অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રાસાયણિક ખાતરોનો સમતોલ અને કાર્યક્ષમ ઉપયોગ કરો

રાસાયણિક ખાતરોનો સમતોલ અને કાર્યક્ષમ ઉપયોગ કરો

દેશની વધતી જતી વસ્તીને અનાજ પુરું પાડવું એ આપણી સામે એક ગંભીર પડકાર છે. દેશની વસ્તી ૧૨૭ કરોડ જેટલી થઈ ગઈ છે, જયારે અનાજની જરૂરિયાત ૨૬.૪૦ કરોડ ટન છે. આટલુ અનાજ ઉત્પન્ન કરવા માટે અંદાજિત ૨.૬ થી ૨.૭ કરોડ ટન રાસાયણિક ખાતરોની જરૂર પડે છે કારણ કે એક ટન અનાજ ઉત્પન્ન કરવા માટે ૩૩ કિલોગ્રામ નાઈટ્રોજન, ૧૨| કિલોગ્રામ ફોસ્ફરસ અને ૫૮ કિલોગ્રામ પોટાશની જરૂર પડે છે. આપણા દેશમાં ખાતરનું ઉત્પાદન જરૂરિયાત કરતાં ઘણું ઓછું છે. બાકીના ખાતર હૂંડિયામણ ખર્ચીને પરદેશથી આયાત કરવા પડે છે અને તેની કિંમતમાં પણ સતત વધારો થતો રહે છે. એટલે આપણી પાસે જે મર્યાદિત ખાતરનો જથ્થા છે તેનો કાર્યક્ષમ અને સમજપૂર્વક ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી છે જેથી આપણે પાક ઉત્પાદન ખર્ચ ઘટાડી શકીએ. ખેડૂતોને પણ કુલ ખેતી ખર્ચના ૬ થી ૧૬ ટકા ખર્ચ ખાતરો પાછળ થાય છે. આમ, મોંઘા રાસાયણિક ખાતરો જમીનમાં આપ્યા પછી પણ તેમાંથી ફકત ૩૦-૩૫ ટકા નાઈટ્રોજન અને ૧૭ ટકા ફોસ્ફરસનો ઉપયોગ છોડ કરી શકે છે, જ્યારે બાકીનો જથ્થો કાં તો હવામાં ઊડી જાય છે અથવા તેનો ધોવાણ દ્વારા, નિતાર દ્વારા કે નીંદણ દ્વારા વ્યય થાય છે. આ ઉપરાંત ફોસ્ફરસયુક્ત ખાતરોનું જમીનમાં સ્થિરીકરણ થઈ જાય છે.

કૃષિ ઉત્પાદન ટકાવી રાખવા તેમજ વધારો કરવામાં રાસાયણિક ખાતરો મહત્ત્વનો ભાગ ભજવે છે. પરંતુ દિન-પ્રતિદિન ખાતરોની વધતી જતી કિંમત, જરૂરિયાત કરતાં ખાતરનું ઓછું ઉત્પાદન, તેમના આડેધડ વધારે પડતા ઉપયોગથી થતું પ્રદૂષણ અને પર્યાવરણ પર તેની અવળી અસર વગેરે કારણોને લીધે આપણી પાસેના ખાતરોના ઉપલબ્ધ જથ્થાનો કાર્યક્ષમ અને કરકસર પૂર્વક ઉપયોગ થાય તે માટે નીચેના ઉપાયો ધ્યાને રાખવા જરૂરી છે.

  1. રાસાયણિક ખાતરો જમીનમાં ઓગાળ્યા બાદ જ જે તે પોષકતત્વનું છોડના મૂળ દ્વારા શોષણ થાય છે. તેથી જમીનમાં પૂરતો ભેજ જાળવી રાખગવો જોઈએ. શક્ય હોય તો ટપક સિંચાઈ પદ્ધતિથી પિયત આપવું જોઈએ કેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ સાથે રાસાયણિક ખાતરો આપવામાં આવે તો તેની કાર્યક્ષમતામાં ઘણો વધારો થાય છે. જમીન સમતળ બનાવી, પાળા બાંધવા, કાંસ કાઢવી અને તેના દ્વારા જમીનનું ધોવાણ અટકાવવું.
  2. સેન્દ્રિય જૈવિક અને રાસાયણિક ખાતરોનો સંકલિત ઉપયોગ કરવાથી તેની કાર્યક્ષમતામાં વધારો થાય છે. આ ત્રણેય ખાતરો એકબીજાના પૂરક છે. હરીફ નથી કે વિકલ્પ પણ નથી.
  3. છોડની પૂરતી સંખ્યા જાળવવા સમયસર ગામાં પૂરવા અને પાકની બે હાર વચ્ચેનું અંતર સંશોધનની ભલામણ મુજબ રાખવું જોઈએ. જેથી એકમ વિસ્તારમાં જરૂરી છોડની સંખ્યા મળી રહે.
  4. પાકમાં રોગ અને જીવાત તેની ક્ષમ્યમાત્રા કરતાં વધી જાય તો તેના નિયંત્રણ માટે સમયસર જરૂરી પગલાં લેવા જોઈએ. નીંદણને પાકમાં સમયસર દૂર કરી હવા, પાણી અને પોષકતત્વોના વપરાશ માટે પાક સાથે થતી હરિફાઈ ટાળી શકાય છે.
  5. આર્થિક દ્રષ્ટિએ વધારે ઉત્પાદન આપતા પાકો અને તેની જાતોની પસંદગી કરવી.
  6. ફોસ્ફરસ અને પોટાશનો ભલામણ પ્રમાણેનો બધો જ જથ્થો પાયાના ખાતર તરીકે આપવો. રેતાળ જમીનમાં પોટાશયુક્ત ખાતરો બે હપ્તામાં આપવા.
  7. વિશિષ્ટ સંજોગો જેવા કે તત્વોનું જમીનમાં સ્થિરીકરણ થઈ જતું હોય તેવી જમીનોમાં, ભાસ્મિક જમીનમાં તથા પાકના વિકાસના તબક્કે સૂક્ષ્મતત્વોની ઊણપ વર્તાતી હોય તથા ઊભા પાકમાં પાણી વધારે સમય માટે ભરાઈ રહેતું હોય તેવા સંજોગોમાં જરૂરી પોષકતત્વોના ખાતરનો ઉપયોગ પાક ઉપર છંટકાવ દ્વારા કરવો જોઈએ.
  8. ફોસ્ફરસયુક્ત ખાતરોનું સ્થિરીકરણ જલદી થતું હોવાથી તથા જમીનમાં તે ગતિશીલ ન હોવાથી આ ખાતરો ૪ થી ૬ સે.મી. બિયારણની નીચે અને ૪ થી ૬ સે.મી. બીજની પડખે ઓરીને આપવાં.
  9. ખાતરોની ભલામણ બહુપાક પદ્ધતિને અનુલક્ષીને કરવી જોઈએ.
  10. છોડના વિકાસ માટે જરૂરી બધા પોષકતત્વો સપ્રમાણમાં પૂરા પાડવા જોઈએ, પરંતુ તેની જરૂરિયાત જમીન ચકાસણીના આધારે નક્કી કરવી જોઈએ.
  11. ખૂબ જ હલકી, રેતાળ અને સેન્દ્રિય તત્વની ઊણપવાળી જમીનમાં એમોનિયમ તત્વ પાણી સાથે નીચે ઊતરી જાય છે, તેથી આવી જમીનોમાં બધાં જ નાઈટ્રોજનયુક્ત ખાતરો પાકના વિકાસના તબક્કાને ધ્યાનમાં રાખી ૩ થી ૪ હપ્તામાં આપવા, જ્યારે મધ્યમથી ભારે પોતવાળી અને સામાન્ય નિતારશક્તિ ધરાવતી જમીનમાં ૨ થી ૩ હપ્તામાં જમીનમાં આપવા.
  12. હલકી રેતાળ જમીનમાં યુરિયા તથા નાઈટ્રોજનયુક્ત ખાતરો આપી પાણીનું નિયંત્રણ આવશ્યક છે, નહીતર તે નિતાર વડે પાકના મૂળ પ્રદેશથી નીચે ઊતરી જાય છે. તેથી ખાતર પાકના વિકાસના તબક્કા તથા જમીનના પોતને ધ્યાનમાં રાખી ૨ થી ૪ હપ્તામાં જમીનમાં આપવાં.
  13. પાકની યોગ્ય ફેરબદલી તથા મિશ્ર પાક પદ્ધતિમાં કઠોળ વર્ગના પાકનો સમાવેશ તથા બેકટેરિયલ અને આલ્બીયુક્ત કલ્ચરનો ઉપયોગ રાસાયણિક ખાતરોની કાર્યક્ષમતા વધારી પાકની ખાતરની જરૂરિયાતમાં ઘટાડો કરે છે.
  14. વરસાદ ઉપર આધારિત પાકો જેવા કે ઘઉં, ચણા, તલ, રાયડો વગેરેમાં ખાતરો ભેજવાળા મૂળ પ્રદેશમાં ઊંડે આપવા જોઈએ.
  15. ખારી જમીનમાં નાઈટ્રોજનયુક્ત ખાતરો અને ભાસ્મિક જમીનમાં એમોનિકલ ખાતરો વધુ કાર્યક્ષમ બને છે.
  16. ભાસ્મિક જમીનમાં એમોનિયમ સલ્ફટ અને સિંગલ સુપર ફોસ્ફટ જેવા ખાતરો પસંદ કરવા જોઈએ.

પાકનો સારો વિકાસ થાય તે માટે જમીનમાંથી સૂક્ષ્મતત્વો સહિત બધા જ પોષકતત્વો સપ્રમાણમાં પૂરાં પાડવા જોઈએ. આ તત્વો પૈકી કોઈપણ એક અથવા વધુ તત્વો જમીનમાં ઓછી કે વધારે માત્રામાં હોય તો પાકના ઉત્પાદન ઉપર વિપરિત અસર થાય છે. વધુમાં જમીન ચકાસણી પ્રમાણે થયેલ ભલામણમાં પાક, જમીનની ઊંડાઈ, પોત, નિતારશક્તિ વગેરે માહિતી સિંચાઈની સગવડ, અગાઉ વાવેલ પાકો અને તેમને આપેલ ખાતરો તથા ખેડૂતની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે છે. આ માહિતીના આધારે કયું ખાતર કેટલા પ્રમાણમાં અને ક્યારે તથા કેવી રીતે આપવું તેની ભલામણ કરવામાં આવે છે. આવી ભલામણોના આધારે ખેડૂતોએ પોતાની જરૂરિયાતવાળા ખાતરો ખરીદવાનું આયોજન કરવું જોઈએ અને યોગ્ય સમયે જરૂરી માત્રામાં ખાતરો પાકને આપવા જોઈએ.

આવી જ કંઈક ગેરસમજ સૂક્ષ્મતત્વો અંગે થાય છે. આજે બજારમાં સૂક્ષ્મતત્વો ધરાવતી ઘણી પેદાશો વેચાય છે. ખેડૂતો પોતાની જમીનમાં સૂક્ષ્મતત્વોનું પ્રમાણ કેટલું છે તે જાણ્યા સિવાય બજારમાં ઉપલબ્ધ સૂક્ષ્મતત્વોયુક્ત ખાતરોની પુરેપુરી સમજણ સિવાય તેનો ઉપયોગ કરે છે જે નુકસાનકારક સાબિત થાય છે કારણ કે ખાતરીમાં કયા કયા સૂક્ષ્મતત્વો કેટલા પ્રમાણમાં છે તેની જાણ ખેડૂતોને હોતી નથી. વધુમાં તેમની જમીનમાં તે તત્વોની ઉણપ હોય તો ખરેખર ક્યા પોષકતત્વોની ઊણપ છે તેની ચોક્કસ માહિતી તેમની પાસે હોતી નથી. જો આવી માહિતી તેમની પાસે હોય અને જે તત્વો ઊણપ હોય તે સૂક્ષ્મતત્વયુક્ત ખાતર આપવામાં આવે તો જ પાક ઉત્પાદનમાં સારૂ વળતર મળવા સંભવ છે. પરંતુ જમીનમાં જે પોષકતત્વોની ખામી નથી તેવા સૂક્ષ્મતત્વોવાળા ખાતરો જમીનમાં આપવાથી તેમનું પ્રમાણ વધે છે અને તેમના વધુ પ્રમાણને લીધે તેની માઠી. અસર બીજા પોષકતત્વોની લભ્યતા ઉપર થાય છે. તેમજ છોડમાં બીજા પોષકતત્વોના વપરાશ પર પણ પડવા સંભવ છે. તેથી જમીનમાં ક્યા કયા સૂક્ષ્મતત્વોની ઉણપ છે તે જાણ્યા પછી જ જે તે તત્વને ખાતર દ્વારા આપવાથી ઊણપ નિવારી શકાય છે અને પોષકતત્વોની કાર્યક્ષમતા વધારી ઉત્પાદન ખર્ચ ઘટાડી શકાય છે.

જાન્યુઆરી-ર૦૧0 વર્ષ: ૬૯ અંક: ૯ સળંગ અંક: ૮ર૫ કૃષિગોવિધા.

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી , આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate