অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કૃષિમાં મુલ્યવૃધ્ધિનો અનિવાર્ય અભિગમ

દેશમાં અત્યારે અંદાજે ૭ થી ૭.પ અબજનું કૃષિ અને કૃષિ આધારીત પેદાશો જેવી કે બાગાયત, પશુપાલન, મરધા બતકા પાલન અને મસ્ત્યઉધોગમાં થી ઉત્પાદન મળે છે. દેશનો મોટો ભાગ એટલેકે ૭૦ થી ૭પ ટકા વસ્તી સીધી કે આડકતરી રીતે કૃષિ અને તેને સંલગ્ન ઉધોગો ઉપર આધારીત છે. જો તે સૈાને તંદુરસ્ત રાખવા હોય તો કૃષિ પેદાશ અને તેને સંલગ્ન તમામ ઉધોગોમાં થી બનતી વસ્તુઓના પોષણક્ષમ ભાવો મળવા ખુબ જ જરૂરી છે. આને માટે દરેક મુલ્યવૃધ્ધિ (વેલ્યુ એડીશન) અતિઆવશ્ક છે. જેને સૈાએ સમજી લેવાની ખુબ જ જરૂર છે.

મુલ્યવૃધ્ધિ એટલે શું?

મૃલ્યવૃધ્ધિ (વેલ્યુ એડીશન) એટલે મુલ્યમાં કે કિંમતમાં વધારો કરવાની ક્રિયા બીજી રીતે કહીએ તો કૃષિપેદાશોને બારોબાર એમને એમ ન વેચી દેતા, તેના ઉપર કોઈપણ જાતનું પ્રોસેસીગ કે પ્રસસ્કરણ કરી તેની કુલ કિંમતમાં જે વધારો કરી શકાય તેને મુલ્યવૃધ્ધિ કહેવાય છે. કોઈપણ વ્યકિત, કંપની કે સંસ્થા પોતાના પ્રોડકટના મુલ્યમાં વધારો કરવા માટે વિવિધ ઉપાયો હાથ ધરે છે. આવી પ્રોડકટોને વેલ્યુ એડેડ પ્રોડકટ તરીકે ઓળખવામાં આવે છે.

મુલ્યવૃધ્ધિ શા માટે ?

ડબલ્યુટીઓ અને ગેટ અમલમાં આવ્યા બાદ અત્યારે દરેક વસ્તુ મુકત વિશ્વબજારમાં સ્પર્ધાત્મક બની છે.  વિશ્વબજારમાં ટકી રહેવા અને ઉચ્ચતમ ભાવ મેળવવા માટે વસ્તુની ગુણવત્તા જાળવવવી અંત્યંત જરૂરી છે.  કોઈપણ પ્રોડકટનું મહત્વ તેની ગુણવત્તા હોય તો જ બજારમાં ટકી શકે છે.  અને આંતરાષ્ટ્રીય હરીફાઈનો સામનો કરી શકે છે.  દુનિયામાં દરેક પ્રોડકટ માટે વિવિધ ધોરણો નિયત કરવામાં આવ્યા છે.  જેના લીધે ચીલાચાલું માલને બદલે તેના ધોરણો મુજબનો માલ પેદા કરવામાં આવે તો તેના માલની નિકાલ કરી શકાય છે.  તથા આ રીતે માલની વેલ્યુ વધારીને વેલ્યુએડીશનનો લાભ મેળવી શકાય છે.  પરીણામે ઉત્પાદકને ઉચા ભાવ મળવાની સાથે રાષ્ટ્રની ઉન્નતિમાં પણ મહત્વનો ફાળો આપી શકાય છે.  દેશનીની આર્થિક કરોડરજજુ એ કૃષિ જ છે અને જો કૃષિમાં આવો નુંતન અભિગમ અપનાવાય તો દેશની આર્થિક સ્થિતિ ચોકકસ ધ્યાન ખેચે એ રીતે સુધરી શકે એમાં કોઈ બે મત નથી જે આપણે સૈાએ સાથે મળીને સાકાર કરવાનું છે.  અને જો એ સ્વપ્ન સાકાર થાય તો આપણે સૈાભાગ્યશાળી જ નહી બલકે અહોભાગી કહેવાઈશું અને એ દિવસ હરીયાળીક્રાંતિ માટેનો સુવર્ણદિન લેખાશે.

દક્ષિણ ગુજરાતની જ વાત કરીએ તો સીઝનમાં કેરી અને ચીકુંના ભાવો તળીએ બેસી જાય છે.  આપણી પાસે કોઈ કોલ્ડ સ્ટોરેજ કે પ્રોસેસીંગ યુનીટ નથી.  આથી તાજો માલ વેચવા સીવાય કોઈ ચારો નથી.  ખેડૂતો કમાય તેના કરતા અનેક ગણી રકમ વચેટીયાઓ, દલાલો કે વેપારીઓ કમાય છે જે જોયું, જાણ્યુ કે અનુભવ્યું નથી તેવા આ વચેટીયાઓ ખેડૂતની આવકનો /નફાનો મોટો ભાગ દલાલી કે કમીશનના રૂપમાં મેળવી લેતા હોય છે.  બીજી રીતે જોઈએ તો સીઝનમાં પાણીના ભાવે વેચેલી વસ્તુ ઓફ સીઝનમાં ગ્રાહકો કે ઉપભોકતાઓને ખૂબ જ ઉચા ભાવે એટલે કે બે થી ત્રણગણા રૂપિયા આપીને ખરીદવી પડતી હોય છે.  આથી ઉત્પાદકો અને ઉપભોકતાઓ વચ્ચેની વચલી કડી વચેટીયાઓ ને દૂર કરવા વેલ્યુએડીશન એક અગત્યનો ભાગ ભજવી શકે તેમ છે.

વેલ્યુ એડીશનની વિવિધ રીતો :

કૃષિ પેદાશની જાતો પ્રમાણે પાક પાક પ્રમાણે પ્રકાર અને પરીસ્થિતિ પ્રમાણે વિવિધ પ્રકારની પધ્ધતિઓ / રીતો અપનાવવામાં આવે છે.

  • ગ્રેડીંગ ધ્વારા મૂલ્યવૃધ્ધિ : કોઈપણ પ્રોડકટ અથવા ખેતપેદાશોનું ગ્રેડીગ (વર્ગીકરણ) તેની જાત, કદ, વજન ગુણધર્મો વિગેરે અનેક બાબતોને ધ્યાને લઈ કરવામાં આવે છે.  ગુણવત્તા, કદ, રંગ, આકાર વિગેરેના આધારે વર્ગીકરણ કરેલ ખેતરપેદાશના ભાવો વધુ મળે છે.  દા.ત. કેરી, કેળા, ચીકુ, ભીંડા, રીગણ વિગેરે ફળ  શાકભાજીના પાકોનું વર્ગીકરણ કરવાથી ઉચ્ચગુણવત્તાવાળા લોટાનો વધુ ભાવ પણ ખેતપેદાશને અલગ તારવાથી તેને ઉચા ભાવ વેચી શકાય, પણ કુલ આવક બધી જ ખેતપેદાશ વર્ગીકરણ કર્યા વગર ભેગી વેચવામાં આવે તો તેના કરતા ચોકકસ વધશે.  ઉત્પાદકને ઈચ્છીત ભાવ મળશે અને ઉપભોકતાને ઇચ્છીત ગુણવત્તાવાળી વસ્તુઓ મળશે.

ખેતપેદાશનું વર્ગીકરણ કરવાથી તેની ગુણવત્તા, મૂલ્ય અને ઉત્પાદક તથા ઉપભોકતા બંન્નેનો સંતોષ વધે છે.

  • પ્રોસેસીંગ ધ્વારા મૂલ્યવૃધ્ધિ : ખુબ જ જલદી થી બગડી જતી પ્રોડકટ જેવી કે દુધ, ફળો, શાકભાજી, ફુલો વિગેરે લાંબો સમય સાચવી શકતા નથી કે સંગ્રહ કરી શકતો નથી.  આથી તેમને તાજેતાજા જ વેચવા પડે છે.  જેનાથી ઉત્પાદનકારને મંદીના સમયે પણ મજુરીથી વેચી દેવા પડતા હોય છે.

આથી અપેક્ષિતભાવો મળતા નથી.  આથી જો આવી ખેતપેદાશનું પ્રોસેસીંગ કરવામાં આવે તો તેના મૂલ્યમાં અનેકગણો વધારો કરી શકાય છે.  ખાસ કરીને એવી સીઝન કે જયારે ફળ, શાકભાજી અને અન્ય ખેતપેદાશોનો બજારમાં ભરાવો થાય તેવા સમયે ઉત્પાદકોને તેમની ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળતા નથી.  એવા સમયે જો પ્રોસેસીંગ કરવામાં આવે અને તેની વિવિધ બનાવટો બનાવી વેચવામાં આવે તો આર્થીક રીતે વધુ લાભ મેળવી શકાય છે.  ખાસ કરીને બાગાયતી ખેતપેદાશો અને ડેરી ઉધોગમાં પ્રોસેસીંગ અનિવાર્ય છે.  પ્રોસેસીંગ કરેલ પેદાશની નિકાસ કરીને વધુ ભાવ મેળવી શકાય છે.

આમ જો સામાયાન્તરે વિચારીએ તો પ્રોસેસીંગ કરવાથી ખેતપેદાશની ગુણવતા વધે છે.  ખેતપેદાશોનો બગાડ થતો અટકે છે.  તેના પોષણક્ષમ ભાવો મળે છે તથા ઉપભોકતાઓને બારેમાસ જે તે પેદાશો ઉપલબ્ધ બની શકે છે.  દા.ત. સીઝનમાં ર રૂપિયે કિલો વેચતા ચીકુ તેના પ્રોસેસીંગથી અનેકગણા મોધા બની શકે છે.  તેવી જ રીતે સીઝનમાં ૧૦૦ રૂપિયે ર૦ કિલો કેરીમાંથી રસના બાટલા ભરવામાં આવે તો તેના ઉચા ભાવ મળી શકે છે.  સીઝનમાં પાણીના ભાવે વેચતા શાકભાજીનું જો પ્રોસેસીગ કરવામાં આવે તો તેના ઉચા ભાવ મળી શકે છે.  જો સહકારી ધોરણે આવી વ્યવસ્થા થાય તો ખેડૂતોને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળે તથા બીજી બાજુ લોકોને ઈચ્છીત સમયે ઈચ્છિત વસ્તુ મળી શકે.

  • ખેતપેદાશ (પ્રોડકટ) પેકીંગ ધ્વારા મુલ્યવૃધ્ધિ : કોઈપણ ખેતપેદાશને તેની જાત, ગુણવત્તા, કદ, રંગ, ચળકાટ વિગેરે ગુણોને અનુરૂપ યોગ્ય પેકીગમાં પેક કરવામાં આવે તો તેના ઉચા ભાવો મળી શકે છે.  યોગ્ય પેકીંગ ધ્વારા પેદાશની ગુણવત્તા લાંબો સમય જાળવી શકાય છે.  તથા લાંબા સમય સુધી સાચવી શકાય છે.  યોગ્ય પેકીંગ કરવાથી ખેત પેદાશની હેરફેર સરળતાથી થઈ શકે છે.  હેરફેર કે ટ્રાન્સપોર્ટ વખતે નુકશાન થતુ નથી.  આજના હરીફાઈના યુગમાં કોઈપણ પેદાશ માટે તેનું યોગ્ય, આકર્ષક અને ગ્રાહકને જોતજોતામાં જ ગમી જાય તેવુ પેકીંગ ખૂબ જ જરૂરી છે.  જો તમારી પ્રોડકટની ગુણવત્તા ગમે તેટલી સારી હશે પણ જો પેકીંગ સારુ નહી હોય તો તે વસ્તુ ખરીદવામાં ગ્રાહક બે વાર વિચારશે, આથી ખેડૂતમિત્રો તમારી પેદાશોનું યોગ્ય પેકીંગ કરવાનું કયારેય ભુલશો નહી, નહીંતર સારી વસ્તુ હોવા છતા ઈચ્છીત ભાવ મેળવવામાં મુશ્કેલી પડશે.
  • કોલ્ડ સ્ટોરેજ ધ્વારા મૂલ્યવૃધ્ધિ :  ફળ અને શાકભાજીનું ઉત્પાદન સિમીત હોઈ બજારમાં એક સાથે વધારે જથ્થો આવે છે.  લો ઓફ ડિમીનીસીગ રીટર્ન અને માર્જીનલ યુટીલીટી અંતર્ગત બજારમાં માલનો ભરાવો થવાથી તેના બજારભાવ ઘટે છે.  આવા સંજોગોમાં આવા માલને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરીને જયારે તે ઉપલબ્ધ ન હોય તેવી ઓફ સીઝનમાં બહાર કાઢી ને વેચવામાં આવે તો તેના મુલ્યમાં સારો એવો વધારો મળી શકે છે.  દા.ત.  ખેડા જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજમાં બટાટાનો મોટાપાયેે સંગ્રહ કરીને ઓફ સીઝનમાં ખેડૂતો સારા ભાવો મેળવે છે.  એવી જ રીતે દક્ષિણ ભારતમાં ફુલો અને માછલીની ખેતીમાં કોલ્ડ સ્ટોરેજનો સક્ષમ ઉપયોગ થાય છે.  દક્ષિણ ગુજરાત માટેનો કદાચ કોલ્ડ સ્ટોરેજ નિદર્શનમાં રાખવા જેવી બાબત છે.  પણ કોલ્ડ સ્ટોરેજ બાગાયતી વિસ્તારમાં અનિવાર્ય છે.  એવુ કહેવામાં કોઈ અતિશયોકિત નથી.  આ દિશામાં સક્રિય વિચારણા થાય તો હું ખૂબ જ ખુશ થઈશ.

મૂલ્યવૃધ્ધિને અસર કરતી બાબતો :

  • ટેકનોલોજી : જેને આપણે ઉપલબ્ધ તકનીકી બાબતો કહીશું આધુનિક કે અત્યાધુનિક (પ્રોડકટ અને પ્રોસેસીંગ) ટેકનોલોજીનો ઉપયોગ સુવ્યવસ્થીત સુઆયોજીત અને સમયસર કરવામાં આવે તો સારી /ઉચી ગુણવત્તાવાળો માલ પેદા કરી શકાય છે.  જો માલની ગુણવત્તા સારી હોય તો તેના ભાવ પણ ઉચાં મળે છે.  પેદાશોને અનુરૂપ ટેકનોલોજી કે મશીનરીનો ઉપયોગ કરવો જોઈએ.  અયોગ્ય કે અજ્ઞાનસભાર ટેકનોલોજી કે આંધળુંકિયું કરવાથી કયારેક ખરાબ પરિણામ આવી શકે છે.
  • માલની ગુણવત્તા : ગુજરાતીમાં એક કહેવત છે કે માલે મૂલ્ય થાય એ અનુસાર માલની ગુણવત્તા ન હોય અથવા યોગ્ય ગુણવત્તા કે ધોરણ ધરાવતો ન હોય તો તેના સારા ભાવ મળતા નથી હલકી ગુણવત્તાવાળો કે યોગ્ય ધારાધોરણ ન ધરાવતો હોય તેવો માલ બજારમાં ઇચ્છિત ભાવે વેચતો નથી.  તથા તેવા માલની નિકાસ પણ થઈ શકતી નથી.  આથી ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે બજારમાં માત્ર ઉચ્ચ ગુણવત્તાવાળો માલ જ ખપશે, ગ્રાહકોને ગુણવત્તા સાથે કોઈ જ બાંધછોડ કરવાની ગમતી નથીે.  આથી આપના ઉત્પાદનની ઉચ્ચ ગુણવત્તા જાળવો અને અપેક્ષિત ઉચા ભાવો મેળવવાની આશા રાખો.  માત્ર આશા જ ન રાખો પણ મેળવો જ મેળવો.  આપના માલની યોગ્ય ગુણવત્તા જાળવવા માટે યોગ્ય પ્રસંસ્કરણ ટેકનોલોજી અપનાવો.
  • માંગ અને પુરવઠો :  (ડિમાન્ડ એન્ડ સપ્લાય)
    • માંગ વધે  પુરવઠો ઘટે  ભાવ વધે
    • માંગ ઘટે  પુરવઠો વધે  ભાવ ઘટે

સામાન્ય રીતે જે માલની માંગ બજારમાં ન હોય તેનું ઉત્પાદન કરીએ તો સારા ભાવ મળતા નથી.  જે માલની (પેદાશની)  બજારમાં માંગ હોય તેના ભાવ ઉચા મળે છે.  એટલે મુલ્ય વૃધ્ધિમાં માંગ અને પુરવઠાની સ્થિતિ અસર કરે છે.  આથી ખેડૂતે પોતાની પેદાશ કયારે? કેવી રીતે? કેવી ગુણવત્તા સાથે? કયારે બજારમાં મૂકવાની છે વિગેરે બાબતોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.  નહિતર મૂલ્યવૃધ્ધિમાં પણ વિપરીત અસર થઈ શકે છે.  યોગ્ય ગુણવત્તા અને ધોરણયુકત પેદાશ મુલ્યવૃધ્ધિત બજારમાં મુકવામાં આવે તો જ ઈચ્છીત ભાવો મળી શકે છે.

  • માળખાકીય સવલતો : માલની હેરફેર માટે રસ્તાઓ, વાહનો, કોલ્ડ સ્ટોરેજ, ગોડાઉન, સંદેશા વ્યવહાર ઉપકરણો, નાણાકીય સધ્ધરતા, વિગેરે અનેક સવલતો હોવી જરૂરી છે.  જો આવી પાયાની સવલતોનો અભાવ હોય તો ઉત્પાદિત માલ કે મુલ્યવૃધ્ધિ કરેલ માલ સમયસર બજારમાં પહોચાડી શકતો નથી.  પરિણામે આખુ આયોજન ખોરવાય છે.  અને ઈચ્છિત ભાવો મળી શકતા નથી.  કયારેક ઉપરોકત સુવિધાઓના અભાવને કારણે ઈચ્છિત માલ બજારમાં ઈચ્છિત સમયે પહોચી શકતો નથી અને તેની ખોટ ઉત્પાદનકારે ભોગવવી પડે છે.  દાં.ત. શાકભાજી અને ફળો સમયસર ફેરફાર ન થઈ શકે તો મોટાપાયે બગાડ થવાની શકયતા રહે છે.
  • માર્કેટીંગ વ્યવસ્થા : સામાન્ય રીતે બજાર વ્યવસ્થામાં ઉત્પાદક, ગ્રાહક અને તેને જોડતી કડીઓ એટલે કે દલાલો, વચેટીયાઓ, મારફતીયાઓ, વિગેરેનો સમાવેશ થાય છે.  ખેતીવાડીમાં બજાર વ્યવસ્થામાં ઉત્પાદક અને ગ્રાહક (ઉપભોકતા)  વચ્ચે આવતા આ પરિબળો ખુબ જ લાભ ખાટી જાય છે.  ઉત્પાદકને તેના પેદાશના પોષણક્ષમ ભાવો મળતા નથી અને બીજી બાજુ ઉપભોકતાઓને તેજ પેદાશ બે થી ત્રણ ગણા ભાવે ખરીદવી પડે છે.  આથી ઉત્પાદક (ખેડૂત) અને ઉપભોકતા (ગ્રાહક) બંનેને માર પડે છે.  એટલે કે દલાલો કે વચેટીયાઓ વધુ નફો રળી લે છે.  દક્ષિણ ગુજરાતમાં કેરી અને ચીકુ, મધ્યગુજરાતમાં શાકભાજી તથા અન્ય વિસ્તારમાં ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ ન મળવાનું એક અતિ અગત્યનું પરીબળ છે.  જો આ વચલી કડી દૂર કરવામાં આવે તો ઉત્પાદકોને તેમની પેદાશના સારા ભાવ મળી રહે અને ગ્રાહકોને જરૂરી વસ્તુ સસ્તા દરે મળી રહે.
  • ગ્રાહક અને વપરાશકારો : માલ (ખેત પેદાશ) ગમે તેટલા પેદા કરવામાં આવે પણ તેના વપરાશ કરતા ખર્ચ (ઉત્પાદકતા/ગ્રાહકવર્ગ) ન હોય તો તેવા માલનું કોઈ મુલ્ય નથી.  ગ્રાહકોની રૂચિ, તેમનું વલણ, ખરીદશકિત, માંગ, જીવનધોરણ વગેરે બાબતોને જાણી તે મુજબની વેલ્યુ એડેડ પ્રોડકટ બનાવવી જોઈએ.  નહીતર ખોટ જશે, કારણકે બધાને બધી જગ્યાએ બધી પ્રોડકટ ન પણ પોસાય તો આવા સમયે સ્થળ, પરીસ્થતિ ઉપભોકતા વર્ગ તમામને ધ્યાનમાં રાખીને આયોજન કરવુ જોઈએ.  જેથી બંને પક્ષે ફાયદો થશે.

મૂલ્યવૃધ્ધિના ફાયદાઓ :

  • કાપણી બાદ તથા બગાડના પ્રમાણમાં ઘટાડો થવાતી ખાધ વસ્તુઓની ઉપલબ્ધતામાં વધારો થાય છે.  બાગડ, અટકાવાથી ઉત્પાદન અને ઉપભોકતા બંનેેને ફાયદો થાય છે.
  • ઉત્પાદક અને ઉપભોકતા બંનેને સારી વસ્તુ અને સારા લાભ મળે છે.
  • ખોરાકની ઉપલબ્ધતા અને વૈવિધતા વધે છે.
  • પોષણક્ષમ આહાર મળે છે.
  • રોજગારીની તકો વધે છે.
  • નિકાસમાં વધારો કરી હૂંડીયામણ (વિદેશી) વધારો કમાઈ શકાય છે.
  • પર્યાવરણની જાળવણી અને સમતુલા વધે છે.
  • જીવનધોરણમાં સુધારો થાય છે.
  • ઓફ સીઝનમાં પણ વસ્તુ ઉપલબ્ધ બને છે.
  • આરોગ્યના પ્રશ્નો ઘટી શકે છે.

અત્યારે આપણા દેશમાં મૂલ્યવૃધ્ધિનું પ્રમાણ નજીવુ જ છે.  જે જથ્થા પ્રમાણે અંદાજે ર ટકા, મૂલ્ય પ્રમાણે ૧૦ ટકા અને કુલ ઉત્પાદનમાં આશરે ૪% કરતા પણ ઓછા ફળોનું પ્રશંસ્કરણ થાય છે.  વધારીને ખેડૂત, ઉપભોકતા, દેશ અને ખેતીવાડીની આર્થિક સ્થિતિ ઘણી સુધારી શકવાની ઉજળી તકો રહેલી છે.  સાથે મળી સૈા આ દિશામાં વિચારીએ તો કૃષિ માટે એક મહાયજ્ઞ કર્યાનું પુણ્ય મળશે.

સ્ત્રોત ડો.એમ.વી.તિવારી વૈજ્ઞાનિક (ગૃહ વિજ્ઞાન) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., દેડિયાપાડા, જિ. નર્મદા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate