অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પશુ સંવર્ધન માર્ગદર્શિકા

પશુ સંવર્ધન માર્ગદર્શિકા

  1. સંવર્ધન માટે સાંઢની પસંદગી
    1. નાના વાછરડાંઓમાંથી પસંદગી
  2. પશુ સંવર્ધન કૃત્રિમ બીજદાનથી જ
    1. કૃત્રિમ બીજદાન શા માટે ?
    2. કૃત્રિમ બીજદાનનું પશુ વિકાસ કાર્યમાં મહત્વ :
    3. ગ્રામ્ય કક્ષાએ કૃત્રિમ બીજદાન યોજનાને સફળ બનાવવા માટે પશુપાલકોએ ધ્યાનમાં લેવા જેવા મુદ્દાઓ :
    4. જાણો અને અપનાવો
  3. સંકર સંવર્ધનનું મહત્વ
    1. જર્સી /એચ.એફ. સંકર સંવર્ધન શા માટે ?
    2. વધુમાં વધુ તથા ઓછામાં ઓછું સંકર સંવર્ધન કેટલી મર્યાદા સુધી આવશ્યક છે :
    3. ૫૦ ટકા સંકર પશુઓથી નીચે મુજબ ફાયદા થાય છે :
    4. સંકર સંવર્ધન નીતિ :
    5. દૂધ ઉત્પાદનના રેકર્ડનું પશુ વિકાસમાં મહત્વ :
  4. દૂધાળા પશુઓમાં ગરમીનું પરિક્ષણ - હીટ ડીટેકશન
  5. ઉનાળાની ઋતુમાં ભેંસોમાં પ્રજજન ક્ષમતાની જાળવણી
  6. દૂધાળા પશુઓમાં ગર્ભપાત થવાના કારણો, નિદાન અને સારવાર
    1. ગર્ભપાત થવાના કારણો :
    2. ચેપી રોગનો સૂક્ષ્મજીવાણુઓ દ્વારા ગર્ભપાત હોઈ તેના વિશે જાણવું જોઈએ જેમાં,
  7. પશુઓમાં ઉથલા મારવાના કારણો અને તેનું નિરાકરણ
    1. કારણભૂત પાસાંઓ :
    2. ઉથલા મારવા અંગે તબક્કાવાર જાનવરોની ટકાવારી
    3. ઉથલા મારવા માટે યોગ્ય નિદાન પદ્ધતિઓ :
    4. ઉથલા મારતા અટકાવવા માટે જરૂરી સારવાર અને કાળજી :
    5. સંવર્ધન માટે સારા પશુઓની પસંદગી :
    6. જાતીય પરીક્ષણ :
    7. સારવાર અને ઉપાયો :
    8. ઉપસંહાર :
  8. ગર્ભધારણની સમસ્યા અને તેનો ઉકેલ
    1. પ્રસ્તાવના
    2. ગર્ભધારણની સમસ્યાઓ અને ઉકેલ :
    3. સફળ ગર્ભધારણ ટકાવી રાખવા પશુપાલકોએ આટલું અવશ્ય લક્ષમાં રાખવું જોઈએ :
    4. ગરમીમાં ન આવવું (ANOESTRUS):
    5. ગાય/ભેસોમાં અવારનવાર ઉથલાં મારવા (REPEAT BREEDERS) :
    6. ગર્ભાશયનો સોજો, ગભશિયમાં બગાડ થવો :
    7. ગરમીના ચિહો :
    8. ગર્ભધારણમાં પશુઆહારનું મહત્વ :
    9. ગર્ભધારણમાં કૃત્રિમ બીજદાનનું મહત્ત્વ :
    10. પ્રાયોગિક બાબતોમાં :
    11. ગર્ભધારણ ટકાવારી વધારવા માટે જરૂરી તકેદારી :
    12. ગર્ભનિદાનની અગત્યતા :
    13. દુધાળા પશુમાં આદર્શ ગર્ભધારણ :
  9. દૂધાળા પશુઓના ઘાસચારા અને ખાસ દાણ સાથે સંકળાયેલા પ્રજનન અંગેના પ્રશ્નો
    1. અપૂરતું પોષણ, અર્ધભૂખમરો કે ભૂખમરો :
    2. વધુ પડતો ખોરાક આપવાથી થતી તકલીફ :
    3. વિટામીનની ઉણપથી થતી પશુ પ્રજનન પર અસર :
    4. ખનિજ તત્વોની ઉણપની પશુપ્રજનન પર અસર :
    5. જુદાં જુદાં સૂક્ષ્મ તત્વોની ઉણપથી પશુપ્રજનન પર થતી અસર :
  10. ઓક્સીટોસીન અભિશાપ કે વરદાન ?

સંવર્ધન માટે સાંઢની પસંદગી

ભારતમાં છેલ્લી પશુ વસ્તી ગણત્રી મુજબ ૧૮.૨ કરોડ ગાય અને ૬.૪ કરોડ ભેંસ વર્ગના પ્રાણીઓ છે. જે વિશ્વની ગાય અને ભેંસ વર્ગના પ્રાણીઓની વસ્તીના અનુક્રમે ૧૪.૩ ટકા અને પO.૭૨ ટકા થાય છે. ભારતમાં ગાયો અને ભેંસો દ્વારા અનુક્રમે વાર્ષિક ૧૪.૨ મીલીયન ટન અને ર૦.૭ મીલીયન ટન દૂધ પેદા થાય છે જે વિશ્વનાં ગાયો અને ભેંસો દ્વારા ઉત્પન્ન થતા દૂધના અનુક્રમે ૩.૧૬ ટકા અને ૬૫.૧ ટકા થાય છે. આમ ભારતમાં વસ્તીનાં પ્રમાણમાં ગાયો દ્વારા ઘણું જ ઓછું દૂધ ઉત્પાદન થાય છે. આથી ભારતમાં ગાયોનું દૂધ ઉત્પાદન વધારવાની ખાસ જરૂર છે. આ માટે ઉત્તમ પ્રકારની ગાયો અને સાંઢની પસંદગી કરી તેમનાં સંવર્ધન દ્વારા સંતાનો પેદા કરી પેઢી દર પેઢી ગાયોમાં જનીનકીય બંધારણમાં સુધારો લાવી, દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકાય. ભારતમાં મોટા ભાગની ગાયો મિશ્ર પ્રકારની અને ઘણું ઓછું દૂધ આપે છે. વળી મોટા ભાગના પશુપાલકો પાસે ખૂબ ઓછી સંખ્યામાં ગાયો હોઈ અને ગાયોમાં દૂધ ઉત્પાદનની વ્યવસ્થિત માહિતીના અભાવને કારણે ગાયોમાં વૈજ્ઞાનિક ઢબે પસંદગી કરી તેનો સંવર્ધન માટે ઉપયોગ કરવા માટે કોઈ ખાસ અવકાશ નથી. આથી જ ગાયોના સંવર્ધનમાં સાંઢનું મહત્ત્વ ઘણું જ વધી જાય છે.

સામાન્ય રીતે ૩૦-૪૦ ગાયો માટે એક સાંઢની જરૂરિયાત રહે છે, પરંતુ જો કૃત્રિમ બિજદાન કરવામાં આવે અને થિજાવેલા વિર્યનો ઉપયોગ કરવામાં આવે તો પO૦ થી ૧૦૦૦ ગાયો માટે પણ એક સાંઢ પૂરતો થઈ રહે છે. આથી પOO-૧૦૦૦ નર વાછરડાઓમાંથી એક અથવા બે વાછરડાઓને પસંદ કરી સંવર્ધન માટે સાંઢ તરીકે ઉછેર કરવાનો હોવાથી પસંદગીમાં ઘણો મોટો અવકાશ રહે છે. વળી ધણમાં ઉપયોગમાં લેવાતા સાંઢ દ્વારા પેદા થનારા સંતાનોમાં પ૦ ટકા આનુવંશિક ગુણો સાંઢ દ્વારા અને પO ટકા આનુવંશીક ગુણો ગાય દ્વારા ઉતરી આવતા હોવાથી કોઈપણ ધણનાં દૂધ ઉત્પાદન વધારવામાં સાંઢનો હિસ્સો સારો હોય છે. માટે જ સાંઢની પસંદગીમાં ખૂબ જ ચોકસાઈ રાખવી જરૂરી છે. યોગ્ય રીતે પસંદ કરાયેલ સાંઢ ધણનાં દૂધ ઉત્પાદન વધારવામાં ઘણો કિંમતી ફાળો આપી શકે છે. જ્યારે નબળો સાંઢ ધણમાં ઘણું જ નુકસાન કરી શકે છે.

સારો સાંઢ એટલે શું ? જે સાંઢ દૂધ ઉત્પાદન માટે સારું જનીનકીય બંધારણ ધરાવતો હોય તેવા સાંઢને સારો સાંઢ કહેવાય. આવા સાંઢના પ૦ ટકા જનીનકીય ગુણો (આનુવંશિક ગુણો) દરેક સંતાનોમાં ઉતરી આવતા હોવાથી, સંતાનોના જનીનકીય બંધારણમાં સુધારો થવાથી સંતાનોના દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે. નબળા પ્રકારનું જનીનકીય બંધારણ ધરાવતાં સાંઢનાં ઉપયોગ દ્વારા સંતાનોનું જનીનકીય બંધારણ નબળું પડતાં સંતાનોનાં દૂધ ઉત્પાદનમાં ઘટાડો 외l의 9.

સાંઢનું જનીનકીય બંધારણ જાણવાની ઘણી પદ્ધતિઓ છે. તેમની સચોટ પદ્ધતિઓમાં તેના સંતાનોની દૂધ ઉત્પાદનની માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે સંવર્ધન માટેના સાંઢની પસંદગી બે તબક્કામાં થાય છે.

  • પ્રથમ તબક્કામાં સંવર્ધન માટે સાંઢની પસંદગી નાના નર વાછરડાઓમાંથી કરી તેમનો ભવિષ્યનાં સંવર્ધન માટેનાં સાંઢ તરીકે ઉછેર કરવામાં આવે છે.
  • બીજા તબક્કામાં પુખ્ત ઉમરે પહોંચેલા સાંઢમાંથી સંવર્ધન માટેનાં સાંઢની પસંદગી કરવામાં આવે છે.

નાના વાછરડાંઓમાંથી પસંદગી

સંવર્ધન માટેનાં સાંઢ તરીકે જેનો ઉછેર કરવાનો હોય, તેવા નર વાછરડાંઓની પસંદગી નીચેના મુદ્દા પર કરવામાં આવે છે.

  1. નર વાછરડાંની માતાનું દૂધ ઉત્પાદન ધણની સરેરાશ કરતાં ખાસ વધારે હોય તે અતિ મહત્ત્વનું છે
  2. નર વાછરડાંનો પિતા ‘સિદ્ધ' સાંઢ હોય તે અગત્યનું છે. ભારતમાં જુદી જુદી નસ્લોમાં ‘સિદ્ધ' સાંઢની સંખ્યા ખૂબ અલ્પ હોવાથી જયારે આ શક્ય ન હોય ત્યારે નર વાછરડાંના પિતાની વંશાવળી ખૂબ સારી દૂધ ઉત્પાદન શક્તિ ધરાવતાં પૂર્વજોવાળી હોય તે ખૂબ અગત્યનું છે.
  3. નર વાછરડાની બહેનો અને પિત્રાઈબહેનોનાં દૂધ ઉત્પાદનની માહિતી મેળવવી જોઈએ. તેઓનું દૂધ ઉત્પાદન ધણની દૂધ ઉત્પાદનની સરેરાશ કરતાં વધારે હોવું જોઈએ.
  4. નર વાછરડાની માતા-પિતાની વંશાવળીમાં કોઈપણ પૂર્વજ કોઈપણ પ્રકારની શારીરિક ખોડ-ખાંપણ ધરાવતો ન હોવો જોઈએ. આવા ગુણો જો વારસાગત હોય તો નર વાછરડા દ્વારા ધણમાં ખૂબ ઝડપથી ફેલાવાની શક્યતા રહે છે. તેથી આવો સાંઢ પસંદ કરાય નહિ.
  5. પસંદ કરાયેલ નર વાછરડાં તેમની નસ્લની અગત્યની શારીરિક ખાસિયતો ધરાવતાં હોવા જોઈએ. જેથી તેમનાં દ્વારા પેદા થનાર સંતાનોમાં તેમની નસ્લની યોગ્ય ખાસિયતોનો વિકાસ થાય.
  6. નર વાછરડાંની પસંદગી વખતે પશુ ડોક્ટર પાસે તેનાં પ્રજનન અવયવોની તપાસ કરાવવી જોઈએ.
  7. પસંદ કરાયેલ નર વાછરડાંનો શારીરિક વિકાસ ઝડપી અને સમતોલ હોવો જોઈએ અને તે કોઈપણ પ્રકારની લાંબા ગાળાની અથવા ટૂંકી માંદગીથી પીડાતો ન હોવો જોઈએ. તેને બળીયા, ખરવા-મોવા જેવા રોગોની રસી મૂકાવેલ હોવી જોઈએ.
  8. અમેરિકા અને યુરોપનાં ગોપાલનમાં આગળ વધેલ દેશોમાં સંવર્ધન માટે પસંદ કરાયેલ નર વાછરડાઓની રંગસૂત્રોની કોઈપણ પ્રકારની ખામી માટે પણ ચકાસણી કરવામાં આવે છે. રંગસૂત્રોની ખામી જાનવરોની પ્રજનન ક્ષમતા પર અસર કરે છે.
  9. પુખ્ત ઉમરનાં સાંઢની સંવર્ધન માટે પસંદગી :
  10. સંવર્ધન માટે પસંદ કરાયેલ સાંઢ “સિદ્ધસાંઢ” હોય એ ખૂબ અગત્યનું છે. ભારતમાં ગાયોની જુદી જુદી નસ્લોમાં આવા “સિદ્ધસાંઢ” ખૂબ જૂજ સંખ્યામાં હોવાથી આ પ્રકારનો સાંઢ અથવા તેનું થિજાવેલ વિર્ય મેળવવાની ઘણી મુશ્કેલી છે.
  11. સાંઢની વંશાવળી વિષે ચોક્કસ માહિતી હોવી જોઈએ. તેની માતાનું દૂધ ઉત્પાદન, ધણનાં સરેરાશ દૂધ ઉત્પાદન કરતાં ખાસ વધારે હોય તે અગત્યનું છે.
  12. તેની સગી અને પિત્રાઈ બહેનોનાં દૂધ ઉત્પાદનની માહિતી મેળવવી જોઈએ. તેઓનું દૂધ ઉત્પાદન ધણનાં સરેરાશ દૂધ ઉત્પાદન કરતાં વધારે હોવું જોઈએ.
  13. સાંઢની વંશાવળીમાં કોઈપણ પૂર્વજ કોઈપણ પ્રકારની શારીરિક ખોડખાંપણ ધરાવતા ન હોવા જોઈએ. જો સાંઢ દ્વારા સંતાનો પેદા થયેલ હોય તો તે બધા જ સંતાનો કોઈપણ પ્રકારની શારીરિક ખોડખાંપણ ધરાવતાં ન હોવા જોઈએ.
  14. સાંઢ પોતાની નસ્લની અગત્યની શારીરિક ખાસિયતો ધરાવતો હોવો જોઈએ.
  15. સાંઢનો શારીરિક વિકાસ, સમતોલ, બાંધો મજબૂત અને ચૂસ્ત તેમજ વધુ પડતી ચરબી વગરનો હોવો જોઈએ. સાંઢ કોઈપણ પ્રકારની માંદગીથી પીડાતો ન હોવો જોઈએ.

સામાન્ય રીતે સાંઢ/પાડાની પ્રાથમિક પસંદગી ૬ માસથી ૧ વર્ષની ઉંમરે કરવામાં આવે છે. ત્યારબાદ તેને થીજવેલ બીજ ઉત્પાદન કેન્દ્ર ખાતે લાવી લીલો ચારો, સૂકો ચારો, ખાણદાણ વિગેરે પૂરતા પ્રમાણમાં આપી ઉછેર કરવામાં આવે છે. જેથી પ્રજનન અંગો પૂરતા પ્રમાણમાં વિકાસ પામે. સામાન્ય રીતે સાંઢ/પાડાની માતાનું વેતર દીઠ દૂધ ઉત્પાદન તથા પિતાની માતાનું વેતરદીઠ દૂધ ઉત્પાદન જેને ઓલાદના સરેરાશ દૂધ ઉત્પાદન કરતા વધુ હોવું જોઈએ, જેમ કે...

ઓલાદ

માતાનું વેતરદીઠ દૂધ ઉત્પાદન

જર્સી.

૪૦૦૦ લિ. કરતાં વધુ

એચ.એફ

પOO૦ લિ. કરતાં વધુ

કાંકરેજ

ર૦૦૦ લિ. કરતાં વધુ

ગીર

૩૦૦૦ લિ. કરતાં વધુ

સંકર

૩૫૦૦ લિ. કરતાં વધુ

મુરાહ

૩૦૦૦ લિ. કરતા વધુ

સુરતી

૨૫૦૦ લિ કરતા વધુ

જાફરાબાદી

૩૦૦૦ લિ. કરતા વધુ

પ્રાથમિક પસંદગી પામેલ સાંઢ/પાડાનું ટી.બી. (ક્ષય) જે.ડી., બ્રુસેલ્લોસીસ વગેરે જેવાં ચેપી રોગો માટે ટેસ્ટીગ કરવામાં આવે છે. જેથી વીર્ય દ્વારા આવા રોગો ફેલાય નહીં. ટી.બી., જે.ડી., બ્રુસેલ્લોસીસ જેવા રોગો ધરાવતા સાંઢ/પાડાને વીર્યગ્રહણ માટે ઉપયોગમાં લેવામાં આવતા નથી અને ખસી કરવામાં આવે છે જેથી કુદરતી સેવા માટે ઉપયોગમાં લેવામાં ન આવે.

વારસાગત લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન કરવા માટે રંગસૂત્રો જવાબદાર છે. રંગસૂત્રોમાં વિકૃતિ આવે તો તેના દ્વારા વહન થતા લક્ષણોમાં પણ વિકૃતિ આવે. રંગસૂત્રોના અભ્યાસને કેરીઓટાઈપીંગ કહેવામાં આવે છે. પસંદ કરેલ સાંઢ|પાડો શારીરિક રીતે તંદુરસ્ત હોય, ઓલાદના તમામ ગુણો ધરાવતો હોય, માતાનું દૂધ ઉત્પાદન વધુ હોય, ઉચ્ચ વીર્ય ગુણવત્તા ધરાવતો હોય તેમજ ઉચ્ચ ફલન શક્તિ ધરાવતો હોય તેમ છતાં જો રંગસૂત્રોમાં વિકૃતિ હોય તો ભવિષ્યની પેઢીમાં આ વિકૃતિ ન જાય તે માટે વીર્યગ્રહણ માટે ઉપયોગમાં લેવાતો નથી. આવા સાંઢ/પાડાની ખસી કરવામાં આવે છે સામાન્ય રીતે રંગસૂત્રોની વિકૃતિ બે પ્રકારની હોય છે.

  • બંધારણની વિકૃતિ :સંખ્યાની વિકૃતિ. દા.ત. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, આણંદ દ્વારા થયેલ સંશોધન અનુસાર મુરાહપાડાના નં. બી-એમ-૭૯નું કેરીયોટાઈપીંગ કરાવતા “વેરીઆનન્ટે ક્રોમોસોમ નં. ૩” નામની વિકૃતિ જોવા મળી. આ પ્રકારની વિકૃતિ ધરાવતા સાંઢપાડો શારીરિક રીતે તંદુરસ્ત, ઉચ્ચ વીર્ય ગુણવત્તા, ઉચ્ચ ફલનશક્તિ વિગેરે ધરાવતો હોવા છતાં પણ તેના વીર્ય દ્વારા જન્મતી માદા સંતતિ આજીવન વાંઝિયાપણું ધરાવે છે. સંતતિનું ઋતુચક્ર સામાન્ય હોય અને રીપીટ બ્રીડીંગ રહે છે. આવી સંતતિ સમગ્ર જીવનકાળ દરમ્યાન ગર્ભધારણ કરી શકતી નથી અને પશુપાલકોને મોટુ આર્થિક નુકસાન થાય છે
  • ચાઈમેરીઝમ (Chimerism) એટલે કે, સાંઢ/પાડાના શરીરમાં માદા અને નરના એમ બંને પ્રકારનાં રંગસૂત્રો (XXતથા xy) ધરાવતા કોષો આવેલ હોય છે આવા સાંઢ/પાડામાં શુક્રપિંડ અલ્પવિકસિત રહે છે. અને વીર્યની ગુણવત્તા નબળી હોય છે. આ પ્રકારની ખામી માદામાં હોય તો આજીવન વાંઝણી રહે છે.
  • મોઝેઈકોસમ (Mosaicism) પ્રકારની વિકૃતિ ધરાવતા સાંઢ/પાડાની ફલનશક્તિ ઘણી જ નબળી હોય છે.
  • ટ્રાઈસોમી-એક્સ (Trisomy-x) એટલે જાતીય રંગસૂત્રોની જોડી (xy)માં વધારાનું x પ્રકારનું રંગસૂત્રનું હોવું. (61x xy)આ પ્રકારની ખામીથી સાંઢ/પાડાના શુક્રપિંડ અલ્પવિકસિત રહે છે.

ટ્રાન્સલોકેશન (Translocation) એટલે રંગસૂત્રનો કોઈ ભાગ બીજા રંગસૂત્ર સાથે કોષ વિભાજનના સમયે જોડાઈ જાય છે. આ પ્રકારની ખામીથી નબળી ફલનશક્તિ તથા રીપીટ બ્રીડીંગ જોવા મળે છે.

આમ, સાંઢ/પાડાની પસંદગી માટે રંગસૂત્રોનો અભ્યાસ (કેરીયોટાઈપીંગ) ખૂબ જ જરૂરી છે.

પસદ કરેલા સાંઢ/પાડાના લોહીના નમુના લઇ બ્લડટેસ્ટ  (Bovine Leucocyte Adhesion Deficiency Test) યુરીડેઝ એમન્ઝીમ  ટેસ્ટ  (Uridase enzyme test) વગેરે ટેસ્ટ કરવામાં આવે છે. જેથી  અલી એમ્બીયોનીક મોટીલીટીડિથ (EED) નિવારી શકાય.

ઉપર્યુક્ત તમામ વિગતો ચકાસી સાંઢ/પાડાનું વીર્યગ્રહણ કરવામાં આવે છે. સામાન્ય રીતે દેશી સાંઢ ૩.૫-૪ વર્ષે, શુદ્ધ વિદેશી સાંઢ ર વર્ષ, સંકર સાંઢ ર.પ વર્ષ તથા પાડા ૩-૪ વર્ષ વીર્યગ્રહણ માટે સક્ષમ બને છે.

પશુ સંવર્ધન કૃત્રિમ બીજદાનથી જ

પશુપાલન વ્યવસાયને નફાકારક રીતે ચલાવવા માટે આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર પશુસંવર્ધન કરવું જરૂરી છે. પશુસંવર્ધનમાં કૃત્રિમ બીજદાનનું ખૂબ જ મહત્ત્વ છે. કૃત્રિમ બીજદાન માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી વીર્યનું એકત્રીકરણ, પરિક્ષણ, મૂલ્યાંકન, તનુકરણ, સંરક્ષણ, કૃત્રિમ બીજદાન કેન્દ્ર સુધી પહોંચાડવા પરિવહન તથા ગરમીમાં આવેલ પ્રજનન યોગ્ય માદાને બીજદાન કરવા સુધીની કામગીરી ખૂબ જ મહત્ત્વની છે. કૃત્રિમ બીજદાનના સફળ ઉપયોગ તથા તેનાથી પ્રાપ્ત અનેક સુવિધાઓને કારણે દુનિયાના પ્રગતિશીલ દેશોએ અપનાવીને પશુ વિકાસની યોજનાનો મુખ્ય ભાગ બનાવ્યો છે. આજે પ્રગતિશીલ દેશોમાં ૮૦ થી ૯૦ ટકા પશુસંવર્ધન કૃત્રિમ બીજદાનથી થાય

કૃત્રિમ બીજદાન શા માટે ?

  • ભારતમાં પશુ વસ્તીની સંખ્યાને ધ્યાને લેતાં સંવર્ધન માટે સાંઢની જરૂરિયાત સામે સારી ઉત્પાદન ક્ષમતા ધરાવતા ખૂબ જ ઓછા સાંઢ પણ ઉપલબ્ધ છે. એટલે કે પશુ ઓલાદ સુધારણા માટે ઉપલબ્ધ સાંઢ/પાડાનો અધિકતમ ઉપયોગ કરવા માટે કૃત્રિમ બીજદાન જરૂરી છે.
  • પ્રજનન સંબંધી કેટલાક ચેપી રોગો જેવાં કે ચેપી ગર્ભપાત, બ્રુસેલોસીસી તથા ટ્રાઈકો મોનિયોસીસ વગેરેના સફળતાપૂર્વક નિયંત્રણ કૃત્રિમ બીજદાનથી જ સંભવ છે. કારણકે થીજવેલ બીજ ઉત્પાદન માટે ફક્ત નિરોગી સાંઢ/|પાડા રાખવામાં આવે છે. તેમને અન્ય પશુઓના સંપર્કમાં આવવા દેવામાં આવતા નથી તથા સાંઢ પાડાનું સમયાંતરે નિયમિત સ્વાસ્થય પરીક્ષણ કરવામાં આવે છે.
  • નાના પશુપાલકો કે જેઓ પ થી ૧૦ પશુઓ રાખતા હોય તેમના માટે એક સાંઢ રાખવો આર્થિક રીતે પોષાય તેમ નથી. જેથી તેમને ખૂબ જ ઓછી કિંમતે ઉત્તમ પ્રજનન સુવિધા કૃત્રિમ બીજદાન દ્વારા મળી શકે છે.
  • કૃત્રિમ બીજદાન માટે આવેલ પશુનું વિશેષ પરિક્ષણ કરવામાં આવે છે જેથી પ્રજનન સંબંધી રોગોનું નિદાન તથા ઉપચાર, ચોક્કસ સમયે થઈ શકે છે.
  • કૃત્રિમ બીજદાનથી સેંકડો માઈલ દૂર રહેલ ઉત્તમ ઓલાદના સાંઢ પાડાથી પ્રજનન સંભવ થઈ શકે છે. આ કાર્ય આંતરરાષ્ટ્રીય કક્ષાએ થઈ શકતું હોઈ ઓલાદ સુધારણા કાર્યક્રમ વ્યાપક રૂપે હાથ ધરી શકાય છે.
  • કુદરીત સેવા કરતાં કૃત્રિમ બીજદાન સેવામાં ખર્ચ ઓછો થાય છે જેથી સરકાર ઓલાદ સુધારણા યોજના સુવિધાપૂર્વક સફળતાથી હાથ ધરી શકે છે.

કૃત્રિમ બીજદાનનું પશુ વિકાસ કાર્યમાં મહત્વ :

  • ઓલાદ સુધારણામાં કૃત્રિમ બીજદાનનું મહત્ત્વ :પશુધન એ આપણા દેશની ગ્રામીણ અર્થ વ્યવસ્થા તથા કૃષિનો મુખ્ય આધાર છે. પશુઓ દ્વારા વધુમાં વધુ આર્થિક લાભ મેળવવો એ તેની ઓલાદ, જાતિ તથા તેની મૂળ આનુવાંશિક ક્ષમતા ઉપર આધાર રાખે છે. જેના કારણે પશુ વિકાસમાં ઓલાદ સુધારણા કાર્યને ખાસ પ્રાથમિકતા આપવામાં આવે છે. જેનાથી પશુઓની ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ થાય અને તેનાથી વધુ લાભ મેળવી શકાય છે. જે કૃત્રિમ બીજદાનથી સારી રીતે શક્ય બને છે.
  • ઉત્તમ પશુપ્રજનન કેવી રીતે શક્ય છે?: શુદ્ધ ઓલાદના ઊંચી ઉત્પાદન ક્ષમતા ધરાવતા પસંદ કરેલ સાંઢપાડાથી પેદા થયેલ પાડી, વાછરડીમાં અધિક ઉત્પાદન ક્ષમતા હોય છે. જેથી સતત પશુ વિકાસ માટે હંમેશાં ઉત્તમ ઓલાદના ઉચ્ચ કોટિના સાંઢથી જ પ્રજનન કરાવવું જરૂરી છે. જેના કારણે ઉચ્ચ કોટિના પસંદ કરેલ કિંમતી સાંઢ|પાડાની દેખભાળ તથા પાલનપોષણની જવાબદારી સરકારે લીધી છે અને આ ઉચ્ચ કોટિના સાંઢ|પાડા દ્વારા ઉત્પન્ન કરેલ વીર્યથી ગાય,ભેંસમાં પ્રજનન માટે કૃત્રિમ બીજદાનની યોજના અમલમાં મૂકેલ છે.
  • ઉત્તમ પશુ પ્રજનન માટે કૃત્રિમ બીજદાન પદ્ધતિને શા માટે અપનાવવામાં આવેલ છે :કૃત્રિમ બીજદાન દ્વારા પશુઓને ગર્ભાધાન કરાવવા માટે ઓછી સંખ્યામાં સાંઢપાડાની જરૂરિયત રહે છે. ઉચ્ચ ઓલાદના ઉચ્ચ કોટિના સાંઢાપાડાને પસંદ કરી ગાય,ભેંસમાં કૃત્રિમ બીજદાન કરી હજારોની સંખ્યામાં બચ્ચા પેદા કરી શકાય છે. જેના કારણે કૃત્રિમ બીજદાનને પશુ વિકાસનો મુખ્ય આધાર તથા પશુ વિકાસની ચાવી ગણવામાં આવે છે. દુનિયાના મોટાભાગના દેશોમાં આ પદ્ધતિથી જ પશુવિકાસ કરવામાં આવે છે.
  • શું સાંઢ/પાડાની કુદરતી સેવાથી મોટા પાયા ઉપર પશુવિકાસ સંભવ છે?કુદરતી સેવાથી એક સાંઢ|પાડા દ્વારા એક વર્ષમાં ૧૦૦ થી ૧૨૦ પશુઓમાં પ્રજનન સંભવ થઈ શકે. જેના કારણે કુદરતી સેવાથી પ્રજનન કરાવવા માટે મોટી સંખ્યામાં સાંઢ|પાડાની જરૂરિયાત રહે છે. તદ્ઉપરાંત આ બધા સાંઢ|પાડા ઉચ્ચ કોટિના ઉપલબ્ધ થઈ શકતા નથી. જેના કારણે તેનાથી ઉત્પન્ન થયેલ બચ્ચા બધા જ ઉચ્ચ કોટિના હોતા નથી. જો આજ સાંઢ|પાડાથી ઉચ્ચ કોટીના સાંઢ|પાડા પસંદ કરી કૃત્રિમ બીજદાન પદ્ધતિથી પ્રજનન કરાવવામાં આવે તો ઉચ્ચ કોટિના હજારોની સંખ્યામાં બચ્ચા પેદા કરી શકાય છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે કુદરતી સેવાથી મોટા પાયા ઉપર ટૂંકા સમયગાળામાં પશુ વિકાસ સંભવ નથી જે કૃત્રિમ બીજદાનથી સંભવ છે.
  • થીજવેલ વીર્યનું પશુવિકાસમાં મહત્વ :
  1. થીજવેલ વીર્ય ૧૦ થી ૧૫ વર્ષ સુધી પ્રવાહી નત્રવાયુમાં સુરક્ષિત રાખી શકાય છે જેથી જે તે સાંઢ પાસેથી મેળવેલ વીર્યનો સો ટકા ઉપયોગ થઈ શકે છે.
  2. થીજવેલ વીર્યની મોટીલીટી લગભગ એકસરખી રહે છે. પ્રવાહી વીર્યની જેમ દિન પ્રતિદિન તેની મોટીલીટીમાં પરિવર્તન થતું નથી. જેથી ગભોંધાનની સફળતા પણ એક સમાન રહે છે.
  3. થીજવેલ વીર્યના ઉપયોગથી સાંઢ|પાડાનું પ્રોજનીટેસ્ટીંગ થઈ શકે છે જે પશુ વિકાસમાં થીજવેલ વીર્યનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે.
  4. દેશ પરદેશમાંથી જે ઉચ્ચ કોટિના સાંઢ ઉપલબ્ધ થઈ શકતા નથી તેવા સાંઢનું થીજવેલ વીર્ય પ્રાપ્ત કરી શકાય છે.
  5. સાંઢ બીમાર થવાથી અગર મરણ થયા બાદ પણ તેનું અગાઉથી એકત્રિત કરેલ થીજવેલ વીર્યથી પ્રજનન કાર્ય ચાલુ રાખી શકાય છે.

ગ્રામ્ય કક્ષાએ કૃત્રિમ બીજદાન યોજનાને સફળ બનાવવા માટે પશુપાલકોએ ધ્યાનમાં લેવા જેવા મુદ્દાઓ :

ગુજરાત રાજયમાં ગાયની કાંકરેજ તથા ગીર ઓલાદ અને ભેસોમાં મહેસાણી, જાફરાબાદી તથા સુરતી ઓલાદનું આગવું સ્થાન છે. આ ઓલાદોના સુધારણા માટે પશુસંવર્ધનમાં કૃત્રિમ બીજદાનનું ખૂબ જ મહત્ત્વ છે જે ધ્યાને લઈને ગુજરાત રાજ્યમાં આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર સમગ્ર રાજ્યમાં થીજવેલ વીર્યથી કૃત્રિમ બીજદાન કામગીરી હાથ ધરવામાં આવેલ છે. ખાતા મારફતે ગ્રામ્ય કક્ષાએ ઘ.પ.સુ.પો કેન્દ્રો તથા સહકારી ડેરીઓ દ્વારા કૃત્રિમ બીજદાનની સગવડ ઉભી કરવામાં આવેલ છે. આ કૃત્રિમ બીજદાન યોજનાને સફળ બનાવવા તથા વધુમાં વધુ લાભ લેવા માટે ગ્રામ્ય કક્ષાએ પશુપાલકો તથા ઉપકેન્દ્રના કર્મચારીએ પરસ્પર અત્યંત ઘનિષ્ટ સંબંધ તથા સંપર્ક કાયમી રાખી નીચે મુજબના મુદ્દા ધ્યાનમાં રાખવા જરૂરી છે.

  1. કેન્દ્ર ઉપરના કર્મચારીઓએ ગામના પશુપાલકોના પ્રજનન યોગ્ય પશુઓ વિષેની જાણકારી મેળવી તેની નોંધ રાખવી જરૂરી છે. જેનાથી એ સ્પષ્ટ થઈ જશે કે ક્યા પશુપાલક પાસે કેટલા પ્રજનન યોગ્ય પશુઓ છે તેમાંથી કેટલા ગાભણ છે અને કેટલા ખાલી છે.
  2. જે પશુઓ ગરમીમાં આવે તેમને કૃ.બી. કરાવવાનું જરૂરી છે. કૃત્રિમ બીજનું મહત્ત્વ, લાભ તથા આવશ્યક્તા બાબતેની સમજ પશુપાલકોને અવારનવાર કેન્દ્ર ઉપરથી આપવી જોઈએ તથા કેન્દ્ર ઉપરના કર્મચારીએ આ સમજ પૂરેપૂરી આપી પશુપાલકોને કૃત્રિમ બીજદાન કરાવવા પ્રોત્સાહિત કરવા જોઈએ.
  3. કૃત્રિમ બીજદાન કર્યા પછી પશુને સાંઢ કે પાડાથી ફેળવવું જોઈએ નહિ તથા બે દિવસ સુધી ચરવા માટે છોડવા નહીં અથવા અલગ રાખવા જરૂરી છે. જેથી અન્ય બાંગરા સાંઢના સંપર્કમાં આવે નહીં.
  4. કૃત્રિમ બીજદાનની તારીખની નોંધ રાખવી તથા ૨૦ થી ૨૧મો દિવસો દરમિયાન પશુ ફરીથી ગરમીમાં આવે છે કે કેમ તે બાબતે પશુપાલકે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. ઘણા પશુપાલકો એમ માને છે કે એકવાર કૃત્રિમ બીજદાન કરાવવાની ૧૦૦ ટકા ગાભણ થાય છે પરંતુ પશુપાલકોએ સમજવું જોઈએ કે કેટલીક ગાય| ભેંસને કૃત્રીમ બીજદાન કરવા છતાં પણ ૨૦ થી ૨૧ દિવસો પછી ફરીથી ગરમીમાં આવી શકે છે અને એવું થાય તો તે ગાય,ભેંસને ફરીથી કૃત્રીમ બીજદાન કરાવવું જોઈએ.
  5. જો કૃત્રિમ બીજદાન થયા પછી ર૦ થી ર૪ દિવસમાં પશુ ગરમીમાં ના આવે તો આવા પશુને બે થી ત્રણ માસ પછી ગર્ભાધાન માટે પરિક્ષણ કરાવવું જરૂરી છે. જેથી તે પશુ ગાભણ થયેલ છે કે કેમ? તે જાણી શકાય છે અને પશુપાલકોને આર્થિક નુકસાનથી બચાવી શકાય છે અને પશુમાં સમયસર ગર્ભાધાન કરાવવા બાબતે સહાયક થઈ શકે છે.
  6. જે પશુઓને ગર્ભાધાન થયેલ છે તેના ઉચિત દેખભાળ પાલનપોષણ તથા જરૂરી સારવાર બાબતની જાણકારી પશુપાલકોએ નિયમિત કેન્દ્રના કર્મચારી પાસેથી મેળવવી જોઈએ.
  7. જે પશુઓમાં ગભોંધાન થયેલ નથી અને ગરમીમાં આવતા નથી તેવા પશુઓને ગરમીમાં લાવવા માટે જરૂરી સારવાર પશુ ચિકિત્સક પાસે સમયસર કરાવવી જરૂરી છે.
  8. જ્યાં કૃત્રિમ બીજદાનની સુવિધા ઉપલબ્ધ હોય તેવા ગામોમાં બીનઉપયોગી બાંગરા સાંઢ તથા દોઢથી બે વર્ષની ઉંમરના તમામ વાછરડા/પાડા સંપર્કમાં ના આવે તે સારું તેને ખસી કરવા જોઈએ. આમ ગામના પશુઓના ટોળામાં કોઈ પ્રજનન યોગ્ય સાંઢ/પાડા રહેવા ના જોઈએ.
  9. ગામમાં પ્રજનન યોગ્ય સાંઢ|પાડાને ખસીકરણ કરવાથી માદા પશુ ગરમીમાં છે કે કેમ? તે જાણવું પશુપાલક માટે અઘરું થઈ શકે છે. જેથી જે ગામમાં પશુઓ ટોળામાં રાખવામાં આવતા હોય ત્યાં પશુઓના ટોળામાં એકાદ નસબંધી કરેલ સાંઢ (ટીઝર) રાખવાથી ગાય,ભેંસ ગરમીમાં છે કે કેમ? તે જાણી શકાય છે. આવા ટીઝર સાંઢના સંપર્કમાં ગાય,ભેંસ આવવા છતાં ગભોંધાન થતું નથી અને ઉતરતી કક્ષાના બચ્ચા ઉત્પન થવાની સંભાવના રહેતી નથી.

જાણો અને અપનાવો

દૂધમાંથી ચીઝ બનાવતી વેળા જે આછ (ઉરીઓ) નીકળે છે તેમાં જખમો રૂઝાવવાની તથા ચામડી પરની કરચલીઓ પડે તે દૂર કરવાની શક્તિ છે. ઓસ્ટ્રેલીઆમાં વૈજ્ઞાનિકોએ અખતરા દ્વારા ઉપર મુજબ પુરવાર કર્યું છે અને વ્યાપારી ધોરણે ૯ બિલીઅન અમેરીકન ડોલરનો ધંધો થઈ શકે. ૧૦૦૦ લિટર આછમાંથી ૩૦ ગ્રામ પાવડર પ્રાપ્ત થાય છે.

ગાયોને વિયાજણના પ૩ દિવસ પહેલાંથી તેના ખોરાકમાંથી ચરબીનું પ્રમાણ વધારવામાં આવે. દા.ત. સેફલાવર (કરડી)નું તેલ તો નવજાત વાછરડામાં ઠંડી સહન કરવાની શક્તિ વધે છે. આવા વાછરડામાં તેના મૂત્રપીંડો (કીડની) તથા અન્ય અવયવોની આસપાસ ચોકલેટીયા રંગની ચરબીનું આવરણ હોય છે. તેનાથી તે વધુ ઠંડીની સામે રક્ષણ મેળવી શકે છે એમ મનાય છે.

સંકર સંવર્ધનનું મહત્વ

સંકર સંવર્ધનથી ઓછામાં ઓછા સમયમાં ઓછા દૂધ ઉત્પાદનવાળા પશુઓનો વધુ દૂધ ઉત્પાદનવાળા પશુમાં વિકાસ કરી શકાય છે સંકર પશુ ૧૫ થી ૧૮ માસમાં પ્રજનન યોગ્ય થઈ જાય છે. જે ૧૦ થી ૧ર લિટર દૂધ પ્રતિદિન આપી શકે છે. તેમાં પ્રજનન નિયમિત રૂપથી થઈ શકે છે. જરૂરિયાત મુજબ પસંદગીના પશુ સંકર સંવર્ધનથી તૈયાર કરી શકાય છે. સંકર પશુ અધિક લાભદાયક તથા અધિક ઉત્પાદનવાળા હોય છે જયારે દેશી શુદ્ધ ઓલાદના સાંઢથી પ્રજનન કરાવવાથી અધિક ઉત્પાદનવાળા પશુઓ તૈયાર કરવા માટે ૬ થી ૭ પેઢી એટલે કે ૩૦ થી ૩૫ વર્ષ જેટલો સમય લાગે છે. તેમ છતાં દેશી શુદ્ધ ઓલાદના પશુ સંકર પશુની જેમ નાની ઉંમરમાં પ્રજનન યોગ્ય અને અધિક ઉત્પાદનવાળા થઈ શકતા નથી.

જર્સી /એચ.એફ. સંકર સંવર્ધન શા માટે ?

વિદેશી ઓલાદમાં જર્સી એચ.એફ. નાના કદના પશુ હોવાથી તેનાથી પેદા થયેલ પશુઓની દેખભાળ પશુપાલકો આસાનીથી કરી શકે છે. જસીં ઓલાદના પશુઓમાં ગરમી સહન કરવાની ક્ષમતા અન્ય વિદેશી ઓલાદના પશુઓની સરખામણીમાં વધુ છે. એચ.એફ.ની સંકર ઓલાદ જર્સી સંકર ઓલાદની તુલનામાં ગરમી સહન કરવાની ક્ષમતા ઓછી ધરાવે છે. આ ઓલાદના સંકર બળદ ખેતીકામમાં અન્ય વિદેશી ઓલાદની સરખામણીમાં વધુ ઉપયોગી છે. આ બળદોને વહેલી સવારે અને બપોરે ચાર પછી ઉપયોગમાં લેવા જોઈએ.

વધુમાં વધુ તથા ઓછામાં ઓછું સંકર સંવર્ધન કેટલી મર્યાદા સુધી આવશ્યક છે :

સંકર સંવર્ધન દ્વારા પેદા થયેલ પ્રથમ પેઢીના સંકર પશુ દેશી પશુ કરતાં અધિક લાભદાયક તથા અધિક ઉત્પાદનવાળા હોય છે. આ પશુઓમાં પ૦ ટકા દેશી તથા પ૦ ટકા જર્સી એફ.એફ.નું લોહી હોય છે. આ પ્રકારના પ૦ ટકા સંકર પશુઓમાં શુદ્ધ ઓલાદના વિદેશી પશુના વીર્યથી સંકરણ કરવું હિતાવહ નથી. કારણકે પ૦ ટકાના વિદેશી લોહીવાળા સંકર પશુઓમાં વિદેશી લોહીનું પ્રમાણ ૭૫ ટકા થતા બીમારી વધુ થવાની શક્યતા રહે છે તથા ભારતના વાતાવરણને અનુકૂળ નથી. જેથી પ૦ ટકા સંકર પશુઓને પ૦ ટકા સંકર સાંઢના વીર્યથી જ સંવર્ધન કરવું જરૂરી છે. આમ ફક્ત દેશી ઓલાદના પશુઓમાં જ ૧૦૦ ટકા વિદેશી સાંઢથી પ્રજનન કરવું જોઈએ.

૫૦ ટકા સંકર પશુઓથી નીચે મુજબ ફાયદા થાય છે :

  1. આ પશુઓ નાની ઉંમરના (૧૫ થી ૧૮ માસ) પ્રજનન યોગ્ય થાય છે.
  2. આ પશુઓ અધિક દૂધ (૬ થી ૮ લિટર) આપે છે.
  3. તેમાં પ્રજનન નિયમિત રીતે થાય છે.
  4. મોટાભાગે ર૬ થી ૩૦ માસમાં ગાય બની જાય છે.
  5. વિયાણ બાદ ૩૦૦ દિવસ સુધી દૂધ આપે છે.
  6. જર્સી સંકરના દૂધમાં લગભગ ૪ થી ૫ ટકા ફેટ રહે છે. એચ.એફ. સંકરના દૂધમાં ૩.૦ થી ૩.૫ ટકા ફેડ હોય છે.
  7. તેના વાછરડા નાની ઉંમરમાં ખેતી કામ માટે યોગ્ય થાય છે.
  8. અધિક ગરમી તથા ભારતીય વાતાવરણમાં સારી રીતે અનુકૂળ થાય છે.
  9. દેશી પશુઓ કરતાં ર થી ૩ ગણું વધુ દૂધ પ્રાપ્ત થાય છે.
  10. પ૦ ટકા લોહીવાળા સંકર પશુઓના પ્રમાણમાં ઓછી બિમારીઓ જોવા મળે છે.

સંકર સંવર્ધન નીતિ :

પ૦ ટકા સંકર વાછરડીને સારી ગાય અને સારા વિદેશી સાંઢથી ઉત્પન્ન થયેલ પસંદગીના પ૦ ટકા સંકર સાંઢના વીર્યથી સંવર્ધન કરાવવાથી પ્રત્યેક પેઢીમાં પ૦ ટકા સંકર પશુ તૈયાર થતા રહે છે. જેમાંથી કેટલાક ખૂબ વધુ ઉત્પાદનવાળા અને કેટલાક ઓછા ઉત્પાદનવાળા પશુ હશે જેના કારણે સારા વધુ ઉત્પાદનવાળી સંકર પશુઓની પસંદગી કરવાની રહે છે તથા ઓછા ઉત્પાદનવાળા પશુઓની છટણી કરવી પડશે.

ફક્ત પસંદ કરેલ સંકર પશુઓમાં જ અને તે પણ સારા પસંદ કરેલ સંકર સાંઢથી કુદરતી અથવા તેના વીર્યથી કૃત્રિમ બીજદાન કરાવવાથી પ્રત્યેક પેઢીમાં વિકાસ થતો રહે છે. આ પ્રકારની પ્રજનન નીતિ ભવિષ્યમાં ખૂબ જ સારા પશુઓની ઓલાદ પેદા કરવાનો મુખ્ય આધાર હશે.

દૂધ ઉત્પાદનના રેકર્ડનું પશુ વિકાસમાં મહત્વ :

આગળની પેઢીઓની પ્રગતિ તથા વિકાસ માટે પ્રત્યેક સંકર માદા પશુના દૂધ ઉત્પાદનનો રેકર્ડ રાખવો અત્યંત આવશ્યક છે. પ્રત્યેક પશુના દૂધ ઉત્પાદન રેકર્ડ ઉપરથી ઉત્તમ સંકર સાંઢની પસંદગી થઈ શકે છે તથા પ્રત્યેક સાંઢથી પેદા થતા સંતાનની દૂધ ઉત્પાદન ક્ષમતામાં કેટલી વૃદ્ધિ થઈ તે જાણી શકાય છે જેના આધારે પ્રોજેની ટેસ્ટીંગ થઈ શકે છે. આમ પ્રત્યેક પશુના દૂધ ઉત્પાદનનો રેકર્ડ અતિ મહત્ત્વનો છે.

આમ, ઉપરોક્ત મુદ્દાઓ ધ્યાને લઈને પશુપાલકોએ સંકર સંવર્ધન અપનાવી ઓછામાં ઓછા સમયમાં અધિક દૂધ ઉત્પાદનવાળા પશુઓનો વિકાસ કરી અધિકતમ આર્થિક લાભ મેળવી શકે છે.

દૂધાળા પશુઓમાં ગરમીનું પરિક્ષણ - હીટ ડીટેકશન

જયારે આપણે આપણા પશુઓમાં સંવર્ધન કુદરતી સેવાઓથી કરતા હતા ત્યારે પશુઓમાં ગરમીના પરીક્ષણનું મહત્ત્વ બહુ જ ઓછું હતું કારણકે આ માટેની મોટા ભાગની કામગીરી સંવર્ધન માટે વપરાતા સાંઢ|પાડા કરતા હતા. હવે જ્યારે આપણે પશુઓમાં સંવર્ધન માટે કૃત્રિમ-બીજદાન તરફ વળ્યા છીએ અને મોટા ભાગના પશુઓ ખેડૂતોને ઘેર મોટા ભાગના સમય માટે ખીલે બંધાયેલા રહે છે ત્યારે તેમાં ગરમીના પરીક્ષણનું મહત્ત્વ ઘણું જ વધી ગયું છે. પશુઓમાં ગરમીમાં આવવા માટે રાજયમાં જુદા જુદા ભાગોમાં જુદા જુદા શબ્દો જેવા વેતરે આવવું, ઋતુમાં આવવું, ઈશ્વરે આવવું, ખૂટે આવવું વગેરે શબ્દો વપરાય છે.

સામાન્ય રીતે ખેડૂતો/પશુપાલકો પશુઓમાં ગરમીના ચિન્હો જાણતા હોય છે જેમાં ખાસ કરીને પશુ અશાંત અને ઉશ્કેરાયેલું રહે છે, ખાવાનું ઓછું કરે છે. દૂધ ઓછું આપે છે, પૂંછડી ઊંચી રાખે છે, ભાંભરે છે, બીજા જાનવરો ઉપર કુદે છે. યોની ઉપર સામાન્ય સોજો તથા અંદર લાલાશ દેખાય છે, લાળી કરે છે. વારંવાર થોડો થોડો પેશાબ કરે છે. આ ચિન્હો ઉપરથી પશુ ગરમીમાં છે કે કેમ તેની પરખ થઈ શકે છે, પરંતુ ગરમીના પરીક્ષણ પછી પણ ગરમીના કયા ભાગમાં એટલે કે ક્યા સમયે તેને ફેળવવું કે કૃત્રિમ બીજદાન કરાવવું કે જેથી વધુમાં વધુ ગર્ભધારણ મળે તે મહત્વનું છે.

સામાન્ય રીતે ગાયને જો તેની ગરમીના મધ્યભાગમાં (સ્ટેન્ડીંગ હીટ) એટલે કે ગરમીના ચિન્હો શરૂ થાય પછી ૧ર થી ૧૬ કલાકમાં અને ભેંસોમાં ૧૪ થી ર૦ કલાકમાં જો કૃત્રિમ બીજદાન કરાવવામાં આવે તો ગર્ભધારણની ટકાવારી વધુમાં વધુ મળે છે અને આ માટે સામાન્ય ગરમીના ચિહ્નો જાણ્યા પછી તે ચિહ્નોમાં ગરમીના સમય કે જેને આપણે ત્રણ ભાગમાં વહેંચી શકીએ. (૧) ગરમીનો પૂર્વ ભાગ (અરલી હીટ) (ર) મધ્ય ભાગ (મીડ હીટ) અને (૩) અંતિમ ભાગ (લેટ હીટ) તે સમય દરમ્યાન ચિહ્નોમાં શું ફેરફાર થાય છે તે જો આપણે જાણી શકીએ તો ગરમીનો મધ્યભાગ જાણી આપણે તે સમયે પશુને કૃત્રિમ બીજદાન માટે લઈ જઈ શકીએ. ગરમીના ચિહ્નોમાં તેના ભાગ પ્રમાણે ફેરફારો જોવા મળે છે.

ગરમીના ચિહ્નો

પૂર્વ ભાગ(O થી ૮ કલાક)

મધ્ય ભાગ(૧ર થી ૧૬ કલાક)

અંતિમ ભાગ(૨૪ કલાક)

બીજા જાનવરો સાથેનું વર્તન

બીજા પશુઓથી અલગ થવાની ઈચ્છા રાખે છે.

બીજા પશુઓમાં ભળી જાય છે

બીજા પશુઓમાં ભળી જઈ સામાન્ય

વર્તન કરે છે

સ્વભાવ (ઉગ્રતા)

સ્વભાવ શરૂઆતમાં નરમ લાગે છે. પછી ઉગ્ર બને છે

ઉગ્ર સ્વભાવ લાગે છે બીજા જાનવરોને પોતાના ઉપર ઠેકવા દે છે.

શાંત જણાય છે.

ભૂખ

ખોરાક ઓછો લે છે.

ખૂબ જ ઓછો ખોરાક લે છે

સામાન્ય ખોરાક લે છે.

ભાંભરવું

કોઈકવાર

વારંવાર

ભાગ્યે જ

પીઠના ભાગના સ્નાયુઓનું ખેંચાણ ખાસ કરીને સંકર ગાયોમાં

સહેજ વધારે જોવા મળે છે

દેખીતી રીતે જ વધારે જણાય છે.

ભાગ્યે જ  ધીરે ધીરે સામાન્ય થાય છે

શરીરનું ઉષ્ણતામાન

સહેજ વધારે

એકદમ વધે છે

ધીરે ધીરે સામાન્ય થાય છે

ભગ (યોનિ)

ઓછી કરચલીઓ દેખાય છે. સહેજ સોજા   દેખાય છે

દેખીતી રીતે સહેજ સોજા જોવા મળે છે

સામાન્ય થતી જણાય છે

યોનિનો અંદરનો ભાગ

થોડી લાલાશ પડતી જોવા મળે છે

લાલાશ જોવા  મળે છે

ધીરે ધીરે સામાન્ય થાય છે

ગર્ભાશયની પરિસ્થિતિ

ગર્ભાશય કડક બને છે

વધુ કડક લાગે છે

સામાન્ય

આ ઉપરાંત પશુ જ્યારે ગરમીમાં હોય ત્યારે તેની યોનિમાર્ગમાંથી ચીકણું પ્રવાહી નીકળે છે. જેને લાળી કહે છે. આ લાળીના ગુણધર્મ ગરમીના તબક્કા પ્રમાણે બદલાય છે. આ લાળી ગરમીના શરૂઆતના અને મધ્યભાગમાં જોવા મળે છે, અંતિમ ભાગમાં ભાગ્ય જ જોવા મળે છે.

લાળીની સ્થિતિ

પૂર્વ ભાગ (અરલી હીટ)

મધ્ય ભાગ (સ્ટેન્ડિંગ હીટ)

રંગ

ચોખી પાણી જેવી

પારદર્શક પરંતુ ઘટ્ટ

ઘટ્ટતા

પાતળી

ઘટ્ટ

જથ્થો

વધુ

ઓછો

સ્થિતિસ્થાપક

લાળી ઓછી અને સ્થિતિસ્થાપક અને જલ્દી તૂટી જાય છે

દોરડા જેવી અને સ્થિતિસ્થાપક હોય છે. યોનિમાર્ગથી નીચે સુધી લટકતી રહે છે.

કૃત્રિમ બીજદાન કરનાર પણ ગર્ભાશયના પરીક્ષણ ઉપરથી પશુ ગરમીની કઈ અવસ્થામાં છે તે જાણી શકે છે. ગાય,ભેંસ ગરમીમાં હોતી નથી ત્યારે ગર્ભાશય નરમ, મુલાયમ હોય છે, પરંતુ પશુ જ્યારે ગરમીમાં હોય ત્યારે ઈસ્ટ્રોજન અંતઃસ્રાવની અસરને લીધે તે કડક અને નાનું બને છે. ગરમીના શરૂઆતના ભાગમાં ગભર્યાશય ઓછું કડક હોય છે, પરંતુ મધ્ય ભાગમાં તે વધુ કડક બને છે. આ સમય બીજદાન માટે વધુ યોગ્ય છે. ગરમીના અંતિમ ભાગમાં ગર્ભાશય ધીરે ધીરે નરમ થતું જાય છે. આમ કૃત્રિમ બીજદાન કરનાર પણ લાળી અને ગર્ભાશયની પરિસ્થિતિ ઉપરથી ગરમીનો ભાગ જાણી કૃત્રિમ બીજદાન કરવાનો નિર્ણય લઈ શકે છે.

ગાય

ભેંસ

ગરમીનો સમય ટૂંકો હોય છે(૧ર થી ર૪ કલાક)

ગરમીનો સમય લાંબો હોય છે(૨૪ થી ૩૬ કલાક)

ગરમીના ચિહ્નોમાં થોડો ઘણો તફાવત જોવા મળે છે

ગરમીના ચિહ્નો મોટા ભાગે ઓછા પ્રબળ અને શાંત ગરમી જોવા મળે છે. (silent heat)

ગરમી તૂટક તૂટક જોવા મળતી નથી.

ગરમી તૂટક-તૂટક જોવા મળે છે

લાળીનો જથ્થો વધુ હોય છે.

લાળીનો જથ્થો ઓછો જોવા મળે છે

ભાંભરવાનું સામાન્ય હોય છે

લાંબા સમય સુધી હોઠ ઊંચા કરી દાંત દેખાય તે રીતે ભાંભરે છે

એક ગાય બીજી ગાય પર ઠેકે છે

આ ભાગ્ય જ જોવા મળે છે

આમ ગાયો કરતા ભેંસોમાં ગરમીનું પરીક્ષણ વધારે કાળજી માંગી લે છે. ગરમીના પરીક્ષણનો આધાર પશુનું દિવસમાં કેટલીકવાર નિરીક્ષણ કરીએ છીએ અને આ માટે કેટલો સમય આપીએ છીએ તેના પર આધાર છે.

આમ સફળ ગભોંધાન માટે ગરમીનું પરીક્ષણ ઘણું મહત્ત્વનું છે. એક વખત જાનવરની ગરમીની પરખ ન થઈ શકે અથવા તેને ચોક્કસ સમયે કૃત્રિમ બીજદાન માટે ન લઈ જઈએ અને તે જો ગાભણ ન થાય તો બીજી ગરમીના સમય સુધી સારા જાનવરો પાસેથી આપણે તેનું ઉત્પાદન ગુમાવીએ તેની ખોટ લગભગ રૂ. ત્રણસો જેટલી થાય. આનું આર્થિક પાસું પણ સમજીએ અને આજથી જ નિર્ણય કરીએ કે આપણા પશુઓની ગરમીની તારીખ તથા સંવર્ધનની નોંધ રાખીએ. નિયમિત ગર્ભપરીક્ષણ કરાવીએ અને પછીની ગરમીની પરખ માટે નિયમિત કાળજી રાખીએ.

ઉનાળાની ઋતુમાં ભેંસોમાં પ્રજજન ક્ષમતાની જાળવણી

ગુજરાત રાજ્ય પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં સમશીતોષ્ણ અને ઉષ્ણ કટિબંધમાં વહેંચાયેલું છે, અને રાજ્યના મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. રાજ્યમાં વર્ષમાં સ્પષ્ટ ત્રણ ઋતુ જોવા મળે છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ, ઉનાળા દરમ્યાન સૂર્યના કર્કવૃત તરફ આવતા, પ્રકાશના કલાકો વધે છે. પૃથ્વી ઉપર તેના સીધા કિરણો પડતાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધે છે, અને ભેજનું પ્રમાણ ઘટે છે. આની સીધી અસર માનવજીવન તથા પ્રાણીજીવન પર પડે છે. ભેંસોમાં આ અસર ફળદ્રુપતામાં ઘટાડાના સ્વરૂપે જોવા મળે છે.

ભેંસોમાં સામાન્યતઃ વિયાણ ચોમાસુ શરૂ થતાં (જુલાઈ-ઓગષ્ટ-સપ્ટેમ્બર) થાય છે. વિયાણ બાદ મેલી પડવી તેમજ ગર્ભાશયમાંથી લાલ બગાડ લગભગ ૧૦ થી ૧૫ દિવસ સુધી પડવો સામાન્ય છે. ત્યારબાદ પશુપાલકોનું ધ્યાન ભેંસોમાં દૂધ ઉત્પાદન તરફ જતું રહે છે, પરંતુ વિયાણ બાદના શરૂઆતના પO થી ૬૦ દિવસમાં જો પૌષ્ટિક આહાર આપવામાં આવે તો ગર્ભાશયનું સંકોચન વ્યવસ્થિત થાય અને વેતરમાં આવવાની પ્રક્રિયા સામાન્યતઃ થાય, યોગ્ય સમયે ફેળવવામાં આવે તો ફલીનીકરણ શક્ય બને, ગર્ભધારણ થાય અને લગભગ ૧૩ થી ૧૪ મહિનાના ગાળામાં ફરી વિયાણ થાય.

શિયાળામાં આબોહવા ઠંડી, તાપમાન ઓછું અને પ્રકાશના કલાકો ઓછા હોય ત્યારે ભેસોમાં સામાન્ય ઋતુચક્ર (૨૦-૨૧ દિવસ) અને તીવ્રતા સાથે ઋતુકાળ જોવા મળે છે, અને તેન સંવર્ધન માટેનો આ યોગ્ય સમય હોય

જો ભેંસોમાં વિયાણ મોડું થાય એટલે કે લગભગ શિયાળામાં થાય તો તેઓમાં વિયાણ બાદ ગર્ભાશયનું પુનઃ યોગ્ય સ્થિતિમાં આવવું, દૂધ ઉત્પાદનમાં શક્તિ વપરાવવી અને યોગ્ય પૌષ્ટિક આહાર મેળવી પુનઃયોગ્ય શારીરિક શક્તિ મેળવવા જે સમયગાળો પસાર થાય તે દરમ્યાન ઉનાળો શરૂ થઈ જાય.

ઉનાળામાં ગરમ આબોહવા, પ્રકાશના વધારે કલાકો, ઉંચું ઉષ્ણતામાન અને સૂકા વાતાવરણ જેવા કારણોની અસર ભેંસોના આહાર લેવા પર પડે છે. આની સીધી અસર દેખીતા દૂધ ઉત્પાદન પર અને નહિ દેખાતાં ચિહ્નોમાં સંવર્ધન પર પડે છે. ઉનાળામાં ઋતુચક્રનો સમયગાળો લાંબો (ર ર-ર૪ દિવસ), ઋતુકાળનો ગાળો ઓછો (૧૬૧૮ કલાક) અને તેની તીવ્રતા ઓછી જોવા મળે છે. આને કારણે ભેંસ વેતરમાં ક્યારે આવી તે ખ્યાલ આવતો નથી. તથા બે ઋતુકાળ વચ્ચેનો ગાળો લંબાઈ જાય છે. આપણે ખોટી ધારણામાં રહીએ છીએ કે ભેસ વેતરમાં પાછી ફરી નથી તેથી ગાભણ હશે. ઋતુકાળનો ગાળો ઓછો અને તેની તીવ્રતા ઓછી હોવાથી ભેંસ ક્યારે વેતરમાં આવી અને તેને ફેળવવાનો યોગ્ય સમય ચૂકી જવાથી પણ ગર્ભધારણની શક્યતા ઓછી થઈ જાય છે. તદ્ઉપરાંત ઉનાળાની આડ અસર ગર્ભવિકાસના શરૂઆતના તબક્કામાં પણ જોવા મળે છે. જેમાં ભૂણ નાશ પામે અથવા તો ગર્ભપાત થઈ જાય છે. ગાય ભેંસની ફળદ્રુપતામાં ઘટાડો જોવા મળે છે.

પાડામાં પણ ઉનાળાની પ્રતિકુળ અસર જોવા મળે છે. આ અસર શુક્રાણુઓની ગતિશીલતા, તેની જીવંત શક્તિ, અસામાન્ય શુક્રાણુસંખ્યા તથા શુક્રાણુઓની કુલ સંખ્યા અને વિર્યની અન્ય લાક્ષણિકતાઓ ઉપર જોવા મળે

ઘણી વખત આપણે સામાન્યતઃ કહીએ છીએ કે ભેંસો ઉનાળામાં વેતરમાં ઓછી જોવા મળે છે. પરંતુ તેના જનનાંગો-બીજાશય, ગભશિય, કમળ, યોનિ વગેરેની તપાસ કરતાં તેમાં ઋતુચક્રના ફેરફારો જોવા મળતા જ હોય છે, જેમકે બીજાશયમાંથી બીજ છૂટું પડવું, યોનિસ્રાવાલાળી જોવા મળવી વગેરે એટલે જો ભેંસોની વૈજ્ઞાનિક રીતે તપાસ કરાવતા રહીએ અને તેના આધારે વેતરના ચિહ્નોની સઘન તપાસ રાખીએ તો ઉનાળા દરમ્યાન પણ ભેંસ વેતરમાં આવે ત્યારે જાણી શકાય અને તેને યોગ્ય સમયે ફેળવી શકાય.

વેતરમાં આવવાના ચિહ્નોમાં તબેલા કે ફાર્મમાં રાખેલ અને વેતરમાં આવેલી ભેંસ શાંતિથી ઉભી હોય જેથી બીજા જાનવર તેના પર ઠેકી શકે, વેતરમાં આવેલ ભેંસ બીજા જાનવર પર ઠેકે, વેતરમાં આવેલ જાનવરો લગભગ એકબીજા સાથે ભેગા ઉભા રહેલા જોવા મળે, વેતરમાં આવેલ જાનવર બિનઆરામદાયક પરિસ્થિતિમાં જોવા મળે, બીજા જાનવરો જ્યારે બેઠા હોય ત્યારે વેતરમાં આવેલ જાનવર ઉભુ જ હોય, ચરાવવા માટે લઈ જઈએ ત્યારે પણ પ્રતિકૂળ સંજોગોમાં હોય તેમ વર્ત, યોનિમાર્ગ સુઝેલો જોવા મળે, દૂધમાં ડબકાઈ જાય, આરડે, વેતરમાં આવેલ જાનવર બીજા જાનવરની યોનિના ભાગે સુંઘે અથવા તે ભાગ ચાટે અથવા બીજા જાનવરની પૂંઠના ભાગે મોટું રાખી ઉભું રહે, પૂંછડી વારંવાર વિઝયા કરે તથા વારંવાર પેશાબ કરે વગેરે... વગેરે...

આ ઉપરાંત ભેંસોમાં ઉનાળાના પ્રતિકૂળ સંજોગોમાં પ્રજનન ક્ષમતા જાળવી રાખવા માટે નીચેના ઉપાયો કરી શકાય

  1. ભેંસોના તબેલા કે ફાર્મની આસપાસ વૃક્ષો હોય તે ફાયદાકારક છે માટે સઘન વૃક્ષારોપણ કરવું જેથી ફાર્મના વાતાવરણનું ઉષ્ણતામાન ઓછું રહે.
  2. ફાર્મની આસપાસના વિસ્તારમાં પાણીનો છટકાવ કરવો, જેથી દિવસ દરમિયાનના ઉષ્ણતામાનના વધવાથી બાષ્પિભવનના કારણે તાપમાન નીચું રહે.
  3. દિવસ દરમ્યાન જ્યારે તાપમાન વધારે હોય ત્યારે ભેંસોને ચરવા ન લઈ જવી પરંતુ ફાર્મમાં જ રાખવી. બને ત્યાં સુધી ચરવા માટે અથવા ખુલ્લામાં લઈ જતા હોઈએ તો ઉનાળા દરમ્યાન વહેલી સવારે કે મોડી સાંજે લઈ જવી જયારે વાતાવરણની ગરમી ઓછી હોય.
  4. પીવા માટે પાણી છુટથી મળી રહે તેની વ્યવસ્થા કરવી કે જેથી દિવસ દરમ્યાન શારીરિક ઉષ્ણતામાન જળવાઈ રહે.
  5. ઉનાળા દરમ્યાન ઘાસચારો અને દાણ આપવાનો સમય પણ બદલીને વહેલી સવારે અને મોડી સાંજે કરી દેવો કે જયારે વાતાવરણની ગરમી ઓછી હોય.
  6. બને ત્યાં સુધી લીલો ઘાસચારો વધારે આપવો અને પોષણયુક્ત આહાર આપવો કે જેથી શારીરિક શક્તિ જળવાઈ રહે અને પ્રજનન તંત્ર પર કોઈ પ્રતિકૂળ અસર ન પડે તેમજ ઋતુકાળ અને ઋતુચક્ર નિયમિત જોવા મળે.
  7. ફાર્મમાં હવાની અવર જવર સામાન્ય હોય અને ગરમ હવા ન આવે તે માટે ખસની ટટ્ટી, પંખા અથવા તો પાણીના ફુવારાની વ્યવસ્થા થઈ શકે તો કરવી જેથી વાતાવરણના ઉંચા ઉષ્ણતામાનની ભેંસોના શરીર પર પ્રતિકૂળ અસર પડે આવી વ્યવસ્થા ન થઈ શકે તો ભેંસ ઉપર દિવસમાં ત્રણ-ચાર વખત પાણી નાંખવું.
  8. જો ફાર્મ ઉપર ભેંસોને કુદરતી સમાગમથી ફેળવતા હોઈએ તો પાડાની દેખરેખ પણ ઉપર મુજબ જ રાખવી જોઈએ. જો ભેંસોને કૃત્રિમ બીજદાનથી ફેળવતા હોઈએ તો અનુકૂળ વાતાવરણમાં એકઠું કરેલ અને થિજાવેલ વિર્ય વાપરવું સલાહ ભરેલું છે.

આમ ઉપર જણાવેલ થોડા સામાન્ય મુદ્દાઓનો ખ્યાલ રાખીએ તો આપણે ઉનાળાના પ્રતિકૂળ વાતાવરણમાં પણ ભેંસોમાં પ્રજનન ક્ષમતા જાળવી રાખી શકીએ.

દૂધાળા પશુઓમાં ગર્ભપાત થવાના કારણો, નિદાન અને સારવાર

ખેડૂત મિત્રો, અમોને પશુસંવર્ધન શિક્ષણ શિબિર, પશુ ઉત્પાદકતા વૃદ્ધિ શિબિર અને ગ્રામ્ય સભાઓમાં, દૂધ ઉત્પાદક સહકારી મંડળીની મુલાકાતોમાં ગાય, ભેંસ તરવાઈ જવા અને તેની સારવાર બાબતે પશુપાલકો દ્વારા અવારનવાર પ્રશ્નો પૂછવામાં આવે છે. ઘણી વખત ચેપી રોગથી તરવાઈ ગયેલા પશુને રાખવું મનુષ્યોના આરોગ્ય દષ્ટિએ હિતાવહ નથી. જેથી ગર્ભપાત કે તરવાઈ જવાના કારણો, તેનાથી થતું આર્થિક નુકશાન, રોગ પ્રસારણ અને તેનો અટકાવ વિશે માહિતી આપતો આ લેખ રજુ કરવામાં આવે છે.

સામાન્ય રીતે ગર્ભધારણ કર્યા પછી ગાય-૨૭૨ દિવસ પછી અને ભેંસ ૩૦૫ દિવસ પછી વિયાય છે. ગાભણ ગાય કે ભેસનું મરેલું અથવા જીવતું બચ્યું સમય પૂરો થાય એ પહેલાં ગર્ભશયની બહાર નીકળી જાય તેને ગર્ભપાત કે તરવાઈ જવું કહેવામાં આવે છે. ક્યારેક ગર્ભધાન પછી ખૂબ જ ઓછા સમયમાં એટલે કે ૧૫ દિવસથી પ૦ દિવસ પહેલાં જ ગર્ભ બહાર નીકળી જાય છે. ગર્ભના ખુબ જ નાના કદના કારણે પશુપાલકને આ અંગેનો ખ્યાલ આવી શકતો નથી.

ખેડૂત ભાઈઓ, ગાય-ભેંસ તરવાઈ જવાના કારણે પશુપાલકોને આર્થિક નુકશાન કેવી રીતે થાય છે તે જાણવું જોઈએ, જેમાં

  1. બચ્યું ગુમાવવાથી
  2. પ્રમાણમાં ખુબ જ ઓછું દૂધ ઉત્પાદન મળવાથી
  3. વિયાણ વચ્ચેનો ગાળો વધવાના કારણે
  4. ઓછું દૂધ આપતા જાનવરોને ઘાસચારો અને દાણ આપવું પડતું હોવાથી અને
  5. સારવાર ખર્ચ વિગેરે.

આ ઉપરાંત તરવાઈ જવાની સાથોસાથ ગાયો, ભેંસોમાં અન્ય અસરો જેવી કે,

  1. મેલી ન પડવી
  2. ગર્ભાશયનો સોજો
  3. ગર્ભાશયમાં પરૂ થવું
  4. કાયમી વાંઝીયાપણું
  5. ટૂંકા સમયનું વાંઝીયાપણું અને ગરમીમાં કે પાળીમાં ન આવવું વિગેરે.

ગર્ભપાત થવાના કારણો :

  1. ચેપી રોગોના સૂક્ષ્મ જીવો દ્વારા ગર્ભને, ગર્ભની કોથળીને અથવા બન્નેને થતાં નુકશાનથી ગાભણ ગાયભેસમાં ગર્ભપાત થાય છે.
  2. ચેપી રોગોના (ખરવા મોવાસો, થાઈલેરીયાસીસ, ગળસુંઢો, ગાંઠીયો તાવ, બ્રુસેલોસીસ) કારણે અથવા બીજા કોઈ કારણસર વધુ અને તીવ્ર તાવ આવવાથી ગાભણ ગાય-ભેંસ તરવાઈ જાય છે.

ખોરાકમાં ઈસ્ટ્રોજન યુક્ત ઘાસચારાનું વધુ પ્રમાણ આવી જાય તો ગાય-ભેંસ તરવાઈ જાય છે. તરવાઈ જવાના અન્ય કારણોમાં ગર્ભવૃદ્ધિમાં જવાબદાર એવા અંતઃસ્ત્રાવના પ્રમાણમાં કોઈક કારણોસર વધઘટ થવાથી, ગાભણ ગાય-ભેંસને અજાણતા બીજદાન થવાથી અથવા ગર્ભાશયમાં દવા મુકવાથી, ગાભણ જાનવરને પાળીમાં આવવાની હોમોંનયુક્ત દવાઓ આપવાથી, ગર્ભ નિદાન સમયે રજ9થીને ઈજા થવાથી ગર્ભપાત થવાનું ગણી શકાય

ચેપી રોગનો સૂક્ષ્મજીવાણુઓ દ્વારા ગર્ભપાત હોઈ તેના વિશે જાણવું જોઈએ જેમાં,

  1. તરવાઈ જવાની પ્રક્રિયામાં ભાગ ભજવાનાર ચેપીરોગના સૂક્ષ્મજીવો તંદુરસ્ત પશુઓમાં હવા, પાણી, ઘાસચારો, ઈજા થયેલ ચામડી દ્વારા તથા આંખો દ્વારા શરીરમાં દાખલ થઈ તેમની સંખ્યામાં વધારો થાય છે.
  2. ચેપી રોગના સુક્ષ્મ જીવોનો ચેપ ધરાવતા સાંઢ|પાડા દ્વારા ગાય-ભેંસને ફેળવવાથી પણ આવો ચેપ લાગે છે.
  3. ચેપી રોગના સૂક્ષ્મજીવોનો ચેપ ધરાવતા વીર્યથી બીજદાન કરવાથી તથા બીજદાન કરતી સમયે, ગર્ભ નિદાન અને યોનિ પરીક્ષણ તેમજ સારવાર કરતી સમયે યોગ્ય જંતુ રહિત સાધનો ન વાપરવાથી રોગ થઈ શકે છે.

ખેડૂત ભાઈઓ, તમો તો પશુઓની સાથે જ રહો છો જેથી પ્રાથમિક નિદાન માટે કેવા ચિન્હો જોવા મળે ત્યારે પશુપાલકે પશુ ડોક્ટરને સમયસરની સારવાર માટે બોલાવવા તે જાણવું જરૂરી છે. જેમાં જાનવરની અસ્વસ્થતા, વધુ પડતાં રેકવું, ઝાડી-પેશાબ કરતી વખતે થોડી ઘણી તકલીફ, પશુ ઉઠ-બેસ કરે. નીચે બેસીને આમળાવું, ગર્ભ નિદાન થયેલ ગાભણ ગાય-ભેંસની યોની આજુબાજુમાં ચિકણા રક્તયુક્ત સ્રાવની હાજરી, સ્રાવની દુર્ગધના કારણે માખીઓની હાજરી તેમજ દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળતો હોય છે.

ગર્ભપાત થયા પછી રોગ નિદાન માટે લેબોરેટરીમાં લોહી, મેલીનો ભાગ, બચ્ચાના પેટનો ભાગ, ગભશયના અંદરનો સ્રાવ વગેરે મોકલીને ગર્ભપાત થઈ જવાનું કારણ નક્કી કરી શકાય છે. દુધાળા પશુના દૂધનું લેબોરેટરીમાં પરીક્ષણ કરી શકાય છે. જેથી ચેપી રોગથી તરવાઈ ગયેલા પશુને ફેરવવું કે રાખવું તે જાણીને પશુનો નિકાલ કરવા નિર્ણય કરી શકાય છે.

રોગનો અટકાવ અને નિયંત્રણ કેવી રીતે કરવું તે વિશે માહિતી હોવી જરૂરી છે. જેથી આર્થિક નુકશાનમાંથી ખેડૂતભાઈઓ બચી શકે.

રોગ થયા પછી સારવાર પાછળ થતાં ખર્ચ તેમજ રોગ મટાડવા પાછળ લાગતો સમય અને સારવાર અપાવ્યા પછી પણ રોગના સંપૂર્ણ મટવા અંગેની અનિશ્ચિતતાના કારણે રોગ ન થાય તેવું આયોજન કરવું જરૂરી છે.

લેબોરેટરીમાં તપાસ કરાવી જે ચેપી રોગના જીવાણું છે તે રોગની રસી ઉપલબ્ધ છે તેવા રોગ વિરોધી તમામ રસીઓ નિયમિત મુકાવવી તંદુરસ્ત જણાતા પશુઓમાં પણ યોગ્ય સમયાંતરે લેબોરેટરી પરીક્ષણ કરાવી સૂક્ષ્મ જીવોની શરીરમાં હાજરીની ખાત્રી કરી યોગ્ય ઉપાય કરવા.

જ્યારે પણ નવું જાનવર ખરીદ કરવામાં આવે ત્યારે તેના લોહીનું ગર્ભાશયના સ્રાવનું લેબોરેટરી પરીક્ષણ કરાવી ચેપી રોગમુક્ત હોવાની ખાત્રી કરી લેવી.

પશુઓમાં ઉથલા મારવાના કારણો અને તેનું નિરાકરણ

ગાય-ભેંસોમાં હંગામી વંધ્યત્વ અંગેની મૂંઝવણવાળા પ્રશ્નો પૈકી, ઉથલા મારવા એ એટલો જ અગત્યનો તથા હજી પણ અણસમજ રહેલ પ્રશ્ન છે. જેના લીધે દુધાળાં જાનવરોનાં ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. ગાયભેસના લગભગ નિયમિત ૧૮ થી ૨૩ દિવસના ઋતુચક્ર દરમિયાન સાંઢ-પાડાથી આશરે ત્રણ કે ચાર વખત ફાલુ કરાવ્યા છતાં ગર્ભ ન રહેતાં, ફરીથી ગાય-ભેંસ ગરમી/વેતરમાં અથવા ઈશ્વરે પાછી ફરે છે, જેને ઉથલા મારવાનું કહેવાય. આવા માદા જાનવરોમાં નરી આંખે ન દેખાય કે ન બહારથી શારીરિક ફેરફાર તપાસી શકાય તેવો મૂંઝવણવાળો પ્રશ્ન છે.

સદરહુ વંધ્યત્વના પ્રશ્નમાં હજી પણ અણસમજ પ્રવર્ત છે. જે માટે જુદા જુદા પ્રકારના અભિપ્રાયો હોઈ શકે. આ પ્રકારના વંધ્યત્વ સારુ બધા જ તબક્કાઓનો વિગતવાર અભ્યાસ કરવો જરૂરી છે.

‘ઉથલા મારવા” અંગે જુદા જુદા તજજ્ઞોએ અભ્યાસ કરેલ તે અનુસાર પ ટકા થી ૪૨.૭૭ ટકા જેટલી ઉથલા મારવાની સંભાવના ગાય ભેંસોમાં જોવા મળેલ છે. ખાસ કરીને ગુજરાત રાજ્યનાં માદા જાનવરોમાં સને ૧૯૭૮ થી ૧૯૮૩ સુધીના સમયગાળામાં વેટરનરી કોલેજ આણંદ ખાતે કરાએલ અભ્યાસમાં ૩.૭૩ ટકા થી ૮.૦૭ ટકાનો ઉત્તરોત્તર ઉથલા મારવાનો વધારો નોંધાયેલ છે. જેમાં વોડકી કરતાં વધુ વિયાણવાળી ગાય-ભેંસમાં આ પ્રકારનો પ્રશ્ન વધારે મૂંઝવે છે.

ગાય-ભેંસોમાં હંગામી વંધ્યત્વ અંગેની મૂંઝવણવાળા પ્રશ્નો પૈકી, ઉથલા મારવા એ એટલો જ અગત્યનો તથા હજી પણ અણસમજ રહેલ પ્રશ્ન છે. જેના લીધે દુધાળાં જાનવરોનાં ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. ગાયભેસના લગભગ નિયમિત ૧૮ થી ૨૩ દિવસના ઋતુચક્ર દરમિયાન સાંઢ-પાડાથી આશરે ત્રણ કે ચાર વખત ફાલુ કરાવ્યા છતાં ગર્ભ ન રહેતાં, ફરીથી ગાય-ભેંસ ગરમી/વેતરમાં અથવા ઈશ્વરે પાછી ફરે છે, જેને ઉથલા મારવાનું કહેવાય. આવા માદા જાનવરોમાં નરી આંખે ન દેખાય કે ન બહારથી શારીરિક ફેરફાર તપાસી શકાય તેવો મૂંઝવણવાળો પ્રશ્ન છે. સદરહુ વંધ્યત્વના પ્રશ્નમાં હજી પણ અણસમજ પ્રવર્ત છે. જે માટે જુદા જુદા પ્રકારના અભિપ્રાયો હોઈ શકે. આ પ્રકારના વંધ્યત્વ સારુ બધા જ તબક્કાઓનો વિગતવાર અભ્યાસ કરવો જરૂરી છે. ‘ઉથલા મારવા” અંગે જુદા જુદા તજજ્ઞોએ અભ્યાસ કરેલ તે અનુસાર પ ટકા થી ૪૨.૭૭ ટકા જેટલી ઉથલા મારવાની સંભાવના ગાય ભેંસોમાં જોવા મળેલ છે. ખાસ કરીને ગુજરાત રાજ્યનાં માદા જાનવરોમાં સને ૧૯૭૮ થી ૧૯૮૩ સુધીના સમયગાળામાં વેટરનરી કોલેજ આણંદ ખાતે કરાએલ અભ્યાસમાં ૩.૭૩ ટકા થી ૮.૦૭ ટકાનો ઉત્તરોત્તર ઉથલા મારવાનો વધારો નોંધાયેલ છે. જેમાં વોડકી કરતાં વધુ વિયાણવાળી ગાય-ભેંસમાં આ પ્રકારનો પ્રશ્ન વધારે મૂંઝવે છે.

કારણભૂત પાસાંઓ :

દુધાળા જાનવરોમાં ઉથલા મારવાનાં મુખ્ય કારણોમાં પ્રજનન અવયવોની ખામીઓ, જવાબદાર અંત:સ્ત્રાવો, ચેપ|બગાડ, પ્રતિકૂળ આબોહવા, સંતુલિત ખોરાકનો અભાવ, વારસાગત લક્ષણો, સાર-સંભાળ અંગેની ખામીઓ, રોગપ્રતિકારક શક્તિનો અભાવ, એન્ટીબાયોટીક્સ તથા વંધ્યત્વનિવારણયુક્ત દવાઓની આડઅસરો તથા પ્રજનન અવયવો પૈકી, ગર્ભાશય ગ્રીવાના સુક્ષ્મ કોષોની વિકૃતિ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. તદુપરાંત સામાન્ય છતાં ખૂબ જ અગત્યનાં નીચેના કારણો પણ ઉથલા મારવામાં જવાબદાર ગણાય.

  1. માદા જાનવરોનાં ફાલુ કરવા માટે ઉપયોગમાં લેવાતા સાંઢ-પાડાની યોગ્ય પસંદગીના અભાવને લીધે ગાયભેંસોને ફાલુ કરાવવા છતાં ઉથલા મારી પાછી વેતરમાં કે ઈશ્વરે આવે છે. આથી સારી ગુણવત્તાવાળા ઊંચી ફળદ્રુપતા ધરાવતા સાંઢ-પાડા પસંદ કરી કુદરતી રીતે કે, કૃત્રિમ બીજદાન પદ્ધતિ માટે વાપરવા જોઈએ.
  2. સઘન સંવર્ધન તથા વારંવાર સંવર્ધનને લીધે માદા જાનવરોના પ્રજનન અંગોને ચેપ લાગે છે. જે માટે નિયમિત પ્રાયોગિક પરીક્ષણ, કૃત્રિમ બીજદાન કર્યા બાદ જરૂર જણાય તો એન્ટીબાયોટીક્સ દવાઓનો ઉપયોગ વગેરે બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. આમ કરવાથી બગાડ થતો અટકાવી શકાશે, અને માદા જાનવરોમાં વંધ્યત્વ નિવારી શકાશે.
  3. અમુક ચોક્કસ મહિનામાં કે, ઋતુ સમયગાળામાં ગાય ભેંસોમાં પ્રજનન કામગીરી સરળતાથી થઈ શકે છે. દા.ત., ગાયો લગભગ ઉનાળાની શરૂઆતના મહિના (માર્ચ-એપ્રિલ) તથા ભેંસો શિયાળાની ઋતુમાં (નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી) સહેલાઈથી ગર્ભ ધારણ કરી શકે છે. આ સિવાય પ્રતિકૂળ ઋતુના સમયગાળામાં ઉથલા મારવાની શક્યતા વધુ રહે છે. આ ઉપરાંત ઘણીવાર પ્રતિકૂળ આબોહવા વાતાવરણનો પણ ભાગ ભજવાય છે. ગરમીના દિવસોમાં ગાય-ભેંસને છાંયડે રાખી, કૃત્રિમ બીજદાન કર્યા બાદના તબક્કામાં કાળજી લેવામાં આવે તે જરૂરી છે. હાલની વૈજ્ઞાનિક સંશોધન દ્વારા એ સિદ્ધ થયું છે કે શિયાળામાં થીજવેલ વીર્ય કે જે ઉનાળા જેવી ગરમ ઋતુમાં આવતી ભેંસો માટે કૃત્રિમ બીજદાનમાં ઉપયોગમાં કરવામાં આવે તો વધુ સફળતા મળે ને ઉથલો મારવાની સંભાવના ઘટાડી શકાય. આમ ઋતુ, સમયગાળો તથા આબોહવાને લીધે જાનવરોની ગરમીનો સમય, ઋતુચક્ર તથા શરૂઆતનો ગર્ભ અને બચ્ચાન વિકાસ વગેરે પરિબળો પર મહદંશે ફાળો છે.
  4. વૈજ્ઞાનિક શોધખોળો અને કતલખાનાના અભ્યાસ પરથી એવું જાણવા મળેલ છે કે વંધ્યત્વ કામચલાઉ ર૦.૩ર ટકા તથા કાયમી ૪.૩૪ ટકા કે જે અંડવાહિની નલિકાનો ભાગ બંધ થવાથી કે અવરોધને લીધે જણાય છે. તેમાંયે અંડવાહિની નલિકાના આગળના જોડાણ ભાગમાં ૭ર.૫૦ ટકા વચ્ચેના ભાગમાં ૨૨.૨૫ ટકા તથા છેડાના ગરણીવાળા ભાગમાં પ. રપ ટકા નળીનો અંદરનો ભાગ બંધ થયેલ જોવા મળે છે. બીજા અન્ય અભ્યાસમાં બહારથી હવાનું દબાણ આપી અંડવાહિની નલિકા બંધ છે કે કેમ તે ચકાસતા ૧૯.૧૫ ટકા જાનવરોમાં બંને બાજુએ બંધ નલિકાઓ બંધ જણાયેલ હતી. જેમાં બંને બાજુની નલિકાઓ બંધ હોય તેવા જાનવરો વારંવાર ઉથલા મારે છે અને કાયમી વંધ્યત્વથી પીડાય છે.
  5. અંડ (સ્ત્રીબીજ) નિયત સમયમાં અંડપીંડમાંથી છૂટું ન પડે તો પણ માદા જાનવર ઉથલા મારે છે ને ખાસ કરીને ૧૫ થી ૪૦ ટકા કિસ્સાઓમાં આવા પ્રકારની ક્ષતિ જણાઈ છે.
  6. ઉથલા મારતાં જાનવરોમાં વળી ગયેલું, બહાર વધુ ઉપસેલું, અંદર વધુ ઉપસેલું કે ઉલટસુલટ ઉપસેલ ગર્ભાશય મુખ કે જેને લીધે કૃત્રિમ બીજદાન કે કુદરતી સંવર્ધન દરમિયાન વીર્ય ગર્ભાશયમાં પસાર થઈ શકતું નથી, તે માદા જાનવરો ઉથલા મારે છે. આ પ્રકારની ક્ષતિ માટે યોગ્ય નિદાન, પ્રાયોગિક ચકાસણી તથા એ અંગે જરૂરી સારવાર અગત્યની છે. આમ થવાના કારણમાં વારંવાર કાળજી વિના થયેલ કૃત્રિમ વીર્યદાન કે વિયાણ સમયની ઈજાઓ છે.

ઉથલા મારવા અંગે તબક્કાવાર જાનવરોની ટકાવારી

જાનવરોને ઋતુચક્ર દરમિયાન ગરમીના સમયમાં કુદરતી રીતે કે કૃત્રિમ બીજદાન પદ્ધતિથી ફાલુ કરાવવામાં આવે છે, છતાં વ્યક્તિગત લાક્ષણિકતા કે આંતરિક ઊણપને લીધે પશુઓ ઉથલા મારે છે. જેને થયેલ કૃત્રિમ બીજદાનને અનુલક્ષી નીચે મુજબ ત્રણ ભાગમાં ટકાવારી પ્રમાણે વહેંચી શકાય.

  1. માદા જાનવર ૧ થી ૩ કુદરતી કૃત્રિમ બીજદાન પદ્ધતિમાં ગર્ભ ધારણ કરી શકે તે મુજબ ૬૭ %
  2. માદા જાનવર ૪ થી ૧૦ કુદરતીકૃત્રિમ બીજદાન પદ્ધતિથી ગર્ભ ધારણ કરી શકે તે મુજબ ૩૦%
  3. માદા જાનવર ૧૦ થી વધુ વાર કુદરતીકૃત્રિમ બીજદાન પદ્ધતિથી ગર્ભ ધારણ કરી શકે તે મુજબ ૩ ટકા
  4. કુલ : ૧૦૦ ટકા

ઉથલા મારવા માટે યોગ્ય નિદાન પદ્ધતિઓ :

ભારત જેવા ખેતીપ્રધાન દેશ માટે ખેતીની સાથે સાથે પશુપાલન એ એક પૂરક વ્યવસાય છે. ગુજરાત રાજ્યમાં સારી ઓલાદની ભેંસો તથા ગાયો કુદરતી બક્ષીસ છે ને તેથી દૂધાળાં જાનવરોનું યથાઉચિત ઉત્પાદન જાળવવા માદા જાનવરની સંવર્ધન કામગીરી સઘન રીતે સફળ નીવડે તો જ ૧૨ થી ૧૩ મહિને વિયાજણનું લક્ષાંક સિદ્ધ થઈ શકે ને તેથી ઉથલા મારતા માદા જાનવરની વ્યક્તિગત દેખરેખ સાથે નિષ્ણાંત ડોક્ટર દ્વારા નિદાન કરાવી યોગ્ય સારવાર કરાવવી જોઈએ. જે માટે નીચે મુજબના પાસાંઓ ધ્યાનમાં રાખવા જોઈએ.

  • સંપૂર્ણ પ્રજનન અવયવનું પરીક્ષણ.
  • ચેપ|બગાડ સામે પ્રાયોગિક ચકાસણી અને દવાઓનો ઉપયોગ.
  • અંડબીજ છૂટું પડવા અંગે વિગતવાર તબીબી અભ્યાસ.
  • અંડવાહિની નલિકાની વૈજ્ઞાનિક ચકાસણી.
  • પ્રજનન અંગોની વિકૃતિનો અભ્યાસ.
  • યથોચિત સારવાર બાબતે.

ઉથલા મારતા અટકાવવા માટે જરૂરી સારવાર અને કાળજી :

માદા જાનવરોમાં ઉથલા મારવા અંગે જુદા જુદા ક્ષેત્રે વિચારવું જોઈએ. જીવાણુશાસ્ત્રની નજરે ચેપ/બગાડ, વિકૃતિશાસ્ત્રની નજરે કોષ રચનામાં થયેલ વિકૃતિ, અંતઃસ્ત્રાવ તજજ્ઞની નજરે અંતઃસ્ત્રાવમાં થયેલ ફેરફારને આ માટે કારણભૂત ગણી શકાય. જયારે તબીબી દૃષ્ટિએ આ બધા પાસાઓનો અભ્યાસ ધ્યાન ઉપર લઈ, ઉથલા મારવા સામે યોગ્ય સારવાર નીચે મુજબ લઈ શકાય.

  1. ઉથલા મારવા અંગે સામૂહિક પ્રશ્ન માટે ગરમી/વેતર|ઈશ્વરે આવેલ માદા જાનવરોની નોંધણી તથા ઉચિત સમયે થયેલ કૃત્રિમ બીજદાન અગત્યનું છે.
  2. માદા જાનવરોને ફાલુ કરવા વપરાયેલ સાંઢ-પાડાની વીર્ય ગુણવત્તા ઉત્તમ પ્રકારની તથા વધુ ગતિશીલ શુક્રાણવાળું વીર્ય હોવા જરૂરી છે.
  3. મૈથુન દરમિયાન ચેપ/રોગ/બગાડના પ્રવેશનો જરૂરી સામનો અને તે અંગેની કાળજી જેમાં સારી ગુણવત્તાવાળા સાંઢ-પાડાની પસંદગી માદા જાનવરોના સંવર્ધન માટે કરવી જોઈએ.
  4. સંવર્ધન રહેઠાણ તથા વિયાણ જગ્યાની ચોખાઈ, સાફ-સફાઈ એ અગત્યની બાબત છે.
  5. જાનવરની ચોક્કસ પ્રકારની સારસંભાળ કે જેમાં નિયમિત સમતોલ આહાર, પાણી, કાળજીનો સમાવેશ થાય છે. માદા જાનવરોની સંવર્ધન ક્ષમતા તથા વખતોવખત તે અંગેનું પરીક્ષણ ને નોંધણી જરૂરી છે.

ખોરાકની બાબતે સંતુલિત ખોરાકમાં વિટામીન્સ, ખનીજ ક્ષારો જરૂરી છે. જેના લીધે શારીરિક ક્રિયાઓ નિયમિત ચાલે છે, ને પ્રજનન અવયવો નક્કી સમયગાળામાં વિકસીત બને છે. આથી ખોરાકમાં દાણ તથા ઘાસચારો વગેરે જરૂરી ગણાય છે.

સંવર્ધન માટે સારા પશુઓની પસંદગી :

વૈજ્ઞાનિક પદ્ધતિથી સારા વારસાગત લક્ષણોવાળાં જાનવરોની પસંદગી તથા સંવર્ધન લાયક, ઉત્તમ આનુવંશિક લક્ષણોયુક્ત સાંઢ|પાડાનો સમાવેશ એ ખુબ નાજુક છતાં અગત્યનું પાસું છે. ઉચ્ચ ઉત્પાદનક્ષમતા ધરાવતા સાંઢનો ઉપયોગ ગાયોના સંવર્ધન માટે કરવાથી ઉત્તરોત્તર વધુ દૂધ ઉત્પાદન મેળવી શકાય અગર તો ઓછી ક્ષમતા ધરાવતી ગાયોમાં સંકર સંવર્ધનથી વધુ દૂધ ઉત્પાદન મેળવી શકાય. ભેસોમાં જે તે ઓલાદમાં ઉત્તરોત્તર સુધારો કરવા સંવર્ધન કામગીરી સારા સાંઢ-પાડા દ્વારા થવી જોઈશે. આમ માદા જાનવરોની સાથે-સાથે નર જાનવરની પસંદગી ઉચ્ચ ગુણવત્તાના ધોરણે થવી જરૂરી છે.

જાતીય પરીક્ષણ :

જાનવરોમાં ચેપ|બગાડ શરૂઆતના તબક્કાથી અટકાવી શકાય. કુદરતી સંવર્ધન કે કૃત્રિમ વીર્યદાન ઉપસ્થિત જાતીય રોગો અટકાવી શકાય ને તેને લીધે વારંવાર ઉથલા મારવાનું નકારી શકાય.

જાતીય પરીક્ષણમાં વિગતવાર નર-માદા જાનવરોનાં પ્રજનન અવયવો ચકાસવા, પ્રાયોગિક પરીક્ષણ હાથ ધરવું તથા ક્ષતિ જણાય ત્યાં યોગ્ય ઉપાય સૂચવવા. આ માટે નિષ્ણાતોની સેવાઓ લેવી. જાતીય પરીક્ષણ માટે ખેડૂતપશુપાલકોને જરૂરી ખાલો સ્પષ્ટ કરાવવા જોઈએ. આનાથી નર|માદા જાનવરોને બીજી આડઅસર ના થતાં બલકે તેના જરૂરી સુધારા અંગે તક સાંપડે તેમ છે.

સારવાર અને ઉપાયો :

અદ્યતન વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ તબીબી સારવાર કે જેમાં ઉથલા મારતા જાનવરોની સારવાર અને ઉપાયો નીચે મુજબ કરવા જોઈએ. આ માટે નિષ્ણાત પશુચિકિત્સકની સેવાઓ મેળવી શકાય.

  • કૃત્રિમ બીજદાન કે કુદરતી રીતે ફાલુ કરાવવાનો સમય તથા અંડપીંડમાંથી અંડબીજ છૂટું પડવાનો સમય સુસંગત હોવો જરૂરી છે, નહિતર કરેલ સંવર્ધન/પ્રજનન કામગીરી નિષ્ફળ જાય છે. ને ગાય-ભેંસ પુનઃ ઉથલા મારે છે.
  • અંડવાહિની નલિકાની રુકાવટ માટે ખાસ તપાસણી તથા પ્રાયોગિક પરીક્ષણ કરી શક્ય હોય તો ઉપાડ કરવો જોઈએ.
  • પ્રજનન અવયવોમાં કુરચનાઓ ધરાવતા પશુઓનું નિદાન કરી તેમને પ્રજનનમાંથી દૂર કરવા જોઈએ.
  • ગર્ભશયના અંદરના પડના સોજાનું નિદાન કરી યોગ્ય સારવાર કરવી જોઈએ. આ માટે ગભશિયનો અંદરનો છેદ પ્રાયોગિક પરીક્ષણ સારુ ચકાસવોને તે મુજબ એન્ટીબાયોટીક્સ/અંત:સ્ત્રાવીક દવાઓ આપવી.
  • અંડબીજ (સ્ત્રીબીજ) અંડપીંડમાંથી મોડું છૂટું પડે તો તે અંગેની વૈજ્ઞાનિક ચકાસણી કરવી જોઈએ. હ્યુમન કોરીઓનીક ગોનાડોટ્રોપીન જેવી દવાઓનો ઉપયોગ કરી અંડબીજ સમયસર છૂટું પાડવા માટે ઉપાય કરી શકાય
  • અંડપીંડમાંથી ડિમ્બ છૂટું ન પડે તો માદા જાનવર ગરમીમાં આવ્યથી સાત થી દસ દિવસે જાતીય પરીક્ષણ કરવું. જેમાં પીળા મશાની ખાતરી કરી શકાય. ડિમ્બ છૂટું ન પડતું હોય તેવા કિસ્સાઓમાં હ્યુમન કોરીઓનીક ગોનાડોટ્રોપીન દવા વાપરવી સલાહ ભરેલી છે.
  • માદા જાનવરોના ઋતુચક્રના બીજા તબક્કાઓમાંનો અભાવ (લુટીયલ ડેફીશીયન્સી)નું નિદાન જરૂરી છે. લુટીયોટ્રોફીક દવાઓ તરીકે હ્યુમન કોરીઓનીક ગોનાડોટ્રોપીન આપ્યા બાદ પછી પુનઃ ગરમીમાં આવતા જાનવરોમાં કૃત્રિમ બીજદાન કરવું જોઈએ.

આમ, દરેક ‘ઉથલા મારતા’ જાનવરનો વ્યક્તિગત ખ્યાલ રાખી વંધ્યત્વ સંલગ્ન પ્રશ્નનું નિવારણ કરવા ઘટતું કરવું જોઈએ. આ માટે કોઈ એક ખાસ પ્રકારની સારવારનો ઉપયોગ ન લેતાં તેના વિશાળ ક્ષેત્રીય તબક્કાઓનો ખયાલ રાખી યોજનાકીય કામગીરી કરવી જોઈએ.

ઉપસંહાર :

‘ઉથલા મારતા’ જાનવરોનો વિગતવાર અભ્યાસ બાદ નીચે મુજબના સાવચેતીના રસ્તા રૂપે સૂચનો દર્શાવી 있ll의.

  1. આ પ્રશ્ન ધીરજથી, આવડતથી તથા ચોક્કસ પ્રકારના નિદાન સાથે દવાઓનો સુમેળ સાધી હલ કરવો જોઈએ. કુદરતી રીતે ફાલુ કરવાની સંવર્ધન કામગીરીને પ્રોત્સાહન ન આપતાં વૈજ્ઞાનિક ઢબે કૃત્રિમ બીજદાન પદ્ધતિ વાપરવી ને તે અંગે વિસ્તરણ કામગીરી વધારી પશુપાલકોમાં જાગૃતિ લાવવી.
  2. કૃત્રિમ બીજદાન પદ્ધતિથી ફાલુ કરવા માટે આ કામગીરીના નિષ્ણાતની સેવા જરૂરી બને છે અને સદરહુ પદ્ધતિમાં વપરાતા સાંઢ-પાડા સારી ગુણવત્તાવાળા અને આનુવંશિક લક્ષણોવાળા પસંદ કરવા જોઈએ. જાતીય આરામ આપવો જરૂરી પણ બને છે.
  3. કોઈપણ પ્રકારની કસુવાવડ કે સુવાવડ પછીની માદા જાનવરની મુશ્કેલીઓ બરાબર રીતે ચકાસી પરીક્ષણ કરી સારવાર આપવી જોઈએ.
  4. સંતુલિત ખોરાક કે જેમાં ઊંચી ગુણવત્તાવાળા પોષક તત્ત્વોનો સમાવેશ જરૂરી છે. જેથી પ્રજનન અવયવોનો જરૂરી વિકાસ નિયત સમયે થઈ શકે તથા સંવર્ધન કામગીરીમાં સફળતા મેળવી શકાય. ખોરાકની નિષ્કાળજીથી જાનવરના શરીરની પ્રતિકારક શક્તિ ઘટે છે. જાનવરો રોગનો ભોગ બને છે.
  5. ‘ઉથલા મારવા” અંગે વિશાળ તબક્કાવાર ખ્યાલો-પાસાઓનો શંભુમેળો હોવાથી આ બાબતોને નિહાળી કોઈપણ ભોગે વધુને વધુ જાતીય ફળદ્રુપતા જાનવરોમાં વધે તે રીતે પ્રયાસો થવા જોઈએ.

ગર્ભધારણની સમસ્યા અને તેનો ઉકેલ

પ્રસ્તાવના

ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત અને સમૃદ્ધ બનાવવા માટે પશુપાલન એક મહત્ત્વનું પરિબળ છે. પશુપાલનની આ મહત્તા સમજાયા પછી વધુ ને વધુ લોકો પશુપાલનને સ્વતંત્ર વ્યવસાય તરીકે અપનાવતા થયા છે. ત્યારે પશુપાલનને વધુ નફાકારક બનાવવા માટે આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા વધુ દૂધ ઉત્પાદન આપવાના આનુવંશિક ગુણો ધરાવતી સારી ઓલાદના પશુઓનો ઉછેર કરવો જોઈએ.

પરંતુ વધુ દૂધ ઉત્પાદન મેળવવા માટે ફક્ત વધુ દૂધ આપવાના આનુવંશિક ગુણો ધરાવતા સારી ઓલાદના પશુઓ રાખવા તેટલું જ પૂરતું નથી, બલકે, સારી ઓલાદના પશુઓ મેળવ્યા બાદ તે માદા પશુઓમાં સફળ ગર્ભધારણ થાય. ને પ્રતિવર્ષે ઓછામાં ઓછું માદા પશુઓમાં એક વિયાજણ રહેવાથી દૂધ ઉત્પાદન ક્ષમતા જળવાઈ રહે છે. આથી અંગ્રેજીમાં કહેવાય છે કે, “ધેર ઈઝ નો પ્રોડકશન વીથાઉટ રીપ્રોડક્શન” અર્થાત્ વિના પ્રજનન નહિ ઉત્પાદન. તેથી પશુસંવર્ધનમાં ગર્ભધારણા એક પાયાની-મહત્ત્વની બાબત ગણાવી શકાય.

ગર્ભધારણ એટલે કે આપણી ગાય કે ભેંસ પુખ્ત વય થયા પછી નિયમિત ઋતુકાળમાં આવે અને સરળતાથી કુદરતી કે, કૃત્રિમ બીજદાન દ્વારા સફળતાપૂર્વક પ્રજનનથી અંડાણું અને શુક્રાણના ફલીનીકરણથી માદા પશુ ગર્ભધારણ કરે તે ક્રિયાને ગર્ભધારણ કહે છે. ગર્ભધારણ ગાય વર્ગમાં નવમાસ અને ભેંસ વર્ગમાં દસ માસને અંતે કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ વગર તંદુરસ્ત બચ્ચાંનો જન્મ આપે અને તેના આ નવા વેતર દરમિયાન સારું દૂધ ઉત્પાદન આપે ત્યારે ગાય કે, ભેંસ આર્થિક દષ્ટિએ નફાકારક નીવડે.

સંવર્ધન યોગ્ય ગાયો તથા ભેંસોમાં ગર્ભધારણ ઈષ્ટતમ સ્તરે જળવાઈ રહે તે ડેરી ઉદ્યોગના અર્થતંત્રમાં મુખ્ય બાબત છે. કારણકે સંવર્ધન એ પશુપાલન માટે પૂર્વાપેક્ષિત બાબત છે. પશુઓની વ્યવસ્થા આ બાબતમાં મુખ્ય ભાગ ભજવે છે. યોગ્ય પશુપાલન વ્યવસ્થાથી પશુઓમાં ઓછો શ્રમ પડે છે, તેવી પદ્ધતિઓ અપનાવવાથી પશુઓમાં ગર્ભધારણ શક્તિ વધે છે.

ગર્ભધારણની સમસ્યાઓ અને ઉકેલ :

પશુ રહેઠાણની આદર્શ વ્યવસ્થા, પશુપોષણ અને માવજત પર પૂરતું ધ્યાન આપવામાં આવે અને પ્રજનન માટે ઋતુચક્ર વ્યવસ્થિત હોય તો માદા પશુઓમાં ગર્ભધારણ નિયમિત થાય છે. દૂધકાળનો સમય શ્રેષ્ઠ રહે છે અને વસુકેલ દિવસો માટે ટૂંકો સમયગાળો રહે અને બે વિયાજણ વચ્ચેનો ગાળો આદર્શ બની રહે છે. ને તેથી પશુપાલન નફાકારક-પૂરક વ્યવસાય તરીકે નિભાવી શકાય. આવી પરિસ્થિતિ જાળવી રાખવાનો જ્યારે પણ અભાવ વર્તાય ત્યારે ગર્ભધારણની મુખ્યત્વે સમસ્યાઓ ઉદ્દભવે છે. જેનો સુઆયોજિત ઉકેલ મેળવી આદર્શ પશુપાલન દ્વારા પશુપાલકોમાં શ્વેતક્રાંતિ લાવી શકાય. આથી હવે, ગર્ભધારણની જુદી જુદી સમસ્યાઓનો અભ્યાસ કરવો જરૂરી બને

સફળ ગર્ભધારણ ટકાવી રાખવા પશુપાલકોએ આટલું અવશ્ય લક્ષમાં રાખવું જોઈએ :

  1. ગાયો/ભેંસો ગરમીમાં ક્યારે આવે છે તે જાણવા માટે નિયમિત વ્યવસ્થા હોવી જરૂરી છે. આ માટે નસબંધી (ટીઝર) કરેલ સાંઢ|પાડાને સવારે તથા સાંજે ગાયો|ભેંસો આગળ ગરમી પરિક્ષણ માટે લઈ જઈએ.
  2. ગાયો/ભેંસોનું સંવર્ધન ઉચ્ચ કક્ષાના સાંઢ/પાડાના થીજવેલ બીજ દ્વારા અગર કુદરતી સેવા દ્વારા કરાવવું જોઈએ.
  3. પશુઓની જાતિય તંદુરસ્તી માટેનો આયોજીત કાર્યક્રમ હોવો જોઈએ. અને તેનું પાલન ચુસ્તપણે થવું જોઈએ. માદા પશુઓને લગતાં રોગોનું લાક્ષણિક નિદાન થઈ શકે તે માટે નિયમિત સમયાંતરે તપાસ કરાવી. યોગ્ય સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

માદા પશુઓના ગર્ભધારણની મુખ્યત્વે સમસ્યાઓ ત્રણ વિભાગમાં વહેંચી શકાય.

ગરમીમાં ન આવવું (ANOESTRUS):

અંડાશય જયારે નિષ્ક્રિય અને નિશ્ચલ અવસ્થામાં હોય ત્યારે માદા પશુઓનું ઋતુચક્ર સંપૂર્ણપણે બંધ હોય છે. એટલે કે, નિષ્ક્રિય હોય છે. આવી સ્થિતિમાં ગાય કે ભેંસ ગર્ભધારણ કરી શકતી નથી. (ખાલી હોય છે) અંડાશય સમતલ હોય છે. મળગ્રહ પરિક્ષણ દરમ્યાન અંડાશય પર પુટિકાઓ કે, પિત્તકાય જોવામાં આવતા નથી. આવા કિસ્સાઓમાં ઈન્જે. જી એન. આર. એચ  (GNRH RECEPTALHOECHST) આપી સારવાર કરી શકાય

ભેસોમાં વિયાજણ પછી ફરી ગરમીમાં લાંબા સમય સુધી ન આવવાની ફરિયાદ અનેકવાર જોવામાં આવે છે. આ પરિસ્થિતિમાં ઘણું ખરું પિત્તકાયનો જેવો વિલય જોઈએ અને તે ન થાય અને તેનું અસ્તિત્વ ચાલુ રહે ત્યારે માદા પશુઓ લાંબા સમયગાળા માટે ગરમીમાં આવતા જણાતા નથી. આથી આવા સંજોગોમાં ઈજે. પ્રોસ્ટાગ્લાન્ડીન (ડાયનોફટીન) આપવાથી ફાયદો થાય છે.

ગાય/ભેસોમાં અવારનવાર ઉથલાં મારવા (REPEAT BREEDERS) :

અંડબીજના વિમોચન વગર પશુ ગરમીમાં આવે ત્યારે એનઓવ્યુલેટરી હિટ (ANOVULATORY hEAT) કહેવામાં આવે છે. એક અંદાજ મુજબ દેશી ગાયોમાં આ પરિસ્થિતિનું પ્રમાણ ઘણું વધારે છે. (૨૪ ટકા) અને તેને લીધે ગાયો|ભેંસોમાં અવારનવાર ઉથલા મારવાની (REPEAT BREEDER) સમસ્યાઓ વિશેષ હોય છે.

આવા કિસ્સાઓમાં ઋતુચક્રના ૧૩મા દિવસે ઈજે. જીએનઆરએચ. (GNRH Receptal-Hoechst) આપવું અને ત્યારબાદ ગાય,ભેંસ ગરમીમાં આવે ત્યારે કૃત્રિમ બીજદાન કે કુદરતી રીતે ફાલુ કરાવવું.

ગર્ભાશયનો સોજો, ગભશિયમાં બગાડ થવો :

ઘણીવાર ગાય,ભેંસના વિયાજણને બાદ મેલી-ઓર પડવાની તકલીફને લીધે કે પછી સુવાવડ દરમિયાન નિષ્કાળજીને પરિણામે ગર્ભાશયમાં બગાડ કે સોજો જોવા મળે છે. મળગ્રહ પરિક્ષણ દરમિયાન ગર્ભાશયમાં (Duffy) અવાજ તેમજ મધ્યમથી ઘટ્ટ પ્રવાહી એકત્રિત થયેલ હોય તેમ જણાય છે. ઘણીવાર કૃત્રિમ બીજદાન અચોક્કસ સમયે થતાં પણ આવી મુશ્કેલીઓ જોવા મળે છે.

આ સંજોગોમાં નજીકના પશુચિકિત્સકનો સંપર્ક કરી. માર્ગદર્શન મુજબ જરૂરી એન્ટીબાયોટીક્સ (Antibiotics)નો કોર્સ પાંચ દિવસ માટે સતત ચાલુ રાખવાથી ગભશિયનો બગાડ અટકાવી, ગર્ભાશય સારું થઈ શકે છે. ને ત્યારબાદ ચોખી તેલ જેવી લાળી કે, જેમાં બિલકુલ બગાડ ન જણાય ત્યારે કૃત્રિમ બીજદાન કે કુદરતી રીતે ફાલુ કરવાથી ગાય,ભેંસોમાં ગર્ભધારણ થઈ શકે છે.

ગરમી ચિહ્નો ન જણાવા (સુષુપ્ત ગરમી : Silent Heat)ને લીધે ગાય,ભેંસોમાં કૃત્રિમ બીજદાન ક્યારે કરવું તે ચોક્કસ નક્કી થઈ શકતું નથી અને પરિણામે ગાય, ભેંસ ગર્ભધારણથી વંચીત રહેવાને લીધે ખાલી રહે છે. આવી ગરમીના ચિહ્નો ન જણાય તેવી પરિસ્થિતિ ભેસોમાં અનેકવાર જોવામાં આવે છે. આ પ્રકારની ફરિયાદો ૨૦ થી ૪૦ ટકા ભેંસોમાં હોવાથી સંભાવના છે.

આ સંજોગોમાં જ્યારે જ્યારે પણ ગાય,ભેંસ ગરમીમાં આવ્યાનો સંશય થાય કે, તુરંત નસબંધી કરાવેલ સાંઢ પાડા દ્વારા કે, નજીકના પશુચિકિત્સક દ્વારા ગરમી પરિક્ષણ કરાવી અગર ગાય કે, ભેસ ગરમીમાં હોય તો કુદરતી કે કૃત્રિમ બીજદાન રીતે ફાલુ કરાવવું જોઈએ. ને ત્યારબાદ ઈજે. જી.એન.આર.એચ. (GnRH Receptal Hoeshst) પ મિ.લિ. સ્નાયુના આપવાથી ગાય,ભેંસોમાં સગર્ભા થવાની શક્યતા વધે છે. અંત:સ્ત્રાવના ઈન્જેકશનની અસર અંડાશયમાં અંડ (બીજ)ના વિમોચન પર થાય છે અને તેથી ફળદ્રુપતાવાળી ગાય ભેંસોમાં ગર્ભધારણ થવાની ક્ષમતા વધે છે.

ગરમીના ચિહો :

ગર્ભધારણ કરતાં પહેલાં ગરમીમાં આવેલ ગાય,ભેંસોના લક્ષણો આ મુજબ છે.

  1. ગાય,ભેંસના યોનીમાર્ગમાંથી ચીકણું પારદર્શક પ્રવાહી એટલે કે લાળી પડે છે. ઘણા જાનવરમાં લાળી તેની ચિકાસને કારણે યોનીદ્વારમાંથી લટકતી દૂરથી પણ જોઈ શકાય છે. પૂંછડી કે, પગ પર પણ ચોટેલ જોવા મળે છે. જમીન પર બેઠેલા જાનવરમાં ઘણી વખત જમીન પર લાળી જોવા મળે છે.
  2. ગાય,ભેંસ ભાંભરે કે રણકે છે. અને વારંવાર થોડો થોડો પેશાબ કરે છે.
  3. દૂધ આપતા પશુઓમાં દૂધ ઉત્પાદન કામ ચલાઉ ઘટે છે.
  4. બીજા પશુઓ ઉપર ઠેકવાનો પ્રયત્ન કરે છે. અથવા બીજા પશુઓને પોતાના પર ઠેકવા દે છે. ખાસ કરીને ગરમીના મધ્ય ભાગથી અંત ભાગ સુધીમાં ગાયોમાં આવું વધારે જોવા મળે છે. આ સમય ગાય,ભેંસ ફેળવવા માટે ઉત્તમ ગણાય છે.
  5. ગાય,ભેંસ અશાંત અને ઉશ્કેરાયેલ દેખાય છે. ખાવાનું અને વાગોળવાનું ઓછું કરે છે.
  6. પૂંછડી ઊંચી રાખે છે અને સાંઢ-પાડાની સોબત શોધે છે.
  7. યોનિ દ્વાર ફૂલેલ જણાય છે તથા અંદરની ત્વચા વધારે પડતી લાલ દેખાય છે.

ગર્ભધારણમાં પશુઆહારનું મહત્વ :

પશુ સંવર્ધનમાં ખાસ કરીને ગર્ભધારણ પ્રક્રિયા સવિશેષ મહત્ત્વની છે. જે માટે પશુ ચિકિત્સાની જેમ પશુ માવજત-વ્યવસ્થામાં પશુ આહાર અગત્યનો ભાગ ભજવે છે. જેમાં અપૂરતું પોષણ, અર્ધભૂખમરો કે, ભૂખમરો, વધુ પડતો ખોરાક આપવાથી, વિટામીની ઉણપ, ખનીજ તત્ત્વોની ઉણપ તથા સૂક્ષ્મ તત્ત્વો જવાબદાર ગણી શકાય. પશુ આહારમાં દર્શાવેલ પશુપોષણની ઉણપને લીધે દૂધ ઉત્પાદનમાં ઘટાડો સાથે સાથે સેક્સલ્યુઅલ મેચ્યુંરીટી વિલંબાય છે. તેમજ સુષુપ્ત ગરમી કે બિલકુલ ગરમીમાં માદા પશુઓ આવતા જણાતા નથી. આ પરાંત રોગપ્રતિકારક શક્તિ ઘટે છે અને પરિણામે પશુ સંવર્ધન પર સીધી તેમજ આડકતરી અસર ઉદ્દભવે છે. આથી ગર્ભધારણ ક્ષમતા ઘટે છે.

પશુ પોષણ/આહાર માટે નીચે મુજબના પગલાં લેવા જરૂરી બને છે. ને તેથી ગર્ભધારણ ટકાવારી વધારી શકાય છે.

  1. પશુપાલકોને પશુપાલન પ્રવૃત્તિઓમાં ખાસ કરીને પશુસંવર્ધન, પશુ માવજત તથા અન્ય તાંત્રિક પાસાઓ બાબતે વિસ્તરણ સેવાઓથી જ્ઞાન આપ-લે દ્વારા જાગૃત કરવા જોઈએ.
  2. પશુઓના લોહી પરિક્ષણ તેમજ જે તે વિસ્તારના જમીન પૃથક્કરણ ચકાસણી કરવાથી ખનીજક્ષારોની ઉણપ જાણી શકાય છે. અને તે મુજબ જે તે વિસ્તારના હાનિકારક ખનીજતત્ત્વોના પૃથક્કરણથી જરૂરી પશુઆહારમાં ફેરફાર કરાવી શકાય છે.
  3. વિટામીન્સ તથા ખનીજક્ષારોની ઉણપ નબળા તેમજ સારા દેખાતા પશુઓમાં પણ જોવા મળે છે. તે મુજબ પશુ સારવાર કરવાનું આયોજન થવું જરૂરી છે.

ગર્ભધારણમાં કૃત્રિમ બીજદાનનું મહત્ત્વ :

આદર્શ કૃત્રિમ બીજદાન પદ્ધતિ માટે પશુપાલકોને પાયાની બાબતોનો ખ્યાલ હોવો જરૂરી છે. સામાન્ય રીતે જ્યારે ગાય કે ભેસ ગરમીમાં આવે ત્યારે ૧૨ થી ૧૫ કલાકમાં કૃત્રિમ બીજદાન ઉપકેન્દ્ર ઉપર કૃત્રિમ બીજદાન રીતે ફાલુ કરાવવા લઈ આવવું જોઈએ. અર્થાત્ ગાય કે, ભેંસ સવારે ગરમીમાં આવે તો સાંજે કૃત્રિમ બીજદાન કરાવવું જોઈએ. આવનાર ગાય કે ભેંસ માટે સવારે કૃત્રિમ બીજદાન કરવું આવશ્યક બને છે. આથી સફળદાયી ગર્ભધારણ માટે દરેક દૂઝણાં પશુઓના વિયાણ પછી મોડામાં મોડું ૧૨૦ દિવસ દરમિયા ગર્ભ રહેવો જરૂરી છે. જે મુજબ આયોજન કરવું જોઈએ.

માદા પશુઓમાં અંડવિમોચન થયા વગર પશુ ગરમીમાં અવારનવાર આવે ત્યારે અંડાશયમાં પુટિયમ અપક્રાંતિ જણાય છે. પુટિઓ અવિવર બને છે. (વિલય થઈને નાશ થતો નથી.) અને તેનું કદ વધે છે. આવી ગાયો સતત ગરમીમાં રહે છે અને બીજી ગાયો પર અવારનવાર ઠેકે છે. (NYMPHOMANIAL) વધુ દૂધ ઉત્પાદનના અતિશ્રમથી પણ આ પરિસ્થિતિ અનેકવાર સર્જાય છે.

પુટિમય અંડાશયની સારવારમાં GNRH (જી.એન.આર.એસ.) અથવા KHCGC (LH) એલ.એચ.નું ઈન્જેકશન આપી શકાય. HCG (LH) એચસીજી. (એલ.એચ.) ૩૦૦૦ થી ૪૫૦૦ આઈ.યુ. ઈન્જેકશન દ્વારા આપવાની ભલામણ છે. જો પુટિમય અંડાશયની સારવાર કરવામાં ન આવે તો ગભશયની દીવાલ એકદમ પાતળી થવાનો સંભવ છે.

જે ગાય,ભેંસોમાં ફળદ્રુપતાનો અભાવ હોય અને જે ગાય,ભેંસોનું એકવાર પણ વિયાજણ થયું ન હોય તેવી ગાય,ભેંસોમાં મોડા અંડવિમોચનની તકલીફ જોવામાં આવે છે. લ્યુટીન અંત:સ્ત્રાવનું પ્રમાણ જે વધવું જોઈએ તે મોડું વધતું હોવાથી આ સ્થિતિ સર્જાય છે. પરિણામે ગર્ભધારણ કરવામાં મુશ્કેલી અનુભવાય છે.

ઈજે. જી.એન.આર.એચ. (GNRH : Receptal : Hoechst) સ્નાયુમાં કૃત્રિમ બીજદાન કે કુદરતી સેવાના સમયે આપવાથી ર૪ કલાકમાં અંડવિમોચન થાય છે સંશોધન આધારે સંકર ગાયોમાં વિયાજણ પછી ૧૨માં દિવસે ઈન્જ. જી.એન.આર.એચ. (GNRH : Receptal) આપવાથી સગભાવસ્થાના દરમાં ૬૨.૬ ટકાનો સુધારો જણાવેલ છે.

સફળ ગર્ભધારણ માટે પશુપાલક મિત્રોએ આ મુજબની પ્રાયોગિક બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ. જરૂર જણાય ત્યારે નજીકના પશુચિકિત્સાલયનો સંપર્ક કરી યોગ્ય પશુ સારવાર અપાવી જરૂરી પશુ માવજતમાં લક્ષ આપવું જોઈએ.

પ્રાયોગિક બાબતોમાં :

  1. ગરમીમાં રહેવાનો સમયગાળો
  2. ગરમીમાં કૃત્રિમ બીજદાન કરવાનો સમયગાળો
  3. ગરમીમાં દેખાતી લાળી
  4. ગર્ભાશયના મુખ કમળનો રોગ
  5. ગર્ભાશયનો રોગ
  6. અંડપિંડ પરિક્ષણ : જરૂરી ફેરફારો
  7. કૃત્રિમ બીજદાન કરવાની આદર્શ પદ્ધતિ

ગર્ભધારણ ટકાવારી વધારવા માટે જરૂરી તકેદારી :

ગર્ભધારણ ટકાવારી વધારવા પશુપાલક ભાઈઓએ આ મુજબની તકેદારી લેવી જોઈએ.

  1. ગાય,ભેંસોમાં ગરમી પરિક્ષણ
  2. ચોક્કસ નિયત સમયે પશુ સંવર્ધન કરાવવું.
  3. વૈજ્ઞાનિક પદ્ધતિથી ઘાસચારા નિરણ કામગીરી તથા પસુ માવજત અપનાવવી
  4. ફળદાયી કૃત્રિમ બીજદાન સાથોસાથ સઘન જાતિય પરિક્ષણ તેમજ સારવાર નિદાન કેમ્પ / કાર્યક્રમનું આયોજન.

ગર્ભનિદાનની અગત્યતા :

માદા પશુઓમાં ગર્ભધારણ થયું છે કે નહીં તે ચકાસવા ગર્ભનિદાન અતિ આવશ્યક બને છે કારણકે, લાંબા સમય સુધી વગર ઉત્પાદનને પશુઓને નિભાવવાનો ખર્ચ કરવો પડે છે. આજના વૈજ્ઞાનિક યુગમાં પશુપાલન એક રોજિદી આવકવાળો વ્યવસાય છે. ત્યારે આવા ગાય,ભેંસનો નિભાવ ખર્ચ એક ચોખ્ખી નુકશાની છે. આવી પરિસ્થિતિ દૂર કરવા તથા ગાય,ભેંસની ઉત્પાદકતા જળવાઈ રહે તે માટે ગાય,ભેંસને કૃત્રિમ બીજદાનથી કે, કુદરતી રીતે ફાલુ કરાવ્યા બાદ ર. ૧|ર થી ૩ માસ બાદ ગર્ભનિદાન કરાવવું જોઈએ અને જરૂરી સારવાર અને માવજત માટે પશુચિકિત્સકનો અભિપ્રાય મેળવવો જોઈએ. જેથી, વગર ઉત્પાદનનો સમય ટૂંકાવી શકાય અને નિભાવ ખર્ચમાં બચત કરી શકાય. આ રીતે પશુપાલન વ્યવસાયને સમયસર ગર્ભનિદાન દ્વારા નફાકારક બનાવી શકાય અને તે રીતે વધુ સફળ ગર્ભધારણની ટકાવારી સિદ્ધ કરી શકાય.

દુધાળા પશુમાં આદર્શ ગર્ભધારણ :

માદા પશુઓમાં સફળ અને આદર્શ ગર્ભધારણ નીચે મુજબના લક્ષણોથી જાણી શકાય.

પશુ સંવર્ધન માટે પુખ્ત ઉમર

૧૮ માસ સંકર ૩૬ માસ દેશી ૪૮ માસ

પ્રથમ વિયાણની ઉંમર

૩૦ માસથી ઓછા સમયમાં

ગર્ભધારણ ટકાવારી-ધણ દીઠ

૬૫.૭૦ ટકા

પ્રતિ ગર્ભધારણ માટે જરૂરી કૃત્રિમ બીજદાન માત્રા

૧.૩ થી ૧.૭

બે વિયાણ વચ્ચેનો સમયગાળો

૧૨ થી ૧૩ માસ

ગાભણ ટકાવારી

૮૦ ટકા

વિયાજણ ટકાવારી

75 ટકા

વિયાજણથી ગર્ભધારણ સમયગાળો

૬૦ થી ૯૦ દિવસ

ગાય દીઠ સરેરાશ વેતર

વંધ્યત્વ પ્રશ્નો

૧૦ ટકાથી ઓછામાં

ગર્ભપાત

૩ ટકાથી ઓછામાં

દૂધાળા પશુઓના ઘાસચારા અને ખાસ દાણ સાથે સંકળાયેલા પ્રજનન અંગેના પ્રશ્નો

પશુઆહાર અને ઘાસચારાની ગુણવત્તા અને જથ્થો પશુઓના વિકાસ, ઉત્પાદન અને પ્રજનને વિવિધ રીતે અસર કરે છે. ગાયો અને ભેંસો તેમના વિકાસ, નિભાવ, દૂધ ઉત્પાદન, પ્રજનન અને દૈનિકકાર્યો માટે જરૂરી પોષણ અને શક્તિ ચીલાચાલુ રીતે આપવામાં આવતા પશુઆહાર અને ઘાસચારા મારફતે મેળવે છે. આમ પશુઓને આપવામાં આવતો ખોરાક અને ઘાસચારો શક્તિ પ્રદાન કરતાં પોષકતત્ત્વો, વિટામીન્સ, ખનીજતત્ત્વો અને સૂક્ષ્મ તત્ત્વોમાં સમતોલ હોવો જોઈએ અને તે ખોરાક મારફતે પશુને જરૂરી નિભાવ ઉપરાંત વિકાસ, દૂધ ઉત્પાદન, ગર્ભધારણ, પ્રજનન તથા અન્ય કાર્યો માટે વધારાની શક્તિ પૂરી પાડે તેવો હોવો જોઈએ. વળી, પશુઆહાર કોઈપણ જાતની ભેળસેળ, ઝેરી તત્ત્વો અને રસાયણો કે જે પશુ વિકાસ, ઉત્પાદન અને પ્રજનન પર વિપરીત અસર કરે છે, તેનાથી મુક્ત હોવો જોઈએ.

પશુઆહાર બાબતે નીચે દર્શાવેલ કિસ્સામાં પશુઓને સીધી અસર થાય છે.

  1. અપૂરતું પોષણ, અર્ધભૂખમરો કે ભૂખમરો.
  2. વધુ પડતો ખોરાક આપવાથી
  3. વિટામીનની ઉણપ
  4. ખનિજ તત્ત્વોની ઉણપ
  5. સૂક્ષ્મ તત્ત્વો.

અપૂરતું પોષણ, અર્ધભૂખમરો કે ભૂખમરો :

ઉપરોક્ત પરિસ્થિતિમાં પશુ જાતિય પુખ્તતા મોટી ઉંમરે મેળવે છે વેતરે આવવાની પ્રક્રિયા સ્થગિત થાય છે.

નર પશુમાં વિર્યની ગુણવત્તા અને ઉત્પાદન ઘટે છે અને દુધાળા પશુનું દૂધ ઉત્પાદન ઘટે છે એક પ્રયોગ પ્રમાણે વાછરડીઓને હેરીસનની ખોરાક આપવાની નિયત પદ્ધતિની રીતે જો ૬૨,૧૦૦ અને ૧૪૬ ટકા પ્રમાણે કુલ પાચ્ય પોષક તત્ત્વો આપવામાં આવે તો વાછરડીઓમાં પ્રથમ વાર વેતરે આવવાની ઉંમર અનુક્રમે ૮૮, ૪૯ અને ૪૦ અઠવાડીયા જોવા મળી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે વાછરડીને જો પાચ્ય પોષક તત્ત્વો પૂરતા પ્રમાણમાં આપવામાં આવે તો. નાની ઉંમરમાં વેતરે આવતી થાય છે. પરંતુ દુષ્કાળમાં ઘાસચારો અને દાણની અછત પ્રવર્ત છે. પશુઓને પૂરતી શક્તિ આપતા તત્ત્વો-વિટામીન્સ ઓછા મળે છે. જેના કારણે વેતરે ન આવવું, અનિયમિત વેતર અને અંડ ઉત્પાદન, મૂંગા વેતરે આવવું, પૂર્વ ગર્ભાવસ્થા દરમ્યાન ગર્ભનું મૃત્યુ પામવું, ગર્ભપાત, મૃતપાય કે ક્ષતિયુક્ત સંતતિનો જન્મ અને ઓર ન પડવી જેવી પરિસ્થિતિ ઉભી થાય છે. આમ, પશુ જેટલા પ્રમાણમાં અપૂરતું પોષણ કે ભૂખમરો ભોગવે છે તેની સીધી અસર તેટલા પ્રમાણમાં જ પશુના પ્રજનન પર પડે છે.

વધુ પડતો ખોરાક આપવાથી થતી તકલીફ :

આપણા દેશમાં પશુને વધારે પ્રમાણમાં ખોરાક આપવાનો કીસ્સાઓ જૂજ જોવા મળે છે. પરંતુ આના કારણે પશુઓનાં પ્રજનન અવયવોની આસપાસ મેદનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે અને અંડ ઉત્પાદન કે વિર્યાત્પિાદનની ક્રિયાઓ શિથીલ થાય છે, પ્રજનન ક્ષમતા ઘટે છે, સંવર્ધન અંગે ઈચ્છા થતી નથી અને માદા પશુમાં યોનીની આસપાસ ખૂબ જ ચરબી એકઠી થતાં વિયાણ અસામાન્ય અને કષ્ટદાયક બને છે.

વિટામીનની ઉણપથી થતી પશુ પ્રજનન પર અસર :

પશુપ્રજનન માટે વિટામીન 'એ' ઉપયોગી છે. પશુઓ લીલો ચારો પુરતા પ્રમાણમાં લેતા હોવાથી વિટામીનએની ઉણપ સામાન્યતઃ જોવા મળતી નથી. દુષ્કાળમાં ર૦૦ દિવસ સુધી યકૃતમાં સંગ્રહાયેલ વિટામીન-એ પશુને ઉપલબ્ધ થાય છે. પરંતુ ત્યારબાદ આંખમાં ખૂબ પીયાં વળવાં, આસું પડવા, પાણી જેવાં ઝાડા થવાં, નાકમાંથી પાણી પડવું, રતાંધળમણું, શરૂઆતમાં થાય છે ત્યાર બાદ ગર્ભાપિત (તરવાઈ જવું), મૃત કે ખામીયુક્ત સંતતિનો જન્મ, ગરમીમાં ન આવવું, મૂંગા વેતરે આવવું, અંડ છૂટું ન પડવું અને ભ્રણ ન વિકસવો અને ઓર ન પડવી જેવા લક્ષણો માદામાં જોવા મળે છે. જ્યારે નર પશુમાં વિયોંતિપાદન પર અસર થાય છે. અને સંવર્ધનની ઈચ્છા મરી પરવારે છે.

ખનિજ તત્વોની ઉણપની પશુપ્રજનન પર અસર :

જુદાં જુદાં ખનિજ તત્ત્વોની ઉણપ કે અસમતોલનના કારણે મુખ્યત્વે નીચે પ્રમાણેની અસરો પશુમાં જોવા મળે છે.

  • શરીરવૃદ્ધિ યોગ્ય રીતે થતી નથી.
  • પુખ્તતા થવાની ઉંમરે લંબાય છે.
  • વેતરે ન આવવું, અનિયમિત વેતર, પૂર્વગભવિસ્થામાં ગર્ભનું મરી જવું. (ડ) પૂરા સમય સુધી ગર્ભ ધારણ ન કરવો તરવાઈ જવું.
  • સાંધા અને પગ અકડાઈ જવા. વિવિધ ખનિજ તત્ત્વની ઉણપની અસરની વિગત નીચે મુજબ છે.

સોડિયમ (મીઠું) : શાકાહારી પ્રાણીને માંસાહારી પ્રાણીની સરખામણીમાં સોડિયમ (મીઠા) તત્ત્વની જરૂરિયાત વધારે રહે છે. તેની ઉણપથી ભૂખ ઓછી લાગે છે અને ખોરાક ઓછો લે છે આની વિપરિત અસર વિકાસ અને પ્રજનન પર પડે છે.

કેલ્શીયમ : આ તત્ત્વની ઉણપથી હાડકાં નબળા અને બરડ બને છે. આ કારણે સાંઢ સેવા આપતી વખતે કુદી નથી શકતો.

ફોસ્ફરસ :ફોસ્ફરસની ઉણપથી ઉછરતાં પશુઓમાં નબળો શારીરિક વિકાસ, ઓછી ભૂખ અને શિથિલતા જોવા મળે છે. જયારે પુખ્ત પશુમાં દૂધ ઉત્પાદન ઘટે છે, હાડકાં બરડ અને બટકણાં થાય છે, સંવર્ધનની ઈચ્છા ઘટે છે, વેતરે ન આવવું કે મૂંગા વેતરે આવવું, અંડ બીજ છૂટું ન પડવું વગેરે લક્ષણો સામાન્ય છે. ફોસ્ફરસની ઉણપ મોટાભાગે પ્રોટીન અને વિટામીન-એની ઉણપ સાથે સંકળાયેલી હોય છે અને આવા કિસ્સામાં ગર્ભધારણ કરવાની ક્ષમતા ઓછી થાય છે. પશુ વારંવાર ઉથલા મારે છે. અને જો ગર્ભધારણ થાય તો બચ્યું ઓછા વજનનું અને નબળું જન્મે છે.

જુદાં જુદાં સૂક્ષ્મ તત્વોની ઉણપથી પશુપ્રજનન પર થતી અસર :

કોબાલ્ટ : પ થી ૧૫ મી.ગ્રા. પ્રતિ દિવસ કોબાલ્ટની જરૂરીયાત ગાય,ભેંસમાં રહે છે. આ તત્ત્વ વિટામીન બી કોમ્પલેક્ષ બનાવવા જરૂરી છે. કોબાલ્ટની ઉણપથી પાંડુરોગના લક્ષણો જોવા મળે છે. જેની અસર ઉત્પાદન તથા પ્રજનન પર પડે છે.

તાંબુ (કોપર) : આ તત્ત્વની ઉણપથી નબળો વિકાસ, પાંડુરોગ, બરડ હાડકાં, વેતરે ન આવવું, વારંવાર ઉથલા મારવા વગેરે પરિસ્થિતિ ઉભી થાય છે. પશુને રોજની ૧૦ પી.પી.એમ. તાંબાની જરૂરીયાત છે.

 

લોહ તત્ત્વ (આયન) : આ તત્ત્વની ઉણપથી પાંડુરોગ થાય છે. પરંતુ સામાન્ય રીતે આ તત્ત્વની ઉણપ ઊભી થતી નથી. પશુને દૈનિક ૩૦ પી.પી.એમ. લોહતત્ત્વ જોઈએ.

મેંગેનીઝ : આ તત્ત્વની ઉણપથી અસ્થિતંત્રની ખામીઓ, મોડા વેતરે આવવું, ઓછી ગર્ભધારણ ક્ષમતા, તરવાઈ જવું, ખામીવાળા બચ્ચા જન્મવા, મોડી ઉમરે પુખ્તતા આવવી, વારંવાર ઉથલા મારવા વગેરે જોવા મળે છે.

આયોડીન : આ તત્ત્વની ખામીથી જાતિય પુખ્તતા, વેતરે આવવું, અંડ ઉત્પાદન પર વિપરીત અસર જોવા મળે છે. ગર્ભાવસ્થા દરમ્યાન બચ્ચાનું મૃત્યુ પામવું, “ગોઈટર’ રોગ વાળાં બચ્ચા જન્મવા વગેરે અસરો જોવા મળે છે.

ઝીંક (જસત) :આ તત્ત્વ ઘણાં બધા અગત્યના કોષીય ઉત્સચકોના ઉત્પાદન સાથે સંકળાયેલ છે. દા.ત., કાબોંનિક એનહાઈડ્રેઝ, ડીહાઈડ્રોજીનેઝ, અને આલ્કલાઈન ફોસફેટેઝ, તેની ઊણપથી આ ઉત્પાદન ઓછું અથવા ન થતાં વિકાસ અને પ્રજનન પર વિપરીત અસર જોવા મળે છે.

ઓક્સીટોસીન અભિશાપ કે વરદાન ?

પશુઓમાં હાયપોથેલેમસ મગજની અંદર આવેલો આગળની તરફનો મગજનો એક ભાગ છે. તે મગજના કુલ કદનો ૧/૩૦૦ ભાગના કદનો હોય છે. પીટયુટરી ગ્રન્થિ હાયપોથેલેમસની નીચે હાડકાના નાના ગોખલામાં આવેલી ગ્રન્થિ છે.

ઓક્સીટોસીન તથા વાસોપ્રેસીન નામના બે અંતઃસ્ત્રાવ (હોર્મોન) હાયપોથેલેમસમાં ઉત્પન્ન થાય છે અને પોસ્ટીરીયર પીટયુટરી ગ્રન્થિમાં સંગ્રહ થાય છે. ઓક્સીટોસીન બધા સસ્તન પ્રાણીઓમાં જોવા મળે છે. આાજીનાઈન વાસોપ્રેસીન જે એન્ટીડાયયુરેટીક (ADH)ના નામે ઓળખાય છે તે પ્રીમીયમ પ્રાણીઓમાં પણ જોવા મળે છે. વાસોટોસીન પણ હાયપોથેલેમીક અંત:સ્ત્રાવ છે જે પક્ષીઓમાં જોવા મળે છે અને તે પણ ઓક્સીટોસીન અને વાસોપ્રેસીન જેવા કાર્યો કરે છે.

ઓક્સીટોસીન અને વાસોપેસીન હાયપોથેલેમસમાં ઉત્પન્ન થાય છે ઓક્સીટોસીન અને વાસોપ્રેસીનનું પરિવહન નાના આવરણયુક્ત વેસીકલ મારફત થાય છે અને તે લોહીના પરિભ્રમણમાં પરિવહન થતા પહેલા કેશવાહિનીઓના ગુચ્છ સમીપ એકઠો થાય છે.

ઓક્સીટોસીન મનુષ્ય, ગાય અને ઘેટીના અંડાશયમાં પણ ઉત્પન્ન થાય છે. આમ ઓક્સીટોસીન ઓવરી (અંડાશય) તથા હાયપોથેલેમસ (મગજના ભાગ) એમ બે ઠેકાણે ઉત્પન્ન થાય છે.

કાર્ય : ઓક્સીટોસીન એ ગ્રીક શબ્દ છે તેનો અર્થ થાય છે “ઝડપથી જન્મ થવો” જે તેનું એક દેહધાર્મિક કાર્યનું વર્ણન કરે છે, જેમાં ગભર્યાશયના માંસલ ભાગનું સંકુચન (Contraction) છે. ઓક્સીટોસીન અંડવાહિની (Oviduct)નું પણ સંકોચન કરે છે અને શુક્ર જંતુ તથા સ્ત્રી બીજાંડના પરિવહનમાં મદદ કરે છે. ગભર્યાશય તથા અંડવાહિનીના સંકુચનમાં ઓક્સીટોસીન કઈ રીતે સીધી રીતે અસર કરે છે તેના કારણો હજુ સુધી જાણવા મળેલ નથી. તેમ છતાં ઈસ્ટ્રોરોજન (Oestrogen), ગર્ભાશય તથા અંડવાહિનીના સ્નાયુઓને સંકોચન કરવા માટે તૈયાર કરે છે, જ્યારે પક્ષીઓ અને સરિસૃપ વર્ગના પ્રાણીઓ (સાપ, ગરોળી) વગેરેમાં શેલગલેન્ડ (Shell gland) અને અવસારણીના સંકુચનમાં વાસોટોસીન (Vasotocin) અસર કરી ઇંડુ બહાર કાઢવામાં મદદ કરે છે.

દૂધ બહાર કઠવું  (Ejection reflex or milk letdown) એ એક ચેતાસહ અંત:સ્ત્રવી  (neuroendocrine) પ્રક્રિયા છે. અને આ એક પ્રક્રિયા જ ઓક્સીટોસીનનું પ્રસ્થાપિત થયેલ અગત્યનું કામ છે. ધાવણ આપતી માદા દશ્ય અને સ્પર્શ ઉત્તેજના (visual and tactile stimuli) જે દૂધ દોહવા તથા દૂધ ધાવવા સાથે સંકળાયેલ છે, તેને કન્ડીશન્ડ કરે છે અને આ પ્રક્રિયાથી ઓક્સીટોસીન ઉત્પન્ન થઈલોહીના પરિભ્રમણમાં આવે છે અને ઓક્સીટોસીન ત્યાંથી દૂધ ઉત્પન્ન કરતી ગ્રન્થિના માંસલ ભાગમાં આવે છે અને ત્યાં આવેલી દૂધ સ્રાવ કરતી નળીઓ ઉપર સંકુચન દબાણ કરે છે અને દૂધ વહન કરતી નળીઓ દ્વારા આંચળમાં દૂધ લાવે છે અને પશુ દૂધ આપવા માટે તૈયાર (letdown of milk)  થાય છે

ગાય, બકરી અને ઘેટીમાં ઓક્સીટોસીનની લ્યુટીઓલાઈટીક અસર જોવા મળે છે. આ પશુઓમાં કોર્પસ લ્યુટીયમ (corpus luteum) સમયસર અદશ્ય ન થાય તો પ્રજનના પ્રશ્નો ઊભા થાય છે. અંડકોષમાંથી ઉત્પન થતું ઓક્સીટોસીન (ovarian Oxytocin) ગર્ભાશયના અંતઃત્વચા (endometrium) ઉપર અસર કરી પ્રોસ્ટાગ્લાન્ડીન F, ઉત્પન્ન કરે છે. જેપરસીસ્ટન્ટ કોર્પસ લ્યુટીઅમને દૂર કરે છે. (Regression of corpus 1uteum) આથી ઓક્સીટોસીનના ગુણધર્મો ધ્યાનમાં લઈ તેનો ઉપયોગ વિયાણ પછી માદા પશુ દૂધ ચઢાવી દે (not letting down of milk) તો દૂધનો સહેલાઈથી સ્રાવ કરવા માટે ઉપયોગ થાય છે. આ ઉપરાંત પ્રસૂતિ પછી માદા પશુના ગર્ભાશયની ઓર (Plancenta) સમયસર બહાર પડી ગયેલ ન હોય તો તેના નીકાલ માટે પણ ઉપયોગ કરાય છે. કષ્ટદાયક પ્રસૂતિમાં બચ્ચાના જન્મ વિલંબીત થવાના કિસ્સામાં પણ ઓક્સીટોસીનનો ઉપયોગ થાય છે.

ઓક્સીટોસીન ઓષધરૂપે રજીસ્ટર્ડ પશુચિકિત્સક અધિકારીના નિરીક્ષણ હેઠળ સારવાર માટે ઉપલબ્ધ છે. આ એક અંત:સ્રાવ હોઈ તેનો બેફામ ઉપયોગ પશુના સ્વાસ્થય ઉપર ગંભીર અસરો ઉત્પન્ન કરે છે અને ઘણીવાર ઉત્પાદક પશુને કાયમી રીતે બીનઉત્પાદક પણ કરે છે. વધુ પડતા ઉપયોગથી પશુઓ અનેક જાતની બીમારીના ભોગ પણ બને છે. ગ્રામ કક્ષાએ પશુ દૂધ આપતું ન હોય ત્યારે અણધડ પશુપાલકો તથા ચિકિત્સકો દ્વારા ઓક્સીટોસીનના ઈન્જેક્ષનો પશુઓને આપવામાં આવે છે. અને આ ઈન્જેક્ષનોના અણધડ અને જરૂરિયાત વગરના ઉપયોગથી પશુના સ્વાસ્થયને માઠી અસર પહોંચે છે. ઈજેકશન આપેલ અંત:સ્રાવ દૂધ દ્વારા પશુના શરીરમાંથી સ્રાવ થતો હોઈ લાંબા ગાળે મનુષ્ય સ્વાસ્થયને પણ અસર કરતો માલુમ પડેલ છે.

પ્રાણીકુરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ જે ગુજરાત સરકારે ૧૮૮૨ સુધીના સુધારાઓ સહિત સ્વીકારેલ છે તેની કલમ-૧ર મુજબ દૂધ ઉત્પાદન વધારવા માટે કૃત્રિમ રીતે વપરાતી પદ્ધતિઓ (જેમાં કોઈપણ પ્રકારના ઈંજેક્ષનોનો સમાવેશ થાય છે.) જેનાથી પશુસ્તારવ્યને હાનિ પહોંચે છે તેવી પદ્ધતિઓના ઉપયોગ કરતી વ્યક્તિઓ સામે રૂપિયા એક હજાર સુધીના દંડ અથવા બે વર્ષની કેદ અથવા બંને શિક્ષાઓની જોગવાઈ છે. ઓક્સીટોસીન ઈજેક્ષન પણ અણધડ ચિકિત્સકો દ્વારા બેફામ વપરાય તો બીન અધિકૃત રાખનાર અને વાપરનાર સામે આ કલમની જોગવાઈ મુજબ સજાની કાર્યવાહી થઈ શકે છે.

ઓક્સીટોસીન જો તબીબી ક્ષેત્રે પશુચિકિત્સકની સલાહ અનુસાર જ વાપરવામાં આવે તો ઉપર જણાવ્યા મુજબ વરદાન છે અને જો તે મુજબ ન થાય તો અભિશાપ પણ થઈ શકે છે.

સ્ત્રોત: પશુસંવર્ધન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate