অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શકકરિયાંની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

શકકરિયાંની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

શકકરિયાં એ કોન્વોલવુલેસી કૂળનું શાકભાજી છે. જેનું મુળ વતન દક્ષિણ અમેરિકા છે. શકકરીયાંનો કંદ એ મૂળનું સંગા્રહક રૂપાંતર છે. તેનો ઉપયોગ મુખ્યત્વે ખોરાક તરીકે અને સ્ટાર્ચ તથા આલ્કોહોલ બનાવવામાં થાય છે. કંદમાં સ્ટાર્ચ (ર૭ થી ૩૦ %), શર્કરા તથા વિટામીન એ, બી અને સી સારા પ્રમાણમાં રહેલા છે. પીળા અને નારંગી રંગના ગરવાળા કંદમાં કેરોટિનનું પ્રમાણ વધારે હોય છે. સામાન્ય રીતે રોપણીના ૬૦ દિવસ પછી વેલાની ટોચનો ૧પ સે.મી. જેટલા ભાગને કાપી તેનો ઉપયોગ ઢોરના ચારા તરીકે કરી શકાય. તેના કંદમાંથી કાર્બોહાઈડ્રેટસ તથા કેલરી પુષ્કળ પ્રમાણમાં મળે છે. તેના પાન ત્રિકોણ આકાર હોય છે. તેના ફળ દિવેલીના ડોડવા જેવા તથા તેમાં કાળા રંગના બીજ હોય છે. શકકરિયાંમાં સફેદ થી જાંબુડીયા એમ વિવિધ રંગના ફુલ જોવા મળે છે. ફુલ આવ્યેથી તેને તોડીને દુર કરી શકાય.

શકકરિયાંની ખેતી ૮.૭ મીલીયન હેકટરમાં ચીન, નાઈજીરીયા, વિયેટનામ, તાન્ઝાનીયા, યુગાન્ડા,જાપાન, ઈન્ડોનેશિયા,તથા ભારત જેવા દેશોમાં કરવામાં આવે છે. જેમાંથી ૧ર૯.ર મીલીયન ટન જેટલુ ઉત્પાદન મળે છે. શકકરિયાંના વાવેતર તથા ઉત્પાદનમાં ચીન, મોખરાનું સ્થાન ધરાવે છે. ૮૦ ટકા કરતાં વધુ વિસ્તાર એશિયાઈ દેશોમાં આવેલો છે.

ભારતમાં શાકભાજી પાક હેઠળનો કુલ વાવેતર વિસ્તાર ૮૪.૯૪ લાખ હેકટર જેટલો છે. જેમાંથી ૧૪૬.પપ મિલીયન ટન જેટલું ઉત્પાદન મળે છે. ભારતમાં શકકરિયાં પાક હેઠળનો વિસ્તાર ૧.૧૩ લાખ હેકટર જેટલો છે. જેમાંથી ૧૦.૪૭ લાખ ટન જેટલું ઉત્પાદન તથા ૯.૩ ટન જેટલી ઉત્પાદકતા નોંધાયેલ છે (ર૦૧૧૧ર). ભારતમાં ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ, આસામ, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજયોમાં વ્યાવસાયિક ધોરણે શકકરિયાંની ખેતી કરવામાં આવે છે. મહારાષ્ટ્ર રાજય ઉત્પાદકતામાં (૧૪ ટન / હેકટર) સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે.

ગુજરાત રાજયમાં શાકભાજી પાકો હેઠળનો કુલ વાવેતર વિસ્તાર પ.૧પ લાખ હેકટર છે. જેમાંથી ૯૩.૭૯ લાખ ટન જેટલું ઉત્પાદન મળે છે. ગુજરાતમાં અમદાવાદ, બનાસકાંઠા, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની પૂર્વ પટ્ટીમાં શકકરિયાંનું વાવેતર થાય છે.

આબોહવાઃ પાકને ચાર થી પાંચ માસના લાંબા વૃધ્ધિકાળ દરમ્યાન સામાન્ય ગરમ હવામાન જરૂરી છે. પાકની વૃધ્ધિમાં અને કંદના વધુ ઉત્પાદન માટે ર૧૦ સેલ્સીયસ થી ર૭ ૦ સે. વચ્ચેનું ઉષ્ણતામાન વધુ માફક આવે છે. વધુ વરસાદ અને લાંબા પ્રકાશ અવધિના દિવસોમાં વેલાની વૃધ્ધિમાં વધારો થાય છે અને કંદનું ઉત્પાદન ઘટે છે. ટુંકી પ્રકાશ અવધિના દિવસો ઉત્પાદન માટે અનુકુળ છે. સારો વહેંચાયેલો વરસાદ અને તડકાવાળું હવામાન શકકરિયાંની ખેતી માટે જરૂરી છે. શકકરિયાંનો પાક શુષ્ક હવામાન સહન કરી શકે છે. ઉપરાંત તે પાણીની અછતનો પ્રતિકાર પણ કરી શકે છે પરંતુ હિમથી પાકને નુકસાન પહોંચે છે. પાણીનો ભરાવો પણ પાકને નુકસાન પહોંચાડે છે.

જમીન અને તેની તૈયારીઃ શકકરિયાંના મૂળ જમીનમાં ૧ર૦ થી ૧૮૦ સેમી. જેટલા ઉંડા પ્રસરી શકે છે. શકકરિયાંના પાકને ગોરાડુ પ્રકારની જમીન વધુ માફક આવે છે. તેમ છતાં સારા નિતારવાળી મધ્યમ કાળી જમીનમાં પણ તેનું વાવેતર થાય છે. ભારે કાળી જમીનમાં કંદની વૃધ્ધિ અવરોધાય છે.ઉપરાંત આવી જમીનમાં શકકરિયાં જમીનમાંથી ખોદતી વખતે મજુરી ખર્ચ પણ વધુ આવે છે. રેતાળ જમીનમાં શકકરિયાંના કંદ પાતળા અને લાંબા થાય છે. જયારે વધુ પડતી ફળદ્રુપ જમીનમાં શકકરિયાંની વાનસ્પતિક વૃધ્ધિ વધુ થાય છે અને કંદની વૃધ્ધિ ઓછી થાય છે.

સુધારેલ જાતો : નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતેથી શકકરિયાંની બે જાતો કલેકશન૭૧ અને ક્રોસ૪ દક્ષિણ ગુજરાત વિસ્તારના ખેડુતોને વાવેતર માટે ભલામણ કરવામાં આવી છે.

  • કલેકશન ૭ ૧ : આ જાતના શકકરિયાંના કંદ લાલ રંગની છાલવાળા હોય છે. કંદનો માવો સફેદ રંગનો હોય છે.સરેરાશ કંદનું ઉત્પાદન ર૮ટન /હે. મળે છે.
  • ક્રોસ ૪ : આ જાતના કંદ સફેદ રંગની છાલવાળા હોય છે. કંદનો માવો માખણ જેવો સફેદ રંગનો હોય છે. સરેરાશ કંદનું ઉત્પાદન ૩ર ટન /હે. મળે છે.
  • પુસા સફેદ : આ જાતના શકકરિયાંના કંદ સફેદ છાલવાળા હોય છે. કાચા કંદનો માવો સફેદ રંગનો હોય છે, જે બાફયા પછી માખણ જેવો સફેદ રંગનો થાય છે. સ્વાદમાં મીઠા હોય છે.
  • પુસા સુનેહરી : આ જાતના કંદ લાંબા અને બદામી રંગની છાલવાળા હોય છે. કાચા કંદના માવાનો રંગ પીળો હોય છે. અને બાફયા પછી આકર્ષક પીળાશ પડતા નારંગી રંગનો થાય છે. કંદ સ્વાદમાં મીઠાં હોય છે. આ જાતના કંદમાં કેરોટીનનું પ્રમાણ વધુ હોય છે.
  • પુસા લાલ : કંદ મધ્યમ કદના વચ્ચેથી જાડા હોય છે. છાલનો રંગ લાલ અને માવાનો રંગ સફેદ હોય છે.

આ ઉપરાંત કો., પુસા ભારતી, પુસા હરિત, કિસાન, કાલમેઘ, કોંકણ અશ્વિની, શ્રી નંદિની, શ્રી વર્ધિની, શ્રી રેથના, શ્રી અરૂણ, શ્રી વરૂણ, શ્રી કનકા, શ્રી ધરા, વીએલ શકકરકંદ, રાજેન્દ્વ શકકરકંદ, ૩પ, ૪૩, ૪૭ જાતો રાષ્ટ્રીય કક્ષાએ આશાસ્પદ જણાયેલ છે. જવેલ એ શકકરિયાંની ટ્રાન્સજેનીક જાત છે.

પીળા અને નારંગી ગર્ભ વાળી સુધારેલી જાતો :

  • ગૌરી : આ જાતના શક્કરીયાંના કંદ આછા બદામી રંગની છાલ વાળા હોય છે. કાચા કંદના માવાનો રંગ ઘાટો નારંગી હોય છે. જેમાં કેરોટીનનું પ્રમાણ ૪.પ થી પ.પ મીગ્રા/૧૦૦ ગ્રામ જેટલું હોય છે. તથા ૧૬.પ% જેટલું સ્ટાર્ચનું પ્રમાણ હોય છે. આ જાતનું ઉત્પાદન ૩૦ ટન પ્રતિ હેકટર જેટલું નોંધાયેલ છે.
  • સી.આઈ.પી.૪૪૦૧ર૭ : આ જાતના શક્કરીયાંના કંદ પીળી છાલવાળા હોય છે. કાચા કંદના માવાનો રંગ નારંગી હોય છે. જેમાં કેરોટીનનું પ્રમાણ પ.૬ થી ૬.૮ મીગ્રા/૧૦૦ ગ્રામ જેટલું હોય છે. તથા ૧૭.૮ થી૧૮.૮% જેટલું સ્ટાર્ચનું પ્રમાણ હોય છે. આ જાતનું સરેરાશ ઉત્પાદન ૩૦ ટન પ્રતિ હેકટર જેટલું નોંધાયેલ છે.
  • એસ.ટી.૧૪ : આ જાતના શક્કરીયાંના કંદ પીળા રંગની છાલવાળા હોય છે. કાચા કંદના માવાનો રંગ ઘાટો નારંગી હોય છે. જેમાં કેરોટીનનું પ્રમાણ ૧૧.પ થી ૧ર.પ મી. ગ્રા./૧૦૦ ગ્રામ જેટલું હોય છે. આ જાતનું ઉત્પાદન ર૪ ટન પ્રતિ હેકટર જેટલું નોંધાયેલ છે.
  • સી.આઈ.પી.૪૪૦૦૩૮ : આ જાતના શકકરીયાંના કંદ સફેદ છાલવાળા હોય છે. કાચા કંદમાં માવાનો રંગ નારંગી હોય છે. જેમાં કેરોટીનનું પ્રમાણ ર૦.૦ર મી.ગ્રા. / ૧૦૦ ગ્રામ જેટલું હોય છે. આ જાતનું સરેરાશ ઉત્પાદન રપ થી ૩પ ટન પ્રતિ હેકટર જેટલું નોંધાયેલ છે.
  • કમલા સુંદરીઃ આ જાતના શકકરીયાંના કંદ નારંગી રંગની છાલવાળા હોય છે. કાચા કંદના માવાનો રંગ ઘાટો નારંગી હોય છે. જેમાં કેરોટીનનું પ્રમાણ ૮.ર મી. ગ્રા. /૧૦૦ ગ્રામ જેટલું હોય છે તથા ૧પ. ૩૩ % જેટલું સ્ટાર્ચનું પ્રમાણ હોય છે. આ જાતનું ઉત્પાદન ર૭ ટન પ્રતિ હેકટર જેટલું નોંધાયેલ છે.

આ ઉપરાંત સીઆઈપી એસડબ્લ્યુએ ર અને ૩૬ર૭ જેવી જાતો આપણા વિસ્તારમાં અનુકુળ જણાયેલ છે. વધુમાં, જે ખેતરમાં કૃમિનો ઉપદ્રવ વધુ પડતો હોય તેવા ખેતરમાં મુખ્ય જાતની ફરતે શકકરિયાંની શ્રી ભદ્રા જાતનું વાવેતર કરી કૃમિ નિયંત્રણ કરી શકાય છે.

રોપણી માટે વેલા તૈયાર કરવાઃ

શકકરિયાંની રોપણી માટે કુલ બે ધરૂવાડિયાની જરૂરિયાત રહેવા પામે છે (ત્રણ માસનો સમયગાળો). સામાન્ય રીતે શકકરિયાંની રોપણી અગાઉની મોસમમાં વાવેલ શકકરિયાંના પાકની કાપણી વખતે કંદ ખોદી લીધા પછી મળતા વેલાના ટૂકડાથી કરવામાં આવે છે. પરંતુ શકકરિયાંનું સારી ગુણવતાવાળુ વધુ ઉત્પાદન મેળવવા રોપણી અગાઉ પસંદગીના વેલા ધરૂવાડિયામાં તૈયાર કરવા જોઈએ, જે માટે શકકરિયાંની કાપણી વખતે જે તે જાતના ગુણધર્મો ધરાવતા મધ્યમ કદનાં તંદુરસ્ત, રોગ જીવાતથી મુકત કંદ પસંદ કરી પ્રથમ ધરૂવાડિયામાં રોપવા. એક હેકટરના વાવેતર માટે ૧૦૦ ચો.મી. વિસ્તારમાં (ર૦૦ ગ્રામ વજનનાં કુલ ૧૦૦ કિલો કંદની જરૂરિયાત) પ્રથમ ધરૂવાડિયુ ં બનાવવું જરૂરી છે. તૈયાર કરેલ ધરૂવાડિયામાં ૬૦ સે.મી. × ર૦ સે.મી. ના અંતરે ૮ થી ૧૦ સે.મી. ઉંડાઈએ કંદના ટૂકડા રોપવા. રોપણી પછી જરૂરી પિયત, નીંદણ અને રોગ જીવાતના નિયંત્રણના પગલા લેવા. આમ રોપેલ કંદમાંથી ૪૦ થી ૪પ દિવસ પછી તૈયાર થયેલ વેલા કાપી, તેમાંથી ર૦ થી ૩૦ સે.મી. લંબાઈના ટૂકડા કરી અલગથી તૈયાર કરેલ બીજા ધરૂવાડિયામાં ૬૦×ર૦ સે.મી.ના અંતરે રોપવા. બીજા ધરૂવાડિયા માટે એક હેકટરની રોપણી માટે પ૦૦ ચો.મી. વિસ્તારમાં આ મુજબના ટૂકડા રોપવા. ૪પ દિવસ પછી આ બીજી વારના ધરૂવાડિયામાં તૈયાર થયેલ નવા વેલા શકકરિયાંની રોપણી માટે ઉપયોગમાં લઈ શકાય છે.રોપણી માટે વેલાના ટોચના તથા મધ્ય ભાગમાંથી તૈયાર કરેલ ર૦ થી ૩૦ સે.મી. લંબાઈના ટુકડા સારા ગણાય છે. શકય હોય ત્યાં સુધી વેલાના નીચેના ભાગનાં ટુકડાનો રોપણી માટે ઉપયોગ ટાળવો.

વેલાની જરૂરિયાત : શકકરિયાંના એક હેકટરના વાવેતર માટે ૧.પ થી ર ટન જેટલા વેલાની જરૂરીયાત પડે છે અથવા ૮૩,૩૩૩ વેલાના ટૂકડાની જરૂરિયાત પડે છે.

વેલાની માવજતઃ૧૦ લિટર પાણીમાં ૧૦ મિ.લિ. ડાયમિથોએટના દ્રાવણમાં ૧૦ થી ૧પ મિનિટ વેલાના ટૂકડાને બોળી પછી રોપણીના ઉપયોગમાં લેવા હિતાવહ છે.

રોપણી :શકકરિયાની રોપણી હલકી તેમજ સારા નિતારવાળી જમીનમાં સપાટ કયારામાં કરવામાં આવે છે. જયારે ભારે જમીનમાં ૪પ થી ૬૦ સે.મી.ના અંતરે તૈયાર કરેલ નીકપાળા ઉપર અથવા ૬૦ સે.મી. પહોળા ગાદી કયારાની બંને બાજુઓ ઉપર ર૦ થી રપ સે.મી.ના અંતરે વેલાનાં ટૂકડાંઓ રોપી કરવામાં આવે છે. રોપણી માટે રપ થી ૩૦ સે.મી. ના લંબાઈના ટૂકડા તૈયાર કરવા. દરેક ટૂકડામાં ઓછામાં ઓછી ૪ થી પ ગાંઠો હોવી જોઈએ.ટૂકડાની વચ્ચેની બે ગાંઠો જમીનમાં પ થી ૬ સે.મી. ઉંડી રહે અને બંને છેડા તરફથી એક –એક ગાંઠ જમીનની બહાર રહે તે રીતે રોપણી કરવામાં આવે છે. કેટલીક વાર ટૂકડાની ઉભી અથવા આડી રોપણી પણ કરવામાં આવે છે.

રોપણી સમય્યઃશિયાળુ વાવેતર ઓકટોબર– નવેમ્બર માસમાં જયારે ચોમાસુ વાવેતર જૂન–જૂલાઈ માસમાં કરવામાં આવે છે.

સંકલિત ખાતર વ્યવસ્થાઃ હેકટર દીઠ ૧૦ થી ૧પ ટન છાણિયું ખાતર પ્રાથિમક ખેડ વખતે જમીનમાં આપી બરાબર ભેળવી દેવું તથા ૩૭.પ કિે.ગ્રા. નાઈટ્રોજન, પ૦ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૭પ કિ.ગ્રા. પોટાશ પ્રતિ હેકટરે પાયામાં આપવાં. જયારે ૩૭.પ કિ.ગ્રા. નાઈટ્રોજનનો જથ્થો રોપણી પછી ૩૦ દિવસે આપવો. જૈવિક ખાતરનો ઉપયોગ કરી ખાતરનાં જથ્થામાં ઘટાડો કરી શકાય છે અને જમીનનાં ભૌતિક તેમજ જૈવિક બંધારણમાં સુધારો લાવી શકાય છે.

પિયતઃ રોપણી પછી તુરત જ પાણી આપવું. શિયાળુ પાકમાં ૧ર થી ૧પ દિવસના અંતરે પાણી આપવું. ચોમાસુ પાકમાં વરસાદ ખેંચાય અને જરૂરિયાત જણાય તો જ પિયત આપવું. રોપણી પછીના છઠ્ઠા અઠવાડિયા દરમ્યાન પાકને પાણી આપવું અતિ આવશ્યક છે. આમ, શકકરિયાંના પાકમાં જમીનની પ્રત, ૠતુ, પાકની અવસ્થા વિગેરે મુદ્દા ધ્યાનમાં લઈ સમયસર પિયત આપવું જોઈએ.

આંતરખેડઃ રોપણી પછીના ત્રીજા અઠવાડિયાથી વેલાની ઝડપી વૃધ્ધિ થાય છે. એટલે પાકની શરૂઆતની અવસ્થામાં ર થી ૩ વાર ગોડ અથવા ૩૦ અને ૬૦ દિવસે આંતરખેડ કરવાથી નીંદણનું નિયંત્રણ થાય છે અને થડ પાસે માટી ચઢાવવાથી કંદ સારા બેસે છે.

વેલાની ફેરવણીઃ શકકરિયાંની ખેતીમાં આ એક ખૂબ જ અગત્યનું ખેતીકાર્ય છે. જેમાં શકકરિયાંની શરૂઆતની અવસ્થામાં રોપણી પછી ૩૦ દિવસે વેલાની ફેરવણી કરવાથી ઉત્પાદન સારું મળે છે. ત્યારબાદ ૧પ દિવસના અંતરે જરૂરિયાત મુજબ વેલાની ફેરવણી કરવી. વેલાની વૃધ્ધિ ર.પ થી ૩ મીટર જેટલી થયા પછી વેલાની ફેરવણી કરવી હિતાવહ નથી.

પાક સંરક્ષણ : શકકરિયાંના પાકમાં, પાન ખાનારી ઈયળ અને શકકરિયાંનું ચાંચવું આ બે જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.

શકકરિયાંના પાન ખાનારી ઈયળઃઆ ઈયળ પાન ખાઈ નુકસાન કરે છે. તેના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ ર૦ મી.લી દવા ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.

શકકરિયાંનું ચાંચવુ : શકકરિયાંની ખેતીમાં સૌથી વધુ નુકસાનકારક જીવાત છે. આ જીવાત તેની બધી જ અવસ્થા છુપી રીતે વેલા / કંદમાં પસાર કરે છે. આ જીવાત ખેતરોમાં તેમજ વખારમાં રહેલા શકકરિયાંના કંદમાં કાંણા કરી નુકસાન કરે છે. જેથી કંદ વેચાણલાયક / ખાવાલાયક રહેતા નથી. કેટલીક વાર ૧૦૦ ટકા જેટલું પણ નુકસાન નોંધાયેલું છે. આ જીવાતના નિયંત્રણ માટે તંદુરસ્ત વેલા રોપતા પહેલા કવીનાલફોસ રપ મીે.લી દવા ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી આ પ્રવાહી મિશ્રણમાં ટૂકડાઓ બોળી પછીથી રોપવા. દાણાદાર દવા કાર્બોફયુરાન ૩ જી નો જરૂરિયાત મુજબ ઉપયોગ કરી શકાય. શકકરિયાંની રોપણી માટે જીવાતમુકત વિસ્તારમાંથી કંદ અથવા વેલા પસંદ કરી રોપણી કરવી અને પાકની ફેરબદલી કરવાથી પણ જીવાતનું નિયંત્રણ થઈ શકે છે. બજારમાં લ્યૂરની ઉપલબ્બધતા થયેથી હેકટરે ૧૦ થી ૧ર ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરી નર ને આકર્ષી તેની વસ્તીમાં ઘટાડો કરી શકાય છે. સુધારેલી ફેરોમેન ટ્રેપ સાથે જૈવિક ફૂગનાશક બીવેરીયા બેસીયાનાનો ઉપયોગ કરી સ્વયં રોગ પ્રેરક પધ્ધતિથી નર અને માદા બંને ચાંચવાને આકર્ષિત કરી ભવિષ્યની વધતી વસ્તી અટકાવી શકાય છે. આ જીવાત સાથે પ્રકિારક જાતો જેવી કે આરએસ – પ અને ૪૭ નો ઉપયોગ કરવો. મોર્નિગગ્લોરી તથા અમરવેલ જેવા યજમાન પાકોને આજુમાજુથી દુર કરવા. ૩૦ અને ૬૦ દિવસે પાળા ચઢાવવા. શકકરિયાંનો ગોડાઉનમાં સંગ્રહ કરતાં પહેલા ગોડાઉનને જંતુનાશક દવાથી નિર્જીવીકરણ કરવું.

રોગઃ શકકરિયાંના પાકમાં સુકારો અથવા પ્રકાંડનો સડો, કાળો સડો, અને પાનનાં ટપકાંના રોગથી નુકસાન થાય છે. શકકરિયામાં વિષાણુથી થતો સ્વીટ પોટેટો ફીધરી મોટલ નામનો રોગ પણ નોંધાયેલ છે. પરંતુ સદભાગ્યે આપણાં વિસ્તારમાં શકકરિયાંના પાકમાં કોઈ ભયંકર રોગ નોંધાયેલ નથી.

કાપણી :શકકરિયાંના કંદ કાપણી માટે તૈયાર થાય તે વખતે વેલા અને પાન પીળાશ પડતા રંગના થાય છે. તેમજ ઉભા પાકમાંથી કંદ ખોદી તેને કાપવાથી દૂધ નીકળે છે, જે સુકાય ત્યારે કંદની કાપેલી સપાટી ઉપર કાળા ડાઘ જોવા ન મળે તો તે કંદ ખોદવા માટે તૈયાર થયાનું ચિન્હ છે. સામાન્ય રીતે સાડાચાર થી પાંચ માસમાં પાક તૈયાર થાય છે. કાપણીનાં એક અઠવાડિયા અગાઉ હળવું પિયત આપવાથી જમીનમાંથી કંદ ખોદવાનું સરળ બને છે. કાપણી પહેલા શકકરિયાંના વેલા કાપી લઈ ત્યારબાદ કોદાળી અથવા ત્રિકમથી કંદ ખોદવામાં આવે છે. કંદ ખોદતી વખતે કંદને ઈજા ન પહોંચે તે ખાસ જરૂરી છે. કંદ ખોદયા પછી તેના ઉપરની માટી બરાબર સાફ કરી ઈજા પામેલ, રોગ જીવાતથી નુકસાન પામેલ તથા નાના કદનાં કંદ જુદાં પાડી એકસરખા કદના કંદ ટોપલામાં ભરી બજારમાં મોકલવાથી સારો ભાવ મળે છે.

ઉત્પાદનઃશકકરિયાંના ઉત્પાદનમાં શકકરિયાંની જાત, વાવણીની ૠતુ, જમીન વગેરે પરિબળો મહત્વનો ભાગ ભજવે છે. સાનુકૂળ પરિસ્થિતિમાં હેકટરે કંદનું સરેરાશ ઉત્પાદન ૩૦ ટન જેટલું મળે છે.

સ્ત્રોત: શ્રી એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિકૃષિ સારથિ'',અસ્પી બાગાયત–વ–વનીય મહાવિદ્યાલય,નવસારી કૃષિ યુનિવર્સિટી,નવસારી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate