অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

દુધાળ ગાય-ભેંસોની પસંદગીના મહત્વના મુદ્દા

દુધાળ ગાય-ભેંસોની પસંદગીના મહત્વના મુદ્દા

પશુપાલનના વ્યવસાયમાં કુલ આવકના ૮૦ ટકા આવક ગાયભેંસના દૂધ ઉત્પાદન થકી આવે છે. ડેરી વ્યવસાયની સફળતાનો આધાર વધુ દૂધ ઉત્પાદન આપતા જાનવરની પસંદગી અને ઓછા ખર્ચે દૂધ ઉત્પાદન મેળવવાની આવડત પર રહેલો છે. આ આવડત પશુ માવજત, સંવર્ધન અને પશુ પોષણ જેવાં અગત્યના પાસાંના તાંત્રિક જ્ઞાન અને અનુભવ પર આધાર રાખે છે. જો વધુ દૂધ ઉત્પાદન આપતી ઓલાદો પેદા કરવી હોય તો વધુ દૂધ ઉત્પાદન આપતી ગાયની પસંદગી પેઢી દર પેઢી કરી તેમનું યોગ્ય સંવર્ધન કરવાથી મેળવી શકાય છે અને યોગ્ય પગલાં થકી પેઢી દર પેઢી જળવાઈ રહે છે. વધુ દૂધ ઉત્પાદન માટેનું આનુવંશિક બંધારણ ન હોય તો તેને સારામાં સારી માવજત અને સારામાં સારો પૌષ્ટિક આહાર આપીએ તો પણ તેની ક્ષમતાથી વધુ દૂધ ઉત્પાદન મેળવી શકાતું નથી.

દૂધાળ પશુની પસંદગી જુદી જુદી રીતે કરી શકાય છે જેની રીતો અત્રે દર્શાવેલ છે.

પશુની વંશાવળી પરથી :

વંશાવળી પરથી સચોટ રીતે સારા પશુની પસંદગી થઈ શકે છે. પરંતુ આ પહેલા એમની સંપૂર્ણ આંકડાકીય માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. જેમ કે પશુની પહેલી વખત ગરમીમાં આવવાની ઉંમર, પશુના પ્રથમ વિયાણની ઉંમર, બે વિયાણ વચ્ચેનો સમયગાળો, વસૂકેલ દિવસો, વેતર દીઠ દૂધ ઉત્પાદન વગેરે. જો આ બધી માહિતી મળી રહે તો આવનાર સંતતિ કેવી હશે તેનું તારણ સહેલાઈથી અને સચોટ રીતે નીકળી શકે .

વિદેશમાં સંવર્ધન દ્વારા દૂધ ઉત્પાદન વધારવા માટે દૂધાળ પશુઓની પસંદગી તેમની વંશાવળી માં, દાદી, વાછરડીઓ)ના જાનવરોના દૂધ ઉત્પાદનના નોંધને આધારે કરવામાં આવે છે. સાંઢ કે ગાય દૂધ ઉત્પાદન અંગેનું આનુવંશિક બંધારણ ધરાવે છે અને એ મુજબ ઓછું કે વધુ દૂધ ઉત્પાદન કરે છે. તેની પસંદગી વાછરડીઓના દૂધ ઉત્પાદનના આધારે કરવામાં આવે છે. આપણા દેશમાં જોવા જઈએ તો મોટા ભાગના પશુપાલકો દૂધ ઉત્પાદન, પ્રથમ વિયાણની ઉંમર, વેતર દીઠ ઉત્પાદન, બે વિયાણ વચ્ચેનો સમયગાળો, બીજદાન કર્યાની તારીખ વગેરે કોઈપણ જાતની નોંધ રાખતા નથી. તેથી દુધ ઉત્પાદન માટેના જાનવરોની પસંદગી તેના બાહ્ય દેખાવ અને ડેરીના લક્ષણો જેવાં કે પૂર્ણ વિકસિત બાવલુ અને આંચળના આધારે કરવામાં આવે છે જે બરાબર છે.

જયાં દુધાળ જાનવરનો દુધ ઉત્પાદન તેમજ અન્ય માહિતીઓની નિયમિત નોંધ રાખવામાં આવતી હોય તેવા સ્થળો (સરકારી અને મંદિરની ગૌશાળા, સંવર્ધન કેન્દ્રો, પ્રોજેની ટેસ્ટીંગ પ્રોગ્રામ) એ વાછરડીઓની પસંદગી તેમની વંશાવળીના માં, દાદી બહેનો જેવા સંબંધીઓના દૂધ ઉત્પાદનના આધારે કરી શકાય છે. આ વાછરડીઓ જયારે દૂધ ઉત્પાદન આપે ત્યારે તેમના દૂધ ઉત્પાદન અને તેમની માતાના દૂધ ઉત્પાદનના આધારે તેમની પસંદગી કરવામાં આવે છે. પરંતુ વાછરડીઓના દૂધ ઉત્પાદનનું આધારે તેના બાપ (સાંઢ)ની દૂધ ઉત્પાદન ક્ષમતા પર પણ રહેલો છે. જે વંશાવલીના આધારે થતી પસંદગીમાં ધ્યાનમાં લેવામાં આવતી નથી. આ પસંદગી એટલી સરળ નથી, કારણ કે જાનવરોના બાહ્ય દેખાવના આધારે થતી પસંદગી તે જાનવર કેવું હોઈ શકે એ દર્શાવે છે. વંશાવળીના આધારે થતી પસંદગી તે કેવું હોવું જોઈએ તે દર્શાવે છે, જયારે તેની ઓલાદ (વાછરડીઓ)ના ઉત્પાદનના આધારે દેશમાં પણ ઓલાદના દૂધ ઉત્પાદનના આધારે સાંઢની પસંદગી કરવાની પદ્ધતિ પ્રચલિત છે. આ પદ્ધતિ દ્વારા પસંદ થયેલ સાંઢનો કૃત્રિમ વીર્યદાન દ્વારા બહોળો ઉપયોગ કરી દૂધ ઉત્પાદનમાં વધારો ચોક્કસ કરી શકાય છે. આ પદ્ધતિની એ મુશ્કેલી છે પશુપાલકોને પસંદગીની આ પદ્ધતિની અગત્યતા અંગે જાણકારી ન હોઈ તેમના જાનવરોના દૂધ ઉત્પાદનની વ્યવસ્થિત અને સચોટ નોંધ રાખતા નથી પરિણામે ઓલાદના ઉત્પાદનના આધારે થતી સાંઢની પસંદગી ક્ષતિયુક્ત રહેવા સંભવ છે. તેથી દરેક પશુપાલકે પોતાના દુધાળ જાનવરોના દૂધ ઉત્પાદનની નોંધ ચોકસાઈ પૂર્વક રાખવાની જરૂર છે જેથી સાંઢની પસંદગી ચોકસાઈપૂર્વક થઈ શકે છે.

બાહ્ય દેખાવના આધારે પસંદગી :

જે જાનવરોનો બાંધો મજબૂત હોય, દેખાવ ચપળ હોય, ઊભા રહેવાની અને ચાલવાની રીત રૂઆબદાર હોય, જે તે ઓલાદને (કાંકરેજ, ગીર, સુરતી, જાફરાબાદી) અનુરૂપ લક્ષણો ધરાવતું હોય, માથુ ડોકથી અલગ તરી આવતું હોય, આંખો ચપળ હોય, ખંધથી પૂછડી સુધીનો ભાગ સીધો હોય, પાછલા પગ અંદરની બાજુએ વળેલા ન હોય, પાંસળીઓ લાંબી, ચપટી, અર્ધ ગોળાકાર વળાંકવાળી એકબીજાથી દૂર દૂર હોય, પાછલા બંને પગ વચ્ચે વધુ જગ્યા હોય, ચામડી પાતળી અને ચપટીમાં આવે એવી (ચામડી નીચે ચરબીનો થર ન હોય), રૂંવાટી ચકચકિત અને પાતળા વાળવાળી હોય તે જાનવર સામાન્ય રીતે દૂધ ઉત્પાદન માટે સાનુકુળ જણાય છે. વધુ દૂધ ઉત્પાદન આપતા જાનવરોને વધુ ખોરાકની જરૂર પડે છે તેથી પેટની ખોરાક સંગ્રહ કરવાની શક્તિ વધારે જોઈએ. જે પેટના ભાગની લંબાઈ તેમજ આગલા પગની પાછળના ભાગમાં પેટના ઘેરાવા પર આધાર રાખે છે. આ જગ્યા વધુ હોય તો હૃદય અને ફેફસાંને પણ પુરતી જગ્યા મળે જે લોહીના ભ્રમણમાં અને શ્વાસોશ્વાસમાં મદદરૂપ થાય છે. સારું દૂધ ઉત્પાદન આપતા જાનવર સ્વભાવે શાંત હોય છે અને તેઓના શરીરનો આગળનો ભાગ સાંકડો અને પાછળનો ભાગ પહોળો હોય છે. દુધાળા જાનવર પસંદ કરતી વખતે બાવલાં (આઉ)નું કદ, આંચળની લંબાઈ, આંચળની ગોઠવણી, બાવલામાથી લોહી લઈ જતી શીરાઓ અને આ શીરાઓ જાનવરના શરીરમાં દાખલ થાય તે જગ્યા પણ ધ્યાનમાં લેવી જોઈએ બાવલું મોટું, આગળ અને પાછળના ભાગે વિસ્તરેલું હોવું જોઈએ. બાવલું આગળના ભાગે શરીર સાથે ધીરે ધીરે ભળી ગયેલું હોવું જોઈએ. બાવલું લટકતું હોવું ન જોઈએ. બાવલું નરમ અને સ્થિતિસ્થાપક હોવું જોઈએ. બાવલાં પર વધુ પડતા વાળ કે ચરબી હોવી ન જોઈએ. બાવલાંની ગોઠવણી સુવ્યવસ્થિત હોવી જોઈએ. આંચળની લંબાઈ વધુ પડતી ન હોવી જોઈએ. દુધાળ જાનવર વંધ્ય ન હોવું જોઈએ. આ અંગે પશુ ચિકિત્સકનો અભિપ્રાય મેળવ્યા બાદ જ જાનવર પસંદ કરવું જોઈએ. સામાન્ય રીતે પશુપાલકો દુધાળા જાનવરની પસંદગી તેના બાહ્ય દેખાવને આધારે કે બે ત્રણ ટંક (સમય) ના દૂધ ઉત્પાદનના આધારે કરે છે તે સચોટ નથી. તેથી જ જાનવરોના દૂધ ઉત્પાદનની નોંધ રાખી વંશાવળીના નજીકના સગાના દૂધ ઉત્પાદનના આધારે વાછરડીઓની પસંદગી અને સાંઢની પસંદગી તેની ઓલાદ (વાછરડીઓ) ના દૂધ ઉત્પાદનના આધારે કરવાથી દૂધ ઉત્પાદનમાં પેઢી દર પેઢી વધારો મેળવી શકાય છે. આથી પશુપાલકોએ પોતાના દુધાળા જાનવરોના દૂધ ઉત્પાદનની નોંધા કાળજીપૂર્વક રાખવી ખૂબ જ જરૂરી છે.

રોગોની ચકાસણી :

દુધાળ પશુની પસંદગી તેમના ઉત્પાદનના આધારે કરવા ઉપરાંત તે જાનવર ચેપી રોગોથી મુક્ત હોવું પણ એટલું જ જરૂરી છે કારણ કે જો ખરીદેલ નવું જાનવર ચેપી રોગયુક્ત હશે તો આપણા બીજા જાનવરો સાથે રહેશે અને તેમને પણ ચેપ પ્રસરાવી શકે છે. આવા રોગોમાં ચેપી ગર્ભપાત, જોહન્સ ડીસીઝ, ટી.બી. વગેરેનો સમાવેશ થાય છે. વધુમાં જો જાનવરની પાછલા વેતરની માહિતી જાણવી પણ જરૂરી છે કે પાછલા વિયાણ વખતે ગર્ભાશય બહાર નીકળવાનો પ્રોબ્લેમ હતો કે નહિ? દુધાળ પશુની પસંગીમાં આ બધી માહિતીની પણ એટલી જ જરૂર પડે છે.

સ્ત્રોત : જુન-૨૦૧૭, વર્ષ :૭૦, સળંગ અંક :૮૩૦, કૃષિ ગોવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/25/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate