অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ડાંગરની મુખ્ય જીવાતો અને તેનું સંકલિત જીવાત વ્યવસ્થાપન

ડાંગરની મુખ્ય જીવાતો અને તેનું સંકલિત જીવાત વ્યવસ્થાપન

ગુજરાત રાજ્યમાં કુલ વાવેતર લાયક જમીનના લગભગ પ% વિસ્તારમાં ડાંગરની ખેતી થાય છે. જેનો કુલ વિસ્તાર લગભગ ૭ થી ૭.પ લાખ હેકટર જેટલો છે. રાજ્યમાં ડાંગરનું લગભગ ૧૬ થી ૧૭ લાખ ટન જેટલું ઉત્પાદન થાય છે. ડાંગરના પાકમાં તેની જુદી-જુદી અવસ્થાએ લગભગ ૧૦૦ જેટલી જીવાતો ડાંગરના પાકમાં નુકશાન કરતી જોવા મળે છે. ડાંગરની ગાભમારાની ઈયળ, પાન વાળનાર ઈયળ અને થડ ચર નુકશાન કરતા ચૂસિયાં મુખ્ય જીવાત ગણાય છે.

ગાભમારાની ઈયળ :

ડાંગરના પાકમાં નુકશાન કરતી ગાભમારાની ઈયળની પાંચ જાત પૈકી આપણા રાજ્યમાં મુખ્યત્વે પીળી ગાભમારાની ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે.  આ જીવાતની માદા ફુદીની આગળની પાંખો પીળાશ પડતા રંગની હોય છે.  અને તેના પર વચ્ચેના ભાગે એક કાળુ ટપકું હોય છે.  જ્યારે નર ફુદી સૂકા ઘાસ જેવા રંગની હોય છે.  અને તેની પ્રથમ પાંખ પર અસંખ્ય નાના-નાના ટપકાં હોય છે.  નાની ઈયળ પીળાશ પડતાં સફેદ રંગની હોય છે.  જ્યારે પુખ્ય ઈયળ પીળા રંગની, બદામી માથાવાળી અને આશરે ર૦ થી રર મી.મી. લંબાઈની હોય છે.

માદા ફુદી પાનની ટોચ પર સમુહમાં ઈંડા મૂકે છે.  ઈંડા સેવાતા, તેમાંથી નીકળતી નાની ઈયળ ચમકતા તાંતણા વડે લટકી પાણીની સપાટીએથી થડમાં દાખલ થઈ બે ત્રણ દિવસ સુધી કુમળો ભાગ ખાધા પછી થડના ગાંઠ નજીકના ભાગ અંદરનો ગર્ભ ખાવા માંડે છે.  તેથી ડાંગરના છોડનો વચ્ચેનો પીલો સુકાઈ જાય છે.  તેને ‘ડેડ હાર્ટ’ કહે છે.  જો કંટી આવવાના સમયે આ જીવાતનો ઉપદ્રવ થાય તો ઉપદ્રવિત છોડની કંટી સફેદ નીકળે છે.  તેમાં દાણા ભરાતા નથી. તે ‘વ્હાઈટ ઈયર હેડ’ તરીકે ઓળખાય છે.  આવી કંટીને ખેંચતા તે સહેલાઈથી ખેંચાઈ આવે છે તેને ખેડૂતો સફેદ પીંછીના રોગથી ઓળખે છે.

વ્યવસ્થાપન :

  • ડાંગરની કેટલીક જાતો જેવી કે નર્મદા, જી.આર.-૧૦ર, આઈ.આર.-રર, આઈ.આર.-૬૬, ગુર્જરી અને એ.આર.-૧૩૮-૯ર૮ જાતોમાં ગાભમારાની ઈયળનો ઉપદ્રવ મહદ અંશે ઓછો જોવા મળે છે.
  • ડાંગરની રોપણી વહેલી (જુલાઈના પ્રથમ અડવાડિયામાં) કરવાથી જીવાતનો ઉપદ્રવ ઘટાડી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
  • ૪ર-પ૦ કિલો લીંબાળીના ખોળને પાયાના ખાતર તરીકે આપવું.
  • ટ્રાઈકોગ્રામા કાર્ડ થી પણ ગાભમારાની ઈયળનું નિયંત્રણ કરી શકાય છે.
  • ફેરોમેન ટ્રેપ વાપરવાથી નર ફુદાની સંખ્યામાં નિયંત્રણ કરી શકાય છે (એક એકરમાં એક ટ્રેપ લગાડવી).
  • પુખ્ત ફુદાના નિયંત્રણ માટે લાઈટ ટ્રેપ લગાડવી.
  • કાપણી કર્યા પછી ખેતરમાં તરત ખેડ કરવી જેથી ઈંડા અને ઈયળનો સરળતાથી નાશ કરી શકાય છે.
  • રોપણી પછી રપ થી ૩૦ દિવસે અને ૪૦ થી ૪પ દિવસે એમ બે વખત કાર્બોફ્યુરાન - ૩ જી. (રપ કિ.ગ્રા./હે.) અથવા કાર ટેપ-૪ જી. (ર૦ કિ.ગ્રા./હે.) દાણાદાર દવા આપવી.  જરૂર જણાયતો મોનોક્રોટોફોસ (૦.૦૩૬%), ફોસ્ફામીડોન (૦.૦૩%) કે ટ્રાયઝોફોસ (૦.૦૪%)  દવાનો એકાદ છંટકાવ રોપણી બાદ ૬૦ થી ૬પ દિવસે કરવો.
  • ધરૂને રોપતા પહેલાં ટોચ કાપી નાખવી.  ધરૂવાડીયા અને ડાંગરની ક્યારીમાંથી વારંવાર ગાભમારાની ઈયળના ઈંડાના સમુહને ભેગા કરી નાશ કરવો.  ગાભમારાથી નુકશાન પામેલા ‘ડેડ હાર્ટ’ (છોડ) ભેગા કરી નાશ કરવો.
  • કાપણી કર્યા બાદ થોડો સમય ક્યારીમાં પાણી ભરી રાખવું.

પાન વાળનાર ઈયળ :

  • આ જીવાતનું ફુદું પીળાશ પડતાં તપખીરીયા રંગની પાંખોવાળુ હોય છે.
  • યજમાન પાક:  ડાંગર,  નિંદામણ ચાર પ્રકારની હોય છે
  • લીલાશ પડતાં રંગની ૧૦ મી.મી. લંબાઈની હોય છે.  ઈયળ પાનની ધારોવાળી ભૂંગળી બનાવી પાનનો લીલો ભાગ (હરિત કણ) ખાય છે.  પાન ઉપર સફેદ ધાબા જોવા મળે છે.

ડાંગરનો દરજી :

પુખ્ત ઈયળ ૪૦ મી.મી. લંબાઈની અને માથા ઉપર ‘જ‘ આકારનું ચિન્હ હોય છે.          ઈયળો પાનની ધારને થોડા અંતરે દરજીએ ટાંકા માર્યા હોય તેવા ટાંકા મારી ભૂંગળી બનાવી તેમાં રહે છે    અને પાનની ટોચ કાપી નૂકશાન કરે છે.

ડાંગરની શીગડાવાળી ઈયળો :

પોપટી શંગની અને માથાના ભાગ ઉપર શંગડા જેવા ભાગ ધરાવે છે.  પૂંછડીએ બે કાંટા જેવા ભાગ ધરાવે છે.  પુખ્ત ઈયળ પ૦ મી.મી. લંબાઈની હોય છે. પાનને ધાર ઉપરથી  વિશિષ્ટ રીતે કાપી ખાય છે.

ડાંગરની ઈયળ ડોશી :

પુખ્ત ઈયળો લીલાશ પડતા સફેદ રંગની ૧ર મી.મી. લંબાઈ ધરાવે છે.  ઈયળ   પાનના ટુકડા કરી ભૂંગળી બનાવી તેમાં રહી પાન ખાઈને નુકશાન કરે છે.

વ્યવસ્થાપન :

  • પાન વાળનાર ઈયળ પાનની ભૂંગળીમાં ભરાઈ રહી ત્યાં જ અથવા થડમાં કોશેટો બનાવે છે.  જો આ જીવાતનો ઉપદ્રવ ઓછો હોય અને વિસ્તાર નાનો હોય તો આવા નુકશાન વાળા પાનને ઈયળ/કોશેટો રહિત તોડી લઈ તેનો નાશ કરવો.
  • ડાંગરનો દરજી અને શિંગડાવાળી ઈયળના કોશેટો પાનની નીચેની સપાટી પર લટકતા સ્પષ્ટ દેખાઈ આવે છે.  તેને પાન પરથી વીણી લઈ નાશ કરવો.
  • લસણ, આદુ, મરચાંનો અર્ક (રસ) છાંટવાથી પણ આ જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય છે (૧ કિલો લસણ, પ૦૦ ગ્રામ આદુ અને પ૦૦ ગ્રામ મરચાની પેસ્ટ બનાવી તેને ૭ લીટર પાણી સાથે મીકસ કરી તેમાંથી ૬ લીટર જેટલો અર્ક નિકાળી તેનો છંટકાવ કરવો).
  • પ% લીંબોળીનું મીંજના તેલનો છંટકાવ કરવો.
  • ફોસ્ફામીડોન (૦.૦૩%) કે મોનોક્રોટોફોસ (૦.૦૩૬%) નો છંટકાવ કરવો અથવા કારટેપ પ૦% વે.પા. ૧૦ ગ્રામ અથવા એસીફેટ ૭પ એસ.પી. ૧૦ ગ્રામ અથવા મોનોક્રોટોફોસ ૧ર મી.લિ. અથવા ડીડીવીપી પ મિલી અથવા ફેનપ્રોપેથીન ૧૦ મી.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

લશ્કરી ઈયળ:

આ જીવાત ‘જૂથી ઈયળ’ કે ‘કંટી કાપનાર ઈયળ’  તરીકે ઓળખાય છે.  તેનું પુખ્ત ફુદુ મજબુત બાંધાનું આશરે ર સે.મી. લાંબુ અને પીળાશ પડતાં તપખીરીયા રંગની પાંખોવાળું હોય છે.  ઈયળ ૩ થી ૩.પ સે.મી. લાંબી મજબુત બાંધાની, લીલાશ પડતા પીળા રંગની અને બદામી રંગના માથાવાળી હોય છે.  તેના શરીર પર તપખીરીયા ભૂખરાં અથવા સફેદ રંગની ઉભી પટ્ટીઓ હોય છે.  ઈયળને સહેજ અડકતાં તે ગુંચળૂં વળી જાય છે.

આ જીવાતનો ઉપદ્રવ ધરૂવાડિયામાં અને રોપાણ કરેલ ડાંગરમાં જોવા મળે છે.  દિવસના સમયે ઈયળો જમીનની તિરોડો, પાનની ગડીઓમાં કે થુંમડામાં વચ્ચે ભરાઈ રહે છે.  અને રાત્રે પ્રવૃત્તિમય બને છે.  ઈયળ રાત્રિના સમયે બહાર નીકળી છોડના પાન પુષ્કળ પ્રમાણમાં ખાય છે.  ઉપદ્રવ વધુ હોય તો પાનની ફક્ત નશો જ બાકી રહે છે.  કંટી આવવાના સમયે જો આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો ઈયળ કંટીને કાપી નાખે છે.  ઉપદ્રવિત ખેતરમાં આવી કાપી નાખેલ કંટીઓ જમીન પર પડેલી જોવા મળે છે.  ઉપદ્રવિત ખેતરની બધીજ કંટીઓ જાણે લણી લીધી હોય તેમ છોડ કંટી વિનાનો દેખાય છે.

વ્યવસ્થાપન :

  • ધરૂવાડિયાને ફરતે એકાદ ફૂટ ઉંડી ખાઈ ખોદવાથી ઈયળો તેમાં પ્રવેશી શક્તી નથી
  • સાંજના સમયે ક્યારીમાં થોડા-થોડા અંતરે ઘાસની ઢગલીઓ મૂકી વહેલી સવારે તેમા એકત્રિત થયેલ ઈયળો એકત્રિત કરી નાશ કરવો.  જંતુનાશક દવામાં મિથાઈલ પેરાથિઓન ર ટકા ભૂકીનો ઉપયોગ કરવો.
  • ૧૦ કિલો લીંબોળીનો ખોળ પાયાના ખાતર તરીકે આપવો.
  • લાકડાની રાખ (૧૦-૧ર કિલો/એકર) માટી સાથે ભેળવી ખેતરમાં છાંટવાથી ઈયળનું નિયંત્રણ કરી સકાય છે.
  • મિથાઈલ પેરાથીઓન ર% અથવા કાર્બારીલ પ% ભૂકીરૂપે દવાનો રપ કિ.ગ્રા./હે. પ્રમાણે સાંજના પ્રમાણે છંટકાવ કરવો.
  • પુરેપુરો સુર્યપ્રકાશ મળી રહે તે પ્રમાણે વાવેતર કરવું.
  • ખેતરની આજુ-બાજુના શેઢા-પાળા ચોખ્ખા અને નિંદામણ મુક્ત રાખવા.

ડાંગરના ચૂસિયા :

ડાંગરના પાકમાં મુખ્યત્વે પાનના લીલા ચૂસિયા, સફેદ પીઠવાળા ચૂસિયા અને બદામી ચૂસિયા નુકશાન કરતા જોવા મળે છે.

પુખ્ત લીલા ચૂસિયાં પાંખોવાળા અને ફાચર આકારના હોય છે.  તેની પાંખો પર છેડાના ભાગે કાળા ધાબા હોય છે.  આ જીવાતના બચ્ચાં અને પુખ્ત જીવાત પાનમાંથી રસ ચૂસે છે તેથી પાન પીળા પડે છે.  વધુ ઉપદ્રવ હોય તો પાન ફીક્કા દેખાય છે અને આખો છોડ પીળો પડી સુકાઈ જાય છે.  જોકે તેનાથી થતું નુકશાન ભાગ્યે જ વધુ હોય છે.

સફેદ પીઠવાળા ચૂસિયાંના તાજા જન્મેલા બચ્ચાં ભૂખરા સફેદ રંગના અને પાંખ વગરના હોય છે.  પુખ્ત કીટક આશરે ૩ મિ.મી. લંબાઈના, ફીક્કા સફેદ રંગના અને પીઠના ભાગે કાળુ ટપકું ધરાવે છે. તેની પાંખો પારદર્શક હોય છે. બદામી ચૂસિયાંના બચ્ચાં જાંખા રતાશ પડતા અથવા ભૂખરા રંગના અને પાંખો વગરના હોય છે. જ્યારે પુખ્ત કીટક આશરે ૩ મિ.મી. લંબાઈના અને ઘાટા બદામી રંગના હોય છે.

સફેદ પીઠવાળા અને બદામી ચૂસિયાંનાં બચ્ચાં તથા પુખ્ત એમ બન્ને અવસ્થાએ છોડના થડમાંથી રસ ચૂસે છે.  ઉપદ્રવિત છોડના પાન પીળાશ પડતા બદામી અથવા ભૂખરાં રંગના થઈ સૂકાઈ જાય છે.  વધુ ઉપદ્રવ હોય તો પાક જાણે બળી ગયો હોય તેવો દેખાય છે જેને હોપર બર્ન કહે છે.  ખેતરમાંં તેનાથી થતું નુકશાન ગોળ/કુંડાળા ટાલા રૂપે આગળ વધે છે.  ઉપદ્રવિત છોડની કંટીમાં દાણા પોચા રહે છે અને ઉત્પાદન પર ખુબ જ માઠી અસર થાય છે.

વ્યવસ્થાપન :

  • ડાંગરની ગુર્જરી, નર્મદા, જી.આર.-૭, જી.આર.-૧૦૧, જી.આર.-૧૦ર, આઈ.આર.-રર,  મસુરી સુખવેલ-ર૦ અને એસ.એસ.આર.-પ૧ર૧૪ જાતો ચૂસિયાંના ઉપદ્રવ સામે મહદઅંશે પ્રતિકારક શક્તિ ધરાવે છે.
  • શક્ય હોય ત્યાં ડાંગરની ફેર રોપણી વહેલી (જુલાઈના પ્રથમ અઠવાડિયામાં) કરાવવાથી ચૂસિયાંથી થતુંં નુકશાન ઘટાડી શકાય છે.
  • નાઈટ્રોજન યુક્ત રાસાયણિક ખાતર ભલામણ મૂજબ ત્રણ હપ્તામાં આપવું.
  • ચૂસિયાંનો ઉપદ્રવ જોવા મળે કે તરત જ ક્યારીમાંથી પાણી નિતારી નાંખવું.
  • કાર્બોફ્યુરાન ૩ જી. (રપ કિ.ગ્રા./હે.) અથવા કારટેપ ૪ જી. (ર૦ કિ.ગ્રા./હે.) દાણાદાર દવા રેતી સાથે મીક્ષ કરી ક્યારીમાંથી પાણી નિતાર્યા બાદ પુંકવાથી ચૂસિયાનો ઉપદ્રવ કાબુમાં આવે છે.
  • પ્રવાહી કિટક નાશક દવાઓમાં મોનોક્રોટોફોસ ૦.૦૩૬% (૦.૩૭પ કિ.ગ્રા./હે.) + ડીડીવીપી ૭૬ ઈસી (૦.રપ કિ.ગ્રા./હે.) નો છંટકાવ ડાંગરના થડ પર પડે તે રીતે કરવાથી ચૂસિયાનું નિયંત્રણ થાય છે.
  • ડાંગરની આ જીવાતોને અસરકારક રીતે કાબુમાં લેવા માટે ૦.૦૦પ% ઈમીડાક્લોપ્રીડ અથવા ૦.૦૭પ% ફેનોબુર્કાળનો પ્રથમ છંટકાવ રોપણી બાદ ૧પ દિવસે અને પછીનો છંટકાવ આર્થિક ક્ષમ્ય માત્રા અનુસાર કરવા.

કંટીના ચૂસિયા :

પુખ્ત કીટક લીલાશ પડતાં પીળા કે બદામી રંગના અને ૧પ થી ૧૭ મિ.મી. લાંબા હોય છે.  તેના પગ શરીરના પ્રમાણમાં ઘણાં લાંબા હોય છે.  આ જીવાતના શરીરમાંથી ખાસ પ્રકારની અપગમતી વાસ આવતી હોવાથી તે ‘ગંધી બગ’ તરીકે ઓળખાય છે.  તેના બચ્ચા તેમજ પુખ્ત કીટક કંટીમાં દૂધ ભરાયેલ દાણામાંથી રસ ચૂસે છે.  ઉપદ્રવ વધુ હોય તો કંટી પર દાણાને બદલે ડાંગરના ખાલી ખોખા રહે છે.

વ્યવસ્થાપન :

  • ઉપદ્રવની શરૂઆત થતાંની સાથે ક્લોરપાયરીફોસ ર૦ મિ.લી. દવા ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી આ જીવાત કાબુમાં આવે છે.

ભૂરા કાંસિયાં :

પુખ્ત કીટક ઘેરા લીલાશ પડતાં ભૂરાં રંગના, સંવાળા, સમચતુષ્કોણ આકારના,પ થી ૬ મિ.મી. લંબાઈના અને ૩ મિ.મી. પહોળા હોય છે.  આ જીવાત પુખ્ત અને ઈયળ એમ બન્ને અવસ્થાએ પાન પરનો લીલો ભાગ ખાસ પધ્ધતિથી ખાતા હોઈ પાન પર મધ્ય નસની સમાંતર સફેદ ધાબા જોવા મળે છે.  ઉપદ્રવ વધુ હોય તો આવા પાન સફેદ થઈ સુકાઈ જાય છે.  સામાન્ય રીતે જીવાતનો ઉપદ્રવ ખેતરની ધરીથી શરૂ થઈ અંદરની તરફ ફેલાય છે.

આ જીવાતના પુખ્ત નાના (૩ થી ૪ મિ.મી. લંબાઈના), લંબચોરસ આકારના અને કાળાશ પડતા ભૂરા રંગના હોય છે.  તે કાળી કાંટાવાળી પાંખ ધરાવે છે.  ઈયળ પીળાશ પડતાં રંગની અને જાડી હોય છે જે પાનને કોરીને નીલકણો ખાઈને નુકશાન કરે છે.  જ્યારે પુખ્ત કીટક પાનની સપાટી પર ખાસ પધ્ધતિથી ખાય છે.  નુકશાન પામેલ પાન પર સફેદ રંગના ધાબા જોવા મળે છે.

વ્યવસ્થાપન :

ડાંગરના ભૂરાં કાંસિયા અને ઢાલપસ ભૂંગાની ઉપદ્રવ વધુ જણાય તો કાર્બોરીલ પ૦% વે.પા. ૪૦ ગ્રામ અથવા મોનોક્રોટોફોસ ૧ર મિ.લિ. અથવા ફોસ્ફોમીડોન ૩ મિ.લી. દવા ૧૦ લીટર પાણી સાથે મિશ્ર કરી છંટકાવ કરવો.

કીટક સિવાયના નુકશાન કરતા પ્રાણીઓ જેવાકે અળસી, કરચલા, ઉંદર અને પક્ષીઓના નિયંત્રણ માટે :

કીટક સિવાયના નુકશાન કરતા પ્રાણીઓ જેવાકે અળસી, કરચલા, ઉંદર અને પક્ષીઓના નિયંત્રણ માટે :

  • કરચલાના નિયંત્રણ માટે કાર્બારીલ પ૦% વે.પા.ની રાંધેલા ભાત સાથે પ%ની વિષ પ્રલોભિકા અસરકારક રીતે કામ આવે છે.
  • ઉંદરના નિયંત્રણ માટે ઝીંક ફોસ્ફાઈડની ર%ની વિષ પ્રલોભિકા અથવા બ્રોમાડીયોલોન ૦.૦૦પ%ની વેસ કેક ઉંદરના દર નજીક મૂકવાથી સારૂ નિયંત્રણ મળે છે.
  • પક્ષીઓથી થતા નુકશાન નિવારવા માટે વહેલી સવારે તેમજ સાંજના સમયે પક્ષીઓ ઉડાડવા માટે ખાસ માણસ રાખવો હિતાવહ છે.

શ્રી અરવિંદ બી. પરમાર,

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેથલી, તા.માતર, જી.ખેડા., ફોન : ૦ર૬૯૪-ર૯૧રપર, ૯૯૭૯૭૨૮૧૯૩

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate