অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પાક સંરક્ષણમાં ખેડનું મહત્વ

પાક સંરક્ષણમાં ખેડનું મહત્વ

પાક ઉત્પાદનમાં ખેડનું મહત્વ રહેલું છે. સામાન્ય રીતે જમીનને પોચી અને ભરભરી બનાવવાના હેતુથી ખેડ અને આંતરખેડ કરવામાં આવે છે કે જેથી જમીનમાં હવાની અવરજવર થાય. તે ઉપરાંત પાકમાં નુકસાન કરતી કેટલીક જીવાતો અને રોગનું પ્રમાણ ઓછું કરવામાં ખેડ મદદરૂપ થાય છે. રોગ-જીવાતના જીવનક્રમની નબળી કડીને ધ્યાનમાં રાખી જમીનને ખેડવામાં આવે કે પાકમાં આંતરખેડ કરવામાં આવે તો કેટલાક રોગ અને જીવાત પર તેની નકારાત્મક (અવળી) અસર થતી હોય છે જેને પરિણામે રોગ-જીવાતની તીવ્રતા ઘટે છે.

સામાન્ય રીતે ખેતી પાકોમાં નુકસાન કરતા કાતરા (હરી કેટરપીલર) અને પૈણ (ડોળ કે મુંડા)નો ઉપદ્રવ ચોમાસાની ઋતુમાં જોવા મળે છે. ચોમાસુ ઋતુ પૂર્ણ થતાં કાતરા અને પૈણ અનુક્રમે કોશેટા અને પુણ્ય (ઢાલિયા) અવસ્થામાં સુષુપ્ત રીતે જમીનમાં પડી રહે છે અને બીજા વરસે ચોમાસામાં (જૂન-જુલાઈમાં) પ્રથમ સારો વરસાદ થતાં આ જીવાતનો પુર્ણ સક્રિય બની જમીનમાંથી બહાર નીકળી આવે છે. આવા કિસ્સામાં ઉનાળામાં જમીન ઊંડી ખેડવાથી જમીનમાં ભરાઈ રહેલ જીવાતની અવસ્થાઓ ખુલ્લી થતા સૂર્યના તાપથી, પરભક્ષી પક્ષીઓ અને બીજા પ્રાણીઓ દ્વારા તેનો નાશ થાય છે. લીલી ઈયળ, પાન કાપી ખાનાર ઈયળ (સ્પોડોપ્ટેરા), થડ કાપી ખાનાર ઈયળ (કટવર્મ) અને લશ્કરી ઈયળ મોટી થતાં જમીનમાં કોશેટા બનાવે છે. તેથી જે પાકમાં આ જીવાતોનો ઉપદ્રવ રહેતો હોય ત્યાં પાક પૂર્ણ થતા જમીન ખેડી નાખવાની ભલામણ કરવામાં આવે છે. ખપૈડી અને તીતીઘોડા નામની જીવાતો જમીનમાં ઈંડા મૂકે છે. પાક પૂર્ણ થતાં ખેડ કરવાથી તેમનો પણ નાશ થાય છે. ડાંગર, મકાઈ અને જુવાર જેવા ધાન્ય પાકમાં નુકસાન કરતી ગાભમારાની ઈયળ પાકની કાપણી બાદ જડીયાંમાં ભરાઈ રહે છે. આવા કિસ્સામાં પાક પૂર્ણ થતાં જમીનમાં ઊંડી ખેડ કરી જડીયાં વીણી તેનો યોગ્ય રીતે નિકાલ કરવાની સલાહ ખેડૂતોને આપવામાં આવે છે.

આંબો, જામફળી અને વેલાવાળા શાકભાજીના પાકોમાં ફળમાખીથી સારા એવા પ્રમાણમાં નુકસાન થાય છે. આ જીવાતની ઈયળો ફળની અંદર રહી નુકસાન કરતી હોવાથી ઈયળોનું સીધુ નિયંત્રણ કરવું મુશ્કેલ હોય છે. તેથી ફળમાખીની અન્ય બે અવસ્થામાં (કોશેટા અને પુણ્ય) નાશ કરવાના પ્રયત્ન કરવામાં આવે છે. પ્લાસ્ટિકના પિંજરામાં ખાસ પ્રકારના રસાયણો (મિથાઈલ યુજીનોલ અને ક્યુત્થર)નો ઉપયોગ કરી ફળમાખીના પુર્ણ (માખી) ને આકર્ષવામાં આવે છે. જયારે ફળમાખીના કોશેટા જમીનમાં બને છે તેથી આંબા અને જામફળની ફળવાડીમાં ઝાડ નીચેની જમીનમાં અવારનવાર ખેડ કરવાથી તથા વેલાવાળા શાકભાજીના માંડવાની નીચેની જમીનમાં ખેડ/ ગોડ કરવાથી કોશેટા ખુલ્લા થશે અને તેનો નાશ થશે.

આંબા અને સીતાફળના ઝાડ પર ચિક્ટો (મીલીબગ) અગત્યની ચૂસિયાં પ્રકારની જીવાત ગણાય છે. આ જીવાતની માદા જમીનમાં ઈંડા મૂકે છે. ઈંડા સેવાતા તેમાંથી નીકળેલા બચ્ચાં ઝાડના થડ મારફતે ઉપર ચઢી કુમળા ભાગ (ખાસ કરીને પાન, ડુંખ અને ફળ) પર સ્થિર થાય છે. તેથી ચોમાસુ ઋતુ પૂર્ણ થયે ઝાડની નીચે ખામણીમાં તથા ઝાડની આજુબાજુની જમીનમાં ખેડ કે ગોડ કરવાથી ઈંડા ખુલ્લા થતા તેનો નાશ થાય છે.

જીવાતની જેમ કેટલાક રોગનું પ્રમાણ ઘટાડવા માટે ખેડની અગત્યતા માલૂમ પડેલ છે. સૂકારો (કપાસ, દિવેલા, તુવેર, મગફળી, જીરૂ, શેરડી, ચણા, તલ વગેરે) મૂળખાઈ/મૂળનો સડો (કપાસ, દિવેલા, તમાકુ, મગફળી, ચોળા વગેરે) નામના રોગ માટે જવાબદાર ફૂગ જમીનજન્ય હોય છે. પાકની કાપણી બાદ આ ફૂગના બીજાણુ જમીનમાં સુષુપ્તાવસ્થામાં પડી રહે છે અને ફરી જયારે યોગ્ય યજમાન મળે અને વાતાવરણ અનુકુળ હોય તો સક્રિય બને છે. રીંગણી, ટામેટી, તમાકુ, વેલાવાળા શાકભાજી, મગફળી અને તુવેર જેવા ખેતી પાકોમાં ગંઠવા કૃમિનો પ્રશ્ના રહેતો હોય છે. આ કૃમિની વિવિધ અવસ્થા જમીનમાં સુષુપ્તાવસ્થામાં પડી રહે છે. તેથી આવા કિસ્સામાં ઉનાળામાં ઊંડી ખેડ કરી જમીનને સૂર્યના તાપમાં તપવા દેવાથી ફૂગ અને ગંઠવા કૃમિનો નાશ થાય છે.

જુવારના પાકમાં કાળિયો (પ્રકાંડનો કાજલ સડો) નામના રોગમાં જમીનમાંનો ઓછો ભેજ અનુકૂળ આવે છે તેથી શક્ય હોય ત્યાં જમીનમાં પુરતો ભેજ જાળવી રાખવા પ્રયત્ન કરવામાં આવે છે. તે માટે જુવારના પાકમાં આંતરખેડ કરી જમીનમાં ભેજ ટકાવી રાખવા પ્રયત્ન કરવામાં આવે છે. તેનાથી ઉલ્ટ મગફળીના પાકમાં વધારે પડતી આંતરખેડ થડનો સડો/કહોવારા રોગને સાનુકૂળ વાતાવરણ પુરૂ પાડે છે. તેથી મગફળીમાં વધારે પડતી આંતરખેડ કરવી હિતાવહ નથી. પોચી જમીનમાં આ રોગ વધુ પ્રસરે છે. તેથી શક્ય હોય ત્યાં જમીન થોડી કઠણ રાખવાથી રોગની તીવ્રતા ઓછી જોવા મળે છે.

આમ જે તે વિસ્તારમાં ખેતીપાકોમાં રોગજીવાતની પરિસ્થિતિ અને ખેડૂતોના લાંબાગાળાના અનુભવને ધ્યાનમાં રાખી વિવેક બુદ્ધિથી ખેડકાર્યો કરવામાં આવે તે વહુ હિતાવહ છે.

સ્ત્રોત: જૂન-ર૦૧૮,વર્ષ :૭૧,અંક :ર,સળંગ અંક: ૮૪ર,કૃષિગોવિધા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate