હોમ પેજ / ખેતીવાડી / પશુપાલન અને ડેરી ઉદ્યોગ / પશુપાલનમાં ઓછા ખર્ચે વધુ નફો મેળવવા માટેના સોનેરી ઉપાયો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પશુપાલનમાં ઓછા ખર્ચે વધુ નફો મેળવવા માટેના સોનેરી ઉપાયો

પશુપાલનમાં ઓછા ખર્ચે વધુ નફો મેળવવા માટેના સોનેરી ઉપાયો વિશેની માહિતી આપે છે.

ભારતમાં પશુપાલન ક્ષેત્રે ગુજરાત સૌથી અગ્રેસર છે. ગાયોની કુલ ૪૦ ઓલાદો પૈકી ગીર, કાંકરેજ અને ડાંગી ત્રણ ઓલાદો ગુજરાતની છે, જેપૈકી ગીર અઅને કાંકરેજ ઓલાદોએ વિશ્વમાં નામના મેળવેલ છે. ભેંસોમાં કુલ ૧૩ ઓલાદોમાંથી જાફરાબાદી, સુરતી, મહેસાણી અને બન્નીએવી ચાર મુખ્ય ઓલાદો ગુજરાતની છે.

સમગ્ર વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ નંબરે છે. વર્ષ ૨૦૧૪-૧૫માં ૧૪.૬૩ કરોડ ટન દૂધ ઉત્પાદન કરી વિશ્વનાં કુલ દૂધ ઉત્પાદનમાં ૧૮.૫% હિસ્સો પ્રાપ્ત કરેલ છે. વિશ્વમાં દૂધ ઉત્પાદનનો સરેરાશ વધારો ૨ % હતો,જેની સરખામણીએ ભારતમાં ૪ % વધારો નોંધાયેલ છે. છતાં પણ એવરેજ દૂધ ઉત્પાદન બાબતે અન્ય દેશો કરતાં ભારત ઘણું પાછળ છે. ભારતનાં કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૮ % છે. અને ઉત્તરપ્રદેશ, રાજસ્થાન પછી ત્રીજા નંબરે ગુજરાત છે. ગાય તથા ભેંસોમાં ઝડપી અને યોગ્ય સંવર્ધન માટે કૃત્રિમ બીજદાનની કામગીરી મહત્ત્વનો ભાગ ભજવે છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ગુજરાતમાં ૬૧ લાખ કૃત્રિમ બીજદાન થયેલ. આમ કૃત્રિમ બીજદાનની કામગીરીમાં પણ ઉત્તરપ્રદેશ, તામિલનાડુ પછી ગુજરાત ત્રીજા સ્થાને છે. ગાયો કરતા ભેંસોમાં બીજદાનની સંખ્યા વધુ છે. હવે ગીર તથા કાંકરેજ ગાયોનાં શુદ્ધ ઓલાદના સાંઢનું બીજ ઉપલબ્ધ થયેલ છે, છતાં હજુ પણ ગુજરાતમાં મોટા પાયે સંકર સંવર્ધનની કામગીરી થાય છે જે ચિંતાજનક છે. ગુજરાતમાં ગાયોની કુલ સંખ્યામાં દેશી ગાયો ૮૫.૭% છે જ્યારે સંકર ગાયો માત્ર ૧૪.૩ % છે. આમ છતાં ગાયોના કુલ દૂધ ઉત્પાદનમાં દેશી ગાયોનો ફાળો માત્ર પર.૨% જ છે જ્યારે સંકર ગાયોનો ફાળો ૪૭.૮ % છે. જો દેશી ગાયોના ઉછેરમાં સંકર ગાય જેવી કાળજી લેવામાં આવે તથા વૈજ્ઞાનિક અભિગમ અપનાવવામાં આવે તો ગુજરાતનું દૂધ ઉત્પાદન બમણું થઈ શકે તેમ છે. ભારત તથા ગુજરાતની પશુપાલન ક્ષેત્રની પ્રગતિ આવનારી ક્રાંતિના એંધાણ છે. આ માટે વ્યાપક પ્રમાણમાં દેશી ગાયોનાં પ્રચાર પ્રસારની જરૂર છે. પશુઓની ઉત્પાદકતા વધારવા માટેના ૧૨ મુદ્દાઓ આ લેખમાં રજૂ કરેલ છે જેનો અમલ કરવાથી પશુપાલકને આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ ફાયદો થાય તેમ છે.

સોયાબીનનો ખાણદાણમાં ઉપયોગ કરો :

આપણા ખાણદાણમાં સોયાબીન ખવડાવવાની પદ્ધતિ ઓછી જોવા મળે છે. બીજા ખાણદાણની સાથે દૂધાણ પશુને રોજના ૩૦૦ થી ૪૦૦ ગ્રામ શેકેલ સોયાબીનનો ભરડો દાણ સાથે આપવામાં આવે તો દાણની કુલ માત્રામાં ૧ થી ૧.૫ કિલો આછું કરવામાં આવે તો પણ પશુને પુરતો સમતોલ આહાર મળી રહેશે કારણ કે સોયાબીનમાં ૪૦% જેટલું પ્રોટીન તથા ૨૦% જેટલી ચરબી (ફેટ) છે. શેકેલ સોયાબીન આપવાથી રોજના ૧ થી ૧.૫ લિટર દૂધ ઉત્પાદનમાં વધી શકે છે. આથી નિયમિત પુરા ફેટવાળુ સોયાબીન ખવડાવવાથી દૂધના ધંધાને નફાકારક બનાવી શકાય.

પશુ પાસે ૨૪ કલાક પીવાનું પાણી રાખો :

ખોરાક વાગોળવાની પ્રક્રિયામાં પશુને થોડા થોડા સમયે પાણીની જરૂરી પડે છે. આ માટે પશુ પાસે સતત પાણી હાજર હોય તો જરૂર મુજબ પાણી પી શકે છે અને સતત વાગોળ કરી ખોરાકનું પોષણ કરી શકે છે. પણ પાણી ઓછું મળવાનાં કારણે અથવા ત્રણ જ ટાઈમ આપણી અનુકુળતા મુજબ પાણી મળવાને કારણે દૂધ ઉપર તેની ખરાબ અસર પડે છે. સારી દૂધાળ ગાયને ૨૪ કલાક પાણી આપવામાં આવે તો તેનું ૧ લિટર જેટલું દૂધ વધી જાય છે. આ માટે ગમાણની બાજુમાં ૧૦થી ૧૫ લિટરવાળુ એક ટબ (વૉશ બેસીન ટાઈપનું) નીચેથી પાણીની નળીના જોડાણવાળું સ્ટેન્ડ વડે ફિક્સ કરી તે ટબનું લેવલ તથા જે ટાંકીમાંથી પાણી આવે છે. તે ટાંકીનું ટોપ લેવલ એક લેવલે ગોઠવી દેવામાં આવે તો પશુ જેટલું પાણી ટબમાંથી પીશે તેટલું પાણી ટાંકીમાંથી લેવલ સમાન હોવાનાં કારણે ટબમાં આપોઆપ આવી જશે. આ ટબ છલકાઈ જશે નહિ કે ખાલી થશે નહી. ફક્ત નાની ટાંકી અને ટબ બંને એક લેવલે ગોઠવી ૨૪ કલાક પાણી પશુનાં મોઢા પાસે, ગમાણ પાસે ગોઠવી શકાય. પાણીની નાની ટાંકી કે જ્યાંથી પાણી ટબમાં આવે છે, તે ટાંકી પુરી ભરવા માટે કોઈ ટાંકીમાંથી કે નળમાંથી કનેકશન આપવાનું રહેશે. આ નાની ટાંકી પુરી ભરાઈ જાય એટલે તેનાં ટોપ લેવલે એક બોલકોમ જોડવાના કારણે ટાંકી પણ છલકાશે નહિ.

દુઝણા પશુને એક મુઠી ચૂનો અને એક મુઠી મીઠું રોજ ખાણદાણ સાથે આપો:

દૂધ આપતા પશુનાં લોહીમાં રહેલ કેલ્શિયમ દુધમાં વપરાય છે, તેની પૂર્તિ કરવી જરૂરી છે. ગાય દૂધ આપતી હોય તો દૂધ અને ગર્ભના વિકાસ બંને માટે કેલ્શિયમની જરૂર રહે છે. આવી દુઝણી ગાયને રોજની એક મૂઠી ચૂનો ખાણદાણ સાથે આપવો જોઈએ. તૈયાર મિનરલ મિલ્ચરમાં ૮૦ % ચૂનો તથા ર૦ % અન્ય ગૌણ તત્વો હોય છે. તૈયાર મિનરલ મિલ્ચર મોંઘું પડે છે, તેની અવેજીમાં બજારમાં પકિલોના પેકિંગમાં ઘરને લગાવવાનો ચૂનો મળે છે તે લાવી એકાદ દિવસ પાણીમાં પલાળી પછી બહાર ખુલ્લામાં સૂકવી તેનો પાઉડર બનાવી તે ચૂનો રોજ આપવામાં આવે તો લોહીમાંથી જતા કેલ્શિયમની પૂર્તિ થશે અને દૂધ ઉત્પાદનમાં સારો એવો વધારો થશે. ઉપરાંત મીઠાને કારણે પાચન બરાબર થશે અને પશુ પાણી પીશે.

દૂધ દોહન-સમચ અને ઝડપ :

દૂગ્ધ કોષ્ટિકામાં આવેલ દૂધ ઉત્પાદક કોષો લોહીમાંથી જરૂરી તત્વો શોધી લઈ એમાંથી દૂધનું નિર્માણ કરે છે. દૂધ દોહીને આઉમાંથી કાઢી લેવાય એટલે પાછું નવું થતું દૂધ, કોષ્ટિકાનું પોલાણ, દૂધવાહક નલિકાતંત્ર અને આઉની ટાંકીમાં ભરાવા લાગે છે. આ પ્રમાણે સંગ્રાહક પોલાણોમાં આ રીતે આઉમાં દૂધ ભરાવવાનાં લીધે એમાં દૂધનું દબાણ વધતું જાય છે. જેમ દબાણ વધે તેમ દૂધ નિર્માણની પ્રક્રિયા મંદ પડતી જાય છે. આમ દૂધ નિર્માણ એ એક સતત ચાલતી પ્રક્રિયા છે, જેના દરમાં આઉના દૂધના દબાણના વધવા સાથે બીજા દોહન સુધી ઘટાડો થયા કરે છે. આ દબાણમાં દોહન દ્વરા ઘટાડો કરવામાં આવે તો દૂધ ઉત્પાદનનો દર વધે છે, આથી વધુ દૂધ આપતી ગાયને જો દરરોજ ૧૨ કલાકના અંતરે બે વાર દોહવાના બદલે આઠ કલાકના અંતરે ત્રણ વાર દોહવામાં આવે તો કુલ દૈનિક દૂધ ઉત્પાદન ૧૫ થી ૨૦ ટકા જેટલું વધે છે. જો ગાયને સરખા સમયનાં ગાળો દોહવામાં આવે તો બંને વખતનાં દૂધ ઉત્પાદન અને ફેટનાં પ્રમાણમાં ખાસ તફાવત હોતો નથી, પણ જો સમયગાળો નાનો મોટો હોય તો તફાવત જોવા મળે છે. આ ઉપરાંત દોહનમાં ઝડપ કરવી આવશ્યક છે તથા દોહન સમયે શાંતિ જરૂરી છે.

દર વર્ષે વિયાણ થવું જોઈએ:

દૂધ ઉત્પાદન વ્યવસાય નફાકારક રીતે ચાલે તે માટે એક આદર્શ તરીકે ગાયનું દર વર્ષે વિયાણ થવું જરૂરી છે. દૂઝણાં પશુઓ સરેરાશ ૧૫ માસ કરતાં વધુ સમયે વિયાય એ આર્થિક રીતે પોસાય નહિ. વિયાણા પછી બે માસ બાદ ગરમીમાં આવેલ ગાયને ફેળવી દેવી જોઈએ. ગાય વિયાણા પછી એક માસનાં ગાળામાં ગરમીમાં આવી જાય છે, પણ ગર્ભાશયને મુળ સ્થિતિમાં આવતાં બે માસનો સમય લાગે છે. આ ગાળામાં ગાય ગરમીમાં ન આવે તો પશુ દાકતર પાસે તપાસ કરાવવી. ફળી ગયેલ પશુને ૨ થી ૨.૫ માસે પશુ દાકતર પાસે તપાસ કરાવવી જોઈએ. આમાં કોઈ જોખમ હોતું નથી.

રસીકરણ, સ્વચ્છતા અને પરોપજીવી સામે રક્ષણ :

રસીકરણ, પરોપજીવી માટે સાવચેતી તથા સ્વચ્છ દૂધ દોહન વડે પશુઓની ૮૮ % બિમારી સામે રક્ષણ કરી શકાય છે. પશુને રસી વડે ૭૦% રક્ષણ આપી શકાય છે, આ સિવાય પરોપજીવી માટે જરૂરી ઉપાયો વડે ૧૪ % બિમારી સામે રક્ષણ મળી શકે છે. ઉપરાંત સ્વચ્છ દૂધદોહન તથા કાળજીથી બીજા ૪ % રોગ સામે પશુને રક્ષણ આપી શકાય છે. આમ ૮૮% આપણા હાથમાં છે. ખરવા-મોવાસાની રસી છ માસે અને ગળસુંઢાની રસી દર વર્ષે મૂકાવવી. વાછરડીને ૪ થી ૯ માસની ઉંમરે ચેપી ગર્ભપાતના રોગ માટે રસી મૂકાવવી.

ગર્ભકાળની કાળજી રાખો :

ગાયને ગાભણ થયે આઠમા માસની શરૂઆતથી જ દૂધ બંધ કરવું. વિયાણ પહેલાં બે માસ દૂધ બંધ રાખવું અને ખાણદાણ શરૂ કરવું. ગાયના ગર્ભમાં બચ્ચાનો વિકાસ પ્રથમ સાત માસમાં ૬૦ % અને બાકીના બે માસમાં ૪૦ % થાય છે, આથી છેલ્લા બે માસ ખૂબ જ અગત્યના છે. આ ગાળામાં સારો ખોરાક મળેલ હશે તો વિયાણમાં કે મેલી પડવામાં કોઈ તકલીફ પડશે નહિ. ઉપરાંત વિયાણ બાદ થતી અમૂક બિમારી પણ થશે નહિ. શરૂઆતથી જ વધુ દૂધ આપશે, જેને કારણે વાછરૂને પૂરતું ખીરૂ મળી રહેશે.

સમયસર પુરતા પ્રમાણમાં ખીરૂં ધવડાવો:

ખીરૂ એ ખૂબ જ કિંમતી ઔષધિ સમાન છે. વિયાણ બાદ તૂરત આ અમૃત સમાન ખીરૂ ધવડાવવું

જોઈએ. વાછરૂ જેટલુ વહેલું ખીરૂ ધાવશે તેટલુ વધારે ઉપયોગી થશે. આથી જરા પણ સમય ગુમાવ્યા વગર ગાય થતા વાછરૂને સાફસૂફ કર્યા બાદ તૂરત ધવડાવી દેવું. ખીરામાં દૂધ કરતાં ૩ થી પ ગણું પ્રોટીન હોય છે, તેમ જ વાછરૂને જરૂરી તમામ વિટામિન હોય છે. ખીરૂ એ રેચક છે, જેને કારણે વાછરૂનાં આંતરડામાં જામેલ મળ બહાર નીકળી જાય છે. આ સિવાય ખીરાથી વાછરૂને અનેક રોગો સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ મળે છે. ખીરૂ વાછરૂનાં વજનના ૧૦% પ્રમાણે દરરોજ બે થી ત્રણ વખત ધવડાવીને આપવું જોઈએ. આ માટે મેલી પડવાની રાહ કદી પણ જોવી નહિ.

વિયાણ બાદ ગાયની કાળજી:

વિયાણ સમયે ગાયને પરેશાન કરવી જોઈએ નહિ, અને જો પહેલી પાણીની કોથળી તૂટ્યા પછી બે થી ત્રણ કલાકમાં વિયાણ ન થાય તો તેને વિયાણ સંબંધી કોઈ પણ તકલીફ હોઈ શકે છે, તેથી પશુ ચિકિત્સક અધિકારીશ્રીનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ. વિયાણ બાદ ગાયની મેલી ૮ થી ૧૦ કલાકમાં પડી જવી જોઈએ. આ પહેલાં અનાવશ્યક ઉતાવળ કરવી નહિ, પરંતુ આ સમય ગાળામાં મેલી ન પડે તો પશુ ચિકિત્સકને બોલાવી મેલી કઢાવવી જોઈએ. પડી ગયેલ મેલી ગાય ખાય નહીં તેની તકેદારી રાખવી જોઈએ. શરૂઆતના ત્રણ દિવસ ગાયને નીચે મુજબનો વધારાનો ખોરાક આપવો. ૨ કિલો બાજરી, ૧ કિલો ગોળ, ૨૦૦ ગ્રામ તેલ વડે બનાવેલ ઘુઘરીમાં એક-એક મૂઠી સુવા, મેથી, અસેળીયો અને સૂંઠ નાખવી, જેથી સુવાથી દૂધ વધે, મેથી દ્વારા શક્તિ મળે, અસેળીયોથી ગર્ભાશયની સફાઈ થાય અને સૂઠથી યોગ્ય પાચન થાય.

કૃમિનાશક દવા આપો:

વાછરૂંને પ્રથમ ૧૦ દિવસની ઉંમરે અને ત્યારબાદ ત્રણ માસ સુધી દર માસે અને પછી વર્ષ સુધી દર ત્રણ માસે કૃમિનાશક દવા તેના વજનના પ્રમાણમાં આપવી જોઈએ, આથી વાછરૂનો વિકાસ ખૂબ જ ઝડપી થાય છે.

આઉનો સોજો, આંચળની બિમારીમાં કાળજી રાખો

આંચળ બાવળાની બિમારીથી ખૂબ જ નુકસાન થાય છે. એક કે બે આંચળ નકામા થઈ ગયેલ હોય તેવી ગાય આર્થિક રીતે કદી પોસાય નહી. આથી આ બિમારી સામે ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે. આ રોગ ન થાય એટલા માટે સ્વચ્છતા જાળવવી. પશુને બેસવાની જગ્યા સપાટ અને પોચી હોય તે જરૂરી છે. દોહન ક્રિયામાં ઝડપ કરવી. દોહી લીધા બાદ ગાય તૂરત બેસે નહિ તેટલા માટે દાણ કે ચારો દોહન બાદ આપો. આંચળની બિમારીમાં તૂરત પશુ ડૉકટરની મદદ લેવી.

ઉનાળામાં દૂધ ઉત્પાદનમાં થતો ઘટાડો અટકાવવાના ઉપાયો અપનાવો:

રેસાવાળા પદાર્થનું પ્રમાણ ઓછું હોય તેવો ખોરાક આપવો જોઈએ. સૂકો ઘાસચારો રાત્રિના સમયે આપવો હિતાવહ છે. ઉનાળામાં ગાયો ઘાસચારો ખાવાની ઓછી ઈચ્છા રાખે છે, જેથી દૂધના ફેટ પર માઠી અસર થાય છે. આવા સંજોગોમાં દૂધાળ ગાયોના દાણમાં ૧૬ પાપડીયો ખારો (સાડિયમ બાય કાર્બોનેટ) ઉમેરવાથી દૂધમાં ફેટના ટકા જળવાઈ રહે છે. ગાયોને વહેલી સવારે અથવા મોડી સાંજે ચરવા છોડવી જોઈએ. છાપરા ઉપર ઘાસના પૂળા અથવા ડાંગરનું પરાળ ગોઠવવાથી અંદરનું વાતાવરણ ઓછું ગરમ થાય છે.

ગાયોને ઘટાદાર વૃક્ષો નીચે બાંધવાથી તે આરામ અને ઠંડક અનુભવે છે.

કૃષિગોવિધા મે-ર૦૧૮ વર્ષ : ૭૧ અંક : ૧ સળંગ અંક : ૮૪૧

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

2.95238095238
કરશન ભરવાબ Jan 14, 2019 08:00 PM

ગાયની કેઢો પાકવાના લક્ષણો અને ઉપાયો

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top