অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પાલતુ પશુઓ સાજા રાખવા માટે અગમચેતીના પગલાં અપનાવો

પુરતો સમતોલ ખોરાક :

બધા જ પાલતું પશુને ખોરાક ખાવાની મર્યાદા હોય છે. તેમ છતાં ગાય-ભેંસ વર્ગના પશુ તેના વજનના ૨.૫% જેટલો સૂકો અથવા ૧૦% લીલો ઘાસચારો ખાઈ શકે છે એટલે કે ૧૦૦ કિલોની  વાછરડી- પાડી દિવસ દરમ્યાન ૨.૫ કિલો સૂકુ ઘાસ અથવા ૧૦ કિલો લીલો ઘાસ ખાઈ શકે. આનાથી ઓછુ આપવાથી પશુ ભૂખ્યુ રહે અને તેની આડ અસર રૂપે વૃદ્ધિ ઘટે, મોડું ગાભણ થાય અને પોષણના અભાવે બિમારી આવે છે. આવું ન થાય તે માટે બધાં જ પશુને તેની જરૂરીયાતનું લીલુ-સૂકુ ઘાસ અને ખાણદાણ આપવાથી પશુની તંદુરસ્તી જળવાય છે અને ઉત્પાદન યોગ્ય મત્રામાં આપી શકે. પુખ્ત ઉંમરની ગાય-ભેંસ એકલું સૂકુ ઘાસ ૯ થી ૧૧ કિલો અથવા માત્ર લીલુ ઘાસ ૩૫ થી ૪૫ કિલો સુધી ખાઈ શકે . આનાથી વધારે આપતા ઘાસનો બગાડ થાય છે.  ખવાડાવવામાં આવતું ઘાસ પશુ બગાડે નહી તે માટે ઘાસના ટૂકડા કરીને ખવડાવવું ફાયદાકારક છે. ખાણદાણ પશુ જે દૂધ આપે તેના ૫૦% જેટલું ખવડાવવાની ભલામણ છે. સાત માસની ગાભણ અને દૂધ ન આપતી માદાને દૈનિક ૨ થી ૩ કિલો સમતોલ દાણ ખવડાવવું જરૂરિ છે. તેનાથી બચ્ચુ તંદુરસ્ત મળશે. પશુ તાજુ અને હુષ્ટ્પુષ્ટ અને બીજા વેતરે દૂધ પુરતી માત્રામાં આપી શકે છે. ગર્ભાવસ્થામાં પશુને સમતોલ દાણ મળશે તો વિયાણ પછી દૂધનો તાવ (સુવા રોગ) થતો આટકાવી શકાય છે. પશુના ઘાસ દાણમાં માટી ધૂણ ન હોય તે ખાસ જોવું. માટીવાળું ઘાસ ખાવાથી પશુને ઝાડા થાય છે.

તાજુ અને સ્વચ્છ પાણી

પશુને ખોરાક દ્વારા મળતા પોષક તત્વોમાં સૌથી મહત્વનું પોષક તત્વ એ પાણી છે. પશુ શરીરમાં ૭૦% જેટલું પાણી, લીલા ઘાસમાં ૮૦% પાણી અને સૂકા ઘાસમાં ૧૦% જેટલું પાણી હોય છે. પાણી શરીરની તંદુરસ્તી, વાતાવરણની ગરમી ઠંડી, ખોરાકના પાચન, દૂધ ઉત્પાદન અને પશુની તંદુરસ્તી માટે ખૂબ જ મહત્વનું છે. એક પુખ્ત પશુને દિવસ દરમ્યાન ૩૫ થી ૭૦ લિટર જેટલું પાણી પીવા માટે જોઇએ. પશુને માત્ર સૂકુ ઘાસ ખાવા મળે,  પશુ દૂધા આપતું હોય, વાતાવરમાં ૪૨° સે. જેટલી ગરમી હોય તો પશુને પીવા માટે ૬૦ થી ૭૦ લિટર જેટલા પાણીની જરૂર પડે છે. વાતવરણમાં ગરમી ઓછી, શિયાળા અને ચોમાસાની ઋતુમાં માત્ર લીલુ ઘાસ ખાવા મળે તો પુખ્ત ઉંમરનું પશુ ૩૫ લિટર જેટલું જ પાણીપીવે છે. આ બધું પાણી એક સાથે પશુ પી શકતું નથી પરંતુ ૨૪ કલાક દરમ્યાન ત્રણ થી ચાર વખાત પીવે છે, માટે પશુ રહેથાણમાં અથવા પશુના ખીલે પાણી મળે તે ખાસ જરૂરી છે.

આ પાણી પશુને તાજુ અને સ્વચ્છ મળે તે ખુબ જરૂરી છે. ખાડા-ખાબોચિયાનું, બધિયાર હવાડાનું, સાફ કર્યા વિનાનું પાણી પીવાથી પશુને પેટમાં કૃમિ – (ચરમી પડે છે. જેનાથી પશુન દુબળુ પડે, દૂધ ઓછુ આપે અને ક્યારેક ઝાડાની બિમારી થવાની શક્યતા છે. જેથી પશુના પાણીની હવાડી અથવા કૂંડી દર અઠવાડીયે ઘસીને સાફ કરવી અને અંદરના ભાગમાં ચુનો કરવાથી પાણીમાં રહેલા નુકસાંકારક જંતુ નાશ પામશે અને પશુને ચૂનાવાળું પાણી મળતાં તંદુરસ્તી સારી રહેશે. ચૂના કેલ્શિયમ યુક્ત પાણી મળતાં પશુને થતિ કેટલીક બિમારી આવતી અટકે છે.

દરેક પશુને દર ત્રણ મહિને કૃમિનાશક દવા પીવડાવવી :

ગામડામાં પશુને ગમાણ વિના ખુલ્લી જગ્યામાં ખીલે ફિટ કરી ખીલાની બાજુમા ઘાસ રાખી ખવડાવય છે જેથી ઘાસ સાથે માટી આવવાની શક્યતા છે. છાણ-મૂત્રવાળી માટીમાં કૃમિ હોઇ શકે. વળી હવાડાના પાણીની નીરખીને જોતા ખ્યાલ આવે છે ક  તેમાં પૂંછ્ડીવાળા પોરા-પુરા તરતાં જોવા મળે છે. આવું પાણી પીવાથી પશુના પેટમાં કૃમિ થાય છે. એક સંશોધન પ્રમાણે પશુને થતા ૪૦% રોગ બિમારી અ કૃમિ-પરોપજીવીથી થાય છે. આવું ન થાય તે માટે બધાં પશુને દર ત્રણ માસે કૃમિનાશક દવા પ્રવાહી અથવા ટીકડી ખવડાવવી ફાયદાકારક છે. આ દવા નજીકમાંપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિના મૂલ્યે અથવા નજીવી કિમતે, ડેરીના પશુ ચિકિત્સલય વિના મૂલ્યે પુરી પાડે છે. આપણે ત્રણ માસના અંતરે આ દવા આપતાં રહીએતો પશુની તંદુરસ્તી જળવાશે, વાછરૂની વૃદ્ધિ સારી થશે, ઝાડાની બિમારી ઘટશે અને ઉત્પાદક પશુ એકધારૂ ઉત્પાદન આપી શકાશે.

સમયાંતરે રોગપ્રતિકારક રસી મુકાવવી :

ઘરમાં કે ગામમાં વરસદનું પાણી ન ઘુસે તે માટે પાળો બાંધવો પડે છે તે જ રીતે પશુને થતાં જીવાણું, વિષાણું, ફુગ અને પરોપજીવીથી થતાં રોગ અટકાવવા માટે બધાં જ પશુને સમયાંતરે રોગ પ્રતિકારક રસી મુકાવવી જરૂરિ છે. અ રસી રોગ આવતાં પહેલાં જ બે માસ અગાઉ મુકવવાથી કૃત્રિમ રીતે રોગ પ્રતિકારક શક્તિ પેદા કરે છે. આ રસી એ ‘ઝેરનું મારણ ઝેર’ અનુસાર દવા બનાવાય છે. જેને રસી કહે છે. આ રસી આપ્યા બાદ પંદર દિવસ પછી પશુમાં રોગ પ્રતિકારક શક્તિ વિક્સે છે અને ૬ થી ૧૧ માસ સુધી તેની અસર રહે છે. ખાસ કરીને બિમાર પશુને અને ૮ માસથી વધુ ગાભણ માદાને રસી મુકાવવાની જરૂર નથી. ગ્રામ આગેવાન તરીકે ગ્રામ પંચાયત તરફથી અથવા દૂધ મંડળી તરફથી જિલ્લા પશુપાલન નિયામક શ્રી ને પત્ર લખતાં પશુધન નિરીકક્ષક ગામમાં આવીને દરેક પશુને વિના મૂલ્યે રસી મૂકી આપે છે. ખાસ કરીને ચોમાસા પહેલા ગળસૂંઢા રોગ, શિયાળા પહેલા ખરવા મોવા રોગ સંકર પશુમાં થાય છે થેલેરીયોસીસ જેવા રોગ સામેની પ્રતિકારક રસી અચૂક મુકાવવી જરૂરી છે. આ  રસી ડેરીના ડોક્ટરો વિના મૂલ્યે અથવા નજીવી કિમતે મૂકી આપે છે. પશુ માલિક તરીકે આપણે આ રસીઓ યોગ્ય સમયાંતરે અપાવતાં રહેવું જરૂરી છે. કેટલાક પશુપાલકો અમારૂ પશુ સાજુ સારૂ છે તેમ માની રસી મુકાવતા નથી તે ભૂલભરેભું છે. માટે બધાં જ પશુને (ઉત્પાદક અને બિન ઉત્પાદક) રસી મુકાવવી જરૂરી છે. આ રોગો ચેપી હોવાથી બીજા ને ન થાય તે માટે દરેક પશુને રોગ ચેપી હોવાથી બીજા ને ન થાય તે માટે દરેક પશુને રોગ પ્રતિકારક રસી મુકાવવી જરૂરી છે.

વર્ષમાં ત્રણેકવખત વંધ્યત્વ સારવાર કેમ્પ યોજવો :

એક સર્વે પ્રમાણે ગામના કુલ પશુમાંથી માત્ર ૧૫ થી ૨૫% જ દૂધ ઉત્પાદન આપે છે. બાકીના ઉછરતા, પાંકડ, વરોળ અને બિન ઉત્પાદક હોય છે. આવા પશુની સરવાર કરી તંદુરસ્તી સુધારી શકાય છે. અને ગાભણ ન થતાં પશુને  ગરમીમાં દૂધ મડળી અથવા ગ્રામ પંચાયત તરફથી જિલ્લાની ડેરી અથવા તાલુકા પશુ ચિકિત્સકને પત્રથી જાણ કરતાં એક જ દિવસ ગામના બધા જ પશુ માટે વિના મૂલ્યે સારવારા થઇ શકે છે. આનાથી પશુની તંદુરસ્તીમાં સુધારો અને વિયાણમાં વધારો કરી શકાય છે. આવા વંધ્ય પશુ સારવાર કેમ્પમાં રાજ્ય સરકાર અને ડેરી વિના મૂલ્યે સારવાર અને દવા આપે છે. જેનો લાભ ગામના દરેક જે પશુપલકોએ અવાર-નવાર લેતા રહેવો જરૂરી છે. એક વખત બિન ઉત્પાદક અને ગાભણ ન થતાં પશુને સારવાર આપવાથી પરિણામ ન પણ મળે તેથી આવા કેમ્પો બે-ત્રણ માસના ગાળે યોજવા જરૂરી છે. જેના ખેડૂતે ખર્ચકરવાની જરૂરી નથી પરંતુ પશુને ગરમીમાં લાવી ગાભણ કરાવવું જરૂરી છે.

સાવચેતીના પગલા :

  • પશુને અતિશય ગરમી-ઠંડી-વરસાદી ઝાપટોથી રક્ષણ આપવું જોઇએ.
  • પાકેલાં અને બીજવાળા નીંદામણ પશુને ખવડાવવાથી ક્યરેક ઝાડાનીબિમારી થાય છે. દા.ત. ચીલ નામનું નીંદામણ બિજવાળું થયા પછી ખવડાવતાં પશુને ઝાડા થાય છે.
  • દબાયેલું, બટાયેલુ અને સડેલ ઘાસ ખવડાવવું સરૂ નથી.
  • નિઘલ-ડુંડી આવ્યા પહેલા લીલી જુવારનું ઘાસ ખવડાવવું નહી.
  • એકલું રજકાનું લીલુ ઘાસ વધુ જથ્થામાં ખવડાવવાથી આફરાની બિમારી થાય છે.
  • ઈતરડી, બગાઈ, જુવા, મચ્છર વગેરેનાત્રાસથી પશુને બચવવા જરૂરી છે. આના માટે રહેઠાણની સ્વચ્છતા જરૂરી છે.

આપણા પાલતુ પશુએ આપણું ધન છે. જન્મ પછી વછરૂ સાજુ સારૂ રહે અને વહેલામાં વહેલું ગભણ થઈ અન્ય પશુ કરતા વહેલું ઉત્પાદન આપ્તું થાય તે પશુપાલક્ના હિતમાં જેથી જન્મ બાદ બચ્ચાની યોગ્ય માવજત, સમતોલ ખોરાક, સ્વચ્છ પાણી ખુબ જ મહ્ત્વનું છે. આ જ રીતે ઉત્પાદક અને બિન ઉત્પાદક નાના કે મોટા બધાં જ પશુઓ તંદુરસ્ત હશે તો જ તે વારસામાં મળેલા ગુણ પ્રમાણે ઉત્પાદન આપી શકે. આવું કરવું તે આપણા હાથમાં છે. આના માટે અલગથી ખર્ચ કરવાની કોઇ જરૂર નથી, માત્ર જરૂરી છે સમય પાલનની. પશુઓને સાજા રાખવાના પગલાંની વિગત આ લેખમાં દર્શાવેલ છે.

સ્ત્રોત : કેશવભાઇ જે. ગોટી, લોકનિકેતન વિદ્યાલય, પો. રતનપુરા તા. પાલનપુર જી. બનાસકાંઠા

કૃષિ ગોવિદ્યા , ડિસેમ્બર – ૨૦૧૪ વર્ષ : ૬૭ અંક : ૮ સળંગ અંક : ૮૦૦

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate