অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આંબાની પ્રસર્જન–વર્ધન

આંબાની પ્રસર્જન–વર્ધન

ફળઝાડની ખેતી એ લાંબા ગાળાનું સાહસ છે. જે ફળઝાડ આજે રોપ્યાં હોય તે પોત પોતાની જાત પ્રમાણે ત્રણ–ચાર કે વધુ વર્ષે ફળ આપતા હોય છે. આ ઉપરાંત વ્યાપારી ધોરણે ફાયદાકારક ઉત્પાદન મળતાં તેથી પણ વધુ સમય લાગે છે. આ બધાં વર્ષો દરમ્યાન, આપણે તે છોડને પાણી, ખાતર, દવા અને માવજતો જેવી કે ગોડ, નીંદણ ઈત્યાદી પાછળ ખર્ચ કરતા રહેવું પડે છે. આમ વર્ષો સુધી ખર્ચ અને મહેનત કર્યા પછીથી જે તે છોડ ધાર્યા પ્રમાણે ઉત્પાદન અને ઈચ્છીત ગુણવાળાં ફળ ન આપે તો કરેલ ખર્ચ અને મહેનત નકામા જાય છે. વળી આવા ફળઝાડને એક વર્ષ પાક લીધા બાદ કાઢી નાખવામાં આવતા નથી. તે તો વર્ષો સુધી ઉત્પાદન આપ્યા જ કરે છે. એટલે ખરાબ ગુણવત્તાવાળા છોડ રોપાઈ ગયા હોય તો તેના પરિણામ લાંબા સમય સુધી ભોગવવા પડે છે. ફળઝાડની ખેતીમાં જે જાતની ખેતી કરવા માંગતા હોઈએ તે જાતની સો ટકા શુધ્ધતા જળવાઈ રહે તે માટે હંમેશા કલમોની એટલે કે વાનસ્પતિક પ્રસર્જનથી તૈયાર થયેલ છોડની જ રોપણી કરવી જોઈએ. આમ ફળઝાડની ખેતીમાં ખાત્રીલાયક નર્સરીમાંથી મેળવેલ કલમની રોપણીનો જ આગ્રહ રાખવો જોઈએ.

કલમ રોપણીથી થતા ફાયદા

  • કલમથી તૈયાર થયેલ છોડ માતૃગુણ ધરાવે છે એટલે કે જે જાતની કલમ બનાવી હોય તેના જેવા જ ગુણ  ધરાવે છે.
  • કલમની રોપણીથી તૈયાર થયેલ છોડ બીજથી ઉછરેલા છોડ કરતાં વહેલું ઉત્પાદન આપે છે. કલમી આંબામાં ચારથી પાંચ વર્ષે કેરી આવે છે.
  • કલમ રોપણીથી ઝાડનુ કદ, ફળની ગુણવત્તા, વહેલા ફળ આવવાની શરૂઆત વગેરે ખાસીયતોને ધાર્યા પ્રમાણે કાબુમાં રાખી શકાય છે.
  • ફળઝાડની ખરાબ જાતો ભુલથી રોપાઈ ગઈ હોય અથવા ઝાડ નિષ્કાળજીથી ઉંમર થઈ જવાથી નિર્માલ્ય થઈ ગયાં હોય તો કલમ બનાવવાની થયેલ ભુલને જાત બદલી સુધારી શકાય છે. દા.ત. ખૂંટી કલમથી આંબાની જાત સુધારી શકાય છે.

કલમો પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ

  • ભેટ કલમ વધારે પડતી મોટી, પાકટ કે આગલા વર્ષની પસંદ કરવી નહિ. મધ્યમ કદની, અર્ધપાકટ અને જુસ્સાદાર કલમ પસંદ કરવી. નિસ્તેજ અને જોસ વગરની કલમ લેવી નહિ.
  • ભેટ કલમ બરાબર ઠરેલી અને ચાલુ વર્ષની હોય તેની પસંદગી કરવી.
  • ભેટ કલમના રોપ અને ઉપરોપની જાડાઈ સરખી હોવી જોઈએ, તેમજ કલમનો સાંધો બરાબર મળી ગયેલો હોવો જોઈએ.
  • હંમેશાં પ્રમાણિત કલમો મેળવીને વાવેતર કરવી હિતાવહ છે. હંમેશા ગુજરાત કૃષિ યુનિવસિર્ટી, બાગાયત ખાતુ (ગુજરાત રાજય) અથવા ખેતીવાડી ખાતુ (ગુજરાત રાજય) ની નર્સરીઓ ઉપરથી કલમો મેળવવાનો આગ્રહ રાખો. છતાં ખાનગી નર્સરીઓમાંથી આંબાથી જે તે જાતની પ્રમાણિત કરેલ હોય તેવી કલમોનું વાવેતર કરી શકાય છે.
  • પાન તંદુરસ્ત, લીલા, ચળકતાં હોય તેવી કલમ પસંદ કરવી. ઝાંખા અને કરમાયેલા પાનવાળી કલમ પસંદ કરવી નહિ.
  • કલમની સાંધા પર દોરીના કાપ પડેલા હોવા જોઈએ નહિ.
  • ઉપરોપનો કપાયેલો નીચેનો છેડો સુકાયેલો હોવો જોઈએ.

કલમ બનાવવાની રીત :

  • દેશી આંબાનો રોપ – મૂળકાંડ (સ્ટોક)
  • સારી જાતની આંબાની ડાળી – ઉપરોપ (સાયન)

મૂલકાંડ – રોપ ઉછેરની પધ્ધતિ :

આંબાની જુદી જુદી પધ્ધતિથી કલમ કરવા માટે જુદી જુદી ઉંમરના મુલકાંડનો ઉપયોગ થાય છે. મુલકાંડ ઉછેરની પધ્ધતિ નીચે  મુજબ છે.

  • મૂલકાંડ તૈયાર કરવા માટે દેશી આંબાના ગોટલા કેરીની મોસમ દરમ્યાન એકત્રિત કરવા. આવા ગોટલા એકત્રિત કરી તેને તડકામાં ન રાખતાં ઝાડનાં છાયાં નીચે રાખવા.
  • ગોટલાનું વાવેતર બેડમાં એટલે કે જમીનમાં અથવા પોલીથીન બેગમાં સીધેસીધા વાવી શકાય છે. અને આવા તૈયાર થયેલ મુલકાંડનો ઉપયોગ  કલમ કરવા માટે કરી શકાય છે.
  • જે જમીનમાં ગોટલા મૂલકાંડ માટે વાવેતર કરાવતાં હોય તે જમીન સારી રીતે હળવી ખેડી, કરબ મારી સરખી કરવી. નિંદામણ, પથ્થરો વગેરે દુર કરી જમીન તૈયાર કરવી.
  • જમીન તૈયાર કરતી વખતે એક હેકટરે ર૦ થી રપ ટન સારું કહોવાયેલ કમ્પોસ્ટ ખાતર કે છાણીયું ખાતર ચાસમાં આપવું.
  • એકત્રિત કરેલ ગોટલા જેમ બને તેમ જલ્દી વાવવા. ગોટલાના વાવેતર કરવામાં મોડુ થાય તો ઉગાવવાના ટકામાં ઘટાડો થાય છે. જો ગોટલા પ્રોસેસીંગ યુનિટમાંથી મેળવ્યા હોય તો ગોટલા જુદા પાડી પાણીથી ધોઈ રોપવાના ઉપયોગમાં લેવા.
  • જમીનમાં વાવેતરનું અંતર બે હાર વચ્ચે ૪પ સે.મી. અને બે ગોટલા વચ્ચે ૧પ–ર૦ સે.મી. જેટલું રાખવું જરૂરી છે.
  • દેશી કેરીનાં તાજા ગોટલા જયારે મળે ત્યારે ઉપર મુજબ વાવેતર કરી ઉપર માટીનો ર’’ નો થર કરવો. વરસાદ ન હોય તો પાણી આપવું.
  • ગોટલા ઉગી નીકળે ત્યારે જરૂર મુજબ નિંદામણ અને ગોડકામ કરતાં રહેવું જોઈએ.
  • ૧પ દિવસના ઉગેલ ગોટલા જે હવે મુલકાંડ અથવા રોપ તરીકે ઓળખાય છે, તેનો ઉપયોગ એપીકોટાઈલ ગ્રાફટીંગ પધ્ધતિથી કલમ કરવામાં થાય છે.
  • મુલકાંડ ચાર માસના થયેથી ર૦ કિલો નાઈટ્રોજન તત્વ મળે તે રીતે નાઈટ્રોજનયુકત ખાતર પ્રતિ હેકટરે આપવું. વાવણી પછી સાતમા અને દસમા મહિને ફરીથી ર૦–ર૦ કિલો નાઈટ્રોજનયુકત ખાતર પ્રતિ હેકટરે આપવું.
  • મૂલકાંડ (રોપ) ને જીવાત અને રોગથી મુકત રાખવા સમયસર પાક સંરક્ષણનાં પગલાં લેવા.
  • ૬ થી ૧ર માસના રોપ–મુલકાંડનો ઉપયોગ વીનીયર (બગલપ્રકાંડ) અથવા નૂતન કલમ પધ્ધતિથી કલમ બનાવવા કરી શકાય છે.
  • ચોમાસું પુરું થયેથી ૧૦ થી ૧ર દિવસના અંતરે અને ઉનાળામાં ૬ થી ૮ દિવસના અંતરે પિયત આપવું.
  • આમ સારી રીતે માવજત આપેલ રોપાઓ એક વર્ષના ૭પ થી ૮૦ સે.મી. જેટલી ઉંચાઈના થશે. ચોમાસામાં વાદળ છાયા વાતાવરણમાં જમીનમાંથી ખૂરપા વડે ખોદી માટીના પીંડ સાથે રોપના સોટી મૂળને વધુ પડતું નુકશાન ન થાય તે રીતે કુંડામાં લેવા અથવા દર્ભના (દાભડો) પાનમાં મુળનો માટીવાળો પીંડ ઢંકાય તે રીતે વીંટાળી ઝાડના છાયાવાળી જગ્યાએ આડા રહે તે રીતે ગોઠવી પાણી છાંટતા રહેવું. અઠવાડીયા બાદ રોપ ઠરી ગયે કુંડામાં લઈ શકાય છે. સૌરાષ્ટ્રમાં આવા રોપને ડબ્બામાં લેવામાં આવે છે.
  • ડબ્બામાં પાણીના નિતાર માટે છિદ્ર રાખવું. કુંડાના અને ડબ્બાના નીતાર છિદ્ર ઉપર માટીનાં ઠીકરાં રાખવા જરૂરી છે. ઠીકરૂ નિતાર છિદ્ર ઉપર ઉંધું મૂકવું. જેથી છિદ્રનો ભાગ ખુલ્લો રહે અને વધારાનું પાણીનો નિકાલ થઈ જાય. રોપાને પ્લાસ્ટીક બેગ, કૂંડામા અથવા ડબ્બામાં ગોઠવી જમીનનું અથવા કંપોસ્ટ કે વર્મીકંપોસ્ટનું મિશ્રણ ભરી રોપની ફરતે માટી દબાવવી અને નર્સરીમાં ગોઠવવા.
  • ત્યારબાદ રોપાઓને ખુલ્લી હવા ઉજાસવાળી જગ્યામાં રાખવા અને તેને સવાર સાંજ બે વખત ઝારા વડે પાણી આપવું.
  • આવી રીતે કુંડામાં કે ડબ્બામાં તૈયાર કરેલ રોપાઓ લગભગ ૧–૧/ર (દોઢ) વર્ષના થાય ત્યારે ભેટકલમ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઉપરોપની ડાળી આંબાની જે તે જાતના માતૃછોડ પર પસંદ કરવી હિતાવહ છે.

માતૃછોડની માવજત અને કલમોની બાંધણી :

જે માતૃઝાડોમાં કલમો બાંધવાની હોય તે માતૃઝાડોને તેના ઘેરાવા જેટલા વિસ્તારમાં કોદાળીથી ગોડવો. શરૂ, નિલગીરી અથવા સાગની વળી અને વાંસનો ઉપયોગ કરી માંચડો–મંડપ બનાવવો. ગોળ કે ચોરસ માંચડો (મંડપ) કરવામાં આવે છે. ચોમાસાની શરૂઆતમાં પ૦ થી ૬૦ કિલો છાણીયું ખાતર, પ૦૦ ગ્રામ નાઈટ્રોજન, ૩ર૦ ગ્રામ પોટાશ આપવામાં આવે છે. સાયન પ્લોટ કે જેમાં માતૃઝાડો રોપવાના હોય ત્યાં ઉપર મુજબના ખાડા ર મી × ૧ મી. ના અંતરે કરી કલમોનું વાવેતર કરવું, જેથી મંડપ સારી રીતે બનાવી શકાય અને ઓછી જગ્યામાં વધુ કલમો બાંધી શકાય. કલમો બાંધતી વખતે ડબ્બામાં ભરેલ રોપાઓ વજનદાર હોવાને લીધે જમીન ઉપર રાખી માતૃ છોડની ડાળી જમીન સુધી વળે તેવી હોવી જોઈએ. જયારે કુંડાઓના રોપાઓને માતૃછોડની આસપાસ શરુ, નિલગીરી કે સાગની વળીઓ અને વાંસના ત્રાપાથી મંડપ બનાવી તેના ઉપર કુંડામાંના રોપાઓ ગોઠવી માતૃછોડની ડાળીઓ સાથે કલમો બાંધવામાં આવે છે.

કેટલીક વખતે રોપાઓને શરુ, સાગ અથવા નિલગીરીની વાડી સાથે આડો વાંસ બાંધી કાથીની દોરીથી લટકાવી જે તે ડાળી સાથે કલમ કરવામાં આવે છે.

મૂલકાંડ (સ્ટોક) અને ઉપરોપ (સાયન) ની ડાળીઓ હંમેશા તંદુરસ્ત રોગ અને જીવાતથી મુકત અને રસદાર હોય તેવી પસંદ કરવી જરૂરી છે. ઉપરોપ એક વર્ષથી વધુ ઉંમરનો ન હોવો જોઈએ. મૂલકાંડ અને ઉપરોપ એકસરખી જાડાઈનાં હોવા જોઈએ.

એપીકોટાઈલ, વીનીયર (બગલ પ્રકાંડ) અને નૂતન કલમ અને શાખાની તાજ કલમ બનાવવા માટે રોપાને (મુલકાંડને) માતૃઝાડ પાસે લઈ જવામાં આવતા નથી. પણ મુલકાંડને નર્સરીમાં યથાવત રાખી પસંદ કરેલ જાતના માતૃઝાડની ૬ થી ૯ માસ જેટલી પરિપકવ ડાળીનાં પાન ૧/૪ ઈંચ જેટલું ડીંટુ રહેવા દઈ દુર કરવા. ૮ થી ૧૦ દિવસ બાદ ડીંટા ખરી જાય એટલે આવી ડાળી (બડસ્ટીક) ૮ ઈંચ જેટલી કાપી તેનો ઉપયોગ કરી શકાય છે. ખૂંટી કલમ માટે ૯–૧૦ માસ જૂની પરિપકવ ડાળી ૧૦ થી ૧ર ઈંચ જેટલી લાંબી કાપી ડીંટા રહેવા દઈ પાન દુર કરવા અને ત્યારબાદ આ ડાળીનો ઉપયોગ જુના ઝાડના થડમાં ખૂંટી પધ્ધતિથી કલમ બનાવવા કરવો.  ઘણી વખત અગાઉથી પાન દૂર કરવાના બદલે ડાળી તાજી કાપી લાવી તેના પાન દૂર કરી અને ખૂંટી મારવામાં  આવે છે.

એપીકોટાઈલ ગ્રાફટીંગ અથવા સ્ટોન ગ્રાફટીંગ :

હાલમાં આંબાની વાનસ્પતિક પ્રસર્જનની રીતોમાં મહત્વનું સ્થાન આ કલમ બનાવવાની આ પધ્ધતિએ લેવા માંડયું છે.

રીત :

  • ૧૦–૧પ દિવસના ઉગેલા દેશી આંબાના ગોટલાને મુલકાંડ તરીકે પસંદ કરવામાં આવે છે. મુલકાંડ તંદુરસ્ત અને રોગ–જીવાતથી મૂકત હોવો જરૂરી છે.
  • પસંદ કરેલ આંબાની જાતની ડાળી (ઉપરોપ) ને ૮ થી ૧૦ દિવસ અગાઉ પાનના ૧/૪ ઈંચ જેટલા ડીંટા રહેવા દઈ પાનનો ભાગ દુર કરો. ૧૦ દિવસ બાદ આવી ડાળી ઉપરોપ લાવી ઉપરોપ પર ત્રાંસો કાપ મુકો. અગાઉથી પાન દૂર કરેલ ન હોય તેવી પરિપકવ ડાળી તાજી લાવી તેના ઉપર મુજબ પાન દૂર કરી ત્રાંસો કાપ મૂકો.
  • સારા તંદુરસ્ત મૂલકાંડ (ગોટલા) ને નર્સરી કયારામાંથી કલમ કરતા અગાઉ ગોટલા સહિત ઉખાડી લઈ આવો. ત્યારબાદ મૂલકાંડ પર ગોટલાના ઉપરના ભાગે ત્રાંસો કાપ મૂકી પાન અને પ્રકાંડનો ભાગ દૂર કરો. મૂલકાંડ અને ઉપરોપનો ત્રાંસા કાપ સરખા હોવા જરૂરી છે. જો કે મૂલકાંડનો કાપ થોડો મોટો હોય તો ઉપરોપની ડાળી અંદર સુધી બેસાડી શકાય અને ફીટીંગ સારું મળે.
  • મૂલકાંડ અને ઉપરોપને સરખી રીતે જોડી પોલીથીન પટ્ટીથી બરાબર બાંધી દો.
  • કલમ બનાવવા માટે મૂલકાંડને તૈયાર કરતા પહેલા જમીનમાંથી કાઢી લેવામાં આવે છે. ત્યારબાદ કલમ કરી ઉપરોપ સહીતના મૂલકાંડને ગોટલાનો ભાગ માટીમાં રહે તે રીતે કુંડામાં કે પોલીશીન બેગમાં ભરવામાં આવે છે.
  • વરસાદથી નવી બનાવેલ કલમોને રક્ષણ આપવા છાંયડામાં મુકવી.
  • આ પધ્ધતિમાં મૂલ ઉત્પાદન ક્રિયા અને સાંધાનું જોડાણ ૮ગદ્યય્ઃદ્ય૯ બંને એક સાથે થાય છે.

ફાયદા :

  • ખૂબ જ ટૂંકા સમયમાં, ઓછા ખર્ચે અને ઓછી મહેનતે આ કલમ કરી શકાય છે.
  • ઓછા સમયમાં વધુ સંખ્યામાં કલમો બનાવી શકાય છે.
  • અન્ય કલમોની જેમ મૂલકાંડનો ઉછેર ખર્ચ એક વર્ષ સુધી લાગતો નથી. આથી મૂલકાંડ ઉછેર માટે સમય અને મહેનતનો બચાવ થાય છે. ખરેખર તો મૂલકાંડ ઉછેરની સમયમર્યાદામાં જ આ કલમ તૈયાર થઈ જાય છે, તેમજ મંડપ બનાવવાની અને કલમ કર્યા બાદ બધી જ કલમોને જુદી–જુદી જગ્યાએ પાણી સીંચવાની કડાકૂટમાંથી રાહત મળે છે અને ખર્ચ ઘટે છે.

ગેરફાયદા / મર્યાદા :

  • જુન–જુલાઈ માસ બાદ કલમ કરવામાં આવે તો સફળતા ઓછી અથવા તદ્‌ન નહિવત મળે છે, અને રોપા મોટા થઈ જવાથી આ પ્રકારની કલમ કરવાનો અર્થ રહેતો નથી. ત્યારબાદ રોપા મોટા હોય ત્યારે ૬ થી ૧ર માસ સુધી નૂતન કલમ પધ્ધતિથી કલમ કરી શકાય છે.
  1. તાજા ઉગેલ ગોટલાને (૧પ દિવસનો મૂલકાંડ) પસંદ કરવો.
  2. કલમ કરવાના એક અઠવાડિયા પહેલાં પસંદ કરેલ આંબાની જાતની ચાર મહિના જેટલી જુની પરિપકવ ડાળી (સાયન) પસંદ કરી તેના પાનનાં ફકત ડીંટા રહેવા દઈ પાનને દુર કરો.
  3. મૂલકાંડ તરીકે પસંદ કરેલ ગોટલાને આઠેક સે.મી. જેટલી ઉંચાઈએ આડો કાપ મુકો અને ડાળીને ઉભો કાપ મુકી બે સરખાં ફાડિયા થાય તેટલો ૩ થી ૪ સે.મી. લંબાઈનો કાપ મૂકો. જે અંગ્રેજી 'વી' આકારનો દેખાશે.
  4. પસંદ કરેલ સાયન નીચેના છેડે ડાળીને બે બાજુથી ત્રાંસા સરખા કાપ મૂકો જે ફાચર જેવો દેખાશે. તેને મૂલકાંડમાં ઉભા કાપવાળા ભાગમાં સરખી રીતે દાખલ કરો જેથી બંનેની ડાળી એકબીજા સાથે સરખી રીતે બેસી જાય.
  5. કાપવાળા ભાગને ૧૦૦ માઈક્રોન વાળી ૧.પ સે.મી. પહોળી અને ૪૦ થી ૪પ સે.મી. લાંબી પોલીથીનની પટ્ટીથી સરખી રીતે બાંધવી જેથી પાણી અંદર દાખલ ન થાય. આ એપીકોટાઈલ કલમ (ગ્રાફટ) તૈયાર.
  6. આ કલમને માટી ત્ર કંપોસ્ટ ખાતર ત્ર રેતીના ૧ઃ૧ઃ૧ ના મિશ્રણથી ભરેલ ૧પ × રપ સે.મી. ની કાળી પોલીથીન કોથળીમાં વ્યવસ્થીત રીતે ફીટ કરી તેને પાણી આપો. કાળી માટીની જગ્યાએ લાલ અથવા સારી ગોરાડુ માટી લેવામાં આવે તે ઈચ્છનીય છે.
  7. તૈયાર કરેલ કલમોને સેટ થાય ત્યાં સુધી એટલે કે એક માસ સુધી ચોમાસામાં વરસાદ ન લાગે તેવી જગ્યાએ રાખો અને ત્યારબાદ ખુલ્લી જગ્યામાં ટ્રેન્ચ બનાવી તેમાં ગોઠવી ખાડામાં થોડી માટી ભરી નિયમિત રીતે (જો વરસાદ ન હોય તો) પાણી આપો. પાક સંરક્ષણના પુરતા પગલાં લો.

અગત્યની નોંધ :

દક્ષિણ ગુજરાતમાં ભારતીય એગ્રો ઈન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશન (બાયફ,  એન.જી.ઓ.) બિનસરકારી સંસ્થા જે લાછકડી, તા. વાંસદા જી. નવસારી વિસ્તારમાં કાર્યરત છે. તેમના સઘન પ્રયાસો થકી આજુબાજુના આદિવાસી ખેડૂતોએ આ પ્રકારની પધ્ધતિ અપનાવી હજારોની સંખ્યામાં કલમો બનાવે છે. અને તેનું વેચાણ ગ્રાહકોને /ખેડૂતોને સીધે સીધા અથવા બાયફ સંસ્થા દ્વારા થાય છે અને પૂરક આવક મેળવે છે.

નૂતન કલમ પધ્ધતિ

ગુજરાત કૃષિ યુનિવર્સિટીના આણંદ કેન્દ્ર ખાતે શોધવામાં આવેલ દેશી આંબાના છોડ ઉપર કલમ બનાવવાની સાદી અને સરળ રીત છે. આ રીત અપનાવવા માટે તેને બે ભાગમાં વહેંચી નાંખવામાં આવેલ છે.

  1. પહેલા ભાગમાં જે સ્થળે આંબાવાડીયું કરવું છે ત્યાં પધ્ધતિસર રીતે ગોટલો વાવી દેશી છોડ ઉછેરવો.
  2. બીજા ભાગમાં આ રીતે ઉછેરેલ નવ–દસ માસ કે તેથી વધુ ઉંમરના દેશી છોડ (મૂલકાંડ) ઉપર સહેલી અને સરળ રીતે કલમ કરવી.

કલમ બનાવવાની રીત :

જે તે સ્થળે દેશી છોડ ઉછેરવાની રીત (ઈન સીટુ ગ્રાફટીંગ) :

  • જે– તે પ્રદેશની જમીનની ફળદ્રુપતા જોતાં ઉછેરવા માટેની જે તે કલમી આંબાની જાત મુજબ આંબાવાડીયામાં બે ઝાડ વચ્ચેનું બંને બાજુનું અંતર પાંચથી છ મીટર (એટલે કે વીસ ફુટ) રાખવું. આમ કરવાથી શરૂઆતથી જ એકમ જગ્યામાં વધુ કલમો વાવી તેમાંથી વધુ આવક મળશે.
  • નકકી કરેલ અંતરે નિશાનીઓ કરી ઉનાળામાં ૬૦×૬૦×૬૦ સે.મી. માપના લાંબા, પહોળા અને ઉંડા ખાડા કરવા. ખાડા ઉનાળામાં તપવા દેવા. વધુ વરસાદવાળા વિસ્તારમાં ખાડા ભરવા માટે ખાડા દીઠ ર૦ કિલો છાણીયું ખાતર, ૧/ર કિલો એમો. સલ્ફેટ, ૧.પ કિલો સુપર ફોસ્ફેટ તથા ર કિલો સલ્ફેટ ઓફ પોટાશ ખાડાની બહાર કાઢેલ માટીમાં સરખી રીતે ભેળવી જમીનની સપાટીથી ૧પ–ર૦ સે.મી. ઉંડો ભરવો. તેની ઉપરના ભાગમાં નાના, સુકા પાન બે ઈંચ જાડાઈના પાથરી તેની ઉપર બે ઈંચ માટી પાથરવી.
  • વરસાદ પડે ત્યારે આ માટીના થર પર દેશી કેરીના તાજા વજનદાર ગોટલા ત્રિકોણાકારે ત્રણ ગોટલા ચપટા મૂકવા. અને ઉપર પાન અને માટીનો થર પાથરવો. વરસાદ થયાના ૧૦–૧પ દિવસ બાદ ગોટલી ઉગી નીકળશે.
  • જમીન ગોરાડુ, બેસર, કાંપવાળી અને સારી ઝમણવાળી હોય તથા તે પ્રદેશમાં ઓછો વરસાદ હોય તો ખાડો ખાતર, માટીથી ભર્યા બાદ જમીનથી થોડો ઉંડો રાખવો. દેશી કેરીના સારા ગોટલા વાવવા.
  • ચોમાસુ પુરું થતાં દરેક ખમણે ડાંગર અથવા ઘઉંના પરાળનો બે ઈંચ થર કરવો, અને પ્રમાણમાં ઓછું પાણી આપવું, જેથી મુળ ઉંડા જશે.
  • જરૂર જણાયે આંતર ખેડ કરવી. આ રીતે ઉછેરેલો દેશી આંબાનો છોડ (મૂલકાંડ) માર્ચ માસમાં બે ફુટ ઉંચાઈનો થઈ જશે. આ છોડ પર ગરમીની શરૂઆત થતાં નવા લાલ તામ્રરંગના પાન અને દાંડીવાળી ફુટ પર કુમળી ડાળી ઉપર કલમ (સોફટ વુડ ગ્રાફટીંગ) માર્ચ માસથી ઓગસ્ટના અંત સુધીમાં કરી શકાય છે. ઉનાળાનો સમય વધુ ઉત્તમ છે. ઉનાળામાં આ કલમ કર્યા બાદ ઉપરોપને સફેદ પારદર્શક કોથળી (સાંકડી) ચડાવી નીચેની તરફ સાધારણ બાંધી દેવું.

રોપણી

  • જમીન સમતળ કરી બે ત્રણ વખત હળથી ઉંડી ખેડ કરવી આંબાનું વાવેતર ૮×૮ મીટર ૧૦×૧૦ મીટર ૧ર×૧ર મીટરનાં અંતરે કરવું જે તે જગ્યાએ ઉનાળામાં ૧×૧×૧ મીટર લાંબા પહોળા અને ઉંડા ખાડા કરવા અને ૧પ –ર૦ દિવસ તપવા દેવા .ચોમાસા પહેલા ખાડાની માટી પ૦ કિ.ગ્રા.છાણિયુ ખાતર ર.પ૦ કિ.ગ્રા.સીંગલ સુપરફોસ્ફેટ અને ૧ કિ.ગ્રા.મ્યુરેટઓફ પોટાશ ભેળવી ખાડા પુરી દેવા. ઉધઈનો ઉપદ્રવ હોયતો ૧૦૦ ગ્રામ મીથાઈલ પેરાથીઓન(ર ટકા) પાવડર માટીમાં ભેળવી ખાડા પુરવા શરૂઆતના વર્ષમાં પ×પ મીટરનાં અંતરે આંબા  રોપી ૧ર  થી ૧પ વર્ષ  સુધી ચાર  ગણુ ઉત્પાદન મેળવી શકાય ત્યારબાદ  બન્ને  તરફથી  એકાંતરે એક  એક  ઝાડ કાઢી નાખીને ૧૦×૧૦ મીટરનું નિયમિત વાવેતર રાખવું આમ કરવાથી શરૂઆતમાં સારુ ઉત્પાદન મેળવી શકાય.
કૃષિ યુનિવર્સિટી, બાગાયત ખાતુ કે પ્રતિષ્ઠિત ખાનગી નર્સરીમાંથી પ્રમાણીત કલમો મેળવી જુલાઈ–ઓગષ્ટ માસમાં ખાડાની મધ્યમાં કલમ સીધી રાખીને  રોપતી વખતે મુલકાંડનું  કુંડું  દુર કરવુ અને કલમ કરેલો ભાગ દબાય ન જાય તે રીતે કલમ રોપી લાકડાનો મજબુત ટેકો આપવો. કલમની વૃધ્ધિ શરૂ થયે ત્રણ ચાર માસ પછી દોરી છોડી નાખવી તેમજ મુલકાંડને કલમની ઉપરથી કાપી નાંખવો.

આંબાવાડીયામાં ઉત્પાદન અને ગુણવત્તા વધારવાના ઉપાયો

આંબાવાડીયામાં રોપેલ કલમોની ઉંમરના આધારે આંબાવાડીને આપવાની માવજતને બે ભાગમાં વહેચી શકાય.

બિન ફળાઉ ઉછરતી કલમોને આપવાની માવજત

  • નવી રોપેલ કલમોને ચોમાસામાં વરસાદ ન હોય ત્યારે અને ચોમાસા બાદ ગોડ કરી ૧ મીટર પહોળાઈની રીંગ  બનાવી તેમાં જમીનની જાત અને હવામાન પ્રમાણે ૩ થી ૬ દિવસના ગાળે પાણી   આપવું.
  • ઉંમર વધે તેમ રીંગનું કદ વધારતા જવું.
  • ઉંમર પ્રમાણે ખાતરનો જથ્થો સમયસર આપવો.
  • ખામણાંમાં સુકુ ઘાસ અથવા ઝાડના પાનનું આવરણ કરવું (મલ્ચીંગ).
  • વારંવાર  ઉંડી ગોડ કરવી નહી.
  • નવી રોપેલ કલમો ને ટેકો આપવો અને ઝાડ સીધું રહે તે માટે ટેકા ચકાસતા રહેવું.
  • કલમો રોપ્યા બાદ ચાર વર્ષ સુધી મોર તોડી નાંખવો જોઈએ.
  • ઉધઈનો ઉપદ્ર્રવ જણાયતો તેનું નિયંત્રણ કરવું.
  • કલમોના થડની આજુબાજુનો ધાસ કચરો દુર કરવો જોઈએ.
  • કલમો ઉપર નીકળતી નવી કુંપળો ઉપર મધીયો, થ્રીપ્સ, ડુંખ કોરી ખાનારી ઈયળ જેવી જીવાતો તથા ભૂકી છારો અને કાલવ્રણ જેવા રોગનું સમયસર નિયંત્રણ કરવું જોઈએ.
  • નવી રોપેલ કલમોની કેરવણી માટે છટણી કરવી જરૂરી છે. જે માટે  બીજા વર્ષ થી જમીન પર ફેલાતી ડાળી,એકમેકમાં  ગુચવાયલી ડાળી અને નબળી અને રોગીષ્ટ ડાળીઓની જરૂરીયાત મુજબ સંમતોલ વિકાસ થાય તેમ  છટણી કરવી જોઈએ.
  • નવી રોપેલ કલમોમાં જમીનથી ૬૦ સે.મી. ઉંચાઈ સુધીનો થડનો ભાગ ડાળી વિનાનો હોવો જોઈએ.
  • નવા આંબા વાડીયામાં શરૂઆતનાં પ–૭ વર્ષ સુધી  વિવિધ  આંતરપાકો લઈ શકાય છે.જેવા કે કેળ, પપૈયા જેવા   ફળ  પાકો,  શાકભાજી તેમજ ફૂલછોડ નાં પાકો લઈ વધારાની આવક મેળવી શકાય.
  • આંતરપાક આંબા  કરતાં  ઉંચી વધવાળા હોવા  જોઈએ નહીં
  • વધુ પાણીની જરૂરીયાત વાળા પાક લેવા નહીં. દા.ત. ડાંગર.

પુખ્ત ઉંમરનાં ફળાઉ ઝાડોને આપવાની માવજત

  • પુખ્ત વયના ફળાઉ ઝાડોની માવજત  વૈજ્ઞાનિક પધ્ધતિથી કરવામાં આવેતો ગુણવતા વાળા ફળોનું ઉત્પાદન મેળવી શકાય.

ખેડ

આંબાવાડીયામાં  બેથી ત્રણ ખેડ કરવી જોઈએ. ચોમાસા પહેલા ચોમાસા  પછી અને  નવેમ્બર–ડીસેમ્બરમાં એમ ત્રણ ખેડ કરી શકાય.

ખાતર

  • કોઈપણ પાકની સંતોષકારક વૃધ્ધિ અને ઉત્પાદન માટે કુલ ૧૬ તત્વોની જરૂરીયાત છે.
  • સામાન્ય રીતે કેરીનાં એક ટનના ઉત્પાદન માટે જમીનમાંથી ૬.૭ કીલો નાઈટ્રોજન, ૧.૭ કીલો ફોસ્ફરસ અને ૭.૩ કીલો પોટાશનું શોષણ થાય છે. આ ઉપરાંત ઝાડને પોતાના વિકાસ માટે પણ કેટલીક માત્રામાં આ તત્વોની જરૂર પડે છે.

આંબાનાં પાકમાં ખાતરની ભલામણ

આંબાનાં પાકમાં ખાતરની ભલામણ નીચે મુજબ છે :

વર્ષ

 

છા.ખાતર (કિ.ગ્રા)

 

ખાતર ગ્રા./ ઝાડ/ વર્ષ

નાઈટ્રોજન

ફોસ્ફરસ

પોટાશ

૧.

૧૦

૭પ

૧૬

૭પ

ર.

ર૦

૧પ૦

૩ર

૧પ૦

૩.

૩૦

રરપ

૪૮

રરપ

૪.

૪૦

૩૦૦

૬૪

૩૦૦

પ.

પ૦

૩૭પ

૮૦

૩૭પ

૬.

૬૦

૪પ૦

૯૬

૪પ૦

૭.

૭૦

પરર

૧૧ર

પરપ

૮.

૮૦

૬૦૦

૧ર૮

૬૦૦

૯.

૯૦

૬૭પ

૧૪૪

૬૭પ

૧૦ અને ત્યારબાદ

૧૦૦

૭પ૦

૧૬૦

૭પ૦

 

ઉપરોકત તત્વો રાસાયણિક ખાતર ના રૂપમાં નીચે પ્રમાણે આપી શકાય :

વર્ષ

એમોનિયમ સલ્ફેટ/કિ.ગ્રા. અથવા 

યુરીયા કિ.ગ્રા

સુપર ફોસ્ફેટ કિ.ગ્રા.

મ્યુરેટ ઓફ પોટાસ કિ.ગ્રા.

૧.

૦.૩૭પ

૦.૧૬પ

૦.૧૦૦

૦.૧રપ

ર.

૦.૭પ૦

૦.૩૩૦

૦.ર૦૦

૦.રપ૦

૩.

૧.૧રપ

૦.૪૯પ

૦.૩૦૦

૦.૩૭પ

૪.

૧.પ૦૦

૦.૬પપ

૦.૪૦૦

૦.પ૦૦

પ.

૧.૮૭પ

૦.૮ર૦

૦.પ૦૦

૦.૬રપ

૬.

ર.રપ૦

૦.૯૮પ

૦.૬૦૦

૦.૭પ૦

૭.

ર.૬રપ

૧.૧પ૦

૦.૭૦૦

૦.૮૭પ

૮.

૩.૦૦

૧.૩૧પ

૦.૮૦૦

૧.૦૦૦

૯.

૩.૩૭પ

૧.૪૮૦

૦.૯૦૦

૧.૧રપ

૧૦.

૩.૭પ૦

૧.૬પ૦

૧.૦૦૦

૧.રપ૦

  • વધુમા જે વાડીમાંથી હેકટરે ૧૦ ટન કરતાં વધુ ઉત્પાદન મળે તેમાં દર  ટનના વધારાના ઉતારા દીઠ દરેક ઝાડને ૩૩  ગ્રામ એમોનીયમ સલ્ફેટ, ૧૧ ગ્રામ સુપરફોસ્ફેટ અને ૧૩ ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ વધારાનું આપવું.
  • સેન્દ્રિય ખાતરો જેવાં કે છાણિયુ ખાતર,ગળતીયું (કંપોષ્ટ) ખાતર, પ્રેસમડ(જુનો) દિવેલી ખોળ વગેરેનો ઉપયોગ કરવાથી જમીનની ભૌતિક પરિસ્થિતિ સુધરે છે. લાભદાયક  સુક્ષ્મજીવાણું તથા અળસિયાની સંખ્યામાં  વધારો થતાં પોષકતત્વોની ઉપલબ્ધતા વધે છે. આ સેન્દ્રીય ખાતરોમાંથી  જરૂરી સુક્ષ્મ પોષક તત્વો પુરા પ્રમાણમાં મળી રહે છે.
  • ઉપરોકત ખાતરો  અસરકારક  મૂળ વિસ્તાર એટલે કે ઝાડનાં ફેલાવાની  નીચે જમીનમાંં રપ થી ૩૦ સે.મી. ઉંડાઈ સુધીમાં  સક્ર્રિય મૂળ આવેલા હોય છે. એટલે થડ થી ૧.પ થી ર.૦ મીટરનાં અંતરે રપ થી ૩૦ સે.મી ઉંડી અને ૩૦ થી ૪૦ સે.મી પહોળી રીંગ બનાવી તેમાં ખાતરો આપી  માટીથી ઢાંકી દેવા જોઈએ.

ખાતર આપવાનો સમય

  • પુરેપુરુ છાણિયું ખાતર, ૧/ર નાઈટ્રોજન તેમજ ફોસ્ફરસ અને પોટાશનો પુરેપુરો જથ્થો ચોમાસુ શરૂ થતાં પહેલા જુન માસમાં આપવો. બાકીનો ૧/ર નાઈટ્રોજનનો જથ્થો ફેબુ્રઆરી–માર્ચ માં કેરી લખોટા જેવડી કદની થાય ત્યારે આપી એક હળવું પિયત આપવું.
  • પિયતની સગવડતા ન  હોયતો પુરે પુરો જથ્થો ચોમાસામાં આપવો

પિયત

  • ચોમાસું પુરુ થયા પછી મોર આવીને કેરી વટાણા જેવડી થાય ત્યાં સુધી  પિયત આપવું નહી.
  • કેરી વટાણા જેવડી થાય ત્યારે એક પાણી અને ત્યારબાદ ર૦ થી રપ દિવસનાં ગાળે આફુસમાં એક પાણી જયારે કેસર, તોતાપુરી, વશીબદામી જેવી જાતને બે પાણી આપવા .
  • પાણી આપવાથી ફળનું ખરણ અટકશે તેમજ કદ અને વજનમાં  વધારો થશે.

નિતાર

  • ભારે ચીકણી જમીનમાં ચોમાસામાં વધારે ભેજને ઝડપથી દુર કરવા નિતાર નીક બનાવવી જઈએ.
  • વરસાદનું પાણી ઝડપથી નિતાર થાય તે જોવું ખાસ જરૂરી છે.નિતારશકિત વધારવા  પ્રેસમડ કે જીપ્સમનો ઉપયોગ કરી શકાય.

છાંટણી

  • જમીન પર ફેલાતી, એકમેકમાં ગુંચવાયેલી, નબળી અને રોગિષ્ઠ ડાળીઓને કાપીને દુર કરવી  જોઈએ. ઝાડના અંદરના ભાગે સુર્યપ્રકાશ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
  • આંબાના ઝાડમાં મોટી ડાળીઓ નહી કાપતાં દર વર્ષે કે દર બે વર્ષે એકવાર બિન જરૂરી નાની   ડાળીઓ કાપતા રહેવું. મોટી ડાળીઓ કાપવાથી ઉત્પાદન પર માઠી અસર પડે છે.

સેન્ટર ઓપનીંગ :

આંબામાં જયારે સૂર્યપ્રકાશનો અભાવ જણાતો હોય ત્યારે આ પ્રકારની છાંટણી કરવાથી સરળતાથી ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો કરી શકાય છે. આ પ્રકારની છાંટણી ખાસ કરીને એવી વાડીમાં કરવામાં આવે છે કે જયાં કલમોની ઉંચાઈ વધારે હોય અને ઝાડ મોટા હોય. કલમોની મુખ્ય ડાળીને વચ્ચેથી એવી રીતે કાપવામાં આવે છે કે જેથી બાજુની અને અંદરની ડાળીઓ ઉપર સૂર્યપ્રકાશ સરળતાથી મળી રહે.

ફળો ઉતારી લીધા બાદ સેન્ટર ઓપનીંગ કરવામાં આવે છે. સેન્ટર ઓપનીંગ કરવા માટે કુશળતા સાથે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવો હીતાવહ છે. આ પ્રકારની છાંટણીમાં વૃક્ષના ઉપરના ભાગથી અંદર સુધી સુર્યપ્રકાશ આવે તે રીતે વચ્ચેની મુખ્ય ડાળીને કાપવામાં આવે છે. આ રીતની છાંટણી કરવા માટેના આંબાવાડીયામાં ઝાડની નીચે ઉભા રહી એવી ડાળીની પસંદગી કરવી કે જેથી ફકત એક કે બે ડાળીને કાપવાથી ઝાડની ઉંચાઈ નિયંત્રણ થઈ શકે અને સંપૂર્ણ ઝાડને વધુમાં વધુ સૂર્યપ્રકાશ મળી શકે. આ રીતે સેન્ટર ઓપનીંગ કર્યા બાદ ૧% યુરીયા અને ૧% કોપર ઓકઝીકલોરાઈડનો છંટકાવ કરવાથી નવી કુંપળો મેળવી શકાય છે અને આ કુંપળો ઉપર સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળતો હોવાથી બીજા વર્ષે સારા પ્રમાણમાં ફુલો બેસે છે.

ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિમાં છાંટણી તથા કેળવણી :

હાલમાં આંબામાં ઉત્પાદન વધુ લેવા માટે ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ ખૂબજ પ્રચલિત છે અને ખેડૂતો દ્વારા પ × પ મીટર  અથવા  ૬ × ૩ મીટરે વાવેતર કરવામાં આવે છે. પરંતુ આ પદ્ધતિ દ્વારા  કરેલ વાવેતરમાં  ૧૦ થી ૧ર વર્ષે કલમની ડાળીઓ એક બીજાને અડી જાય છે અને સૂર્યપ્રકાશ પુરેપુરો ન મળવાથી ઉત્પાદનને માઠી અસર થાય છે અને ઝાડોની ઉંચાઈ ખૂબ વધે છે. તેથી આવી વાડીઓમાં નિયમિત છાંટણી કરી ઉત્પાદકતા વધારી શકાય છે. આંબાના પાકમાં દર વર્ષે અથવા આંતરે વર્ષે કેરી ઉતાર્યા બાદ તુરંત છેડેથી દશ થી વીસ સેન્ટીમીટરની છાંટણી કરવાથી ઉત્પાદનમાં વધારો જોવા મળેલ છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ પ્રાયોગિક કેન્દ્ર, પરીયા ફાર્મ ખાતે કેસર તથા હાફુસમાં પ મી. × પ મી. તથા રાંચી ખાતે આમ્રપાલીમાં ર.પ મી. × ર.પ મી. અને લખનૈા ખાતે દશેરીમાં ૩ મી. × ર મી. ઘનિષ્ઠ વાવેતરમાં છાંટણી અને કેળવણી કરી ખૂબજ સારા પરિણામો મેળવેલ છે. આ પધ્ધતિમાં પણ ડાયબેક રોગની શકયતા રહે છે. જેના નિયંત્રણ માટે ડાળીઓના કાપેલા ભાગ પર ૧૦ લિટર પાણીમાં ૪૦ ગ્રામ કોપરઓકસિકલોરાઈડ મેળવી છંટકાવ કરવો.

સ્ત્રોત શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ કૃષિ યુનિવર્સિટીના જૂનાગઢ, આણંદ,નવસારી અને સરદાર કૃષિનગર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate