તેમજ સ્વાદે ખાટો હોય છે. આવા ફળો બહારથી પારખી શકાતા નથી.

નિયંત્રણ :

  1. હાફુસ જાતના ફળો લીલા પણ પરિપકવ હોય તેવા (૮૦ % પરિપકવતા) ફળ તોડવામાં આવેતો  કપાસીનો ઉપદ્રવ ઓછો રહે છે. પૂર્ણ વિકસેલા ફળોમાં કપાસી વઘુ જોવા મળે છે.
  2. આંબાવાડીયામાં ખુલ્લી જગ્યામાં ડાંગરનું સૂકું પરાળ કે પાંદડાનું આવરણ પાથરવાથી જમીન વઘુ  ગરમ થતી નથી અને કપાસીનું પ્રમાણ ઘટે છે.
  3. ઉતારેલા ફળોને  સીધા તાપમાં ન રાખતાં છાંયડામાં ઢાંકીને રાખવા જોઈએ.
  4. સવારના ઠંડા પહોરે કે સાંજના ચાર વાગ્યા પછી કેરી તોડવી (બેડવી) જોઈએ.
  5. આંબાની વિકૃતિ :

આંબામાં  બે પ્રકારની વિકૃતિ જોવા મળે છેઃ ૧. વાનસ્પતિક વિકૃતિ અને ર. પુષ્પવિન્યાસની વિકૃતિ

વાનસ્પતિક વિકૃતિ :આંબાની ડાળીમાં ટોચના પાન શરૂઆતમાં જાડા,ટુકા અને દળદાર બને છે. ડાળીઓ ગુચ્છામાં ફુટે છે પાન નાના થઈ જાય છે આ વિકૃતિ નાના છોડમાં તેમજ નાની  કલમોમાં વઘુ  જોવા મળે છે.

પુષ્પવિન્યાસની વિકૃતિ : આ વિકૃતિમાં ફુલો જાડા, ફુલેલા અને વધારે પ્રમાણમાં ડાળીવાળા  પૂષ્પ વિન્યાસ નીકળે છે પરાગરજનું પ્રમાણ ઘણું ઓછુ હોય છે, કેરી વટાણાનાં દાણા કરતાં મોટા થતા નથી, દુરથી જોતાં ફલાવરનાં દડા જેવા ગુચ્છા જોવા મળે છે.

  1. આ રોગનો ફેલાવો પાનકથીરી દ્વારા થાય છે.
  2. રોગીષ્ટ આંબાની ડાળીઓનો કલમો બાંધવામાં  ઉપયોગ કરવાથી વધે છે.

નિયંત્રણ :

  1. રોગીષ્ઠ ડાળીઓની છંટણી કરી બાળીને નાશ કરવો.
  2. રોગમુકત આંબાની પ્રમાણિત કલમો વાવેતરમાં ઉપયોગ કરવો.
  3. ફુલમાં વિકૃતિ દેખાયતો પૂષ્પ વિન્યાસનો નાશ કરવો.
  4. મુળકાંડ વિકૃતિ જણાય તો કલમ બાંધવાના ઉપયોગમાં લેવો નહી.
  5. ઓકટોબર માસના પહેલા અઠવાડિયામાં નેપ્થેલીન એસેટીક એસિડ ર૦૦ પી.પી.એમ. (ર ગ્રામ ૧૦ લિ. પાણીમાં ઓગાળી) છંટકાવ કરવો.
  6. આંબાવાડીયામાં સતત દેખરેખ રાખી રોગની શરૂઆત જણાય યોગ્ય પગલા લેવા જોઈએ.
  7. પાન કથીરી જીવાતને કાબુમાં લેવી. ઈથીઓન ૧૦ મિ. લિ.અથવા પ્રોપરગાઈટ ૧૦ મિ. લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.

વાંદા : આંબાની ડાળ ઉપર ઉગી નીકળતી પરોપજીવી વનસ્પતિ છે. જેને આંબાની ડાળી અને વાદાની ગાંઠ સાથે ડાળીને દુર કરવી.

આંબાવાડીનું નવિનીકરણ (રીજુવીનેશન) :ઘણી જગ્યાએ આંબાનું વાવેતર પ૦–૭૦ વર્ષ જુનું હોય છે. આવી વાડીઓના વૃક્ષની ઉત્પાદન ક્ષમતા ખુબ જ ઝડપથી ઘટતી રહે છે. આવી ખુબ જ જુની, મોટા ઝાડ ધરાવતી વાડીઓમાં નવિનીકરણ (રીજુવીનેશન) પદ્ધતિનો ઉપયોગ કરવાથી ઝાડની ઉત્પાદન ક્ષમતામાં ઘણો વધારો જોવા મળે છે. મોટા ઝાડોને સંપૂર્ણ પણે છટણી કરવાની પ્રક્રિયાને નવિનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે જયાંથી થડ ઉપર ડાળીઓની શરૂઆત થાય છે એવી ડાળીઓને છેક નીચેથી સંપૂર્ણ કાપવામાં આવે છે. આવી ડાળીઓ નવી કુંપણો કાઢે છેે જે તંદુરસ્ત હોય છે. સામાન્ય રીતે ઝાડને ૩–૪ મીટર ઉંચાઈથી છટણી કરવામાં આવે છે. આ રીતની છટણી બાદ આંબામાં મેઢનો ઉપદ્રવ માલુમ પડે છે જેથી તેના નિયંત્રણ માટે ખાસ પગલા ભરવા જરૂરી છે. મે–જૂન માસમાં ફળ ઉતારી લીધા બાદ અથવા ચોમાસા પછીનો સમયગાળો રીજુવીનેશન માટે ખુબજ ઉપયુકત છે.

આંબાના જુના ઝાડની છટણી કરી નવિનીકરણ કરવાની પદ્ધતિ (પુનર્નવીકરણ) :

છાંટણી કરવાનો સમય ફળ ઉતાર્યા બાદ તુરંતનો સારો ગણાય છે. પરંતુ ચોમાસાની ૠતુ અને ઝાડના વિકાસને ધ્યાનમાં રાખી ઓકટોબર–નવેમ્બર માસમાં ત્રણ થી ચાર મીટરની ઉંચાઈએ છત્રી આકારે હેડીંગબેક પદ્ધતિથી છટણી કરવી.

છાંટણી કર્યા બાદ તુરંત કાપેલ ડાળી પર ફુગનાશક દવા કોપર ઓકઝીકલોરાઈડ અથવા બોર્ડોપેસ્ટ લગાવવી ખૂબજ જરૂરી છે. દવા લગાડયા બાદ કાપેલ ભાગ ઉપર પ્લાસ્ટીકની બેગ બાંધી શકાય છે અને નવી કુંપણો ફુટયા બાદ પ્લાસ્ટીકની બેગ તુરંત કાઢી નાંખવી અથવા પ્લાસ્ટીકની બેગમાં કાણાં પાડી પસંદ કરેલ ચાર થી પાંચ કુંપળો ને  કાણાંમાંથી બહાર કાઢવી.

છાંટણી કર્યા બાદ વાડીઓમાં ઉંડી ખેડ કરી જમીન તપવા દઈ પ્રથમ હળવું પિયત આપવું.

જાન્યુઆરી–ફેબ્રુઆરી માસમાં જયારે ઝાડમાં નવી પિલવણી નીકળવા માંડે  ત્યારે ઝાડદીઠ ૧.રપ કિલો યુરીયા સાથે ૧૦૦ કિલો છાણીયું અથવા કમ્પોસ્ટ ખાતર આપી પિયત આપવું. જૂન માસમાં ચોમાસા દરમ્યાન યુનિવર્સિટીની ભલામણ મુજબ ખાતરો આપવા.

છાંટણી કરેલ જાડી ડાળી માંથી એક સાથે પંદર થી વીસ નવી કુંપણો ફુટવાની શરૂઆત થશે. નવી ફુટેલ કુંપણોમાંથી જુસ્સા વાળી અને રોગ મુકત ચાર થી પાંચ ડાળીઓ બધી દિશાઓ તરફની મળીને પસંદ કરવી અને અન્ય ડાળીઓનો કુુંપળો ફુટેલ જગ્યાએથી નુકશાન ન થાય તે રીતે નિકાલ કરવાથી પસંદ કરેલ ડાળીઓનો વિકાસ ઝડપી થશે અને ઝાડનો સમતોલ આકાર આપી શકાશે.

છાંટણી કરેલ ઝાડ પર નવી પિલવણી નીકળ્યા પહેલા આંબાનો મેઢ અને ડાયબેક નામના રોગનો ઉપદ્રવ થવાની શકયતા રહેલ છે અને તેને સમયસર કાબૂમાં લેવામાં ન આવે તો આખું ઝાડ મરી જવાની શકયતા રહે છે. આ બંન્નેના ઉપાય માટે સેન્ટર ઓપનીંગ દરમ્યાન લેવાની થતી કાળજીમાં દર્શાવ્યા મુજબની માવજત કરવી.

છાંટણી કર્યા બાદના પ્રથમ વર્ષે મોટી ડાળીઓમાંથી પસંદ કરેલ કુંપળો ઉપર પૂષ્પવિન્યાસ આવે તો તે દુર કરવા અને પસંદ કરેલી કુંપળોને મજબુતાઈ મળે તેની કાળજી રાખવી.

બીજા કે ત્રીજા વર્ષ સુધી ઉપર પ્રમાણે ખાતર, પાણી અને પાકસંરક્ષણની માવજતો ચાલુ રાખવી જોઈએ. ત્યારબાદ છાંટણીનું પ્રમાણ અને ઝાડના કદને ધ્યાનમાં લઈ પેકલોબ્યુટ્રાઝોલ (કલ્ટાર) ની માવજત સાથે ભલામણ મુજબની અન્ય માવજતો આપવાની ચાલુ કરવાથી કેરીનો ફાલ મેળવી શકાય છે.

ભારતના આંબા સંશોધનને લગતા જુદા જુદા સંશોધન કેન્દ્રો જેવાકે લખનૌ ખાતે દશેરી, વેન્ગુર્લા ખાતે હાફુસ, સાંગારેડ્ડી ખાતે બનેશાન તથા તોતાપુરી અને પરીયા ખાતે કેસર જાતોમાં નવિનીકરણ ના અખતરાઓમાં ખૂબજ સારા પરીણામો મળેલ છે અને  આ અખતરાઓનું તારણ છેે ફળના કદ અને ઉત્પાદનમાં વધારો.

નવસારી કૃષિ યુનિવર્સીટીના પરીયા કેન્દ્ર ખાતે સંશોધનના આધારે હાફુસ જાતનાં ૩પ વર્ષના જુના ઝાડોને પ થી ૬ મીટરની ઉંચાઈએથી અને ઘેરાવાની ડાળીઓની છટણી કરી ત્રીજા વર્ષથી પેકલોબ્યુટ્રાઝોલ ૭.પ ગ્રામ સક્રિય તત્વ (૩૦ મી.લી. કલ્ટાર) પ્રતિ ઝાડ આપવાની ભલામણ કરવામાં આવેલ છે.

પ્રાદેશિક બાગાયત સંશોધન કેન્દ્ર, નવસારી ખાતે રાજાપુરી જાતનાં ૩૦ વર્ષ જૂના ઝાડને ૪, પ અને ૬ મીટર ઊંચાઈએથી અને ઘેરાવાની બધી જ ડાળીઓની છાંટણી ઓકટોબર માસમાં કરવામાં આવી. થડ અને કાપેલા ભાગ પર કોપર ઓકિસકલોરાઈડનો છંટકાવ અને પેસ્ટ લગાવી દીધા બાદ નવી ફુટેલ ડાળી પર જરૂરી પાકસંરક્ષણના પગલાં લીધા. મે, ર૦૧ર માં પ મીટરની ઊંચાઈવાળી અને છ (૬) પુખ્ત ડાળીવાળા ઝાડ પરથી ૧૦૦ કિલો રાજાપુરી કેરીનું ઉત્પાદન મળેલ છે.

આંબાની આશાસ્પદ સંકર જાતો

અ.નં.

ફળ સંશોધન કેન્દ્ર / સંસ્થાનું નામ

વિકસાવેલ આશાસ્પદ સંકર જાતો

૧.

કૃષિ પ્રાયોગિક કેન્દ્ર, નવસારી કૃષિ યુનિ., પરીયા, જી. વલસાડ

નિલફાન્સો (નીલમ × આફુસ)

નિલેશાન ગુજરાત (નીલમ × બનેશાન)

નિલેશ્વરી (નીલમ × દશેરી)

સોનપરી (આફુસ × બનેશાન)

ર.

ભારતીય બાગાયત અનુસંધાન સંસ્થા, હસરઘટ્ટા, બેંગ્લોર, કર્ણાટક

અર્કા અરૂણા (બેગનપલ્લી × આફુસ)

અર્કા પુનિત (આફુસ × બેગનપલ્લી)

અર્કા અનમોલ (આફુસ × જનાર્ધન પસંદ)

અર્કા  નિલકરણ (આફુસ × નીલમ)

૩.

ડો. બાલાસાહેબ સાવંત કોંકણ કૃષિ વિદ્યાપીઠ, દાપોલીના પ્રાદેશિક ફળ સંશોધન કેન્દ્ર, વેન્ગુર્લા, જી. સિંધૂદુર્ગ (મહારાષ્ટ્ર)

રત્ના (નીલમ × આફુસ)

સિન્ધુ (રત્ના × આફુસ) –સીડલેસ જાત

(સ્ટેનોસ્પરમોકાપી, આંબા જેવા ફળઝાડમાં એક અજોડ ઉદાહરણ

૪.

ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા, નવી દિલ્હી

મલ્લીકા (નીલમ × દશેરી)

આમ્રપાલી (દશેરી × નીલમ)

પુસા અરૂનિમા (આમ્રપાલી × સેન્સેશન)

પ.

ફળ સંશોધન કેન્દ્ર, સાગારેડ્ડી, આંધ્ર પ્રદેશ

મંજીરા (રૂમાણી × નીલમ)

યુ રૂમાણી (રૂમાણી × રેડ મલગોવા)

૬.

ફળ સંશોધન કેન્દ્ર, પેરીયાકૂલમ, તામિલનાડુ

પીકેએમ–૧ (ચીન્ના સુવર્ણ રેખા × નીલમ) પીકેએમ–ર (નીલમ × મલગોવા)

૭.

સેન્ટ્રલ ઈન્સ્ટીટયુટ ફોર સબટ્રોપીકલ હોર્ટીકલ્ચર, લખનૌ, ઉત્તર પ્રદેશ

સી આઈએસ એચ–એમ–૧

(આમ્રપાલી × જનાર્દન પસંદ)

૮.

ફળ સંશોધન કેન્દ્ર, સબૌર, બિહાર

સુંદર લંગરા (લંગડો × સુંદર પસંદ)

અલફઝલી (આમ્રપાલી × ફઝલી)

સબરી (ગુલાબ ખાસ × બોમ્બાઈ)

જવાહર (ગુલાબ ખાસ × મહમુદ બહાર)

રાજયવાર કેરીની ઉપલબ્ધતા

૧.

આંધ્રપ્રદેશ

માર્ચ થી મધ્ય ઓગસ્ટ

ર.

ગુજરાત

એપ્રિલ થી જુલાઈ

૩.

મહારાષ્ટ્ર

એપ્રિલ થી જુલાઈ

૪.

તામિલનાડુ

એપ્રિલ થી ઓગસ્ટ

પ.

મધ્ય પ્રદેશ

મધ્ય એપ્રિલ થી જુલાઈ

૬.

રાજસ્થાન

મે થી જુલાઈ

૭.

કર્ણાટક

મે થી જુલાઈ

૮.

પશ્ચિમ બંગાળ

મે થી ઓગસ્ટ

૯.

ઉત્તર પ્રદેશ

મધ્ય મે થી ઓગસ્ટ

૧૦.

બિહાર

મે ના અંતથી મધ્ય ઓગસ્ટ

૧૧.

હરિયાણા

જૂન થી ઓગસ્ટ

૧ર.

હિમાચલ પ્રદેશ

મધ્ય જૂન થી મધ્ય ઓગસ્ટ

આંબામાં જુદી જુદી અવસ્થાએ કેરી ખરવાનું કારણ

એક પુષ્પવિન્યાસમાં સરેરાશ ર૦૦૦ ફુલો

¯

૪૦૦ ઉભયલિંગી અને ૧૬૦૦ નર ફુલો

¯

૪૦૦ ઉભયલિંગી ફુલો પૈકી ૧૦૦ ઉભયલિંગી ફુલોમાં જ જુવારના દાણા જેવડી કેરી બેસે

¯

૩૦ કેરી જ વટાણા જેવડી

¯

૧૦ કેરી જ લખોટી જેવડી

¯

૩ કેરી જ ઈંડા જેટલા કદની થાય

¯

જાત પ્રમાણે ૧ અને વધુમાં વધુ ર થી ૩ કેરી પૂર્ણ વિકાસ પામે

¯

આવા પુષ્યવિન્યાસ દીઠ ૧ કેરી જ મળે

¯

આમ, ૧૦૦૦ પુષ્યવિન્યાસ દીઠ ર૦૦ કેરી જ મળે

આમ, વધારાની કેરી ખરી જવી એ કુદરતી પ્રક્રિયા છે પણ વધુ પ્રમાણમાં કેરી ખરી જાય તો તેને સમસ્યા ગણી શકાય. સંપૂર્ણ ફુલ (ઉભયલિંગી) ના ૦.૧ ટકા જ પરિપકવ કેરી બને છે.

 

 

આંબામાં કેરી ખરવાના કારણો :

  1. જાતોની ભિન્નતા (દશેરીમાં ખરણ ઓછું, લંગડામાં ખરણ વધુ)
  2. હવામાનમાં થતા અચાનક ફેરફાર
  3. ઉનાળો બેસતાં વાતાવરણમાં એકાએક ગરમી વધી જવાથી (નાના ફળો ૪ર૦ સે. થી વધારે ઉષ્ણતામાને ખરી પડે છે. મોટા ફળો પણ લૂ લાગવાથી ખરી પડે છે.)
  4. જીવાત (મધિયો, મોરની ડૂંખ કોરનાર ઈયળ, થ્રીપ્સ) અને રોગો (ભૂકી છારો, કાલવ્રણ, કાળી ફૂગ) નો ઉપદ્રવ
  5. જમીનમાં પોષક તત્વોની ઉણપ
  6. જમીનમાં ભેજની અછત
  7. અંતઃસ્ત્રાવોની ઉણપ
  8. કમોસમી વરસાદ, ધુમ્મસ, વાવાઝોડાથી કે અતિ ઝડપે વાતા પવનથી

નવસારી કૃષિ યુનિવર્સિટી હસ્તકની નર્સરીઓ :

  1. ફળ સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, ગણદેવી, જી. નવસારી, ફોન નં. ૦ર૬૩૪ ર૬ર૩ર૬, ર૪૪૮૧પ
  2. કૃષિ પ્રાયોગિક કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, પરીયા, તા. પારડી, જી. વલસાડ ૩૯૬૧૪પ, ફો.નં. ૦ર૬૩૮ ર૭૭રર૭
  3. પ્રાદેશિક ફળ સંશોધન કેન્દ્ર, અસ્પી બાગાયત–વ–વનીય મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી, ફોન નં. ૦ર૬૩૭ ર૮ર૪૬૪

છાંટણીની જરૂરિયાતવાળા કેટલાક ફળ પાકો

નિયમિત છાંટણી

પુનર્નવીકરણ છાંટણી

બોર

આંબો

સીતાફળ

અંજીર

લીંબુ

ચીકુ

ફાલસા

જામફળ

કાજુ

કરમદા

દાડમ

આમળા

શેતુર

 

 

દ્રાક્ષ

 

 

સફરજન

 

 

સ્ત્રોત શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ કૃષિ યુનિવર્સિટીના જૂનાગઢ, આણંદ,નવસારી અને સરદાર કૃષિનગર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate