অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જીવાત નિયંત્રણ વ્યવસ્થામાં ફેરોમેન ટ્રેપનો ઉપયોગ

જીવાત નિયંત્રણ વ્યવસ્થામાં ફેરોમેન ટ્રેપનો ઉપયોગ

ખેતીપાકોમાં નુક્સાન કરતી જીવાતોના નિયંત્રણ માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આવી નુકસાનકારક જીવાતોનું નિયંત્રણ ઝડપથી થાય તે હેતુથી ખેડૂતો મોટે ભાગે કીટનાશકોનો આશરો લેતા હોય છે. કીટનાશકોના આડેધડ ઉપયોગ થવાથી લાંબા ગાળે જીવાતમાં જે તે કીટનાશકો સામે પ્રતિકારક વિકાસ થવો, પાકમાં ઝેરી રસાયણોના અવશેષ રહેવા ગૌણ જીવાતનું મુખ્ય જીવાતમાં પરિણમવું, કીટકના કુદરતી દુશ્મનો (પરજીવી અને પરભક્ષી)નો નાશ થવો અને હવા, પાણી તથા જમીનના પ્રદૂષણમાં વધારો થવો વગેરે પ્રશ્નો ઉદ્દભવે છે. આ બધી પરિસ્થિતિના નિવારણ માટે સંકલિત જીવાત નિયંત્રણનો અભિગમ અસ્તિત્વમાં આવેલ છે. આ નૂતન અભિગમ પ્રમાણે જીવાત નિયંત્રણ માટે ફક્ત કીટનાશકો ઉપર જ આધાર ન રાખતા જીવાત નિયંત્રણ માટે વિકસાવેલ વિવિધ પદ્ધતિઓનું સંકલન કરી, જીવાતની વસ્તીને તેની આર્થિક ક્ષમ્યમાત્રા કરતાં નીચે રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

 

સંકલિત જીવાત નિયંત્રણ, વ્યવસ્થામાં ફેરોમેન ટ્રેપનો ઉપયોગ એક મહત્ત્વનું અંગ બની ગયું છે. તેથી દરેક ખેડૂતોએ ફેરોમેન ટ્રેપ, તેનો ઉપયોગ અને ઉપયોગમાં શુ કાળજી રાખવી વગેરે બાબતોની જાણકારી મેળવવી જરૂરી છે.

કુદરતમાં માદા કીટક પોતાના શરીરમાંથી અમૂક ખાસ પ્રકારનું જાતીય અંતઃસ્ત્રાવ હવામાં છોડે છે જે ચોક્કસ પ્રકારની વાસ ધરાવે છે. જેને લઈને તે જ જાતિના નર કીટક વિજાતીય ગુણને લીધે માદા તરફ આકર્ષાય છે. આવા જાતિય અંતઃસ્ત્રાવને સેક્સ ફેરોમેન કહે છે. વૈજ્ઞાનિકોએ આવા જાતીય અંતઃસ્ત્રાવનું રાસાયણિક બંધારણ શોધી કાઢી પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે તેના જેવું જ રસાયણ તૈયાર કર્યું. તેને સિન્ટેટિક સેક્સ ફેરોમેન એવું નામ આપ્યું. આવા કૃત્રિમ જાતીય અંતઃસ્ત્રાવને અમૂક ખાસ પ્રકારના રબ્બર સાથે ભેળવી તૈયાર કરવામાં આવતી રચનાને ભુર સેગ્ર કેસુલ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે એક ભુર | સેટા કેમ્યુલ દીઠ ૨ થી ૨.૫ મિ.ગ્રા. જેટલું ફેરોમેન વાપરવામાં આવે છે. આવા ભુર, સેપ્ટાકિસ્યુલને ખાસ પ્રકારના પિંજરમાં ગોઠવવામાં આવે છે. આમ જાતિય અંતઃસ્ત્રાવ ધરાવતી રચના (લ્યુર/સેપ્તા/કેપસ્યુલ) અને પિંજરને સંયુક્ત રીતે સેક્સ ફેરોમેન ટ્રેપ તરીકે ઓળખવામાં આવે છે.

ફેરોમેન ટ્રેપમાં ગોઠવેલ લ્યુર/સેપ્તા/કેપસ્યુલ માંથી નીકળતી ગંધ માદા કીટકના શરીરમાંથી નીળકતી કુદરતી ગંધ જેવી જ હોય છે. તેથી તે જ જાતિના નર કીટક અચૂક અંતરેથી ફેરોમેન ટ્રેપ તરફ સમાગમના હેતુથી આકર્ષાય છે અને ટ્રેપમાં ગોઠવાયેલા લ્યુર/સેપ્તા/કેપસ્યુલ ની આસપાસ ઘૂમ્યા બાદ થાકીને ટ્રેપમાં સપડાય જાય છે. હાલમાં વિવિધ પ્રકારના ફેરોમેન ટેપ અલગ અલગ જાતિની જીવાતો માટે ઉપલબ્ધ થયેલ છે. જે બજારમાં કપાસની લીલી ઈયળ, કાબરી ઈયળ, ગુલાબી ઈયળ, પાન ખાનારી ઈયળ, ડાંગરની ગાભમારાની ઈયળ, કોબીજ અને ફલાવરના હીરાકુંદા અને રીંગણની ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળો માટેના ફેરોમોન ટ્રેપ મળે છે. આ જીવાતો માટે મળતી લ્યુર/સેપ્તા/કેપસ્યુલ ટ્રેપમાં યોગ્ય જગ્યાએ ગોઠવવામાં આવે છે. વિવિધ પ્રકારના ફેરોમેન ટ્રેપ પૈકી પોલીથીન સ્લીવ ટ્રેપ ખેડૂતોમાં ખૂબ જ પ્રચલિત છે.

પોલીથીન સ્લીવ ફેરોમેન ટ્રેપની રચના અને તેનું કાર્ય:

પોલીથીન સ્લીવ ટ્રેપ પ્લાસ્ટિકમાંથી બનાવેલા હોય છે જેમાંથી સૌથી ઉપરની બાજુ રકાબી આકારની ગોળ પ્લેટ (કે જેના વ્યાસ આશરે ૬ થી ૭.૫ ઈંચ) હોય છે. તે પણ પ્લાસ્ટિકમાંથી બનેલી હોય છે જેની મધ્યમાં નીચેની બાજુએ એક આંકડી અથવા ખાંચો હોય છે, કે જેના પર લ્યુર/સેપ્તા/કેપસ્યુલ ભરાવી શકાય. પ્લાસ્ટિકની ગોળ પ્લેટની નીચેની બાજુએ પહોળા મોં વાળી પ્લાસ્ટિકની ગળણી આકારની રચના જોડેલી હોય છે. સામાન્ય રીતે પ્લાસ્ટિકની ગોળ પ્લેટ અને ગળણી વચ્ચે એકાદ-દોઢ ઈંચ જગ્યા રાખવામાં આવે છે જેથી નર ફંદા સહેલાઈથી ભુર સાકિસ્યુલ તરફ પહોંચી શકે. પ્લાસ્ટિકની ગળણી આકારની રચનામાં ઉપરનો ભાગ ખુલ્લો હોય છે જેનો અંદરનો વ્યાસ સામાન્ય રીતે ૯ થી ૧૨ સે.મી. જેટલો હોય છે. ગળણીનો નીચેનો ભાગ સાંકડો હોય છે જેનો અંદરનો વ્યાસ આશરે ૨.૫ થી ૩ સે.મી. જેટલો હોય છે. ગળણીની બાજુમાં હેન્ડલ જેવી રચના આવેલી હોય છે જે ટ્રેપને લાકડી સાથે બાંધવામાં મદદરૂપ નીવડે છે. ગળણીના નીચેના છેડે લાંબી (ર થી ૨.૫ ફૂટ) પ્લાસ્ટિકની કોથળી (૧૪ થી ૧૮ સે.મી. પહોળી) જોડેલી હોય છે. તેનો નીચેનો છેડો ખુલ્લો હોય છે જે ટાંકણી પિનથી બંધ કરી શકાય છે. આ પ્રમાણે તૈયાર કરેલા આખા સેટને યોગ્ય જગ્યાએ લાકડી કે વાંસ પર ગોઠવવામાં આવે છે. આવા ટ્રેપ તરફ આકર્ષતા નર ફંદા પ્લાસ્ટિકની કોથળીમાં એકત્ર થાય છે. એક વખત આ ફંદા કોથળીમાં સપડાઈ ગયા બાદ નીકળી શકતા નથી. આવા ભેગા થયેલ નર ફૂંદાને દરરોજ સવારે કોથળીમાંથી બહાર કાઢી તેનો યોગ્ય રીતે નાશ કરવો.

જીવાત નિયંત્રણ વ્યવસ્થામાં ફેરોમેનનો ઉપયોગ :

જીવાતના સર્વેક્ષણમાં (મોનિટરિંગ) :

ફેરોમેન ટેપને ખેતરમાં પ્રતિ હેકટર ૪ થી ૫ ની સંખ્યામાં ગોઠવી જીવાતની વસ્તીની મોજણી કરી શકાય છે. વર્ષ દરમ્યાન જે તે જીવાતની ગતિવિધિ જાણી શકાય છે. ભવિષ્યમાં જીવાત વધશે કે નહીં તેનું પૂર્વાનુમાન કરી શકાય છે. ફેરોમેન ટ્રેપમાં પકડાયેલ ફૂદાના આધારે તેની ક્ષમ્યમાત્રા પણ નક્કી કરી શકાય અને તે મુજબ તેના નિયંત્રણ માટે યોગ્ય પગલાં સૂચવી શકાય. આ આંક વટાવે કે તરત જ યોગ્ય ભલામણ મુજબની કીટનાશક દવાના છંટકાવની સલાહ આપવામાં આવે છે.

જીવાતના સામૂહિક નાશ (માસ ટ્રેપિંગ):

અમૂક વિસ્તારમાં જયારે કોઈ જીવાતની વસ્તી વધી ગઈ હોય ત્યારે જે તે જીવાતના ઉપલબ્ધ ફેરોમેન ટ્રેપ વધારે સંખ્યામાં ગોઠવી, નર ફૂદાઓ આકર્ષિ તેને મારી નાખવામાં આવે છે. આમ જે તે વિસ્તારમાં મોટી સંખ્યામાં નર ફૂદીઓની સંખ્યામાં ઘટાડો થતાં માદા ફૂદીઓ નરના સમાગમ વિના ઈંડા મૂકે છે. આવા ફલિનીકરણ સિવાયના ઈંડા સેવાતાં નથી પરિણામે જે તે જીવાતની વસ્તીમાં ધીરે ધીરે ઘટાડો થવા પામે છે.

જીવાતની સંવનન ક્રિયામાં વિક્ષેપ પાડીને (મેટિંગ ડીસરશન):

કુદરતમાં માદા કીટકે છોડેલ ખાસ પ્રકારની ગંધ તરફ નર કીટક આકર્ષાય છે અને સમાગમ કરી તેની વસ્તી વધારતા હોવાનું જણાય છે. પરંતુ તેની જગ્યાએ ખેતરમાં ઊભા પાકમાં કૃત્રિમ જાતિય અંતઃસ્ત્રાવનો વધારે માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો નર કીટક માદા કીટકને શોધી શકતા નથી અને ગૂંચવાય છે. જેને લીધે નર કીટક માદાની શોધખોળમાં આમથી તેમ ભટકયા કરે છે અને છેવટે થાકીને મરણને શરણ થાય છે. આમ થતાં માદા કીટકમાં પ્રજનનનું પ્રમાણ ઘટે છે.

કેટલીક વખત ખેડૂત લ્યુર/સેપ્તા/કેપસ્યુલ વગર પ્લાસ્ટિકની રચનાવાળુ ટ્રેપ ખેતરમાં ગોઠવતા હોવાનું જાણવા મળેલ છે અને આવા ટ્રેપમાં ફૂદીઓ આવતી ન હોવાની ફરિયાદ કરતા હોય છે. કોઈપણ ટ્રેપમાં જો લ્યુર/સેપ્તા/કેપસ્યુલ મૂકવામાં ન આવે ત્યાં સુધી તેમાં ફૂદા આકર્ષાતા નથી. બજારમાં આવા ટ્રેપ (પિંજર) અને લ્યુર/સેપ્તા/કેપસ્યુલ મળે છે. ભુરસપ્ટા કેમ્યુલનો સંગ્રહ હંમેશા ઠંડકવાળી જગ્યાએ જ કરવો જોઈએ. આવી લ્યુર/સેપ્તા/કેપસ્યુલ ૧ થી ૧૨ ના સમૂહમાં પ્લાસ્ટિકના પેકિંગમાં મળતી હોય છે. એક વખત આવું પેકિંગ ખોલ્યા બાદ તેનો જલ્દીથી ઉપયોગ કરી નાખવો હિતાવહ છે.

એક્લ-દોકલ ખેડૂત જો ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરે તો તેના જોઈએ તેવા પરિણામો હાંસલ થઈ શકતા નથી. તેને બદલે જે તે વિસ્તારમાં ખેડૂતો જો સામૂહિક રીતે તેનો ઉપયોગ કરે તો ચોક્કસ પણે સારા પરિણામો મેળવી શકાય છે. વળી ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરવાથી તાત્કાલિક તેના પરિણામો જોવા મળતા નથી પરંતુ લાંબા ગાળે જીવાતની વસ્તી ક્રમશઃ ઘટતી જોવા મળે છે.

ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો:

  1. જે તે કીટક માટે વિકસાવેલ ફેરોમેન ટ્રેપ ફકત તે જ જાતિના કીટકને આકર્ષે છે. દા.ત. લીલી ઈયળ માટેનું ફેરોમેન વાપર્યું હોય તો તેમાં લીલી ઈયળના નર ફૂદા જ આકર્ષાય છે. તેમાં અન્ય કીટકના ફંદા આકર્ષતા નથી.
  2. કદી પણ એક જ ટ્રેપમાં બે જુદી જુદી જીવાતોની ભુર વાપરવી નહિ. તે માટે અલગ અલગ ટ્રેપનો ઉપયોગ કરવો.
  3. ફેરોમેન ટ્રેપ ખેતરમાં એવી રીતે ગોઠવવું કે જે લ્યુર પાકની ઊંચાઈથી અડધાથી એકાદ ફીટ ઊંચાઈએ રહે. પાકની ઊંચાઈ વધતાં ક્રમે ક્રમે ટ્રેપની ઊંચાઈ વધારવી.
  4. પાકમાં બે ટ્રેપ વચ્ચે ઓછામાં ઓછું ૧૦ મીટર જેટલું અંતર રાખવું.
  5. સામાન્ય રીતે પાકની વાવણી બાદ થોડા દિવસ પછીથી ફેરોમેન ટ્રેપ ગોઠવવા જોઈએ અને પાકની કાપણી સુધી રાખવાથી સારી અસરકારકતા મળે છે.
  6. ખેતરમાં એક વખત ટ્રેપ ગોઠવ્યા બાદ વારંવાર તેની જગ્યા બદલવી નહિ.
  7. ટ્રેપ પર કોઈ ઝેરી જંતુનાશકનો છંટકાવ ન થાય તેની ખાસ કાળજી રાખવી.
  8. ટ્રેપ સાથે ફીટ કરેલ ફેરોમેન ટ્રેપની લ્યુર/સેપ્તા/કેપસ્યુલ ની અસર સામાન્ય રીતે ૧૫ થી ૨૦ દિવસ રહેતી હોવાથી તેને યોગ્ય સમયાંતરે લ્યુર/સેપ્તા/કેપસ્યુલ ને બદલવી.

સ્ત્રોત:ડિસેમ્બર-ર૦૧૭,વર્ષ :૭૦ અંક :૮,સળંગ અંક: ૮૩૬,કૃષિગોવિધા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate