অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઘિલોડી (ટીંડોરા)ની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

શાકભાજી પાકોની ખેતીમાં ગુજરાત આગવું સ્થાન ધરાવે છે. અન્ય પાકોની સરખામણીમાં શાકભાજી પાકોની ખેતીમાં પાંચથી દશ ગણું વધુ ઉત્પાદન મેળવી શકાય છે. પોષકતત્વોની સાથે સાથે શાકભાજીમાંથી વિપુલ પ્રમાણમાં ક્ષાર તેમજ પ્રજીવકો મળે છે. આ ઉપરાંત આયુર્વેદિક દ્રષ્ટિએ પણ શાકભાજી ખૂબ જ ઊંચી ગુણવત્તા ધરાવે છે.

સુધારેલી જાતોઃ

  1. ઢોલકી ટાઈપ : ખેડા, અમદાવાદ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે જાત વાવવામાં આવે છે તેના ફળનો આકાર    ઢોલકી ટાઈપ લંબગોળ હોય છે તે જાડા, ટૂંકા, ઘેરા લીલા રંગના અને ફળ ઉપર ધોળા લીસોટા હોય છે. આ જાતને સ્થાનિક દેશી જાત જ કહેવામાં આવે છે. જે ''ઢોલકી ટાઈપ'' તરીકે  ઓળખાય છે.
  2. સૂરતી કલી :આણંદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નવસારી અને સુરતમાં જે સ્થાનિક જાતની ખેતી કરવામાં આવે છે તેનાં ફળો લાંબા, પાતળા,ચમકદાર તથા આછા  લીલાં હોય છે. આ જાતને પણ સ્થાનિક જાત જ કહેવામાં આવે છે જે'' સૂરતી કલી'' તરીકે ઓળખાય છે.
  3. ગુજરાત નવસારી ટીંડોરા ૧ તાજેતરમાં નવસારી કૃષિ યુુનિવર્સિટી, નવસારીના અસ્પી બાગાયત –વ– વનિય મહાવિધાલયના શાકભાજી વિજ્ઞાન વિભાગ તરફથી ગુજરાત  નવસારી ટીંડોળા ૧ નામની જાત ખેડૂતોના હિતમાં  વાવેતર માટે ભલામણ કરવામાં આવલે છે. આ જાત સ્થાનિક જાત કરતાં ૩ર.૮પ ટકા વધુ ઉત્પાદન આપે છે.

આબોહવા :

ગરમ અને ભેજવાળી આબોહવા ઘિલોડીનાં પાકને વધુ માફક આવે છે. અતિશય ઠંડી અને સુકા હવામાનમાં આ પાક સારો થતો નથી.સામાન્ય રીતે ર૮૦ સે.ગ્રે થી ૩પ૦  સે.ગ્રે. તાપમાન ખૂબ જ અનુકૂળ આવે છ પરંતુ રાત્રિનું તાપમાન નીચું જાય તો પાકની વૃધ્ધિ અને વકાસ અટકી જાય છે.

જમીનઃ

નિતાર સારો હોય, એવી મધ્યમ કાળી, બેસર, ગોરાડુ અને ફળદ્વુપ ભાઠાની જમીન ઘિલોડીનાં પાક માટે વધુ અનુકૂળ છે. જમીનને પ્રથમ ર૦ થી રપ સે.મી. ઉંડી ખેડી ઉનાળામાં સૂયનાર્ં તાપમાં બરાબર તપવા દેવી અને ત્યારબાદ બે થી ત્રણ વાર કરબથી ખેડ કરી છેવટે સમાર મારી જમીન સમતળ બનાવવી. જયા ચોમાસામાં પાણી ભરાઈ રહેતું ન હોય તેવી જમીનની પસંદગી કરવી જોઈએ.

રોપણી માટેના વેલાના કટકાની માવજત :

વેલાના ટૂકડાને ૧૦ લીટર પાણીમાં મેલાથીયોન ૦.૦પ ટકા(૧૦ મીલી) અથવા ડીડીવીપી ૦.૦પ ટકા (૧૦ મીલી) નાંખીને તૈયાર કરેલા પ્રવાહી મિશ્રણમાં પ મીનીટ  બોળવા (ચૂસિયાં પ્રકારની જીવાતના નિયંત્રણ માટે ). ઉધઈનો ઉપદ્રવ હોય તો૧૦ લીટર પાણીમાં રપ મીલી કલોરપાયરીફોસ દવા નાંખીને બનાવેલ દ્રાવણ વેલાની ફરતે રેડવું.

રોપણીઃ

ઘિલોડીનાં પાકનું ચોમાસુ તેમજ ઉનાળુ વાવેતર થઈ શકે છે. વાવણી એક વર્ષ જૂના વેલાઓનાં ટૂકડાઓથી કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં વવાતી ઘિલોડીની ટૂંકા ફળવાળી, જમીન ઉપર ફેલાતી જાતનું વર્ધન ગાંઠો / કંદથી થાય છે. રોગ–જીવાતથી મુકત વેલા પસંદ કરી ૪૦ સે.મી. લંબાઈનાં, ૩ થી ૪ આંખોવાળા કટકા તૈયાર કરવા. દરેક ખામણે બે કટકા ખામણાની મધ્યમાં રોપવા. કટકાનાં બન્ને છેડા જમીનની બહાર રહે (ગુજરાતી અંક ૪ મુજબ) અને વેલાનો મધ્યમ ભાગ જમીનમાં પ થી ૭ સે.મી. જેટલો ઉંડો રહે તે રીતે વેલા રોપવા. એક હેકટરની રોપણી માટે પ૦૦૦ નંગ ટૂકડાં પૂરતા છે. ચોમાસામાં જો વેલાના કટકા ઉપલબ્ધ ન હોય તો ફેબ્રઆરી માર્ચ દરમ્યાન છટણી વખતે ટૂકડાં છૂટથી ઉપલબ્ધ થાય ત્યારે પણ રોપણી કરી શકાય છે.

રોપણી અંતરઃ

સામાન્ય રીતે ધિલોડીનું વાવેતર ર × ર મીટરનાં અંતરે અથવા ર×૧.પ મીટરનાં અંતરે ૩૦ સે.મી.ઉંડા ખામણા બનાવી કરવામાં આવે છે.ખામણાંમાં માટી અને સંપૂર્ણ કોહવાયેલા છાણિયાં ખાતરનું પ કિલો જેટલું મિશ્રણ ઉમેરવું. અડધો કિલો લીમડાનો ખોળ પણ ઉમેરી શકાય. ખામણાની બે હાર વચ્ચે પિયત માટેનો ધાળિયો તૈયાર કરવો.

રોપણી સમય :

નર્સરીમાં પોલીથીન બેગમાં તૈયાર કરેલ મૂળવાળા રોપ વડે બારેમાસ  ઘિલોડીની રોપણી કરી શકાય છે. ઘિલોડીનો રોપણી સમય આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત જીલ્લામાં મહદ અંશે જુલાઈ – ઓગસ્ટ માસમાં કરવામાં આવે છે અને ખેડા તથા અમદાવાદ જીલ્લામાં મોટે ભાગે જાન્યુઆરી– ફેબ્રુઆરી માસમાં  કરવામાં આવે છે. આ રોપણી ઘિલોડી ના જાડા પાકટ ૧/ર થી ૩/૪ ઈંચ વ્યાસની જાડાઈ ધરાવતા વેલાથી કરવામાં આવે છે. આ વેલા ખૂબ જ પાકટ, સખત અને મૂળ વગરના હોય છે. જેથી ઉત્પાદન ઘણું જ ઓછું અને ફળની ગુણવત્તા ખરાબ હોય છે. મૂળ નહીં હોવાથી મોટા ભાગના રોપ નિષ્ફળ જાય છે. નર્સરીમાં જે ઘિલોડીના રોપા તૈયાર કરવામાં આવે છે તે તદ્દન પાતળા એટલે કે સૂતળી જેટલા અગર તેનાથી પણ પાતળા લગભગ ૧ થી ર મિ.મી. વ્યાસના તદ્દન કૂણી ડૂંખમાંથી ઉછેરેલા, મૂળવાળા પોલીથીન બેગમાં તૈયાર કરેલા હોય છે. આ પાતળા, કૂણા, મૂળવાળા પોલીથીન બેગમાં ઉછરેલા રોપા મબલખ ઉત્પાદન આપે છે.

કુમળી ડૂંખમાંથી બનાવેલા પોલીથીન બેગવાળા, મૂળવાળા  રોપાની બારે માસ રોપણીઃ

નર્સરીમાં પોલીથીન બેગમાં મૂળવાળા રોપ તૈયાર કરવાઃ

અત્યાર સુધી ઘિલોડીની રોપણી જાડા – મૂળ વગરના વેલાથી કરવામાં આવતી હતી અને હજુ પણ મોટા ભાગના ખેડૂતોઆ પધ્ધતિથી રોપણી કરેે છે. આ વેલા લગભગ પેન્સિલથી હાથના આંગળા જેટલા જાડા એટલે કે ૧ થી ૪ સે.મી. વ્યાસ ધરાવતા હોય છે. આ વેલામાં ચાર આંખ હોય છે તે પૈકી  બે આંખ જમીન માં રાખવામાં આવે છે. કેટલાક ખેડૂતો જાન્યુઆરી– ફેબ્રુઆરીમાં  આ વેલાની સીધી રોપણી  ખેતરમાં કરે છે.

આ પધ્ધિતથી મૂળ વગરના વેલા સીધા જ ખેતરમાં રોપવાથી ત્રણ માસે માંડવા ઉપર ચડે છે.  ત્યાર બાદ ઉત્પાદન શરૂ થાય છે. ઉત્પાદન  ઓછું મળે છે. માલની ગુણવત્તા સારી હોતી નથી. ઘિલોડું ટૂકું અને જાડું હોય છે. વેલાને મૂળ ફૂટતા નથી અને ખેતરમાં પુષ્કળ પ્રમાણમા ખાલાં પડે છે.  કયારેક પાક નિષ્ફળ પણ જાય છે.

હાલમાં ઘિલોડીની કૂમળી ડૂંખના વેલાથી નર્સરીમાં પોલીથીન બેગમાં જે રોપ તૈયાર કરવામાં આવે છે તે છોડના વેલાની જાડાઈ ૧ થીર મિ.મી. હોય છે.અને ર થી ૩ ગાંઠ  જમીન ઉપર રાખવામાં આવે છે. પોલીથીન બેગમાં ૧૦ દિવસ  થી એક માસમાં વાતાવરણ પ્રમાણે પુષ્કળ મૂળ ફુટે છે. આ રોપને પોલીથીન બેગમાંથી ખેતરમાં રોપવામાં આવતા એકાદ માસમાં માંડવા ઉપર ચડી જઈ ઉત્પાદન આપવાનું શરૂ થઈ જાય છે. આ છોડને પોલીથીન બેગમાં જ મૂળ આવી ગયેલ હોવાથી ખેતરમાં તરત જ ચોંટી જાય છે. ખાલાં પડતા નથી. ઉત્પાદન મબલખ મળે છે. ઉત્પાદનની ગુણવત્તા એકદમ સરસ હોય છે. ઘીલોડા લાંબા, પાતળા અને ચમકદાર હોવાથી સારા બજાર ભાવે વેચાય છે.

સંકલિત ખાતર વ્યવસ્થાઃ

જમીન તૈયાર કરતી વખતે ૧પ થી ર૦ ટન સારૂં કોહવાયેલું છાણિયું ખાતર અથવા કમ્પોસ્ટ નાંખવું અથવા અનુકૂળતા હોય તો લીલો પડવાશ કરવો ફાયદાકારક છે. ઘિલોડીનાં પાકમાં ૧૦૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, પ૦ કિ. ફોસફરસ અને પ૦ કિ. પોટાશ પ્રતિ હેકટરે આપવાની ભલામણ છે. જે પૈકીે પ૦ઃપ૦ઃપ૦ કિ.ના :ફોઃપો પાયામાં (વેલાના કટકાનાં સ્ફૂરણ પછી) ,રપ કિલો નાઈટ્રોજન રોપણી બાદ ૪પ દિવસે (ફૂલ આવ ેત્યારે) અને બાકીના રપ કિલો નાઈટ્રોજન ફેબ્રુઆરી માસમાં (એટલે કે આરામની અવસ્થા પછી ).

પિયત :

વરસાદની ખેંચ જણાય ત્યારે સપ્ટેમ્બર બાદ ૧પ દિવસના આંતરે નવેમ્બર માસ સુધી પિયત આપવું. આ પાક ડિસેમ્બર જાન્યુઆરી માસમાં આરામ અવસ્થામાં હોય તેથી આ સમયે પિયતની જરૂરિયાત  રહેતી નથી. ફેબ્રુઆરી માસમાં તાપમાન વધતા વેલાની વૃદ્ધિ  ચાલુ થાય છે. આ સમયે નીંદામણ, સુકાઈ ગયેલા વેલાની છટણી કરી દરેક ખામણે ગોડ કરી પૂર્તિ ખાતર આપી હળવું પિયત આપવું. ત્યાર બાદ નિયમિત રીતે ૧ર થી ૧પ દિવસના આંતરે પિયત આપતા રહેવું.

અન્ય માવજત : (નીંદામણ, આંતરખેડ અને મંડપ) :

બહુવર્ષાયુ પાક હોય જરૂરિયાત મુજબ નીંદામણ કરવું. દરેક ખામણામાં વેલાને નુકસાન ન થાય તેમ ગોડ કરવી. પાકની શરૂઆતના વૃદ્ધિ અને વિકાસના તબક્કા દરમ્યાન દોઢથી બે માસ દરમ્યાન કરબડીથી  બે થી ત્રણ વખત આંતરખેડ કરવી. દોઢ માસ બાદ વેલાઓને ટેકાની જરૂરિયાત પડે છે. આ માટે રોપણી પહેલાં લાકડાના અથવા સિમેન્ટના થાંભલા દર બે લાઈને એક પ્રમાણે બન્ને બાજુ આડા ઊભા ખેતરમાં દર ચાર થી પાંચ મીટરના અંતરે બે છોડ વચ્ચે ની જગ્યાએ લગાવવાં તેમજ થાંભલા ઉપર ગેલ્વેનાઈઝ તાર આડા ઊભા લગાવી જાળી બનાવવી. વેલાની ફૂટ શરૂ થતાં દરેક વેલાઓને આધાર આપી મંડપ ઉપર ચઢાવવા. મંડપ ઉપર વેલા ચારે બાજુ એકસરખા ફેલાય તે માટે સમયસર વેલાની છટણી કરવી. દરેક ખામણામાં જમીન પાસેથી નવા નીકળતા રનર ને દર અઠવાડિયાના અંતરે કાપી નાખવા.

વેલાની છટણી :

શિયાળામાં ઠંડીના સમયે વેલાઓ સુકાઈ જાય છે અને ખાખરો પડે છે. મૂળ સુષુપ્ત અવસ્થામાં રહે છે. ડિસેમ્બર–જાન્યુઆરી માસ દરમ્યાન પાક આરામની અવસ્થામાં હોય ત્યારે માંડવી ઉપર ૩૦ થી ૪પ સે.મી. લંબાઈના વેલા રાખીને ઉપરનો સુકાઈ ગયેલો ભાગ કાપી નાખવો અને કોપર ઓકસીકલોરાઈડ કે વેટેબલ સલ્ફર ૦.ર %  પ્રમાણે છાંટવી.માંડવા ઉપર વેલા ચડે ત્યાં સુધીનાં ઘિલોડાં તોડીને દૂર કરવાં. મૂળને નુકસાન ન થાય તેમ ગોડ આપવો.

વિણી/ગ્રેડિંગ

ટીંડોળા જેવો પાક વાનસ્પતિક પ્રર્સજનથી થતો હોય, છોડના શરૂઆતના વિકાસ માટે લાંબા સમયની જરૂરત પડે છે. સામાન્ય રીતે ચોમાસું ૠતુમાં રોપણી કરેલ પાકની વિણી ર.પ થી ૩.૦ માી બાદ શરૂ થાય છે. અને ઉનાળુ પાકની વિણી ર થી ર.પ માસે શરૂ થતી હોય છે. કુમળા, યોગ્ય કદના ફળો વીણવા જોઈએ. સામાન્ય રીતે આ પાકોની વીણી વહેલી સવારે અથવા સાંજના સમયે કરવી. હિતાવહ છે જેથી ગુણવત્તા જળવાઈ રહે.વિણી કર્યા બાદ રોગિષ્ઠ, જીવજંતુના ડંખ મારેલા કે અનિયમિત ફળોને જુદા જુદા પાડી ગ્રેડ પ્રમાણે યોગ્ય કદ અને આકાર પ્રમાણે જુદા પાડી યોગ્ય પેકિંગ કરી બજારમાં મોકલવા જોઈએ. આ પાકમાં  ૩ થી ૪ દિવસના આંતરે વિણી કરવી ખાસ આવશ્યક છે જેથી ફળોની ગુણવત્તા જળવાઈ રહે છે અને સારા બજારભાવ મેળવી શકાય છે.

ઘિલોડા વીણ્યા બાદ તેનું ગ્રેડિંગ કરવું જોઈએ. જાડા ઘિલોડાં કરતા પાતળા ઘિલોડાં જેને 'કલી' કહેવામાં આવે છે. તેનો બજારભાવ સારો મળે છે. એટલું જ નહી પરંતુ 'કલી' ઘિલોડા વીણવામાં આવે તો ઘિલોડાના છોડમાંથી ઓછા પોષક તત્વોનો વપરાશ થાય છે. નવા– વેલા ફુટે છે અને નવા ઘિલોડાં પુષ્કળ પ્રમાણમાં બેસે છે.

પાક સંરક્ષણ :

રોગ :

તળછારો :

નિયંત્રણ : રોગની શરૂઆત જણાય કે તરતજ બોર્ડોમિશ્રણ ૦.૮ ટકા અથવા કોપર ઓકિસીકલોરાઈડ ૦.૩ ટકા અથવા મેટાલેક્ષીલ એમ ઝેડ ૦.ર ટકાનું દ્રાવણ બનાવી ૧પ દિવસના અંતરે કુલ ૪ છંટકાવ કરવા.

ભૂકી છારોઃ  ડિસેમ્બર –જાન્યુઆરીમાં જોવા મળે છે.

નિયંત્રણ : આ રોગની શરૂઆત થાય કે તરત જ સલ્ફેક્ષ ૮૦ ટકા વે.પા. ૩૦ ગ્રામ અથવા ડીનોકેપ ૪૮ ટકા ઈ.સી. પ મિ. લિ. અથવા કાર્બેન્ડેઝીમ પ૦ ટકા વે.પા. ૧૦ ગ્રામ પ્રમાણે ૧૦ લિટર પાણીમાં ઓગાળી પ્રવાહી મિશ્રણનો છંટકાવ ૧૦ થી ૧ર દિવસના અંતરે કરવો.

ડિસેમ્બર –જાન્યુઆરી માસમાં ખેતરમાં પાણી આપવું નહી

ફળમાખી :

નિયંત્રણ વ્યવસ્થાપન

  1. ઉનાળામાં ઉડી ખેડ કરવાથી ફળમાખીનાં કોશેટોઓનો નાશ થાય છે.
  2. ખેતર/વાડીમાં સ્વચ્છતા રાખવી, ખરી પડેલા ફળો તેમજ ઉપદ્રવિત ફળોને વીણી નાશ કરવો.
  3. ફળો પાકવાની અવસ્થા પહેલા ઉતારી લેવા.
  4. ખેતર/વાડીમાં કયુલ્યુર ફેરોમોન ટ્રેપ સામૂહિક ધોરણે ૧પ–ર૦ /હેકટર મુકવાથી નર ફળમાખીની વસ્તીને કાબુમાં રાખી શકાય છે. મીથાઈલ યુજીનોલયુકત ફળમાખી ટ્રેપનો ઉપયોગ વેલાવાળા શાકભાજીની ફળમાખીના નિયંત્રણ માટે બીનઅસરકારક હોવાથી ખેડૂતમિત્રોએ વેલાવાળા શાકભાજીના પાકમાં ફળમાખીના નિયંત્રણ માટે કયુલ્યુર યુકત પ્લાય વુડ બ્લોક ધરાવતા ફળમાખી ટ્રેપ નોજ ઉપયોગ કરવો. આ પ્રકારના ફળમાખીના તૈયાર ટ્રેપ(નોૈરોજી સ્ટોન હાઉસ ફુ્રટ ફલાય ટ્રેપ)ની જરૂરીયાત માટે ફૂડ કવોલીટી ટેસ્ટીંગ લેબોરેટરી(ફોન નંબર ૦ર૬૩૭ ર૮ર૯૭૮), નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીનો સંપર્ક કરવો. આ પ્રકારના ટ્રેપ નંગ – ૧ની કિંમત રૂા. ૬૦ છે. પરંતુ મંડળી/સંસ્થા મારફત ખરીદવામાં આવે તો એક નંગની કિંમત રૂા. પપ છે. આ ઉપરાંત ફળ સંશોધન કેન્દ્ર, ન.કૃ.યુ., ગણદેવી(ફોન નંબર ૦ર૬૩૪ ર૬ર૩ર૬)નો પણ સંપર્ક સાધી શકાય.
  5. ઝેરી પ્રલોભિકાનો ઉપયોગ કરવાથી પણ ઉપદ્રવ કાબુમાં લઈ શકાય છે. આ માટે  ૧૦ %  ગોળના દ્રાવણમાં થાયોમેથાકઝામ ૭૦ % વે.પા. ર ગ્રામ / લીટર અથવા મેલાથીઓન પ૦ ટકા ઈસી ર મીલી/લીટર મુજબ મિશ્ર કરી તેવું દ્રાવણ ખેતરમાં રપ૦ વેલા કે ઝાડ પર મોટા ફોરા પડે તે રીતે  છાંટવાથી સારૂ પરિણામ મળે છે.
  6. રાસાયણિક નિયંત્રણમાં મેલાથીઓન પ૦ ટકા ઈસી ર૦ મીલી, થાયોમેથાકઝામ ૭૦ % વે.પા. ર૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી ફૂલ અવસ્થાએ ૧પ દિવસનાં અંતરે ૩ થી ૪ છંટકાવ કરવાથી સારૂ નિયંત્રણ મળે છે.

ર. વેલા કોરનારી ઈયળ (વાઈન બોરર)  :

નિયંત્રણ વ્યવસ્થાપન :

  1. તંદુરસ્ત વેલાનો રોપણી માટે ઉપયોગ કરવો.
  2. ઓછો ઉપદ્રવ હોય તો ઉપદ્રવિત વેલાના ભાગને કાપી લઈ નાશ કરવો.
  3. રોપણી વખતે અને ફૂલ અવસ્થા પહેલા વેલાના મૂળ પાસે જમીનમાં કાર્બોફયુરાન ૩% દાણાદાર  દવા વેલા દીઠ ૩ થી પ ગ્રામ પ્રમાણે આપવી.
  4. વેલા પર ગુંદર જેવું દેખાય તેને હાથ વડે દૂર કરી થાયોમેથાકઝામ ૭પ% વે. પા. પ૦૦ ગ્રામ૧ લીટર પાણીમાં મિશ્ર કરી પેસ્ટ જેવું બનાવી ચોપડવાથી સારૂં પરિણામ મળે છે.

૩. લાલ અને કાળા મરીયા : (રેડ અને  બ્લેક પમ્પકીન બીટલ)

નિયંત્રણ વ્યવસ્થાપન :

  1. પાક પુરો થયા બાદ ઉડી ખેડ કરવી જેથી ઈયળ/કીડો અને કોશેટા અવસ્થાઓનો નાશ થાય.
  2. વેલાની રોપણી બાદ ૩૦ દિવસે મુળની ફરતે કાર્બોફયુરાન ૩% દાણાદાર દવા વેલા દીઠ ર થી પ ગ્રામ મુજબ આપી પિયત આપવું.
  3. વેલાની શરૂઆતની અવસ્થામાં મેલાથીઓન પ% ભુકી અથવા મિથાઈલ પેરાથીઓન ર% ભુકી હેકટરે ર૦ થી રપ કિ. ગ્રા. મુજબ વેલા અને જમીન પર છાંટવી.
  4. પ્રવાહી જંતુનાશકોમાં ડાયકલોરોવોશ ૭૬ % ઈસી  પ મીલી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી ફળ ઉતારી લીધા બાદ વેલો પુરેપુરો ભીંજાય તે રીતે છંટકાવ કરવો.
  5. સવારના તથા સાંજના સમયે પુખ્ત કીટક સુષુપ્તા અવસ્થામાં હોય ત્યારે હાથ વડે પકડી નિયંત્રણ કરી શકાય.

૪. ઘિલોડીની ફૂદી :

નિયંત્રણ વ્યવસ્થાપન :

  1. ઉપદ્રવથી શરૂઆતમાં ઈયળોનો જાળા સહિત વીણીને નાશ કરવો.
  2. જૈવિક નિયંત્રકોમાં બી.ટી. પાવડર ૧ કિલોગ્રામ પ્રતિ હેકટર મુજબ ૧૦ દિવસનાં આંતરે છાંટવાથી સારૂ પરિણામ મળે છે.
  3. કવીનાલફોસ રપ% ઈસી ર૦ મીલી દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

આ ઈયળોના નિયંત્રણ માટે એમામેકટીન બેન્ઝોએટ પ ડબલ્યુજી % ૦.૦૦રપ % (પ ગ્રામ / ૧૦ લિટર પાણી) (૭.પ ગ્રામ સ.ત. / હેકટર) અથવા ફલુબેન્ડીઆમાઈડ ૪૮૦ એસસી % ૦.૦૧ (ર મિ.લિ. / ૧૦ લિટર પાણી) ( સ.ત. ર૮.૮ ગ્રામ / હેકટર) જીવાતના ઉપદ્રવની શરૂઆત થયે છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.

મીલીબગ્સ (ચીકટો) :

નિયંત્રણ વ્યવસ્થાપન :

  1. વેલાની સમયસર છાંટણી કરવાથી ઉપદ્રવને કાબુમાં રાખી શકાય છે.
  2. ઉપદ્રવિત વેલાનો હેરફેર ન કરતાં શેઢા પર બાળીને કે દાટીને નાશ કરવો.
  3. જંતુનાશક દવાઓમાં કલોરપાયરીફોસ  ર૦ ટકા ઈસી   રપ મી.લી. અથવા પ્રોફેનોફોસ પ૦ ટકા ઈસી ૧ર મી.લી. અથવા એસીફેટ ૭પ ટકા સોલ્યુબલ પાવડર ૧પ ગ્રામ દવા દવા ૧૦ લીટર પાણીમાં એક ચમચી કપડા ધોવાનો પાવડર નાંખી આખો વેલો ભીજાય તેમ છંટકાવ કરવાથી સારૂ પરિણામ મળે છે.

ભીંગડાવાળી જીવાત :(સ્કેલ ઈન્સેકટ)

નુકસાન : નિયંત્રણઃ મીલીબગ્સ(ચીકટો) મુજબ

ગાંઠીયા માખી (ગોલ ફલાય) :

નિયંત્રણ વ્યવસ્થાપન :

  1. ઉપદ્રવવાળા વેલાને કાપી બાળીને નાશ કરવો.
  2. ફેન્થીઓન ૧૦૦ % ઈસી ૧૦ મીલી ૧૦ લીટર પાણીમાં ભેળવી ૧પ દિવસમાં અંતરે ર થી ૩ છંટકાવ કરવા.

ઉત્પાદન : ફળ પાકટ થાય તે પહેલા કૂણાં ફળ ઉતારવા. હેકટર દીઠ સરેરાશ  ૧પ થી ર૦ ટન જેટલું ઉત્પાદન મળે છે.

સ્ત્રોત શ્રી એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ ( કૃષિ સારથિ'',અસ્પી બાગાયત–વ–વનીય મહાવિદ્યાલય,નવસારી કૃષિ યુનિવર્સિટી,નવસારી)

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/11/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate