অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પશુપાલનમાં પાણીનું મહત્વ

પશુપાલનમાં પાણીનું મહત્વ

પ્રસ્તાવના

" જળ એજ જીવન " પાણીએ શરીરની અનિવાર્ય જરૂરીયાત છે. પાણીએ મહત્વનું જીવન રક્ષાક તત્વ છે. તેના વગર જીવન શકય નથી. ભુખ કરતા પાણીની તરસથી પ્રાણી વધુ પીડાય છે. શરીરમાં રહેલા ઘટકો જેવા કે ચરબી, પ્રોટીન, કાર્બોદિત પદાર્થો વગેરે અડધા ભાગના ગુમાવવા છતાં પ્રાણી જીવી શકે છે. પરંતુ શરીરમાં ૧૦ ટકા પણ પાણી ઓછુ થાય તો પશુ બેચેની, ધ્રુજારી અને નબળાઈ અનુભવે છે. તથા ર૦ ટકા પાણી ઓછું થાય તો પશુનું મૃત્યુ થવાની સંભાવના પણ રહે છે.

શરીરના નિભાવ માટે પાણીની ખુબજ જરૂરીયાત છે. તેમ પશુઓમાં દુધ ઉત્પાદનમાં પણ પાણીની ખુબજ અગત્યતા રહેલી હોય છે. પરંતુ ખેડુત મિત્રો આ વાતથી વાકેફ ન હોવાથી તેઓ મોટા ભાગે પશુઓને દિવસમાં એક કે બે વખત અનિયમિત પાણી આપતા હોય છે. તથા દુધાળ પશુઓને માટે પાણીની ખાસ વ્યવસ્થા કરતા નથી. વધુમાં કોઈ પશુપાલનના તજજ્ઞ દિવસ દરમિયાન છ-સાત વાર પાણી પિવડાવવાની સલાહ આપેતો ફકત બે-ત્રણ દિવસ પ્રયત્ન કરે છે. પરંતુ જાનવરોને દિવસ દરમિયાન એક-બે વારજ પાણી પિવડાવવાની પ્રણાલી પડેલ હોવાથી શરૂઆતના દિવસોમાં એક-બે વાર જ પાણી પિવે છે. અને ખેડૂત કંટાળીને જૂની પ્રણાલી ચાલુ કરી દે છે. પરિણામે પશુ આહારમાં ખુબજ ખર્ચ કરતા હોવા છતા પાણીના વ્યવસ્થાપનને અભાવે દુધ ઉત્પાદન જેટલું જોઈએ તેટલુ વધારી શકાતું નથી. પરંતુ જો થોડાક દિવસ સુધી આ પ્રયત્ન કરવામાં આવે તો પશુ દિવસ એકથી વધુ વાર પાણી પીવાનું ચાલુ કરી દે છે. તો આજ આપણે સૌ દુધ ઉત્પાદનમાં પાણીનું શું મહત્વ છે તે વિશે જાણીએ.

શરીરમાં પાણીની અગત્યતા

દુધ ઉત્પાદનમાં પાણીનું મહત્વ જાણવા માટે સૌપ્રથમ શરીરમાં પાણીનું શું મહત્વ છે તે વિશે જાણવું જરૂરી બને છે. શરીરનો મોટો ભાગ પાણીનો બનેલો હોય છે. શરીરમાં ૭૦-૭૫ ટકા પાણી રહેલું હોય છે. શરીરમાં ચાલતી કોઈ પણ ચયાપચયની ક્િરયામાં પાણી ખુબજ જરૂરી છે. પાણી શરીરમાં વિવિધ ભાગોમાં ઉજણ અને સફાઈનું કાર્ય કરે છે. શરીરના કોષોને સ્થિતિ સ્થાપકતા અને સખતાઈ પાણી આપે છે. શરીરમાં આંતરડામાંથી પાચન ધ્વારા અગત્યના તત્વોના શોષાણમાં અને ચયાપચયની ક્રિયાને અંતે ઉદભવતા નકામાં તત્વોના ઉત્સર્જન માટે પાણી વહનના માધ્યમ તરીકે કામ કરે છે. શરીરમાં આસૃતિ દાબ જાળવવાનું કામ પાણી કરે છે. જો આ દાબ જળવાઈ ન રહે તો શરીરના કોષો ફુલીને ફાટી જાય છે. અથવા તો ચીમળાઈ જાય છે. અને તેની કાર્યક્ષામતા ગુમાવતા પશુનું ઉત્પાદન ઓછુ થાય છે. અને વધારે વિષમ પરિસ્થિતિમાં પશુનું મૃત્યુ પણ નીપજી શકે છે. ગરમીની ઉચ્ચ ઘનતાને લીધે ગરમીનું શોષણ કરીને, ઉચ્ચ ગુપ્ત ગરમીના સંગ્રહના ગુણથી ફેફસાં તથા ચામડી દ્વારા બાષ્પીભવનથી વધુ ગરમી ગુમાવીને તથા એક સરખી ગરમી વહન કરવાના ગુણને લીધે પાણી શરીરના તાપમાનનું નિયમન કરે છે. ઓકિસજન જલદ વાયુ છે. જે શરીરમાં રહેલા પાણી ધ્વારા ઓકિસજનની જલદતા ઓછી થતાં તે ફેફસાંમાં શોષવા સક્ષમ બને છે. આમ શ્વાસો શ્વાસમાં પણ પાણી ઉપયોગી નીવડે છે. સરળતાથી હાઈડ્રોજન અને હાઈડ્રોકસીલ આયન ગુમાવવાને લીધે પાણી ઘણાં રસાયણોના બંધારણ બનાવવામાં ઉપયોગી બને છે. ખોરાક ચાવવામાં અને કોળીયો બનાવવામાં પશુને પાણીની જરૂર પડે છે. ચામડી, શ્વાસોશ્વાસ, મુત્રપિંડ અને આંતરડા દ્વારા નકામા પદાર્થોના નિકાલ ધ્વારા તે શરીરની પ્રતિકારક ક્ષામતા જાળવી રાખે છે. જલીય વિઘટન (હાઈડ્રોલાયસીસ) માં સંકળાયેલ ઉત્સકચકો ધ્વારા પાણી રાસાયણિક પ્રક્િરયામાં મદદ કરે છે. શરીરના જુદા જુદા ભાગોમાં પોષક તત્વોના વહન અને શોષાણમાં પાણી અગત્યનો ભાગ ભજવે છે. આંખના ડોળામાં પ્રકાશના પ્રતિબિંબના માધ્યમ તરીકે પણ પાણી કાર્ય કરે છે.

દુધ ઉત્પાદન અને પાણી :

પાણીની આપૂર્તિને લીધેજ શરીર પોતાના કાર્યોને સારી રીતે બજાવે છે. પ્રાણીના લોહીમાં ૮૦ થી ૮૩ ટકા પાણી, સ્નાયુમાં ૭૦ થી ૭૫ ટકા પાણી તથા દુધમાં ૮૦-૮૫ ટકા પાણી રહેલું હોય છે.

દુધ ઉત્પાદનમાં પાણીનું મહત્વ જાણવા માટે સૈ પ્રથમ દુધ બનવાની ક્રિયા સમજવી અગત્યની છે. ગાય - ભેંસના આઉમાં દુધ સ્ત્રાવી ગ્રંથીઓ આવેલી છે. આ ગ્રંથી એક બાજુથી શુધ્ધ લોહી લાવતી ધમની સાથે સંકળાયેલી હોય છે જયારે બીજી બાજુ અશુધ્ધ લોહી લઈ શીરાઓ સાથે સંકળાયેલી હોય છે.

આઉમાં આ ધમની અને શીરાઓ નાની નાની વાહીનીઓમાં પરિણમી ખુબજ ઝીણી જાળી જેવું માળખું બનાવે છે. તથા જયારે દુધ દોહવાનો સમય થાય ત્યારે ધમનીમાંથી લોહી વહી આઉમાંથી ખુબજ ઝડપથી પસાર થાય છે. તથા ઓકિસટોસીન અંતસ્ત્રાવની મદદથી લોહીમાંથી દુધ આઉમાં સ્ત્રવવાની ક્િરયા થાય છે. આમ લોહી તથા દુધ બંનેમાં ૮૦-૮૫ ટકા પાણી રહેલ છે. જે દર્શાવે છે કે દુધ ઉત્પાદનમાં પાણી ખુબજ અગત્યનો ભાગ ભજવે છે. જો પ્રાણી શરીરને પુરતુ, સ્વચ્છ અને સમયસર ન મળે તો સ્વાભાવિક રીતે દુધ ઉત્પાદન ઘટે છે.આથી જો પશુને ફકત દોહવાના અડધા કલાક પહેલા પાણી આપવામાં આવે તો પણ દૂધ ઉત્પાદન પ-૧૦ ટકા જેટલુ વધારી શકાય છે.

ઉપરાંત દુધએ પણ પાણીમાં ઓગળેલ વિવિધ ઘટકો જેવાકે ફેટ, લેકટોઝ, કેલ્સિયમ કેસીનેટ ફોસ્ફટ, વિટામીન અને મીનરલનું દ્રાવણ જ છે. આથી આ દ્રવ્યોનું સપ્રમાણ મિશ્રણ થાય તે માટે તેમજ દુધ ઉત્પાદન જાળવી રાખવા માટે પાણી ખુબજ જરૂરી છે.

દુધ ઉત્પાદન અને પાણીની જરૂરીયાત :

દુધ આપતી ગાયોને પાણીની જરૂરીયાત સૌથી વધુ હોય છે. દુધાળ ગાયને દરરોજ ૨૫ થી ૩૦ લીટર પાણી શરીરના નિભાવ માટે જરૂરી હોય છે. આ ઉપરાંત દુધ ઉત્પાદન માટે પ્રત્યેક લિટર દુધ દીઠ ચાર લીટર પાણીની જરૂરીયાત હોય છે. આથી એક ગાય જો દિવસનું ૧૫ લીટર દુધ આપતી હોય તો તેને દિવસનું ૬૦ લીટર પાણી શરીરના નિભાવ ઉપરાંત જરૂરી બને છે. આમ કુલ ૮૦ થી ૯૦ લીટર પાણીની જરૂરી છે. મોટા ભાગે ખેડુતો ગાય - ભેસને દિવસમાં શિયાળામાં બે વાર અને ઉનાળામાં ત્રણ વાર પાણી આપતા હોય છે. આથી પશુને પોતાની જરૂરીયાત સંતોષવા માટે એકી સાથે ર૦-થી ૧૦ લિટર પાણી એકી સાથે પીવુ પડે છે. અને પાણી આટલી માત્રામાં એકી સાથે વધુ પીવાથી પશુ સુસ્ત બની જાય છે અને એક બે કલાક સુધી વાગોળવાનું પણ બંધ કરી દે છે. જે પશુની કાર્યક્ષામતા પર માઠી અસર પહોચાડે છે, પરિણામે દૂધ ઉત્પાદન ઘટે છે.

આથી આ સમસ્યા ન સજરાય તે માટે ગાય-ભેસને શિયાળામાં ચાર વાર તથા ઉનાળામાં શકય હોય તો દિવસ દરમિયાન દર બે કલાકે અથવા ૬થી ૭ વાર પાણી આપવું જોઈએ અને જો શકય હોય તો અત્યારના આધુનિક સમય મુજબ પાકી ગમાણ બનાવી ર૪ કલાક પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ જેથી પશુ જરૂરીયાત મુજબ પાણી પી શકે.

આ ઉપરાંત પ્રાણીઓને નવડાવવા, ગમાણ, શેડ તથા સાધનોની સાફસુફી માટે ગાય દીઠ ૫૦ થી ૭૦ લીટર પાણીની જરૂરીયાત રહે છે. એટલે કુલ મળી દુધાળ ગાય દીઠ ૧૦૦ થી ૧૧૦ લીટર અને ભેંસ દીઠ ૧૩૦ થી ૧૫૦ લીટર પાણીની દૈનિક જરૂરીયાત રહે છે. વાતાવરણના તાપમાનના પ્રમાણમાં ખોરાકના પ્રતિકિલો સુકા દ્રવ્યો દીઠ વાછરડામાં ૭ થી ૮ કીલો, પુખ્ત ગાયોમાં ૩.૫ થી ૪.૭ કીલો અને અને ગાભણ ગાયોમાં ૫.૨ થી ૭.૦ કિલો પાણીની જરૂરીયાત રહે છે. ઘેટાં-બકરાંને પ્રતિદિન ૧૦ થી ૧૨ લીટર, ઉંટને પ્રતિદિન ૨૮ થી ૩૫ લીટર તથા ઈડાં આપતી મરઘીને પ્રતિદિન ૮૦ થી ૧૦૦ મી.લી. પાણીની જરૂરીયાત રહે છે. ઉનાળાની ગરમીમાં થતા તણાવને ઘટાડવા ગાયો, ભેંસો પર પાણીનો છંટકાવ કરવા તેમજ ભેંસના માટેના કૃત્રિમ તળાવો માટે પણ પાણીની વ્યવસ્થા કરવી પડે છે. પક્ષાડીઓને પણ ઉનાળામાં પાણીનો છંટકાવથી તેમના રહેણાંકની જગ્યા ઠંડકવાળી બનાવવી અતિ આવશ્યક છે. શરીર પણ પાણીના નિયમિત છંટકાવથી ઉનાળામાં પશુઓનું દૂધ ઉત્પાદન, પ્રજનન અને તંદુરસ્તી જળવાઈ રહે છે. શરીરમાં પાણીની જરૂરીયાતનો આધાર તેની ઉંમર તથા શરીરનું કદ, ઓલાદ વાતાવરણમાં પ્રસ્થાપન (એડપ્ટેશન) કામગીરી (ચાલવું, કસરત, ખેતીના કાર્યોને ઋતુ તથા હવામાન, ભેજનું પ્રમાણ, ગર્ભાવસ્થા, ખોરાકનો પ્રકાર, દૂધ ઉત્પાદન, પાણીની સ્વચ્છતા તથા વ્યવસ્થા પર રહેલો છે. રોગને લીધે પાણી શરીરમાં ઓછું થઈ જાય તો પણ ઉત્પાદન ઘટી જાય છે અને પાણીનો જથ્થો શરીરમાં નિયમિત કરવો પડે છે. વધુ પડતું બીન જરૂરી પાણી શરીરમાં જાય તે પણ યોગ્ય નથી. તેનાથી રકતકણો તુટી જવાની શકયતા છે તેથી અંગારવાયુ, પ્રાણવાયુનું વહન ખોરંભે પડે છે. આવી પરિસ્થિતિમાં પશુના શરીરના કોષને પુરતા પ્રમાણમાં પ્રાણવાયુ ન મળવાથી અને અંગારવાયુનો નિકાલ ન થવાથી ખોરાકના ચયાપચન પર અસર થાય છે તેના કારણે પશુ ઉત્પાદન પર ઘણી માઠી અસર થાય છે. ફલોરાઈડની માત્રા વધારે હોય તેવું પાણી આપવાથી દાંત અને હાડકાના રોગ થાય છે તેથી પશુ ખોરાક લઈ શકતું નથી અને તેથી અપૂરતી શકિતને લીધે નબળુ પડે છે તથા ઉત્પાદન શકિત પણ ઘટે છે.

દુધાળ પશુઓમાં ખોરાક પાચન અને પાણીની જરૂરિયાત :

ગાય-ભેસને ખોરાક પાચન માટે ખોરાકમાં રહેલ પદાર્થનાં પ્રત્યેક કિલો શુષ્ક પદાર્થ દીઠ ૭ થી ૮ કીલો પાણીની જરૂરીયાત પડે છે. પશુઓમાં મોટા ભાગે લીલા ઘાસચારાના અભાવને કારણે પશુ માલીકો સુકો ઘાસચારો વધુ પ્રમાણમાં ખવડાવતા હોવાથી વધુ પાણીની જરૂરીયાત સર્જાય છે. તદ ઉપરાંત પશુ માલિકો પશુને દાણ પણ સુકુ જ ખવડાવતા હોય છે. આથી પાણીની વધુ ઉણપ સર્જાય છે. આથી આવા દુધાળ પશુઓમાં પાણીની વધુ ઉણપ ના સજરાય તે માટે દાણને પાણીમાં પલાળીને એક કલાક બાદ દાણ ખવડાવવાથી દાણનું પાચન સુપેરે થાય છે તથા દુધાળ પશુઓને લીલો ઘાસચારો વધુ ખવડાવવો જોઈએ. કારણ કે પાણીની માત્રા લીલા ઘાસચારામાં વધુ હોવાથી તે સુપાચ્ય બને છે આમ કરવાથી દૂધ ઉત્પાદન વધારી શકાય છે.

દુધાળ પશુઓમાં વિયાણ વખતે તથા વિયાણ પછી પાણી વ્યવસ્થાપન અંગે ખાસ કાળજી

પશુના જીવનમાં ખુબજ તણાવ યુકત તબકકો એ વિયાણ સમયનો તથા ત્યાર બાદના શરૂઆતના દિવસોનો હોય છે. આ સમયે ગર્ભાશયમાં બચ્ચાનો ઝડપી વિકાસ થાય છે. તથા વિયાણ / પ્રસુતિ પણ ખુબજ કષ્ટદાયક હોય છે. ઉપરાંત વિયાણ પહેલા પશુ દુધ આપતુ નથી પરંતુ વિયાણની સાથે દિવસનું ૪-૫ લિટરથી ૧૦-૧૫ લિટર (ઓલાદ પ્રમાણે) દુધ આપવાનું ચાલુ કરે છે. આથી દૂધ ઉત્પાદન માટે પાણીની એકદમ જરૂરીયાત સજરાય છે. વિયાણ સમયે પણ ગર્ભાશયમાં રહેલ પાણી એકી સાથે શરીરમાંથી બહાર વહી જાય છે. ઉપરાંત ગર્ભાશયમાં ઉદભવતા નકામાં દ્રવ્યોના નિકાલ માટે પણ પાણી ખુબજ અગત્યનો ભાગ ભજવે છે.

આથી વિયાણ સમયે પશુને જરૂર મુજબ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. ઉપરાંત વિયાણ પછીના શરૂઆતના દિવસોમાં પણ પાણી પુષ્કળ પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

વધુમાં ખેડુતોને એક ખાસ માર્ગદર્શન આપવાનું કે જે ઉનાળામાં ચાર મહિના બળદ બેસી રહે અને ત્યાર બાદ ચોમાસામાં તેને હળે જોતવામાં આવે તે તેના શરીરમાં શકિતની ઉણપ સજર્ગય છે તથા થાક લાગે છે. તેમ ગાય - ભેસ પણ ગર્ભકાળના છેલ્લા તબકકામાં દુધ આપતા હોતા નથી પરંતુ વિયાણ પછી એકી સાથે વધુ પ્રમાણમાં દુધ આપવાનું ચાલું કરે છે. સાથે સાથે આ સમયે પ્રસુતિને કારણે શરીર કમજોર થતુ હોવાથી પાચન ક્િરયા પણ મંદ પડે છે. આથી ખાસ આ સમયે ખાસ કરીને જાનવરને પીવડાવવામાં આવતા પાણીમાં શરીરને જરૂરી સંવેદી ક્ષારો ઉમેરવામાં આવે તો શરૂઆતના તબકકાનો તણાવ દુધ કરી દુધ ઉત્પાદન ઝડપથી વધારી શકાય છે.

આ માટે તાજી વિયાયેલ ગાય ભેસને દૈનિક એક વાર ૨૦૦ ગ્રામ ગોળ ઓગાળેલ પાણી પીવડાવવું જોઈએ. જેથી કેલ્શિયમની ઉણપ નિવારી શકાય તેમજ પુષ્કળ પ્રમાણમાં ગ્લોઝ આપી શકાય. તથા દિવસમાં એકવાર ૫૦ ગ્રામ ખાવાના સોડા (ખારો, સોડા - બાયકાર્બોનેટ) નું દ્રાવણ આપવું જોઈએ. આમ કરવાથી પશુને ખોરાક ઓછો પચતો હોવાથી ઓછી માત્રામાં લે તો પણ ચાલે તથા વિયાણ પછી સમસ્યાઓ જેવી કે વિયાણનો તાવ દુધિયો તાવ, શરદી, ક્ષુકોઝના ઉણપથી સર્જાતી ખામી કીટોસીસ તથા ખોરાક ખવડાવાથી અપચો અને એસિડોસીસ જેવી બિમારીઓ નિવારી દુધ ઉત્પાદન વધારી શકાય છે તથા પશુ એક મહીને મહતમ દૂધ ઉત્પાદન પર આવવાની જગ્યાયે તેના કરતાં ઓછા દિવસે દૂધ ઉત્પાદન પર આવી શકે

પાણી પીવાનું આવર્તન તથા વ્યવસ્થા :

પશુ ઈચ્છે ત્યારે તેને પાણી મળી રહે તેવી વ્યવસ્થા થવી જોઈએ. પાણી સંગ્રહની ક્ષામતા ઉચ્ચ દૂધ ઉત્પાદન ધરાવતાં પ્રાણીઓમાં મર્યાદિત હોવાથી તેમને મર્યાદિત માત્રામાં પાણી (એક કે બે વખત) આપવાથી દુધ ઉત્પાદન તથા ફેટની ટકાવારીમાં માઠી અસર પડે છે. તુ પ્રમાણે ત્રણ થી ચાર વખત પાણી પાવું જોઈએ. ગમાણમાં ખોરાક નિરણની બાજુમાં બકનળીના સિધ્ધાંત મુજબ પાણીની કુડીમાં ચોવીસે કલાક પાણી આપવાથી પશુના ઉત્પાદન તથા તંદુરસ્તીમાં વધારો થાય છે. હવાડામાં પાણી પાવાનું હોય ત્યારે પ્રત્યેક પશુ દિઠ ૬૦ લીટર પાણીની ક્ષમતાનો ખ્યાલ રાખીને હવાડાનું કદ નકકી કરવુ જોઈએ. હવાડામાં લીલ થતી અટકાવવા નિયમિત રીતે ચુનાથી કલર કરવાનું તથા ઘન મીટર પાણી દીઠ ૦.૭૭ ગ્રામ કોપર સલ્ફટ ઉમેરવાનું રાખવું જોઈએ. હવાડો છાંયડામાં હોવો જોઈએ અને ઉંચાઈ એટલી રાખવી જોઈએ કે તેમાં પ્રાણી પ્રવેશ કરી મળમૂત્ર કે પગની ખરીઓથી બગાડે નહિં.

આપણામાં માન્યતા છે કે પ્રાણીને તો ગમે તેવું પાણી ચાલે. પણ સાવધાન પ્રાણીને ગંદુ, અરૂચિકર, સખત પાણી આપવાથી તે રોગનો ભોગ બને તો આપણને તેની સારવારની કિંમત ચૂકવવી પડે છે. ફલોરાઈડ યુકત પાણીથી ફલોરોસીસ નામનો રોગ થાય છે. તેથી પ્રાણીને સ્વચ્છ, જંતુરહિત, ગંધરહિત તથા વિષમ દ્રવ્યો રહિત તેમજ બાહય / આંતરીક પરોપજીવીની પ્રદુષણથી મુકત પાણી આપવું જોઈએ. ગ્રહણ કરી શકાય તેવું પાણી હોય તો પશુ મુકતમને પાણી પીવે છે અને શરીરની ફિયાઓ સારી રીતે ચાલે છે પણ અગ્રાહય પાણીથી ઓછું પાણી પીવાને લીધે ઉત્પાદન તથા તંદુરસ્તી પર માઠી અસર થાય છે.

ગંદા ખાબોચીયાં, કાદવીયા તળાવ અને કુવાની આસપાસ રેલાતાં પ્રદુષીત પાણી જયારે પશુઓ ધ્વારા પીવામાં આવે ત્યારે તેઓ વિવિધ જાતના રોગોના ભોગ બને છે અને તેની ઉત્પાદકતા ઉપર માઠી અસર કરે છે. પ્રદુષીત પાણીથી ગોળકૃમિ, પટ્ટીકૃમિ અને યકૃતકૃમિ જેવા આંતરીક પરોપજીવીઓ પ્રાણીઓમાં આંતરડાં, યકૃત અને અન્ય અવયવોને નુકશાન પહોચાડે છે. ઝાડા, ગળસુંઢો, સફેદ મરડો જેવા રોગોના જીવાણુઓ પ્રદુષીત પાણી દ્વારા શરીરની તંદુરસ્તી જોખમાવે છે. રોટાવાયરસ, ખરવા મોવાસા જેવા વિષાણુજન્ય રોગો માટે પણ પાણી જવાબદાર છે. કેમીકલ્સ, સીમેન્ટ, જંતુનાશક દવાઓના કારખાનાનાં પ્રદુષીત પાણીથી પાણી શરીરમાં વિષાંકત દ્રવ્યો જેવા કે પારો, નાઈટ્રેટ, સીસું, તાંબુ અને એલ્યુમિનિયમ વિગેરે ધાતુઓ શરીરમાં જમા થવાથી પશુઓ ધીમા કમોતે મરણ પામે છે.

આથી માનવ સ્વાથ્યની જાળવણીની જેમ જ પશુઓના સ્વાથ્ય માટે સ્વચ્છ પીવાલાયક અને તંદુરસ્તી વર્ધક પાણીના ઉપયોગનો આગ્રહ રાખવો જોઈએ અને પાણી જીવનરક્ષક બને તેવા ઉપાયો કરવા જોઈએ. શુધ્ધ પાણી પશુને આપવાથી મનુષ્યને આરોગવા માટેના પ્રાણી જન્ય ખાધ ઉત્પાદન પણ શુધ્ધ મળે છે. આમ શુધ્ધ પાણી પશુને આપવાનો આગ્રહ જે પશુપાલકો રાખે તેઓ પોતાના પશુ ઉપરાંત સમગ્ર માનવ જાતિની તંદુરસ્તી રાખવામાં અમુલ્ય ફાળો આપે છે. આમ પાણી એ જીવન છે.

દુધાળ પશુઓમાં ગરમીની ઋતુમાં પાણી વ્યવસ્થાપન

શરીરમાં તાપમાનના નિયમન માટે પાણી ખુબજ જરૂરી છે. શરીરમાં બાષ્પી ભવન દ્વારા ગરમીનું નિયમન કરે છે. ગરમીની ઋતુમાં તાપમાનના નિયમન માટે બાષ્પીભવનને કારણે શરીરમાં પાણી ઘટે છે. પરિણામે તેની અસર દુધ ઉત્પાદન પર થાય છે. અને દુધ ઉત્પાદન ઘટે છે.

આથી આ સમસ્યા નિવારવા માટે દિવસમાં ઉનાળામાં ૬ - ૭ વાર પાણી આપવું જોઈએ ઉપરોકત બે થી ત્રણ વાર ગરમીના કલાકો દરમિયાન પાણીનો છંટકાવ કરવો જોઈએ. પ્રયોગોને આધારે સાબિત પણ થયેલ છે કે ગરમીમાં બે ત્રણ વાર પાણીનો છંટકાવ કરવાથી દુધ ઉત્પાદન વધારી શકાય છે. ખાસ કરીને ભેંસોને પાણી સારુ લાગે છે.આથી દોહવાના અડધા કલાક પહેલા ગરમીના દિવસોમાં ભેંસો પર પાણીનો છંટકાવ કરવામાં આવે તો પણ દૂધ ઉત્પાદન વધારી શકાય છે. તથા ભેંસો દૂધ દોહવાના સમયે શાંત મને દૂધ આપે છે.

રેફરન્સ : ડો. જી. એમ. ચૌધરી, ડો. એચ. એચ. સવસાણી તથા ડો. રાજેશ કુમાર પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂ.કૃ.યુ., જુનાગઢ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/30/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate