অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ખરીફ ડાંગરનું આદર્શ ધરૂ ઉછેર

ગુજરાત રાજયમાં વર્ષ ર૦૧૬–૧૭ દરમ્યાન ખરીફ ડાંગરનો  કુલ ૭.૮ લાખ  વિસ્તારમાંથી ૧૭.૮ લાખ મે.ટન ઉત્પાદન તથા ઉનાળુ ડાંગર હેઠળના પ૬ હજાર હેકટર વાવેતર વિસ્તારમાંથી ૧.૮ લાખ મે.ટન મળેલ છે. આમ, વર્ષ ર૦૧૬–૧૭ દરમ્યાન રાજયમાં ડાંગરનો  કુલ વાવેતર વિસ્તાર ૮.૪ લાખ હેકટરમાંથી કુલ ૧૯.૬ લાખ ટન ઉત્પાદન મળેલ છે.જેમાં ખરીફ ડાંગરનીપ્રતિ હેકટરે ઉત્પાદકતા ર.ર૭ ટન જયારે ઉનાળુ ડાંગરની ૩.ર ટન મળેલ છે. ગુજરાત રાજયમાં ડાંગરની ખેતીના કુલ વિસ્તાર પૈકી ૬૦ ટકા થી વધુ વિસ્તારમાં ફેરરોપણીથી ડાંગરની ખેતી થાય છે. આમ, ગુજરાત રાજયમાં ઉનાળુ ડાંગરનો વિસ્તાર વધતો જાય છે. ઓરાણ ડાંગરનો વાવેતર વિસ્તાર ઘટતો જાય છે. જેથી વર્ષ ર૦૧૭ની ઉત્પાદકતા સરેરાસ અંદાજીત ર.૪ ટન પ્રતિ  હેકટર થવા પામેલ છે. તેમ છતાં પ્રગતીશીલ ખેડૂતોએ વધુ ઉત્પાદન આપતી સુધારેલી જાતો, ધરૂ ઉછેર તેમજ ડાંગરની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ ધ્વારા ૭–૮ ટન પ્રતિ હેકટર સુધી ઉત્પાદન લીધેલ છેેે.

ડાંગરના ખેત ઉત્પાદનની પ્રક્રિયામાં વિવિધ ઈનપુટસ પૈકી બીજ તેમજ ધરૂની પસંદગી ખુબ જ મહત્વ ધરાવે છે. ઉત્તમ ગુણવત્તાસભર  બીજ અથવા ધરૂની પસંદગી ન કરવાથી અન્ય આધુનિક ખેતી પધ્ધતિ અપનાવવા છતાં ખેતી નફાકારક રહેતી નથી. ડાંગરમાં સારી ગુણવત્તાવાળું, વધારે અને આર્થિક રીતે પોષણક્ષમ ઉત્પાદન મેળવવા માટેધરૂવાડીયાથી કાળજી લેવી જોઈએ.ફેરરોપણીથી ડાંગરનું વાવેતર કરવા ધરૂઉછેરની જરૂર પડે છે અને ડાંગરના વધુ ઉત્પાદનનો આધાર તંદુરસ્ત ધરૂના લીધે તૈયાર થતાં તંદુરસ્ત પાક ઉપર રહેલો છે. જેથી, રોગમુકત અને તંદુરસ્ત ધરૂની ફેરરોપણીથી  જલ્દી ચોંટી જાય છે અને તેની વાનસ્પતિક વૃધ્ધિ તથા ફૂટ ઝડપી તથા સારી થાય છે અને તેની પ્રજનનઅવસ્થા સમતુલિત રહે છે.ડાંગરના આદર્શ ધરૂ ઉછેર અને વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ થકી રાજયમાં ડાંગરની ઉત્પાદકતા વધારવાની ઉજળી શકયતાઓ રહેલ છે.

ડાંગરના ધરૂ ઉછેરની આદર્શ પધ્ધતિ નીચે આપવામાં આવેલ છે.

ધરૂવાડીયાનું આયોજન :

ડાંગરની ફેરરોપણી હેઠળના વિસ્તારને અનુલક્ષીને તથા મજુરોની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી સમગ્ર વિસ્તારમાં રપ થી ૩૦ દિવસનું ધરૂ રોપણી માટે મળી રહે તે માટે વધુ વિસ્તારવાળા ખેડૂતોએ ધરૂવાડીયું એક સાથે ન કરતાં તબકકાવાર કરવું જેથી રોપણી સમયે ધરૂની ઉંમર વધી ન જાય અને યોગ્ય ઉંમરનું ધરૂ સતત રોપણી માટે મળી રહે, તે પ્રમાણે વાવેતર કરવું જોઈએ.

જમીનની પસંદગી :

ફળદ્વુપ, સારાનિતારવાળી, પાણી ભરાઈ ન રહે તેવી, તેમજ વાડ કે ઝાડનો છાંયો આવતો ન હોય તેવી નિંદણમુકત જમીનની  પસંદગી કરવી જોઈએ. એક હેકટર વિસ્તારની ફેરરોપણી માટે ૧૦ ગૂંઠા વિસ્તારમાં ધરૂવાડીયું તૈયાર કરવું પડે છે.

જમીનની તૈયારી :

  • ધરૂવાડીયા માટેપસંદ કરેલ જમીનને ઉનાળામાં ઊંડી ખેડ કરીને તપવા દેવી.
  • મે મહિનાદરમ્યાન પાણી આપી ઓરવણ કરવું. વરાપ થયા બાદ જમીનને આડી–ઉભી બે થી ત્રણ વખતખેડવી.

સોઈલ સોલેરાઈજેશન :

સફેદ રંગના પાતળા પ્લાસ્ટીકનો ઉપયોગ કરવો. વરાપ થયે ખેડ કરીને કયારાના માપ પ્રમાણે ૧૦ થી ર૦ દિવસ સુધી પ્લાસ્ટીક ઢાંકીરાખવું. પ્લાસ્ટીકની કિનારીને માટી વડે દબાવી દેવી જેથી જમીનમાંનો ભેજ તેમજ સૂર્યના તાપથી ઉત્પન્ન થયેલ ગરમી પ્લાસ્ટીકના અંદરના ભાગે સંગ્રહીત થશે આથી જમીનમાં રહેલા ફૂગ, જીવાણું, કીટકોના કોશેટા, કૃમિ તેમજ નિંદણના બીજનો નાશ થશે.

જમીનમાં જરૂરીયાત મુજબ બે થી ત્રણ આડી ઉભી ખેડ કરી, ઢેફા ભાગી સમાર મારી સમતલ કરવી ત્યારબાદ ભારે કાળી જમીનમાં ગાદી કયારા તથા ગોરાડુ જમીનમાં સપાટ કયારા બનાવવા જોઈએ જેથી ધરૂ કહોવાય નહી તથા પિયતમાં અનુકુળતા રહે. એક હેકટરની રોપણી માટે માટે ૧૦ મીટર × ૧ મીટરના તથા ૧પ સે.મી. ઉંચાઈવાળા ૮૦ થી ૧૦૦ ગાદી કે સપાટ કયારા બનાવવા.

ધરૂવાડીયાનો  વાવેતર સમય : ખરીફ (ચોમાસુ) : જુનનું પ્રથમ પખવાડીયું - સામાન્ય રીતે મોડી પાકતી જાતોનું મે માસના અંતથી જુનની શરૂઆતમાં, મધ્યમ મોડી પાકતી જાતોનું જૂન માસના પ્રથમ પખવાડીયામાં અને વહેલી પાકતી જાતોનું જૂનના ત્રીજા અઠવાડીયામાં ધરૂવાડીયું નાખવું જોઈએ.સમયસરની વાવણી અને રોપણી કરવાથી રોગ–જીવાતના પ્રશ્નો ઉદભવતા નથી.
વહેલી પાકતી જાતો  (૧૦પ થી ૧ર૦ દિવસ) : એસ.કે.–ર૦,જી.આર.–૩, જી.આર–૪, જી.આર–૬, જી.આર–૭, જી.આર–૧ર, ગુર્જરી, આઈ.આર.–ર૮, જી.એ.આર.–ર, જી.એન.આર.–૩,જી.એન.આર.એચ–૧(સંકર જાત), જી.એ.આર.–ર  અને મહિસાગર.
મધ્યમ મોડી પાકતી જાતો  (૧ર૧ થી ૧૩પ દિવસ) : જી.આર.–૧૧,જયા, આઈ.આર–રર, જી.આર.–૧૦૩, એન.એ.યુ.આર.–૧, જી.એન.આર.–ર,જી.એન.આર.–પ, જી.એ.આર.–૧૩, જી.એ.આર.–૧ (સુગંધીત)
ક્ષાર પ્રતિકારક જાતો : દાંડી, એસ.એલ.આર.–પ૧ર૧૪
મોડી પાકતી જાતો(૧૩૬ થી ૧પ૦ દિવસથી વધુ) : બીન સુગંધીત : મસુરી, જી.એન.આર–૪

સુગંધીત : જી.આર.–૧૦૧, જી.આર.–૧૦ર, નર્મદા અને જી.આર.–૧૦૪.

જેવિસ્તારમાં પિયતની સગવડ સારી છે ત્યાં વધુ ઉત્પાદન લેવા માટે મધ્યમ મોડી પાકતી જાતો પસંદ કરવી જોઈએ.

બીજની પસંદગી તથા બીજ માવજત :

રોગમુકત વિસ્તારનું પ્રમાણિત બીજ પસંદ કરવું. ઝીણા દાણાવાળી જાતો માટે હેકટરે ર૦–રપ કિલો જયારે જાડા દાણાવાળી જાતો માટે રપ–૩૦ કિ.ગ્રા.બિયારણનો દર જાળવવો હિતાવહ  છે.

સૂકી બીજ માવજત  : ૧.૦ કિ.ગ્રા. બીજ દીઠ ૩.૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ–પ૦ વે.પા. અથવા થાયરમ ૭પ %  દવાનો બીજને પટ આપવો. અથવા

ભીની બીજ માવજત : રપ.૦કિ.ગ્રા.બીજને ર૪ લી. પાણીમાં ૬ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયકલીનના દ્રાવણમાં ૧૦ કલાક બોળીને કોરા કરી વાવવા.ત્યારબાદ  દરેક કયારામાં રપ૦ થી ૩૦૦ ગ્રામ બીજ એક સરખી રીતે પડે તે રીતે પૂંખીને અથવા હારમાં વાવેતર કરવું અને બરાબર ઢાંકી દેવું અને હળવું પિયત આપવું.

સેન્દ્રિય તથા રાસાયણિક ખાતરોનું પ્રમાણઃ

૧૦ × ૧ ચો.મીટર માપના કયારા બનાવ્યા બાદ દરેક કયારામાં ર૦ કિ.ગ્રા.સારૂ કોહવાયેલું છાણિયું ખાતર અને રપ૦ ગ્રામ દિવેલી ખોળને  ભૂકો જમીનમાં ભેળવી દેવો. જયારે રાસાયણિક ખાતરોમાં કયારા દીઠ પ૦૦ ગ્રામ એમોનિયમ સલ્ફેટ અને પ૦૦ ગ્રામ સીંગલ સુપર ફોસ્ફેટ પાયાના ખાતર તરીકે પહેલાં જમીનમાં ભેળવી દેવા અને વાવણી બાદ ૧પ દિવસે કયારા દીઠ રપ૦ ગ્રામ એમોનિયમ સલ્ફેટ પૂર્તિ ખાતર તરીકે આપવું ત્યાર બાદ ધરૂ ઉપાડવાના પાંચ દિવસ અગાઉ ફરી કયારાદીઠ રપ૦  ગ્રામ એમોનીયમ સલ્ફેટનો બીજો હપ્તો પૂતિ ખાતરરૂપે આપવો જેથી તદુરસ્ત ધરૂ મળી રહે. ધરૂવાડીયાની જમીનમાં ઝિંક અને લોહ તત્વની ઉણપ હોય તોે એક ગૂંઠામાં ૪૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ, ર૦૦ ગ્રામ ઝિંક સલ્ફેટ અને ૧૦૦ ગ્રામ બોરેક્ષને જમીન તૈયાર કરતી વખતે પાયામાં આપવું.

પાણીનું નિયમન :

ધરૂવાડીયામાં પાણીની ખેંચ વર્તાય નહિં તેની ખાસ તકેદારી રાખવી જરૂરી છે. કારણ કે પાણીની ખેંચ પડે તો જમીનમાં ક્ષારો ઉપરની સપાટી પર આવતાં લોહ તત્વની ઉણપ ઉભી  થાય છે. જેના લીધે ધરૂ ધોળાશ પડતું પીળું થઈ જાય છે. તેના પાનની ધારો સફેદ થઈ જાય છે, જેને ધરૂનો 'કોલાટ' કહે છે. આવા સંજોગોમાં ર થી ૩ વાર ઉપરાઉપરી પિયત આપી ક્ષારોનું ધોવાણ કરવું અને પાણી નિતારી ફરી ભરવું જેથી ક્ષારો દૂર થતાં લોહ તત્વ ઉપલબ્ધ બને છે. જયાં પાણીની પૂરતી સગવડ ન હોય ત્યાં ૧૦ ગુંઠા દીઠ ૪૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ તથા ર૦૦ ગ્રામ ચૂનો ૪૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો અને ધરૂવાડીયામાં વધારાનું ૧૦ કીલો એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું. વધુ પડતાં ભેજને લઈને જો કરમોડીનો (બ્લાસ્ટ) રોગ જણાય તો૦.૦૪પ % ટ્રાયસાયકલોઝોલ ૭પ % વે.પા.(૬ગ્રામ/૧૦ લિ.પાણી) અથવા ૦.૦પ % કાર્બેન્ડાઝિમ ૧૦ ગ્રામ/૧૦ લિ.પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. જીવાતનો ઉપદ્રવ જણાય તો દર ચોરસ મીટરે પ.૦ ગ્રા.કાર્બોફયુરાન ૩ જી દાણાદાર દવા પૂંખવી. ધરૂવાડીયાને સતત ભીનું રાખવુ. જમીનને સૂકાવા દેવી નહી.

નિંદણ નિયંત્રણ :

ધરૂવાડીયું હંમેશા નિંદણમુકત રાખવું જેને માટે હાથથી નિંદામણ કરવું હિતાવહ  છે. તેમ છતાં અનિવાર્ય સંજોગોમાં  બુટાકલોર અથવા બેન્થિઓકાર્બ ૧૦ ગુંઠાના વિસ્તારમાં ૧રપ થી ૧પ૦ ગ્રામ અથવા ૧૦૦ થી ૧પ૦ મી.લી. પેન્ડીમીથેલીન અથવા ર૦૦ મી.લી. બીસપાયરી બેક સોડીયમ  સક્રિયતત્વપ્રમાણે પ૦ થી ૬૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો, છંટકાવ વખતે ધરૂવાડીયામાં ભેજ હોવો જરૂરી છે.

જૈવિક  ખાતરો :ડાંગરના ધરૂ મુળને રોપતા પહેલા એઝોટોબેકટર અથવા એઝોસ્પીરીલમ અને ફોસ્ફોબેકટેરીયાના પ મી.લી. / લિટર પ્રવાહી દ્રાવણમાં ૧પ મીનીટ બોળ્યા બાદ રોપણી કરવી અને વધેલા દ્રાવણને ખેતરમાં રેડવું જેનાથી હેકટર દીઠ રપ કિ.ગ્રા. રાસાયણિક નાઈટ્રોજનની બચત કરી શકાય છે.

ફેરરોપણી સમય અને રોપણી : ખરીફ (ચોમાસુ) : જુલાઈના પ્રથમ પખવાડીયું  (રપ થી ૩૦ દિવસનું ધરૂ રોપવું.)

ધરૂ ઉપાડવાના અઠવાડીયા અગાઉ કાર્બોફયુરાન–૩જી ગુંઠા દીઠ ૧.૦ કિ.ગ્રા. આપવાથી ફેરરોપણી પછીના ર૦–રપ દિવસ સુધી કોઈ જીવાતનો ઉપદ્રવ દેખાતો નથી.

ર્ડા.ડી.બી.પ્રજાપતિઅનેર્ડા.એમ.બી.પરમાર, મુખ્ય  ચોખા સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ  યુનિવર્સિટી, નવાગામ–૩૮૭ પ૪૦તા. જી.–ખેડા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate