অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અર્ધ-શિયાળુ તલની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અપનાવો

આપણા રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ આધારિત ખેતી થાય છે. ઘણી વખત ચોમાસુ ઋતુમાં વરસાદ ખૂબ જ મોડો, અપુરતો અને અનિયમિત રહે છે. આવા સંજોગોમાં ચોમાસુના મુખ્ય પાક જેવા મગફળી, કપાસ, તુવેર, દિવેલા, બાજરી વગેરેના વાવેતરમાં જોખમ વધી જાય છે. આવા સંજોગોમાં અર્ધ-શિયાળુ તલના વાવેતરથી સારૂ ઉત્પાદન મેળવી શકાય છે. સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર તથા ભાલ પ્રદેશના ભાવનગર, અમદાવાદ જીલ્લાઓમાં સંગ્રહિત ભેજમાં અર્ધ શિયાળુ તલ સફળતાપૂર્વક લઈ શકાય છે. અર્ધ શિયાળુ તલનો આધાર જમીનમાં સંગ્રહિત ભેજ અને શિયાળુ ઝાકળ ઉપર રહેલ હોવાથી તેને ઝાકળિયા કે અર્ધ-શિયાળુ તલ કહેવામાં આવે છે. આ તલને પૂર્વા નક્ષત્રમાં વાવતા હોવાથી પૂર્વા, પરબીયા તલ પણ કહે છે.

અર્ધ - શિયાળુ તલનું વાવેતર કેવા સંજોગોમાં કરવું?

  1. જે વિસ્તારમાં વરસાદ અનિયમિત હોય અને ચોમાસુ ઋતુના પાકો લેવાની શક્યતા ઓછી હોય ત્યારે અર્ધ-શિયાળુ તલનું વાવેતર કરી શકાય છે.
  2. ચોમાસામાં વાવણી લાયક વરસાદ મોડો એટલે કે પાછોતરો વરસાદ ઓગષ્ટ માસમાં થાય તેવા સંજોગોમાં તલને એકલા પાક તરીકે અર્ધ-શિયાળુ તલનું વાવેતર કરી શકાય છે.
  3. ઘણીવાર ચોમાસાની શરૂઆતમાં જુન-જુલાઈ માસમાં સતત ભારેથી અતિ ભારે વરસાદ થવાથી, ચોમાસામાં વાવેલ પાક નિષ્ફળ જાય તો તેવા સંજોગોમાં અર્ધ-શિયાળુ તલનું વાવેતર કરી, સારૂ એવું ઉત્પાદન મેળવી શકાય છે.
  4. ભાલ જેવો વિસ્તાર કે જ્યાં ચોમાસામાં પાણી પ્લોટમાં ભરાઈ રહેતા હોય તેવા વિસ્તારમાં ઓગષ્ટ-સટેમ્બર માસમાં અર્ધ-શિયાળુ તલનું વાવેતર થઈ શકે છે.
  5. ચોમાસામાં શણનો લીલો પડવાશ કરી અર્ધ-શિયાળુ તલનું વાવેતર કરી જમીન સુધારણા સાથોસાથ ઉત્પાદન પણ મેળવી શકાય છે.
  6. જે વિસ્તારમાં મુખ્ય પાકો પહોળે પાટલે વવાતા હોય તે વિસ્તારમાં બે હાર વચ્ચે ખાલી પડેલ જગ્યામાં પાછોતરો વરસાદ થયે અર્ધ - શિયાળુ તલ વાવી શકાય છે.

અધ-શિયાળુ તલની વેજ્ઞાનિક ખેતી પધ્ધતિ:

આપણા રાજ્યમાં સને ૧૯૬૯ ના વર્ષથી રાજયની કૃષિ યુનિવર્સિટી દ્વારા અર્ધ-શિયાળુ તલની જાત પૂર્વા-૧ ની સમગ્ર ગુજરાતમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાતના દાણા મોટા કદનાં ભરાવદાર અને લાલ બદામી રંગના હોય છે. આ જાતના છોડ મધ્યમ ઊંચાઈના અને ડાળીઓવાળા હોય છે. બેઢા મોટા અને ચાર ખાનાવાળા હોય છે. મોડી પાકતી આ જાતમાં બેઢા એકાંતરે આવે છે. આ જાતને યોગ્ય માવજત આપવાથી હેકટરે  સરેરાશ ૫૦૦ થી ૬૦૦ કિલો ઉત્પાદન મેળવી શકાય છે.

આબોહવા :

પૂર્વા તલને ચોમાસુ અને શિયાળુ મિશ્રિત આબોહવા માફક આવે છે. આ સમયે હવામાં ભેજનું પ્રમાણ માફકસર તથા હવા અર્ધ-સૂકી હોય છે. આ ઉપરાંત વહેલી સવારે ઝાકળ પડતું હોવાથી ઝાકળ અને ભેજ દ્વારા પાકની વૃદ્ધિ સારી થાય છે.

જમીન અને પ્રાથમિક તૈયારી :

તલના પાકને રેતાળ, હલકી, મધ્યમ કાળી, ગોરાડુ અને સારી નિતાર શક્તિવાળી જમીન કે જેનો પી.એચ. આંક પ.પ થી ૮.૦ હોય તેવી જમીન વધુ અનુકૂળ આવે છે. પરંતુ આ પાકને ક્ષારયુક્ત, ભાસ્મિક તેમજ ભારે કાળી અને ઓછા નિતાર શક્તિવાળી જમીન માફક આવતી નથી. આગળની તક્્છતુના પાકના અવશેષો વીણી, હળની એક હળવી ખેડ અને કરબની બે ખેડ કરી સમાર મારી જમીન ભરભરી બનાવવી. ચોમાસામાં જમીન તૈયાર કરતી વખતે જૂનું ગળતીયું , છાણીયું ખાતર હેકટરે દીઠ ૮ થી ૧૦ ટન જમીનમાં સારી રીતે ભેળવવું અથવા ચાસમાં ભરવું. જમીનની ભૌતિક સ્થિતિ સુધરતાં, ભેજસંગ્રહ શક્તિ અને ફળદ્રુપતામાં વધારો થાય છે અને પાકનું ઉત્પાદન વધુ મળે છે.

બીજનું પ્રાપ્તિ સ્થાન :

અર્ધ-શિયાળુ તલની સુધારેલી જાત પૂર્વા-૧ નું શક્ય હોય તો સર્ટિફાઈડ બિયારણ વાવેતરમાં ઉપયોગમાં લેવું. આવુ સર્ટિફાઈડ બિયારણ ગુજરાત રાજય બીજ નિગમ, રાષ્ટ્રીય બીજ નિગમ, ગુજકોમાસોલ, કૃષિ યુનિવર્સિટીઓ અગર તો અન્ય પ્રાઈવેટ અધિકૃત સંસ્થાઓ પાસેથી મળી શકે છે.

વાવેતર સમય:

અર્ધ-શિયાળુ તલનું વાવેતર ૧૫ ઓગષ્ટ થી ૧૫ સપ્ટેમ્બર સુધીમાં કરવું. જો મોડુ વાવેતર કરવામાં આવે તો પાકની પાછલી અવસ્થાએ જમીનમાં ભેજની ખેંચ ઊભી થાય છે અને ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. તલના વાવેતર પહેલા એક કિલો બીજ દીઠ એક લિટર પાણીમાં આઠ કલાક પલાળી, ત્યારબાદ તેનું મુળ વજન આવે ત્યાં સુધી છાયામાં સુકવ્યા બાદ વાવેતર કરવાથી, બીજનો ઉગાવો ઝડપી અને એકસરખો થાય છે.

વાવણી અંતર અને બીજનો દર :

અર્ધ-શિયાળુ તલનું વાવેતર બે હાર વચ્ચે ૬૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૨ થી ૧૫ સે.મી. અંતર પારવણીથી જાળવવું. તલનો હેકટરે ૨.૫ કિલો બીજનો દર રાખી વાવેતર કરવું. વાવેતર કરેલ વિસ્તારમાં છોડની પૂરતી અને સપ્રમાણ સંખ્યા જાળવવી એ ખૂબ જ અગત્યનું છે. તલનાં બીજ કદમાં નાના હોવાથી તેના કદની જીણી રેતી / માટી ભેળવી વાવતેર કરવાથી બે છોડ વચ્ચેનું અંતર સારી રીતે જાળવી શકાય છે. બીજનો ઉગાવો થયા બાદ જયાં ખાલા પડેલ હોય ત્યાં બીજ વાવીને ખાલા તુરંત જ પુરવા તેમજ જે જગાયએ વધુ છોડ હોય ત્યાં વધારાના છોડની ૧૫ થી ૨૦ દિવસમાં પારવણી કરી બે છોડ વચ્ચે ૧ર થી ૧૫ સે.મી. નું અંતર જાળવવું. આમ કરવાથી વાવેતર કરેલ વિસ્તારમાં પૂરતા અને પ્રમાણમાં છોડ રહેવાથી તેનો વિકાસ અને વૃદ્ધિ સારી થશે, પરિણામે વધુ ઉત્પાદન મળશે.

રાસાયણિક ખાતર :

આ પાક જો મિશ્ર, આંતરપાક તરીકે અથવા લીલા પડવાશ બાદ લેવામાં આવે તો ખાતર આપવાની જરૂર રહેતી નથી. પરંતુ એકલા તલના પાક તરીકે લેવાનો હોય તો તેને હેક્ટર દીઠ ૧૨.૫ કિલો નાઈટ્રોજન અને ૧૨.૫ કિલો ફોસ્ફરસ તત્વો પાયાના ખાતર તરીકે વાવણી સમયે ચાસમાં ઓરીને આપવા.

પિયત :

સામાન્ય રીતે અર્ધ-શેયાળુ તલનો પાક જમીનમાં સંગ્રહિત બેજ અને શિયાળુ ઝાકળ ઉપર આધારીત લેવામાં આવે છે. આમ છતાં જો પૂરક પિયતની થોડી ઘણી સગવડતા હોય તો પાકની કટોકટીની અવસ્થાઓએ જેવી કે ફૂલ અને બેઢીયા અવસ્થાએ જમીનમાં ભેજની ખેચ જણાય તો પિયત  આપવાથી, બેઢીયાઓનો વિકાસ સારો થવાથી ઉત્પાદન વધુ મળે છે.

પાક સંરક્ષણ :

જીવાત : તલના પાકમાં મુખ્યત્વે માથા બાંધનારી ઈયળનો ઉપદ્રવ જોવા મલે છે. આ જીવાત ટોચના કુમળા પાન જોડી અંદર ભરાઈ રહીને પાન  ખાય છે તથા કોઈ વખત ડોડવાને પણ કાણા પાડીને કોરી ખાય ચે. આના નિયંત્રણ માટે કિવનાલફોસ ૨૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

તલમાં ગાંઠીયા માખીનો ઉપદ્રવ જોવા મળે છે. આ જીવાતની ઈયળ આછા પીળા રંગની હોય છે. તે ફૂલમાં અથવા કુમળા ડોડવામાં દાખલ થઈ ખાય છે જેથી નુક્સાન થયેલ ભાગ પાસે ગાંઠ જેવુ બને છે. આ જીવાતનું નિયંત્રણ કરવા માટે ફોસ્ફામીડોન પ મિ.લિ. અથવા મિથાઈલ-ઓ-ડીમેટોન ૧૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

આ ઉપરાંત તલમાં પાનકથીરીનો ઉપદ્રવ પણ જોવા મળે છે. આ જીવાત એકદમ સુક્ષ્મ હોય છે જે પાનની નીચે કરોળીયાની માફક ઝાળા બનાવી રહે છે  અને પાનમાંથી રસ ચૂસે છે. તેના નિયંત્રણ માટે ડાયકોફોલ ૧૬ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છાંટવાથી નિયંત્રણ સારૂ મળે છે.

રોગ : તલમાં મુખ્યત્વે વિષાણુંથી થતો રોગ જોવા મળે છે. આ રોગમાં ફૂલ બેસવાના સમયે ફૂલની વિકૃતિ થઈ નાના નાના પર્ણોમાં રૂપાંતર થાય છે  અને છોડ ઉપર મોટા ગુચ્છા જોવા મળે છે. આ રોગનો ફેલાવો ચૂસિયાં પ્રકારની જીવાતથી જેવી કે મોલોમશી દ્વારા થાય છે.

આ રોગોનો ફેલાવો અટકાવવા શોષક પ્રકારની દવાઓ જેવી તે મીથાઈલ-ઓ-ડીમેટોન, રોગર અથવા મોનોક્રોટોફોસ પૈકી ગમે તે એક દવા ૧૦ લિટર  પાણીમાં ૧૦ મિ.લિ. પ્રમાણે ભેળવી છંટકાવ કરવો. આ ઉપરાંત રોગ ન આવે તેના અગમચેતી રૂપે પાકની ફેરબદલી કરવી તથા ખેતર ચોખ્ખા રાખવા.

કાપણી અને થ્રેસિંગ :

પૃર્વા-૧ તલ ૧૧૦ થી ૧૧૫ દિવસે પાકી જાય છે. છોડ પરના બેઢીયા પીળા પડવા માંડે અને પાન ખરવા માંડે ત્યારે તલની કાપણી કરવી. આખા છોડ  કાપીને તેને નાના પુળા (બંડલ) માં બાંધવા. બાંધેલા પુળાને ખેતરમાં અથવા ખળામાં લાવીને તેના ઉભડા કરવા. ઉભડા બરાબર સુકાઈ ગયા બાદ  પુળાઓને બુંગણમાં ઉંધા કરીને ખંખેરીને દાણા છૂટા પાડવા. આ રીતે થોડા થોડા અંતરે બે થી ત્રણ વખત ઘાંટામાંથી બધા બી છૂટા પાડવા. બીજના  જથ્થાને સાફસૂફ કરી, ગ્રેડિંગ કરીને શણના નવા કોથળામાં ભરી જયા જીવાતનો ઉપદ્રવ ન હોય તેવા ગોડાઉનમાં સંગ્રહ કરવો.

સ્ત્રોત:ડો. કે. કે. ઢેઢી, ડો. સી. બી. ધોબી, શ્રી જે. એસ. સોરઠીયા, બાજરા સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જામનગર – ૩૯૧૦૦૩ ફોનઃ (૦૨૮૮) ૨૭૧૧૯૭૩

કૃષિગોવિદ્યા ,અગોસ્ટ-૨૦૧૫ વર્ષ: ૬૮ અંક: ૪ સળંગ અંક : ૮૦૮

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઈનફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate