অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સફેદ મુસળીની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

સફેદ મુસળી જે શકિતવર્ધક તરીકે મહત્વનું ઓૈષધીય મૂલ્ય ધરાવતી કિંમતી વનસ્પતિ છે. દેશ વિદેશમાં વધતી જતી માંગ તથા માંગના પ્રમાણમાં જંગલોમાં ઘટતા જતા ઉત્પાદનના કારણે હાલમાં તેના ભાવ વધી રહયા છે. ઔષધિ તરીકે તેના કંદમૂળ વપરાય છે જે મુસળી તરીકે ઓળખાય છે.ગુજરાતમાં મુસળી ના બે પ્રકાર જોવા મળે છે. પ્રથમ પ્રકારની મુસળી થડની નીચે જમીનમાં એક જગ્યાએ ઝૂમખામાં બેઠેલી હોય છે જે સાથી મુસળી છે. તેનું વૈજ્ઞાનિક નામ કલોરોફાયટમ બોરીવીલીયેનમ છે. આ મુસળી નું ઔષધીય મૂલ્ય વધુ હોઈ તે કિંમતી છે. પરંતુ જંગલોમાં તેનું પ્રમાણ હવે નહિવત રહયું છે. જેથી તેની ગણના હાલ થતી વનસ્પતિ તરીકે થાય છે. બીજા પ્રકારની મુસળી થડની નીચે જમીનમાં મગફળીની જેમ તંતુની નીચે છૂટી બેઠેલી હોય છે જે ખોટી મુરાળી તરીકે જાણીતી છે. આ પ્રકારની મુસળી નું વૈજ્ઞાનિક નામ કલોટોફાયટમ ટયુબરોયમ છે. જંગલોમાં આ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ પ્રકારની મુસળી ના છોડ સાચી મુસળી કરતાં વધુ જુસ્સાવાળા હોય છે. સાચી મુસળી ની અવેજીમાં આ મુસળી ઘણીવાર વપરાય છે. પરંતુ તેનું ઔષધીય મુલ્ય નહિવત છે.
જંગલોમાં બંને પ્રકારની મુસળી એક સાથે ઉગતી હોય છે. સફેદ મુસળી ગુજરાત ઉપરાંત રાજસ્થાન તથા મધ્ય પ્રદેશના જંગલોમાં પણ જોવા મળે છે. તે ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, ભરુચ તથા ડાંગ જિલ્લાઓમાં ડુંગરોના ઢોળાવો પર થાય છે. સાચી મુસળી ના દરેક છોડમાં મુસળી ની સંખ્યા ૧ થી ૧૦ કે તેથી પણ વધુ સંખ્યામાં જોવા મળે છે. તેની લંબાઈ ૩ થી ૧૦ સે.મી. હોય છે. તેના પોષકદ્રવ્યોમાં મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટસ, ૪ર% પ્રોટીન ૮ થી ૯ % રેશા ૩ થી ૪ % તથા સેપોનીન ૪% જેટલું હોય છે.
સફેદ મુસળી ના છોડ ઉપર પ્રમાણમાં ઓછા ફૂલ બેસે છે તથા બીજનો ઉગાવો પણ ઓછો છે. ઉપરાંત બીજ બેસે તો અગાઉ તેને ખોદી લેવામાં આવે છે જેથી જંગલમાં કુદરતી રીતે તેનું સંવર્ધન ઘણું ઓછું છે. ઉપરાંત તેની ઉંચી બજાર કિંમત મળવાના કારણે જંગલોમાંથી તેનું પોદાણ તુષ્કળ પ્રમાણમાં અનિયંત્રિત રીતે થતું રહયુ છે. જેથી જંગલોમાં પણ હવે તેનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટતું જાય છે.
ગુજરાત તથા અન્ય રાજયોમાં નાના પાયે તેની ખેતી શરુ થઈ રહી છે.સફેદ મુસળીમાં પાયાના અભ્યાસ તથા અનુભવના આધારે તૈયાર કરેલ ખેતી પધ્ધતિની માહિતી નીચે મુજબ છે.

જમીન અને આબોહવા

સફેદ મુસળીને સારા નિતારવાળી વધુ સેન્દ્રિય તત્વ ધરાવતી રેતાળગોરાળુ, ગોરાળુ કે મધ્યમ કાળી જમીન તથા ગરમ અને ભેજવાળુ વાતાવરણ માફક આવે છે. ઉપરાંત વૃધ્ધિ દરમ્યાન છોડ તથા મુસળીના વિકાસ માટે જમીનમાં પુરતો ભેજ હોવો જરૂરી છે.

વૃધ્ધિના વિવિધ તબકકા

વાવણીની વિગત જાણતા પહેલાં સફેદ મુસળીની વૃધ્ધિના વિવિધ તબકકા વિષે માહિતગાર થવું જરૂરી છે. સફેદ મુસળીનું સંવર્ધન બીજ તથા કંદથી થાય છે. તેના બીજ માંથી ઉછરેલ છોડમાં મુસળી બેસી વૃધ્ધિના જુદા જુદા (ત્રણ ૠુતુ)તબકકા માંથી પસાર થયા બાદ જ બજારમાં વેચાણલાયક વિકસિત મુસળી તૈયાર થાય છે.

પ્રથમ તબકકો : પ્રથમ વર્ષે ચોમાસામાં બીજમાંથી છોડની વૃધ્ધિ થાય છે. ત્યારે તેમાં મોટા ભાગે એક મુસળી બેસે છે જે પ્રમાણમાં નાની હોય છે. બીજમાંથી ઉછરેલ છોડ પ્રમાણમાં નાનો રહે છે તથા તેના પર ફૂલ બેસતા નથી. ચોમાસુ પુરુ થતા છોડ સુકાઈ જાય છે. જંગલોમાં આવી મુસળી બીજા વર્ષના ચોમાસા સુધી જમીનમાં રહે છે.

બીજો તબકકો  : પ્રથમ વર્ષના છોડની મુસળી જે મોટાભાગે એકની સંખ્યામાં હોય છે. તેમાં ચોમાસુ શરુ થાય એ પહેલાં હવામાંનો ભેજ વધતાં સ્ફૂરણ થવા માંડે છે. આવી મુસળીમાંથી સારો વરસાદ થતાં છોડનો વિકાસ થાય છે. પ્રથમ વર્ષની મુસળી માં સંગ્રહ થયેલ ખોરાક બીજા વર્ષમાં છોડ તથા મુસળીના વિકાસ માટે વપરાય છે તથા પ્રથમ વર્ષની મુસળી ૩૦ થી ૪૦ દિવસમાં પોચી પડી સુકાઈ જાય છે. બીજા વર્ષનો છોડ પ્રમાણમાં મોટો થાય છે. તેમાં ફૂલ પણ બેસે છે. બીજા વર્ષે છોડમાં તૈયાર થયેલ મુસળી કરતાં વધુ વિકસિત હોય છે. ચોમાસુ પુરુ થતાં છોડના પાન સુકાઈ જાય છે. આવી મુસળી જમીનમાં બીજા વર્ષના ચોમાસા સુધી સુષુપ્ત અવસ્થામાં પડી રહે છે.

ત્રીજો તબકકો :ત્રીજા વર્ષે ચોમાસુ પુરુ થાય તે પહેલા ભેજ વધતાં બીજા વર્ષની જેમ જમીનમાં રહેલી મોટા ભાગની મુસળીમાં સ્ફૂરણ શરુ થાય છે. ચોમાસુ બરાબર બેસી જતા તેમાંથી છોડની વૃધ્ધિ શરુ થાય છે. આગળના વર્ષની મુસળીમાં સંગ્રહેલ ખોરાક નવી મુસળી તથા છોડના વિકાસમાં વપરાય છે.ત્રીજા વર્ષની મુસળીનો છોડ અગાઉના વર્ષ કરતાં વધુ જુસ્સાવાળો હોય છે. છોડમાં પાનની સંખ્યા, લંબાઈ તથા પહોળાઈ અગાઉના વર્ષ કરતાં વધુ જોવા મળે છે. ઘણી વખત મુસળીના એક જ ઝુમખામાંથી બે કે વધુ છોડની ફૂટ થયેલ જોવા મળે છે. તથા બે થી વધુ પુષ્પવિન્યાસનો વિકાસ થયેલ જોવા મળે છે. અગાઉના વર્ષ કરતાં ફૂલ પણ વધુ બેસે છે. છોડમાં મુસળીની સંખ્યા ચારથી દસ જેટલી હોય છે. તથા વિકાસ પણ સારો જોવા મળે છે. બીજા વર્ષે મોટાભાગની મુસળીની લંબાઈ પ સે.મી. કે તેથી વધુ હોય છે. ચોમાસુ પૂર્ણ તથા પાન સૂકાઈ જાય ત્યારે દસેક દિવસ બાદ જમીનમાંથી ખોદી તેની છાલ કાઢી સુકવવામાં આવે છે. આવી મુસળી બજારમાં વેચાણલાયક બને છે.

વાવણી પૂર્વેની તૈયારી

સફેદ મુસળીનું સંવર્ધન બીજ તથા  કંદથી  થાય છે, ને આપણે અગાઉ જોયુ તો છોડમાં ફળ એક સાથે પરિપકવ થતાં નથી તથા પરિપકવ ફળ તરત જ ફાટી જઈ બીજ પડી જાય છે, જે ભેગા કરવા મુશ્કેલ છે. બીજનો ઉગાવો પણ ઘણો ઓછો ( આશરે પ %) હોવાથી તેમજ બીજથી વિકસતા છોડ ઘણા નાના રહેતા હોવાથી વાવણી માટે મુસળી કંદનો જ ઉપયોગ કરવો હિતાવહ છે. એક હેકટરની વાવણી માટે આશરે રપ૦ થી ૩૦૦ કિ.ગ્રા. મુસળીની જરૂરિયાત રહે છે.

મે–જુન માસમાં વરસાદ પડે તે અગાઉ હવામાં ભેજ વધતાં મોટા ભાગની રહેલી સ્ફૂરણવાળી વધુ મુસળી મળે તે માટે દરેક ધારવાળા પાતળા ચપ્પા કે બ્લેડ વડે  છૂટી પાડવી કે મુસળીના મથાળે પ્રકાંડનો થોડો ભાગ રહે લગભગ ૩ મુસળી સાથે રહે તે રીતે અલગ કરવી. ૮ થી ૧૦ મુસળી ધરાવતા મોટા ઝૂમખામાંથી દરેક મુસળી એક એક કરી છૂટી પાડતા દરેકના માથે આગ ન આવવાથી બધી મુસળીમાં સ્ફૂરણ થતું નથી જેથી બે કે ત્રણના સમુહમાં છૂટી પાડવી.

વાવણી

કાપેલી મુસળીને વાવણી સમયે કેપ્ટાન નામની ફૂગનાશક દવા ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળી ૩૦ મિનિટ સુધી બોળી માવજત આપવી. સારો વરસાદ થતા બે ચાસ વચ્ચે ૪પ સે.મી. તથા બે છોડ વચ્ચે ર૦ સે.મી. અંતર રાખી મુસળી જેટલી લંબાઈ રાખી સ્ફૂરણ બહાર રહે તે રીતે રોપી દેવી. પાણી ભરાતું હોય તેવી જગ્યાએ પાળા ઉપર રોપવી. જુન માસમાં અંત સુધી વરસાદ ન પડે તો પિયત આપી રોપણી કરવી.

ખાતર અને પિયત

આ પાકમાં પોષકતત્વોની જરૂરિયાત બાબતે હજુ કોઈ પ્રયોગો થયા નથી, પરંતુ અનુભવે જણાયુ છે કે આ પાકને પ્રમાણમાં વધુ સેન્દ્રિય તત્વની જરૂરિયાત રહે છે. જેથી હેકટરદીઠ રપ થી ૩૦ ટન છાણિયું ખાતર કે કમ્પોષ્ટ ખાતર જમીન તૈયાર કરતી વખતે આપવું. સફેદ મુસળીના છોડ તથા મુસળીના વિકાસ માટે પૂરતો ભેજ આવશ્યક છે. જેથી વરસાદના અભાવે ભેજની ખેંચ પડે તો જરૂરિયાત મુજબ ૧૦ થી ૧પ દિવસના અંતરે પિયત આપવું. પાણી કયારામાં વધુ સમય ભરાઈ ન રહે તેની કાળજી રાખવી.

પાછલી માવજત

સફેદ મુસળીની વાવણી જો કયારામાં કરી હોય તો વાવણી બાદ તેના સારા વિકાસ માટે ર૦ દિવસ પછી બટાટાની જેમ થડમાં બંને તરફ માટી ચઢાવી પાળા કરવા. મુસળીની વાવણી કંદથી કરવાની હોવાથી છોડમાં ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે તેની દાંડી સહિતનો ભાગ ખેંચી લેવો જેથી ફૂલના વિકાસ માટે વપરાતી શકિત/ ખોરાક જમીનમાંથી મસળીને મળે તથા તેનો સારો વિકાસ થાય આ બાબતે થયેલ સંશોધનમાં દાંડી સહિત ફુલ કાઢી નાખવાથી મુસળીનો ઉત્પાદનમાં આશરે ર૦ % વધારો નોધાયો છે.

બે એક વખત આંતરખેડ તથા જરૂરિયાત મુજબ નીંદામણ કરી પાકને નીંદણ મુકત રાખવો.

રોગ અને જીવાત

આર્થિક રીતે નુકશાન કરે તેવા રોગ જીવાત આ પાકમાં હજું સુધી જોવા મળેલ નથી. આમ છતાં જરૂર જણાય તો તજજ્ઞોની સલાહ લેવી.

કાપણી

આ પાક ૧૦૦–૧૧૦ દિવસે તૈયાર થાય છે. સપ્ટેમ્બર કે ઓકટોબર માસમાં બધા પાન પીળા પડી સુકાઈ જાય ત્યાર બાદ એકાદ માસ સુધી મુસળી જમીનમાં રહેવા દેવી જેથી મુસળીમાં રહેલ વધારાનો ભેજ સુકાઈ જાય તથા મુસળી પાકી થાય ત્યારબાદ કોદાળી વડે ખોદવી. બીજ માટે મુસળી કેબ્રુઆરી માસ સુધી જમીનમાં રાખી શકાય જેથી સંગ્રહ દરમ્યાન થતું નુકશાન ઓછુ કરી શકાય. એક હેકટરમાંથી આશરે ૧ર૦૦ થી ૧પ૦૦ કિ.ગ્રા. લીલી સફેદ મુસળીનું ઉત્પાદન મળે છે. જેની છાલ કાઢી સૂકવણી કરતાં આશરે ૩૦૦ કિે.ગ્રા. જેટલી સૂકી મુસળી મળે છે.

સૂકવણી

મુસળીને રોપ્યા બાદ ૪–પ દિવસ છાયામાં રાખી મુકવી પછી તેને ભીની માટી સહિત ઢગલો કરવો. ઢગલા ઉપર કોથળો ઢાંકી દેવા. ૩ થી ૪ દિવસના અંતરે ઢગલો ઉપર નીચે ફરી ફેરવતા રહેવું. આમ ઢગલો ૧૦ થી ૧પ દિવસ રાખી મુકવો. ત્યારબાદ ઢગલો ખોલી દરેક મુસળીને અલગ કરી મુસળીને અંગુઠા તથા આંગળીની મદદથી થોડું દબાણ આપતા તેની છાલ ઝડપથી છૂટી પડી જાય છે અને અંદરથી દૂધ જેવી સફેદ મુસળી નીકળે છે. તેને સ્વચ્છ કપડાથી સાફ કરી તડકામાં સુકવવી. એકાદ અઠવાડીયા સુધી સુકવતા સફેદ અને કડક મુસળી તૈયાર થઈ જાય છે. મુસળી જો પુરેપુરી પાકી થઈ હોય તો સુકવણી કરતાં આવી મુસળી પીળાશ પડતી થાય છે. ઘણીવાર માટીના લીધે પણ તેનો રંગ પીળો થાય છે. સફેદ સુકી મુસળી બજારમાં વેચાણ માટે તૈયાર થયેલ ગણાય છે. હાલમાં સુકી મુસળીનો બજાર ભાવ પ્રતિ કિલોના આશરે રૂા. ૮૦૦/– જેટલો છે.

બિયારણ તરીકે સંગ્રહ

ખેતરમાંથી કાઢેલી સફેદ મુસળીને સાફ કરી, નુકશાનવાળી મુસળી દૂર કરી, ૧પ થી ર૦ દિવસ સુધી ખુલ્લી રાખી છાયામાં સુકવવી જેથી વધારાનો ભેજ ઉડી જાય. આવી મુસળીને હવાની અવર–જવર રહે તેવા કાણાવાળી લગભગ એક કિલો મુસળી સમાય તેવા માપની કાપડની થેલીમાં અથવા કોથળામાં ભરી ઠંડકવાળી સુકી જગ્યાએ સંગ્રહ કરવો. સફેદ મુસળીને ઘણીવાર તેના વજન જેટલી સુકી માટી ભેળવીને પણ સંગ્રહ કરી શકાય છે.

આ સિવાય જો શકય હોય તો સફેદ મુસળી માર્ચ–એપ્રિલ માસ સુધી જમીનમાં ખોદયા વગર રાખતાં સંગ્રહ દરમ્યાન થતું નુકશાન અટકાવી શકાય છે.

સફેદ મુસળીના બિયારણ મેળવવા માટેના સરનામા

  1. શ્રી. ચીનુભાઈ કે પટેલ, પરિશ્રમ બાગ ની નર્સરી, જી.આઈ.ડી.સી.સામે, રેલ્વે લાઈન પાછળ.
  2. શ્રી શરદભાઈ ભૂપતભાઈ પંડયા, મુ. કુંડચમ્બા, તા. ડેડીયાપાડા, જી. નર્મદા  ફોન. નં : ૦ર૬૪૯– ૩ર૦પ૦.

નોંધ: આ સિવાય જંગલ વિસ્તારોની પાસેના ખેડૂતો અથવા વનવાસીઓ પાસેથી પણ સફેદ મુસળીનું બિયારણ મળી શકે છે.

નોંધ: દર્શાવેલ માહિતી સ્થાન, વાતવરણ અને સમય પ્રમાણે બદલાઈ શકે છે

સ્ત્રોત : શ્રી એસ.ડી.પ્રજાપતિ  અને  ર્ડા.ડી.બી.પ્રજાપતિ, કૃષિ યુનિવર્સિટીના સંશોધન કેન્દો; જૂનાગઢ, આણંદ,નવસારી અને સરદારકૃષિનગર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate