હોમ પેજ / ખેતીવાડી / પશુપાલન અને ડેરી ઉદ્યોગ / પશુપાલનમાં રસીકરણ અને આરોગ્ય વ્યવસ્થાપન / પશુઆહારમાં રહેલ ખનિજતત્વો અને પશુઓ ઉપર તેની ઉણપથી થતી અસરો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પશુઆહારમાં રહેલ ખનિજતત્વો અને પશુઓ ઉપર તેની ઉણપથી થતી અસરો

પશુઆહારમાં રહેલ ખનિજતત્વો અને પશુઓ ઉપર તેની ઉણપથી થતી અસરો

પશુઆહાર અને પોષણ એ પશુપાલનનું એક અગત્યનું પાસું છે. પશુ ઉત્પાદનમાં કુલ ખર્ચના ૭૦ થી ૭૫ ટકા ખર્ચ પશુના ખોરાક પાછળ થાય છે. મોટા ભાગના પાલતુ પશુઓ જેવાકે ગાય, ભેંસ, ઘેટાં, બકરા વગેરે વાગોળતાં પશુ હોવાથી ઘાસચારો એ તેમનો કુદરતી ખોરાક છે. પશુ આહાર અને ઘાસચારાની ગુણવત્તા થતાં જથ્થો પશુઓના વિકાસ, ઉત્પાદન અને પ્રજનનને વિવિધ રીતે અસર કરે છે. પશુઓ તેમના વિકાસ, નિભાવ, દૂધ ઉત્પાદન, પ્રજનન તેમજ દૈનિક કાર્યો માટે જરૂરી પોષકતત્વો તેમણે આપવામાં આવતા પશુઆહાર અને ઘાસચારા મારફતે મેળવે છે. પશુઓને આહાર દ્વારા મળતા પોષક તત્વોમાં પ્રોટીન, કાર્બોદિત પદાર્થો, તૈલી પદાર્થો, પ્રજીવકો ઉપરાંત ખનિજતત્વો અગત્યના છે. જેમાંથી ખનિજતત્વોની જરૂરિયાત પશુઆહારમાં બહુજ અલ્પ પ્રમાણમાં હોય છે પરંતુ જો પશુઓના ખોરાકમાં તેનું પ્રમાણ ના જળવાય તો તેની ઉણપથી પશુઓમાં અનેક પ્રકારના રોગો થાય છે અને પશુઓના વિકાસ, ઉત્પાદન અને પ્રજનન ઉપર માઠી અસર કરે છે. ખનિજતત્વોના બે મુખ્ય પ્રકાર છે. એક મુખ્ય ખનિજતત્વો જેવાકે કેલ્શિયમ, ફૉસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઈડ, મેગ્નેશિયમ, ગંધક અને બીજા ગૌણ ખનિજતત્વો જેવાકે લોહ, તાંબુ, જસત, કોબાલ્ટ, મેંગેનીઝ, આયોડીન, સેલીનીયમ, ફ્લોરીન, મોલીન્ડેનમ, વગેરે અગત્યના ખનિજતત્વો છે. આ દરેક ખનિજતત્વો પશુઓને આપવામાં આવતા રોજીંદા આહારમાંથી પૂરતા પ્રમાણમાં મળી રહે તેની કાળજી રાખવી જોઈએ અને જો તે પૂરતા પ્રમાણમાં ના હોય તો ક્ષાર મિશ્રણ દ્વારા તે પૂરા પાડવા જોઈએ.

પશુઆહારમાં ખનિજતત્વોની જરૂરિયાત કેટલી છે, તે ક્યાં આહારમાંથી ઉપલબ્ધ થઈ શકે તેમ છે તથા ક્યાં આહારમાં તેની ઉણપ હોય છે તે અંગેની માહિતી ખુબજ ઉપયોગી થઈ શકે છે. સામાન્ય સંજોગોમાં પશુઆહારમાં કેલ્શિયમ, ફૉસ્ફરસ, સોડિયમ,

ક્લોરાઈડ, મેગ્નેશિયમ, ગંધક, લોહ, તાંબું, જસત, કોબાલ્ટ, મેંગેનીઝ, આયોડીન, સેલીનીયમ, ક્લોરીન, મોલીબ્દનમ વગેરેની ઉણપ અથવા તેનું વધારે પડતું પ્રમાણ વિશ્વના જુદા જુદા વિસ્તારોમાં જોવા મળે છે. માટે વિવિધ પ્રકારના પોષક માનકો (ફીડીંગ સ્ટાન્ડર્ડ) જેવા કે નેશનલ રીસર્ચ કાઉન્સીલ(અમેરીકા), એગ્રીકલ્ચરલ રીસર્ચ કાઉન્સીલ(યુ.કે.) વગેરેમાં આ ખનિજતત્વોની પશુઓની દૈનિક આહારમાં જરૂરિયાત વિષે ઉલ્લેખ કરેલ છે. ગુજરાત રાજ્યના પશુઆહારોમાં ખનિજતત્વોની પરિસ્થિતી જોતાં, જેના ઉપર વિશેષ ધ્યાન દોરવાની જરૂર છે એવા તત્વોની પશુઆહારમાં જરૂરિયાત કોઠા ન. ૧ માં દર્શાવેલ છે.

શરીરની નિયમિત દેહધાર્મિક ક્રિયાઓ માટે ખનિજતત્વો ખૂબ જ જરૂરી છે. ઉપર જણાવેલ તત્વોમાંથી કોઈપણ તત્વની પશુઆહારમાં ઉણપ હોય તો જાનવરો ક્યારેક રોગના ચિન્હો દ્વારા પ્રદર્શિત કરે છે અથવા પોતાની જાતને ઉણપ સાથે અનુકૂલન કરી જીવે છે જેની અસર તેમના વિકાસ, ઉત્પાદન, પ્રજનન ઉપર જોવા મળે છે અને શરીના વિકાસ, ઉત્પાદન તથા પ્રજનનની ક્રિયાઓ પોતાની શક્તિ અનુસાર થતી નથી. આથી જ ખનિજતત્વો બહુજ ઓછી માત્રામાં જરૂરી હોવા છતાં જો તે પશુના આહાર કે ઘાસચારમાં પૂરતા પ્રમાણમાં ના હોય તો તેને લીધે ઉત્પાદન, પ્રજનન અને તદુરસ્તી ઉપર માઠી અસર થાય છે.

કોઠા નંબર ૧

જાનવર નો પ્રકાર

કેલ્શીયમ

ફૉસ્ફરસ

મેગ્ને

શિયમ

તાંબું

મેગેનીઝ

જસત

લોહ

*ટકાવારી

**પી.પી.એમ.

ધાવતા

વાછરડા

૦.૭.

0.૨૦

0.0૭

૧૦

૪૦

૪૦

૧૦૦

ઉછરતા

(૩ થી ૧૨ માસ)

૦.૫૦

૦.૩૧

૦.૧૬

૧૦

૪૦

૪૦

૫૦

દૂધાળા

જાનવર

૦.૭0.

૦.૪૮

0.૨૦

૧૦

૪૦

૪૦

૫૦

વસુકેલ જાનવર

૦.૩૯

૦.૨૪

૦.૧૬

૧૦

૪૦

૪૦

૫૦

પુખ્ત

વયના સાંઢ

૦.૩૦

૦.૧૯

૦.૧૬

૧૦

૪૦

૪૦

૫૦

ઘેટી

બકરીઓ

0.૫૦

૦.૨૭

૦.૧૫

૧૦

૪૦

૪૦

૫૦

* ગ્રામ/૧૦૦ ગ્રામ સૂકી માત્રા માં આહાર ** મિલિગ્રામ/કિલોગ્રામ સુકી માત્રા માં આહાર

પશુઆહાર અને ઘાંસચારમાં ખનિજતત્વોના પ્રમાણ પર કેટલાક પરીબળોની અસર થાય છે. જેવા કે જમીનનો પ્રકાર, છોડની જાત, વૃધ્ધિનું ધોરણ, ઉપજ, જળવાયુ અને ખાતરનો ઉપયોગ વગેરે. જમીનમાં રહેલ કુલ ખનિજતત્વોમાંથી છોડ બહુજ ઓછી માત્રામાં ખનિજતત્વો ગ્રહણ કરે છે. ખનિજતત્વોનું જમીનમાં પ્રમાણ, તેઓની જમીનમાં ઓગળવાની તેમજ તેમાંથી શોષણ કરવાની ક્ષમતા ઉપર આધાર રાખે છે. તેથી પશુઆહાર અને ઘાંસચારમાં ખનિજતત્વોના પ્રમાણનો સીધો સંબંધ જમીનના ગુણધર્મો સાથે છે. પશુઆહારમાં ખનિજતત્વોનું પ્રમાણ જાણવા માટે જમીનમાં રહેલ સુક્ષ્મ પોષકતત્વો, રૂતુવાર જુદા જુદા ઘાંસચારનાં પાકોમાં અને ખેતીની મુખ્ય અને આડ પેદાશ જેનો ઉપયોગ પશુઆહાર તરીકે થાય છે, તેમાં ખનીજ તત્વોનું પ્રમાણ જાણવું જરૂરી છે. મોટા ભાગના કડબ-પરાળ તથા અપ્રચલિત પશુઆહાર જેવાકે કેરીની ગોટલી, આંબલીના બીજ, બાવળના પરડાની ચૂની, ગાંડાબાવળની સીંગો, મકાઈના ડોડા, કપાસના કાલામાં ફૉસ્ફરસ, તાંબું અને જસતની ઉણપ હોય છે. આંબલીના બીજ, ફૂવાડિયાના નીજ, દેશીબાવળની સીંગો, મકાઈના ડોડામાં મેંગેનીઝની પણ ઉણપ જોવા મળે છે. મોટા ભાગે અપ્રચલિત પશુઆહારમાં લોહ પ્રચુર માત્રામાં ઉપલબ્ધ હોય છે.

પશુઓમાં વિવિધ ખનિજતત્વોની ઉણપને લીધે થતાં રોગો/અસરV ચિન્હો તેમજ ખનિજતત્વોના સ્ત્રોતો :

કેલ્શીયમ

ઉણપના ચિન્હો: ઉછરતા નાના બચ્ચા માં હાડકાઓ નો વિકાસ સારી રીતે ન થવો, લંગડું થઈ જવું, શરીર ની વૃદ્ધિ અટકી જવી, હાડકાઓ નું સહેલાઈ થી ભાગી જવું પુખ્ત વય ના પશુઓમાં થતાં રોગો - અસ્થિ મૃદુતા (હાડકાંમાં કેલ્શીયમની જરૂરી માત્રા જમા ન થવી જેથી હાડકાંમાં કેલ્શીયમનું પ્રમાણ ઘટી જવું), અસ્થિ તીવ્રતા (હાડકાં નરમ અને છિદ્રાળું બની જવા), મિલ્ક ફીવર (ભેંસ અથવા ગાય ઠંડી પડી જવી), દૂધ ઉત્પાદન ઘટી જવું.

આહાર સ્ત્રોતો: કઠોળ વર્ગના ઘાસચારા તેની આડપેદાશો, ઝાડના પાંદડા અને ખોળ દા.ત. સોયાબીન, સૂરજમુખી, ચૂનો, છીપલાનો ભૂકો અને ડાય કેલ્શીયમ ફોસ્ફોરસ, લીલોચારો, ડાઈ કેલ્શીયમ ફોસફેટ

ફોસ્ફોરસ

ઉણપના ચિન્હો: સૂકતાન અસ્થિમૃદુતા, ભૂખ ઓછી થઈ જવી, બિનજરૂરી વસ્તુઓ (લાકડું, પ્લાસ્ટિક વિ.) ચાવવી, ચામડી બરછટ થઈ જવી, વજન ઘટી જવું, સાંધા જકડાઈ જવા, દૂધ ઉત્પાદન ઘટી જવું, માદાનું વેતરમાં ન આવવું અને વેતરમાં આવવાનું અનિયમિત થઈ જવુ.

આહાર સ્ત્રોતો: અનાજ અને તેની આડ પેદાશ જેવી કે ઘઉનું થુલું, રાઈશ પૉલિસ, ખોળ, માછલીનો ભૂકો, લીલા કુમળા ચારા, ડાઈકેલ્શીયમ ફોસફેટ

મેગ્નેશિયમ

ઉણપના ચિન્હો: ગ્રાસ ટીટેની નામનો રોગ થઈ જવો, જેને લીધે પશુઓની ભૂખ ઓછી થાય, ગભરામણ, શરીર ખેંચાવું, લંગડાવું, માથું ઊંચું રાખી ચાલવું, આંખો પહોળી થવી, અમુક સમયે પશુઓ ઉશ્કેરાઈ જાય, ગભરામણ વધી જાય, પશુ પગ પછાડે તેમજ દાંત કચકચાવે, સમયસર દવાના અભાવે પશુનું મૃત્યુ થયું સંભવ છે.

આહાર સ્ત્રોતો: કઠોળ, લીલા ઘાસચારા, અનાજ , થુલું અને બધી જ જાત ના ખોળ, કબડ, પરાળ

સોડિયમ અને ક્લોરાઈડ

ઉણપના ચિન્હો: પશુઓની ભૂખ ઓછી થાય અને તે નબળા પડે, ઉછરતા પશુઓ ની વૃદ્ધિ અટકે અને પુખ્ત પશુઓમાં પોષક તત્વોનો કાર્યક્ષમ ઉપયોગ ન થવો, દૂધાળા પશુઓના શરીરનું વજન અને દૂધ ઉત્પાદનમાં ઘટાડો, શરીરમાં પ્રવાહીનું પ્રમાણ ઓછું થવું, લોહીની નસોની કાર્યશીલતાને ખલેલ પડે તેથી ધમનીનું દબાણ વધે.

આહાર સ્ત્રોતો. મીઠું, મીઠા ની ચાટણ, સૂરજમુખી નો ખોળ વિગેરે

જસત

ઉણપના ચિન્હો: પશુઓની ભૂખ ઓછી થાય અને દૂધ ઉત્પાદન ઘટે, શરીર ની વૃદ્ધિ અટકે અને સ્વાથ્ય બગડે, પ્રજનન ક્ષમતા ઘટી જાય

આહાર સ્ત્રોત: કુસકી, થુલું, તૈલી ખોળ, ઝાડ ના પાંદડા

મેગેનીઝ

ઉણપના ચિન્હો: શરીર ની વૃદ્ધિ અટકી જવી, પગ ના હાડકાનું બંધારણ નબળું પડવું, પ્રજનન ક્ષમતા પર માઠી અસર થાય તથા વારંવાર ગર્ભપાત થઈ જાય, સ્નાયુઓ નબળા પડી જાય.

આહાર સ્ત્રોતો. મોટા ભાગના લીલાચારા, કુસકી, થુલું અને ડાંગરનું તથા અન્ય પરાડ અને કડબ

તાંબુ

ઉણપના ચિન્હો: હીમોગ્લોબિન ઓછું થઈ જાય, પાંડુરોગ થવાની શક્યતા વધી જાય, રક્તકણો ની સંખ્યા ઓછી થાય, શરીરમાં નબળાઈ આવે તેમજ હાડકાં અચાનક ભાંગી જાય, દૂધ ઉત્પાદન માં ઘટાડો અને પ્રજનન ઉપર માઠી અસર થાય

આહાર સ્ત્રોતો: કઠોળ વર્ગના ચારા, ખોળ

લોહ

ઉણપના ચિન્હો: પશુઓને ભૂખ ન લાગવી, તેમનું શરીર નબળું પડવું, દૂધ ઉત્પાદનમાં ઘટાડો થવો,પશુઓને પાંડુરોગ/કમળો થવાની શક્યતા વધવી, લાંબા સમય ની ઉણપ ન કારણે પશુ ચૈતન્ય વિહોણું અને સુસ્ત બની જાય

આહાર સ્ત્રોતો: લીલા ઘાસચારા, મોટા ભાગના દાણ, સૂકા ઘાસચારા

સૂક્ષ્મ ખનિજતત્વો અંગે ધ્યાનમાં રાખવા જેવી બાબત

  • સૂક્ષ્મ ખનિજતત્વોનું પ્રમાણ પાણીમાં ખુબજ ઓછું. હોવાથી પશુઓને પાણી દ્વારા તેની ઉપલબ્ધતા નહીવત છે. ફક્ત ક્લોરીનનું પ્રમાણ પાણીમાં વધુ હોય ત્યારે તે સમસ્યા ઊભી કરે છે.
  • જુદી જુદી જાતના ખોળ, થુલું, કઠોળ અને પાંદડાઓનોપશુ આહારમાં ઉપયોગ સૂક્ષ્મ ખનિજતત્વોની ઉપલબ્ધતાઅને ઉણપ દૂર કરવાની સૂચક અને અર્થકારક રીત છે.
  • પરાળ કરતાં ગોતરમાં સૂક્ષ્મ ખનિજતત્વોનું પ્રમાણ ખૂબસારૂ હોય છે. તેથી પરાળ અને ગોતરનું મિશ્રણ કરીપશુઓને ખવડાવવું લાભદાયક છે.
  • જે તે વિસ્તારના સર્વેક્ષણ દ્વારા સ્થાપિત થયેલ આહારમાં ઉણપ વાળા ખનીજ તત્વોને ધ્યાનમાં રાખી તે વિસ્તાર માટે વિશેષ બંધારણવાળા ખનિજ મિશ્રણ તૈયાર કરી પશુપાલકોને ઉપલબ્ધ થવા જોઈએ. જેથી ખનિજ મિશ્રણની કિંમતમાં અર્થસૂચક ઘટાડો થાય અને જરૂરીખનિજતત્વો પશુઓને પૂરતા પ્રમાણમાં મળી રહે.
  • કેટલાક સૂક્ષ્મ ખનિજતત્વો જેવા કે લોહ, તાંબું, જસત,મેંગેનીઝ, કોબાલ્ટ વગેરે સાદા ખનિજરૂપે ક્ષાર મિશ્રણમાં આપવામાં આવે તેના કરતાં જ્યારે ચીલેટેડ રૂપમાં આપવામાં આવે ત્યારે શરીરમાં તે વધારે પ્રમાણમાંપ્રાપ્ય બને છે.
  • મીઠું પણ પશુને જરૂરી છે. જેથી રોજનું ૩૦ ગ્રામ જેટલુંમીઠું પશુ દીઠ આપવું જોઈએ.
  • જો પશુના રોજીંદા આહારમાંથી પૂરતા પ્રમાણમાં મુખ્ય ખનિજ કે સુક્ષ્મ ખનિજતત્વો ના મળી રહેતા હોય તો તે સમયે પશુને રોજ પશુ માટેનું ક્ષાર મિશ્રણ જે બજારમાં મળતું હોય છે, તે રોજ પશુ દીઠ ૨૫-૩૦ ગ્રામ અથવા દીવાસળીનું એક ખોખું ભરીને આપવું જોઈએ.

રેફરન્સ : ડો. એમ. આર. ચાવડા, ડો. ડી. એન. બોરખતરિયા, ડો. કે. બી. સાવલિયા તથા ડો. દીનદયાલ ગર્ગ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જુ.કૃ.યુ., જુનાગઢ

2.875
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top