অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઉનાળુ મગની વૈજ્ઞાનિક ખેતી અપનાવો

ઉનાળુ મગની વૈજ્ઞાનિક ખેતી અપનાવો

મગ એ કઠોળ વર્ગનો ટુંકા ગાળામાં પાકતો પાક હોવાથી ઘનિષ્ઠ પક પદ્ધતિમાં તેનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે અને પિયતની પૂરતી સગવડતા રહેલી હોય ત્યાં બહુલક્ષીય પાક પદ્ધતિમાં ઉનાળુ ઋતુ દરમ્યાન પાકને અગ્રિમતા આપવામાં આવે છે.

મગનો પાક ચોમાસુ અને ઉનાળુ એમ બન્ને ઋતુમાં લેવામાં આવે છે. ચોમાસામાં મુખ્યત્વે ઓછા વરસાદવાળા અને હલકી જમીનમાં તેમજ આંતરપાક તરીકે લેવામાં આવતો હોવાથી પ્રમાણમાં ઉત્પાદન ઓછું મળે છે જ્યારે ઉનાળુ ઋતુમાં પિયતની પૂરતી સગવડતા હોવાથી અને વાતાવરણ અનુકુળતાની સાથે સાથે રોગ અને જીવાતનો ઉપદ્રવ પણ ઓછો આવતો હોવાથી સરેરાશ ૧૨00 થી ૧૫૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર ઉત્પાદન મેળવી શકાય છે. ઉનાળુ મગનું વાવેતર મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, વડોદરા, ખેડા અને આણંદ જીલ્લાઓમાં વિશેષ થાય છે. તદ્ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ વત્તા-ઓછા પ્રમાણમાં ઉનાળુ મગની ખેતી થાય છે.

મગની આધુનિક ખેતી કરવા માટે અગત્યના મુદ્દાઓ :

જમીનની પસંદગી તથા જમીનની તૈયારી :

મગનું વધુ ઉત્પાદન લેવા માટે જમીનમાં સેન્દ્રિય તત્વો પુરતા પ્રમાણમાં હોવા જરૂરી છે. ચોમાસુ પાકની વાવણી વખતે છાણિયું ખાતર ન નાંખી શકાયું હોય તો ઉનાળાની ઋતુ પહેલા હેકટરે ૧૦ ટન સારું કહોવાયેલું છાણિયું ખાતર નાખી બે થી ત્રણ વખત ખેડ કરવાથી છણિયું ખાતર જમીનમાં બરાબર મિશ્ર થશે જેથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે, સાથે સાથે ભેજ સંગ્રહ શક્તિ વધે છે.

ગોરાડુ તેમજ ડાંગરની ક્યારીની જમીન કે જેમાં સેન્દ્રિય તત્વ વધારે હોય તેવી જમીન મગના પાક માટે પસંદ કરવી જોઈએ. વધારે પડતી રેતાળ અને જે જમીનનો પી.એચ. આંક ઊંચો હોય તેવી જમીન અનુકૂળ આવતી નથી. જે જમીનમાં ગંઠવા કૃમિનો ઉપદ્રવ હોય તે જમીનમાં ઉનાળુ ઋતુમાં મગનો પાક સારો થતો નથી.

બીજ અને બીજ માવજત :

એક હેકટર જમીનમાં વાવણીયાથી ઓરીને વાવતેર કરવા ૧૫-૨૦ કિ.ગ્રા. જયારે પંખીને વાવણી કરવા માટે ૨૨૫ કિ.ગ્રા. હેકટરે બીજની જરૂર રહે છે. જમીન અને બીજજન્ય રોગોથી પાકને બચાવવા તથા એકમ વિસ્તારમાં છોડની પૂરતી સંખ્યા જળવાઈ રહે તે માટે થાયરમ અથવા બાવિસ્ટીન ફુગનાશક દવાનો ૩.૦ ગ્રામ પ્રતિ કિલોગ્રામ પ્રમાણે પટ આપવો.

કઠોળપાકમાં રાઈઝોબિયમ બેકટેરીયલ કલ્ચરનો પટ આપવો :

કઠોળપાકના મૂળમાં વાવણી પછી ૨૦ થી ૨૫ દિવસે રાઈઝોબિયમ જીવાણુ મારફત મૂળચંડિકાઓ બનવાની શરૂઆત થાય છે. આ ગ્રંડિકાઓ દ્વારા હવામાં રહેલ નાઈટ્રોજન રાઈઝોબિયમ જીવાણુ મારફત છોડનું ખોરાક માટે જરૂરી નાઈટ્રોજનમાં રૂપાંતર અને સ્થાયીકરણ થાય છે. પરિણામે છોડની વૃદ્ધિ અને વિકાસમાં નોંધપાત્ર વધારો થાય છે.

રાઈઝોબિયમ કલ્ચર એ એક પ્રકારનું બાયો ફર્ટિલાઈઝર છે, જે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે છે અને જમીનની ફળદ્રુપતા વધારે છે. મગના પાક માટે ભલામણ કરવામાં આવેલ રાઈઝોબિયમ કલ્ચર મેળવી, ફૂગનાશક દવાનો પટ આપ્યા બાદ કલ્ચરની માવજત આપવી. કલ્ચરની માવજત આપવા માટે ૫ મિ.લિ. પ્રતિ કિ.ગ્રા. બિયારણ દીઠ પટ આપવાની ભલામણ છે.

મગની વિવિધ જાતો

વિશેષતાઓ

કે-૭૫૧

મગ ગુજરાત-૪

મેહા

ગુજરાત-આણંદ

મગ-૫

છોડ પર ડાળીની સંખ્યા

૩.૦

૩.૦

૩.૫

૩-૪

પ્રતિ છોડ શીંગની સંખ્યા

૪૦

૩૫

૪૫

૩૦ થી ૪૦

શીંગની લંબાઈ (સે.મી.)

૭.૭

૭.૮

૬.૬

૯.૦

પાકના દિવસો

૬૫ થી ૭૦

૬૦ થી ૬૫

૬૫ થી ૭૦

૬૦ – ૬૫

દાણાનો રંગ

ચળકતો લીલો

ચળકતો લીલો

ચળકતો લીલો

ચળકતો લીલો

૧૦૦ દાણાનૂં વજન

૩.૭૦

૪.૧૪

૩.૬૦

૫.૧૦

દાણાનું કદ

મધ્યમ

મોટું

મધ્યમ

મોટું

અંદાજીત ઉત્પાદન (કિ.ગ્રા./હે.)

૧૦૦૦-૧૨૦૦

૧૨૦૦-૧૪૦૦

૧૨૦૦-૧૫૦૦

૧૫૦૦-૧૭૦૦

પ્રોટીનના ટકા

૨૨.૨૩

૨૨.૩૦

૨૨.૩૦

૨૪.૫૦

ખાસિયત

ઉનાળા તથા ચોમાસામાં વાવેતર માટે ભલામણ છે. શીંગો એકસાથે પાકે છે. ઉનાળામાં પચરંગીયાનો રંગ વધુ પ્રમાણમાં આવે છે.

ઉનાળા તથા ચોમાસામાં વાવેતર માટે ભલામણ છે. શીંગો એકસાથે પાકે છે.

ઉનાળામાં પચરંગીયાનો રંગ વધુ પ્રમાણમાં આવે છે.

ઉનાળા તથા ચોમાસામાં વાવેતર માટે ભલામણ છે. શીંગો એકસાથે પાકે છે. એક કરતા વધુ ફાલ આવે છે. પચરંગિયાના રોગ સામે સંપુર્ણ પ્રતિકારક શક્તિ ધરાવે છે.

ઉનાળા તથા ચોમાસામાં વાવેતર માટે ભલામણ છે. પચરંગિયાના રોગ સામે સંપુર્ણ પ્રતિકારક શક્તિ ધરાવે છે.

વાવેતર સમય :

ઉનાળુ મગનું વાવેતર ૧૫ ફેબ્રુઆરી થી ૧૫ માર્ચ સુધીના સમયગાળા દરમ્યાન કરવાથી વધુ ઉત્પાદન મળે છે.

વાવણી અંતર :

ઉનાળુ મગનું વોતર બે ચાસ વચ્ચે ૩૦ સે.મી. અંતર રાખી કરવાથી એકમ વિસ્તારમાં છોડની પૂરતી સંખ્યા જળવાઈ રહે છે અને સરવાળે સારું ઉત્પાદન મળે છે. કયારીની જમીનમાં રવી પાકની કાપણી પછી ઢેફા હોય અને વાવણીયાથી વાવણી થઈ શકે તેમ ન હોય ત્યારે બીજ પુંખીને વાવણી કરવી. આ માટે વધારે બીજનો દર વધારે રાખવો.

ખાતર :

વાવણી સમયે રાસાયણિક ખાતર પ્રતિ હેકટરે ૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ ચાસમાં ઓરીને આપવું. તઉપરાંત હેકટરે ૨૦ કિલો સલ્ફર આપવાથી મગનું ઉત્પાદન વધુ મળે છે અને પ્રોટીનનું પ્રમાણ વધવાથી ઉત્પાદનની ગુણવત્તા પણ સુધરે છે. મગના પાકને કોઈપણ સંજોગોમાં વધારે નાઈટ્રોજન યુકત ખાતર આપવું નહીં. વધારે નાઈટ્રોજનથી છોડની વાનસ્પતિક વૃદ્ધિ થાય છે, પ્રમાણમાં ફૂલ મોડા આવે છે અને ઉત્પાદન ઓછું મળે છે.

પિયત વ્યવસ્થા :

મગનું વાવતેર ઓરવણ ર્યા પછી વરાપ થયેથી કરવું. પ્રથમ પિયત જમીનમાં પ્રત પ્રમાણે ખેંચાવા દઈ ૨૫ થી ૩૦ દિવસે ફૂલની શરૂઆત થયા પછી આપવું. ફૂલ આવવાની શરૂઆત પહેલા વધુ પડતો ભેજ અને નાઈટ્રોજનની વધારે લભ્યતા છોડની એકલી વાનસ્પતિક વૃદ્ધિ કરે છે. જમીન હલકી હોય તો ૨૦ દિવસે પિયત આપવું અને ત્યાર પછી ૧૦ થી ૧૫ દિવસના અંતરે ૩ થી ૪ પિયતની જરૂર પડે છે. જયારે મગનું વાવેતર કોરામાં કરેલ હોય તો પ્રથમ પિયત વાવેતર કર્યા બાદ તુરત જ અને ત્યારબાદ બીજુ પિયત પ દિવસે સારા ઉગાવા માટે આપવું અને ત્યારબાદ ફૂલ આવવાની શરૂઆત થયેથી ૧૫ દિવસના અંતરે ૪ પિયત આપવાથી સારું ઉત્પાદન મળે છે.

નીદણ નિયંત્રણ :

છોડની વૃદ્ધિ અને વિકાસ માટે જમીનમાં રહેલા જરૂરી પોષક તત્વો અને ભેજ તેમજ હવામાં રહેલ નાઈટ્રોજન, પ્રાણવાયુ અને અંગારવાયુ તેમજ પ્રકાશનું નીંદામણ દ્વારા બિનજરૂરી શોષણ ન થાય તે માટે પાકને પ્રથમ ૩૦ દિવસ સુધી નીંદણમુક્ત રાખવો જોઈએ, જેથી પાક સાથેની નીંદણ હરિફાઈથી પાકને બચાવી શકાય છે. આ માટે પાકમાં આંતરખેડ કરી ત્યારબાદ એક થી બે નીંદામણ મજૂરો દ્વારા કરાવવા જોઈએ.

મજૂરોની અછત હોય ત્યારે અને હાથ વડે અથવા આંતરખેડ વડે નીંદામણ શક્ય ન હોય તો હેક્ટરે ૧.૫ કિ.મા. પેડીમિથાલીન નીંદણનાશક દવા વાવેતર ક્ય પછી અને બીજના ઉગાવા પહેલા પ0 લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવાથી નીંદણ નિયંત્રણ સારી રીતે થઈ શકે છે.

પાક સંરક્ષણ :

મોલો-મશી,તડતડીયા તથા સફેદ માખી :

આ જીવાતનો ઉપદ્રવ મગના પાકમાં શરૂઆતની અવસ્થાએ જોવા મળે છે. આ જીવાતો છોડમાંથી રસ ચૂસીને નુકસાન કરતી હોવાથી તેની નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવા જેવી કે ડાયમીથોએટ ૦.૩ ટકા અથવા ફોસ્ફામીડોન અથવા મથાઈલ ઓ ડીમેટોન ૦.૦૪ ટકા પ્રમાણે પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.

શીંગો કોરી ખાનારી લીલી ઈયળ

આ જીવાતનો ઉપદ્રવ પાકમાં ઈંગો બેસે ત્યારે જોવા મળે છે. આ જીવાત શીંગમાં રહેલ દાણાને નુકસાન કરતી હોવાથી તેનું નિયંત્રણ તાત્કાલિક અને અસરકારક થાય તે જરૂરી છે. તેના નિયંત્રણ માટે મોનોક્રોટોફોસ જંતુનાશક દવા ૦.૦૪ ટેકાના દ્રાવણનો ૧ થી ૨ વખત છંટકાવ કરવો.

પાનનો પીળો પચરંગીયો (ચલો મોઝેક) :

કઠોળપાકોમાં અને ખાસ કરીને મગમાં આ રોગનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. આ રોગ વાયરસથી થતો અને ચૂસિયાં પ્રકારની જીવાતથી પાકમાં પ્રસરતો હોય છે. ઉનાળુ ઋતુમાં વવાતી મગની જાતો જેવી કે-૮૫૧ અને ગુજરાત મગ-૪ માં છેલ્લા કેટલાક વર્ષથી આ રોગ વધારે પ્રમાણમાં આવતો જણાયેલ છે. ગુજરાતમાં વાવેતર કરાતી જાતો પૈકી કોઈપણ જાત આ રોગ સામે પ્રતિકાર શક્તિ ધરાવતી નથી એટલે આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા વર્ષ ૨૦૧૫માં પીળા પચરંગીયા રોગ પ્રતિકારક જાત ગુજરાત આણંદ મગ-૫ | બહાર પાડવામાં આવેલ છે જે સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને ઉનાળુ વાવતેર માટે અનુકૂળ જણાયેલ છે તેમ છતાં ચોમાસુ ઋતુમાં પણ તેનું વાવેતર કરી શકાય છે.

કાપણી :

મગના પાકમાં છોડ પર મોટા ભાગની શીંગો પાકીને અર્ધ સૂકાયેલ જણાય ત્યારે સવારના સમયમાં પાકી શીંગોની એક થી બે વીણી કરવી. છેલ્લી વીણીની જરૂર ન હોય અથવા બધી શીંગો એક સાથે પાકી જાય તેમ હોય તો છોડની કાપણી કરી ખેતરમાં પાથરા કરી સૂકાવા દઈ | ખળામાં પગર કરી અથવા થ્રેસરથી મગના દાણા છૂટી પાડવા.

સ્ત્રોત :શ્રી વી. વાય. પટેલ, ડૉ. આર. પી. કાચા, ડૉ. એ. એસ. પટેલ, કૃષિ સંશોધન કેન્દ્ર (પિયત પાકો), આણંદ કૃષિ યુનિવર્સિટી, ઠાસરા જી. ખેડા

કૃષિ ગોવિદ્યા , ફેબ્રુઆરી – ૨૦૧૯  વર્ષ : ૭૧ અંક : ૧૦ સળંગ અંક : ૮૫૦

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/9/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate