অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પશુપાલનની માહિતી

પશુપાલનની માહિતી

જાનવરોની કઈ જાતો રાખવાથી વધુ ઉત્પાદન મળશે. ?

પશુઓમાં ગાયોમાં ગીર અને કાંકરેજ ઓલાદો સારી છે. જેમાં ગીરની ઓલાદો શુધ્ધ સ્વરૂપમાં ખાસ કરીને જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર, અને રાજકોટ જીલ્લાઓમાં જ્યારે કાંકરેજ ઓલાદના જાનવરો મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, ખેડા,વડોદરા, ભરૂચ, અને સુરત જીલ્લાઓમાં  જોવા મળે છે. જેથી તે વિસ્તારોમાંથી તેના પશુઓ મેળવી શકાય ગીર ગાયો વેતરના કુલ ૩૦૦ થી ૩૭૫ દિવસમાં ૧૫૦૦ થી ૧૮૦૦ લિટર દૂધ આપતી નોંધાયેલ છે જ્યારે કાંકરેજ ગાયો ૨૭૫ થી ૩૧૫ દિવસમાં ૧૨૦૦ થી ૧૫૦૦ લિટર દૂધ આપે છે. પશુઓમાં ભેંસોની જાફરાબાદી, સુરતી અને મહેસાણી ઓલાદો સારી છે.જાફરાબાદી  ભેંસો એક વેતરમાં ૩૨૦ થી ૩૫૦ વેતરના દિવસોમાં સરેરાશ ૨૦૦૦ થી ૨૧૦૦ લિટર, સુરતી ભેંસો ૩૦૦ દુઝણા દિવસોમાં સરેરાશ ૧૨૦૦ થી ૧૫૦૦ લિટર અને મહેસાણી ભેંસો ૩૧૦ દુઝણા દિવસોમાં ૧૭૦૦ થી ૧૮૦૦ લિટર દૂધ આપે છે.આ ઉપરાંત બન્ની ભેંસો પણ દૈનિક ૧૨-૧૫ લિટર જેટલું સારૂ દૂધ ઉત્પાદન આપે છે. સંકર ગાયો ખાસ કરીને હોલ્સ્ટેઈન સંકર ગાયો કે જે સરેરાશ ૩૧૦ દૂઝણા દિવસોમાં ૨૫૦૦ થી ૩૦૦૦ લિટર જેટલું દૂધ આપી શકે છે તે પણ સારી ગણાય. અત્રે ખાસ યાદ રાખવુ કે વધુ દૂધ ઉત્પાદન આપતા પશુઓને સારી માવજત અને પૂરતો લીલો સૂકો ઘાસચારો, સૂમિશ્રિત દાણ, મિનરલ મિક્ષ્ચર, આરામદાયક રહેઠાણ અને રોગપ્રતિકારક રસીઓ મૂકાવવી જરૂરી છે.

સંકર વાછરડી આણંદ ખેતીવાડીમાં મળે કે કેમ ?

સંકર વાછરડી આણંદ ખેતીવાડી ખાતેથી મળે કે નહિ તેની માહિતી માટે પશુ સંશોધન કેન્દ્ર(LRS), વેટરનરી કોલેજ, આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦ (ફોન: ૦૨૬૯૨-૨૯૦૧૧૨) ખાતે સંપર્ક સાધવો. આ ઉપરાંત ઈન્સ્ટ્રક્શનલ ફાર્મ, વેટરનરી કોલેજ, આકૃયુ, આણંદ-૩૮૮૦૦૧  ફોન : ૦૨૬૯૨ (૨૨૫૨૭૭) ખાતે સંપર્ક સાધવો

દેશી ગાય ગીરનું સંવર્ધન કેવી રીતે કરી શકાય ?

દેશી ગીર ગાયના સંવર્ધન માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે કેટલ બ્રીડીંગ ફાર્મ ય્પ્જના ચાલે છે. ત્યાંથી શુધ્ધ ગીર નસલના સાંઢ મેળવી ગીર ગાયનું સંવર્ધન કરી શકાય. સરકારના પશુપાલન ખાતા તથા સહકારી દૂધ ડેરીઓ દ્વારા ચાલતા કૃત્રિમ બીજદાન કેન્દ્રો ખાતે શુધ્ધ ગીર નસલના સાંઢના વિર્યથી સંવર્ધન કરાવી શકાય છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના પશુસંશોધન કેન્દ્ર, આણંદ ખાતે પણ ગીર ગાયની જાળવણીની યોજના ચાલે છે.ગીર ગાયના સંરક્ષણ માટેની રાષ્ટ્રીય કાર્ય યોજના જુનાગઢના જામકા, કાલાવડના કૃષ્ણનગર તથા પીઠડીયા-૨, બગસરાના સમઢીયાળા તથા જાફરાબાદ ગામોમાં અમલી બને છે. આ અંગેની વધુ માહિતી માટે જીલ્લા પશુપાલન અધિકારીશ્રી, જુનાગઢ ખાતે સંપર્ક સાધવો.

પશુઓમાં કૃત્રિમ બીજદાનના ફાયદા કયા કયા છે ?

કૃત્રિમ બીજદાન પધ્ધતિમાં ઉત્તમ ગુણવત્તાવાળા સાંઢા-પાડા કે જેની માતાનું દૂધ ખૂબજ વધારે હોય તેનું વીર્ય વાપરવામાં આવે છે. આથી તે થકી ઉત્પન્ન થતી વાછરડી-પાડી ઉંચી ગુણવતાવાળી અને વધુ દૂધ ઉત્પાદન આપતી ગાય/ભેંસ બની શકે છે. કુદરતી રીતે ફેળવવાથી જો સાંઢા/પાડા જાતીય રોગો (બ્રુસેલોસીસ) થી પીડાતા હશે તો ચેપ ગાય/ભેંસમાં પણ પ્રસરે છે જ્યારે કૃત્રિમ બીજદાન પધ્ધતિમાં આ ભય નિવારી શકાય છે. એક પાડા/સાંઢ વડે કુદરતી સમાગમથી વરસે ૧૦૦ જેટલી ગાય/ભેંસોને ફેળવી શકાય છે જ્યારે કૃત્રિમ બીજદાન પધ્ધતિથી ૨ થી ૩ હજાર ગાય/ભેંસોને એક વર્ષમાં ફેળવી શકાય છે.

કૃત્રિમ બીજદાન ક્યારે કરવું ?

ગાય વેરતણમાં આવે તેનાં ૧૨ કલાક પછી કૃત્રિમ બીજદાન કરવું.

ભેંસ વેતર/ગરમીમાં આવતી નથી તે કઈ રીતે ખબર પડે ?

જો ભેંસ ગાભણ હશે તો વેતર/ગરમીમાં આવશે નહી તથા જો ગાભણ ના હોય તો પ્રજનન તંત્રના કોઈ રોગ/બિમારી કે અંતઃસ્ત્રાવોનું અસંતુલન અને પોષકતત્વોની ઉણપ જેવા કારણોસર પણ વેતર/ગરમીમાં આવશે નહી. ભેંસ વેતર/ગરમીમાં આવતીન હોય તો તેની તપાસ નજીકના પશુ દવાખાનાના દાક્તર પાસે કરાવવી જોઈએ.

ગાભણ પશુઓની તપાસ ક્યારે કરાવવી ? પશુ (એચ.એફ.અને જર્સી ) ગાભણ કરવા માટે કયા પગલા લેવા ?
  • સામાન્ય રીતે ગાય/ભેંસ ગાભણ ન થાય ત્યાં સુધી દર ૨૦ થી ૨૧ દિવસ નિયમિતપણે વેતરે/ગરમીમાં આવે છે.  ગાભણ પશુ વેતર/ગરમીમાં આવતું નથી તે ગાભણ થવાની પ્રથમ નિશાની છે. વેતરે આવેલ ગાય/ભેંસોને કુદરતી કે કૃત્રિમ બીજદાનથી ફેળવ્યા બાદ ૪૫ થી ૬૦ દિવસ બાદ પશુચિકિત્સકશ્રી પાસે તપાસ કરાવવી જોઈએ.પશુને ગાભણ કરવા માટે વેતર/ગરમીમાં આવે છે તેવી સચોટ તપાસ રાખવી, પૂરતો સમતોલ આહાર આપવો, આરામદાયક રહેઠાણ આપવું તથા વેતરે આવ્યાના ૧૦-૧૨ કલાક બાદ ફેળવવું.
  • પરદેશી ગાયો એચ.એફ.અને જર્સીને ગાભણ કરવા માટે કૃત્રિમ વીર્યદાન પધ્ધતિનો ઉપયોગ કરવો. આ માટે નજીકના પશુ દવાખાનાના કે કૃત્રિમ બીજદાન કેન્દ્રોના પશુ દાકતરનો ઉપયોગ કરવો.
વિયાણ વખતે શું કાળજી લેવી?
  • વિયાણ વખતે ગાય/ભેંસ ચૂકાવાનું શરૂ કરે તેના ૨ કલાકમાં મૂત્રાશય પર મોટો પરપોટો બહાર દેખાય જે ફૂટી ગયા બાદ નવજાત બચ્ચાની ખરીઓ દેખાય છે. જો પરપોટો ફૂટી ગયા બાદ લાંબા સમય સુધી ખરીઓ બહાર ન આવે તો બચ્ચુ આડુ હોવાની શક્યતા હોય તાત્કાલિક પશુ ચિકિત્સકનો સંપર્ક કરવો.
  • વિયાણ પછી પશુઓમાં મેલી પડવી નહીં, માટી ખસી જવી, બાવલાનો સોજો, સુવારોગ, કીટોસીસ, ગર્ભાશયનો બગાડ વગેરે જેવા રોગો થવાની શક્યતા હોય છે. તેથી આવા રોગો ન થાય તે માટે નજીકમાં આવેલ પશુ દવાખાનાના પશુ દાક્તરની સલાહ લેવી.
સ્ત્રોત: કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate