অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સિંચાઈ ધિરાણ

ભારતમાં કૃષિ ઉત્પાદન કરોડો નાના – સીમાંત ખેડુતો ઉપર આધારિત છે. જેમની નાણાંકિય સ્થિતિ કૃષિ ધિરાણ ઉપર મર્યાદિત થયેલ છે. તેથી કૃષિ ઉદ્યોગને ખાસ મહતવ આપવાની જરૂરીયાત છે. પાકની ઉત્પાદકતા અને ગુણવતા માટે પિયત એ મહત્વનું પરિબળ છે. સમયસર ધિરાણની વ્યવસ્થા ન થવાથી અને ક્રેડિટ માટેના બીજા કોઈ સ્ત્રોત ખેડુત પાસે ન હોવાથી ખેડુતની કેટલીક જમીન ફળદ્રુપ હોવા છતાં સિંચાઈ વગરની વણવપરાયેલી પડી રહે છે. સિંચાઈ ધિરાણ બેંક, ક્રેડિટ સોસાયટી અને ક્રેડિટ એજન્સી દ્ધારા કેમ, કેવી રીતે, ક્યા સ્વરૂપે અને શા - માટે મળે તે અંગેની વિગત આ લેખમાં દર્શાવેલ છે.

ધિરાણનો હેતુ :

  1. કુવાના બાંધકામ માટે
  2. નવો કુવો ખોદવા માટે અથવા જુનો કુવો ઊંડો કરવા માટે
  3. ઓઈલ એંજીન , ઈલેક્ટ્રીક મોટર અને પમ્પસેટ ખરીદવા માટે
  4. ખેતરમાંથી પાણીના નિકાલ માટે કેનાલ બનાવવા.
  5. પિયત સરખુ થાય તે માટે જમીન લેવલ કરવા.
  6. પાણીનો બંધ બનાવવા માટે
  7. નદી, ટાંકો, બંધ કે કેનાલમાંથી પાણી ખેંચવા માટે
  8. સ્પ્રિંકલર , ડ્રિપ અને ફુવારા પિયત પદ્ધતિ માટે

લાયકાત :

ખેડુત પોતે પોતાની માલીકીની જમીન ધરાવતો હોય અથવા કાયમી ભાડાથી ખેતી કરતો હોય તે જરૂરી છે. સુધારેલી ખેતી પદ્ધતિ તથા આધુનિક ખેતી પ્રત્યે હકારાત્મક અભિગમ હોવો જોઈએ. ખેડુત ને ડ્રિપ અને સ્પ્રિંકલર ઈરિગેશન વિષેની થોડી ઘણી સમજણ હોવી જોઈએ. બેંક વિષેની પ્રાથમિક સમજણ હોવી જોઈએ. ખેડુતનો ભુતકાળનો ક્રેડિટ રીપોર્ટ સારો હોવો જોઈએ અને જે તે પોતાના ગામના ખેડુતોની વહીવટી તથા સામજીક અને આર્થિક દ્રષ્ટિએ સારી છાપ હોવી જોઈએ. જે તે હેતુ માટે લીધેલ ધિરાણ, તે હેતુ દ્ધારા થનાર વધારાની આવક , લોનના હપ્તા અને વ્યાજ ભરાય તે પ્રમાણે સંતોષકારક હોવી જોઈએ.

ધિરાણનું સ્વરૂપ :

ખેડુતોને સિંચાઈ માટે ધિરાણ કમ લોનના સ્વરૂપે મળી શકે છે જેનો પરત ભરવાનો સમયગાળો સાત થી નવ વર્ષનો હોય છે.

ધિરાણની રકમ :

માર્જીનના પૈસા બાદ કરતા સાધન , ખર્ચ , ભાવપત્રક અને કોટેશનના આધારે

માર્જીન :

  1. રીઝર્વ બેંક ઓફ ઈંડિયા તથા મંડળીના નીતી-નિયમો અનુસાર
  2. સામાન્ય રીતે ૧૦ % થી લઈને ૨૫ % સુધી માર્જીન હોય છે.

વ્યાજનો દર :

  1. રીઝર્વ બેંક ઓફ ઈંડિયા તથા બેંકના નિતી નિયમો અનુસાર

ધિરાણના રકમની ફાળવણી :

સિંચાઈ માટેની લોનમાં સિંચાઈના હેતુના આધારે લોનની રકમની ફાળવણી કરવામાં આવે છે. ધારો કે કુવો ખોદવા માટેના ધિરાણની વાત કરીએ તો જેવી રીતે કુવો ખોદાતો જશે તેમ ૨ થી ૩ હપ્તામાં લોનની રકમ ફાળવણી થશે. ધારો કે ૯૦ ફુટ કુવો ખોદાવાનો હોય તો ૩૦ – ૩૦ ફુટના અંતરે લોનના હપ્તાની  ફાળવણી કરવામાં આવશે. ડ્રિપ ઈરીગેશન અને સ્પ્રિંકલર ઈરિગેશનની લોનમાં જે તે કંપનીને અથવા કંપનીના સપ્લાયરને કોટેશન અને બીલ તથા પ્રોજેકટના આધારે લોનની ફાળવણી કરવામાં આવે છે.

પરત ચુકવણી :

બેંકના નીતિનિયમો અનુસાર સામન્ય રીતે પરત ચુકવણીનો સમય ખેતીમાંથી ઉતપન્ન થતી આવક ઉપર આધારિત હોય છે અને ત્રીમાસીક, છમાસિક, નવમાસિક તથા વાર્ષિક પ્રમાણે હપ્તો નાનો, જેમ સમયગાળો મોટો તેમ લોનનો હપ્તો પણ વધી જાય છે. ધારો કે કોઈ ખેડુતને ૧૦૦૦૦૦ /- ( અંકે રુપિયા એક લાખ ) ની પમ્પસેટ ખરીદી કરવા માટેની લોન લીધી હોય અને આ લોનનો સમયગાળો ૭ વર્ષ માટે હોય અને જો છ માસિક હપ્તા નક્કી કરેલ હોય તો ૧૪ હપ્તામાં લોન પુરી કરવી પડે અને વાર્ષિક હપ્તો હોય તો ૭ હપ્તામાં લોન પુરી કરવાની રહે છે. સામાન્ય રીતે ૫ વર્ષથી લઈને ૯ વર્ષ સુધીનો પરત ભરવાનો સમયગાળો હોય છે.

સિંચાઈ લોનમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો :

  1. અરજદારે નવો કુવો ખોદવા માટે અથવા બોર બનાવવા માટે જે તે ઓથોરીટી પાસેથી જસ્ટીફિકેશન પ્રમાણપત્ર લેવું જરૂરી છે. જો પાણી કોઈ નદી , તળાવ કે કેનાલમાંથી લેવાનું હોય તો કલેકટર ઓફિસમાંથી મંજુરી લેવી જરૂરી છે.
  2. અરજદારે ખાતરી આપવાની રહેશે કે તેન ખરીદી કરેલ સાધન અથવા વસ્તુ બીઆઈએસ ( BIS ) માન્ય છે.
  3. સિંચાઈ ધિરાણ ત્યારે જ મળશે કે જ્યારે જે તે જમીનની અંદર રહેલું પાણી પાક માટે અથવા સિંચાઈ માટે વાપરી શકાય તેવું હોય.
  4. કુવાનું ખોદકામ એવું હોવું જોઈએ કે ઉનાળામાં પણ કુવામાં પાણીની સપાટી ઓછામાં ઓછા ૨ મીટર હોય.
  5. કુવાનું ખોદકામ એવું હોવું જોઈએ કે ઉનાળામાં પણ કુવામાં  પાણીની સપાટી ઓછામાં ઓછી ૨ મીટર હોય.
  6. સ્ટેટ ગ્રાન્ડ વોટર ડાયરેકટર દ્ધારા માર્ક કરેલી જ્ગ્યા કે જે સિંચાઈ માટે યોગ્ય હોય તો જમીન ઉપર જ કુવો ખોદવા માટે ધિરાણ આપવામાં આવે છે.
  7. ઈલેક્ટ્રિક પમ્પસેટનું ધિરાણ ત્યારે જ થઈ શકે છે જ્યારે ખેડુત પાસે વિજળીની પુરી સગવડ હોય.
  8. નાના ખેડુત કે જેની જમીન ટુંકી અથવા નાની છે તેનું કુવા તથા બોરનું પાણી વણવપરાયેલું પડ્યું રહે છે. આવા સંજોગોમાં ખેડુત ભાઈઓને વધારાનું પાણી બીજા ખેડુતને વેચી દેવું જોઈએ અથવા તો બે નાના ખેડુતોએ સાથે મળીને કુવો, બોર ખોદાવવા જોઈએ.
  9. ખેડુત પાસે જરૂરી સિંચાઈ માટેની જમીન હોવી જોઈએ જેથી લીધેલ ધિરાણનો હપ્તો અને વ્યાજ સમયસર ભરપાઈ થઈ શકે. તેન છતાં જો નાનો ખેડુત હોય અને સારી ખેતીનું મેનેજમેન્ટ કરતા હોય અને ઓછી જમીનમાં વધારે ઉત્પાદન લેતો હોય તથા ખેડુતોની જમીન ઓછી હોવા છતાં ધિરાણ માટે પાત્રતા ધરાવે છે.
  10. પમ્પસેટ, ઓઈલ એંજીન તથા ડ્રિપસેટની સર્વિસ, રીપેરીંગ વગેરે ગામમાં નજીકના સ્થળ ઉપર થઈ શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ જેથી ધિરાણ દ્ધારા લીધેલ કોઈપણ સાધન વણ-વપરાશ વગર લાંબો સમય પડ્યું ન રહે.
  11. નદિ, તળાવ અથવા કેનાલ દ્ધારા સિંચાઈ કરવાનું હોય તો કલેકટરની પરમિશન લેવી જોઈએ. લીધેલ પરમિશન લોનના સમયગાળા કરતા ત્રણ વર્ષ વધુ હોવી જોઈએ.
  12. અરજદારે સારી ગુણવતાવાળા પમ્પસેટ અને ઓઈલ એંજીન ખરીદવા જોઈએ જેથી ખરીદી કરેલ સાધનનો મેન્ટેનન્સ ખર્ચ ઓછો આવે.
  13. ડીઝલ એંજીન ખરીદતા પહેલા ધ્યાનમાં રાખવું જોઈએ કે તેની ડીઝલ ઉપાડવાની ક્ષમતા ( સ્પેસિફિક ફ્યુઅલ વપરાશ) ઓછી હોય. ૧૫૦૦ આરપીએમના એંજીન માટે સ્પેસિફિક ફ્યુઅલ વપરાશ ૧૯૮ ગ્રામ / બીએચપી / દર કલાક થી વધુ ન હોવો જોઈએ. ૩ હો.પા. થી વધારે હો.પા. વાળુ એંજીન ખરીદવું જોઈએ.
  14. સબમર્સિબલ મોટર અને પંપસેટ આઈએસાઈ ( ISI ) ૭૫૩૮ના માર્ક પ્રમાણે હોવા જોઈએ. ૨ હો.પા. ની ઓછામાં ઓછી ૭૯% બીએચપીની ઓછામાં ઓછી ૭૯% અને પ હો.પા. કે  તેથી વધુ હો.પા. ની ઓછામાં ઓછી ૮૦ % કાર્યક્ષમતા હોવી જોઈએ. જે ઈલેક્ટ્રીક મોટરની વધારે કાર્યક્ષમતા હોય તેવી ઈલેક્ટ્રીક મોટર પસંદ કરવી જોઈએ.
  15. જો લોનનો હપ્તો અથવા વ્યાજ ભરવામાં મોડુ થાય અથવા મંજુર થયેલી લોનમાં નિયમિતતા ન જળવાય તો બેંક વધારાના  ૧ થી ૩ % સુધી દંડનીય વ્યાજ લોન પર લગાવી શકે છે.

ખેડુતોએ સિંચાઈ ધિરાણ માટે બેંકમાં રજુ કરવામાં આધાર પુરાવાઓ :

  1. ૭ - ૧૨ અને ૮ ( અ )
  2. ૬ નંબર હક્કપત્રક અને ટાઈટલ કિલયર
  3. મંડળી અને જમીન વિકાસ બેંકનો દાખલો
  4. પંચાયતનો અને ચતુર્સીમાનો દાખલો
  5. ચુંટણીકાર્ડ, રેશનકાર્ડ, લાઈટબીલ અને બે પાસપોર્ટ સાઈઝ ફોટા
  6. જામીન ખેડુત ખાતેદાર
  7. એગ્રીમેન્ટ , કોટેશન , કરાર , ભાવપત્રક વગેરે

ઉપર જણાવ્યા પ્રમાણે જો આપણને બેંક ધિરાણ અને તેના નિતિ-નિયમોની જાણકારી હશે તો બેંક મારફતે મળેલ ક્રેડિટનો આપણે યોગ્ય રિતે ઉપયોગ કરી શકીશું. લીધેલ ધિરાણ વ્યાજ સાથે પરત ભરવાનું પણ હોય ખેતીપાકો નું એવી રીતે આયોજન કરીએ કે ધિરાણ દ્ધારા લીધેલ કોઈપણ સાધન દ્ધારા થયેલ ખેતીની વધારાની આવક ધિરાણ હપ્તા અને વ્યાજ ભરાય તેથી વધારે હોય. ખેડુતોએ જે હેતુ માટે ધિરાણ લીધુ હોય તે હેતુ માટે જ ધિરાણનો ઉપયોગ કરવો જોઈએ નહિતર લોન તથા લોનનું વ્યાજ ભરપાઈ થઈ શકશે નહિ અને તે ખેડુતની ઈજ્જ્ત અને આબરૂ બેંક્માં ઓછી થશે જેથી ધિરાણનો એવી રીતે ઉપયોગ કરીએ કે આજુ બાજુવાળા ખેડુતો ને તેમાંથી સાચી દિશા મળે.

નોંધ : ધિરાણ માટે બેંક નો દર વખતોવખત ફેરફારને આધિન છે.

સ્ત્રોત : ડૉ. કે.ડી. મેવાડા , ડૉ. એમ. વી. પટેલ , ડૉ. એન. વી. સોની – એગ્રોનોમી વિભાગ , બં, અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્ષિટી આણંદ

સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી , આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate