অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શિયાળુ પાકોમાં નિંદણ નિયંત્રણ (Weed Control)

શિયાળુ પાકોમાં નિંદણ નિયંત્રણ (Weed Control)

શિયાળુ પાકો જેવા કે ઘઉં, ચણા, રાઇ, જીરૂ, લસણ, ડુંગળી, ઇસબગુલ, ચિકોરી અને બટાટાના પાકમાં નિંદણ નિયંત્રણ (weed control) માટે કેવા પ્રકારની પદ્ધતિ ઉતમ તેમજ અસરકારક અને અર્થક્ષમ પુરવાર થશે તેના આધાર ખાસ કરીને સ્થાનિક પરિસ્થિતિ જેવી કે જમીનનો પ્રકાર, પાકની વાવણી પ્રથા, મજૂરોની લભ્યતા અને મજૂરીનો દર વગેરે બાબતો પર રહેલો છે. આથ શિયાળુ ઋતુના કોઇપણ પાકમાં સ્થાનિક પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને નીચે મુજબ નિંદણ નિયંત્રણ વ્યવસ્થા અપનાવવાની ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે.

ઘઉં

ઘઉંના પાકમાં મોટે ભાગે હાથથી નિંદામણ દૂર કરવાની પદ્ધતિ ઉત્તમ અને ફાયદાકારક માલુમ પડેલ છે. જેથી જયાં મજૂરોની છત હોય ત્યાં હાથથી નિંદામણ કરીને ઘઉંના પાકને ૩૦ થી ૪૫ દિવસ સુધી મુકત રાખવો, પરંતુ જો મજૂરોની અછત હોય તો રાસાયણિક નિંદામણ નિયંત્રણ માટે પેન્ડીમેથાલીન (૩.૩૩ લીટરર) નામની દવા હેકટરે ૧.૦ કિ.ગ્રા સક્રિય તત્વ પ્રમાણે ૬૦૦ લીટર પાણીમાં ઓગાળી વાવણી પછી કોરવાણનું પિયત આપ્યા પછી ઘઉં અને નિંદામણ ઉગ્યા પહેલા એટલે કે ર૪ કલાકમાં છાંટવાથી પહોળા પાન અને ઘાસ વર્ગના નિંદણોનું નિયંત્રણ મેળવી શકાય છે.

જો આ દવા ન છાંટી શકયા હોય તો વાવેતર બાદ ૩૦ થી ૩પ દિવસે ર, ૪ -ડી સોડીયમ સોલ્ટ (૧.ર કિ.ગ્રા.) નામની દવા હેકટરે ૦.૯૬૦ કિ.ગ્રા. સક્રિય તત્વ મુજબ ૧૦૦૦ લીટર પાણીમાં અથવા ર, ૪-ડી એસ્ટેર ફોર્મ (૧.૬૦ લીટર) પ્રતિ હેકટરે ૦.૪૦૦ કિ.ગ્રા. સક્રિય તત્વ મુજબ ૬૦૦ લીટર પાણીમાં ઓગાળીને વાવેતર બાદ ૩૦-૩૫ દિવસે છાંટવાથી પહોળા પાનવાળા નિંદણોનું નિયંત્રણ કરી શકાય છે.

ચણા

ચણાના પાકમાં અસરકારક નિંદણ નિયંત્રણ માટે ખેડુતોને પાકમાં વાવેતર બાદ ૩૦ થી ૩પ દિવસે એક વખત હાથ વડે નિંદામણ અને આંતર ખેડ કરવાની સલાહ છે. પરંતુ મજૂરોની ખેંચ હોય તેવા સંજોગોમાં રાસાયણિક નિંદામણ નિયંત્રણ માટે ફલુકલોરાલીન (ર.૦ લીટર) અથવા પેન્ડીમેથાલીન (૩.૦ લીટર) નામની દવા હેકટરે (૦.૯૦૦ કિ.ગ્રા.) સક્રિય તત્વ મુજબ પ૦૦ લીટર પાણીમાં ઓગાળીને વાવણી પછી તુરત જ બીજ ઉગે તે પહેલા પ્રિ. ઇમરજન્સ તરીકે છંટકાવ કરવાથી પણ નિંદણોને કાબુ લઇ શકાય છે.

રાઇ

રાઇના પાકમાં અસરકારક નિંદણ નિયંત્રણ માટે પાકની વાવણી બાદ ૩૦ દિવસે એકવાર આાંતર ખેડ અને હાથ વડે નિંદામણ કરવાથી મોટા ભાગના નિંદણોનું નિયંત્રણ થઇ શકે છે અને ઉત્પાદન સારૂં મળે છે. પરંતુ જો મજૂરીના દર ખૂબ જ ઉંચા હોય અને મજૂરોની અછત હોય ત્યાં રાસાયણિક નિંદામણ નિયંત્રણ માટે ફલુકલોરાલીન (ર.૦ લીટર) હેકટર દીઠ (૦.૯૦૦ કિ.ગ્રા.) સક્રિય તત્વ મુજબ પ૦૦ લીટર પાણીમાં બાસાલીન નામની દવા ૪૦ મી.લી.) ઓગાળીને રાઇના બીજ ઉગે તે પહેલા જમીન પર સરખી રીતે છાંટવાથી નિંદણ નિયંત્રણ કરી શકાય છે.

જીરૂ

જીરૂના પાકમાં વૃદ્ધિ દર ઓછો હોવાથી નિંદણ સામે હરીફાઇમાં ટકી શકતો નથી. જેથી નિંદણને કારણે કેટલીકવાર પાક નિષ્ફળ જાય છે. આથી જીરૂના પાકને ૪૫ દિવસ સુધી નિંદણ મુકત રાખવો ખાસ જરૂરી છે. જેના માટે જયાં ખેત મજૂરો સહેલાઇથી સસ્તા દરે મળતા હોય ત્યાં વાવણી બાદ રૂપ અને ૪૦ દિવસ એમ વખત હાથ વડે નિંદામણ કરવું. પરંતુ જયાં મજૂરોની અછત હોય ત્યાં રાસાયણિક નિંદામણ નિયંત્રણ માટે પેન્ડીમેથાલીન (૩.૩૩ લીટર) પ્રતિ હેકટરે ૧.૦ કિ.ગ્રા. સક્રિય તત્વ મુજબ અથવા ફલુકલોરાલીન (ર.૦ લીટર) ૦.૯૦૦ કિ.ગ્રા. સક્રિય તત્વ અથવા તો ઓકસીડાયાઝોન (૪.૦ લીટર) ૧.૦ કિ.ગ્રા. સક્રિય તત્વ મુજબ પ૦૦ લીટર પાણીમાં ઓગાળીને વાવણી બાદ તરત જ બીજ ઉગે તે પહેલાં એટલે કે પ્રિ. ઈમરજન્સ તરીકે છટકાવ કરવાથી અસરકારક નિંદણ નિયંત્રણ થઇ શકે છે.

લસણ

લસણ છીછરા મૂળવાળો પાક હોવાથી તેમજ ટુંકાગાળે વાવણી કરતા હોવાથી તેને શરૂઆતના બે માસ દરમ્યાન નિંદણથી મુકત રાખવો ખૂબ જ જરૂરી છે. આથી જયાં મજૂરી સહેલાઇથી અને સસ્તા દરે મળતી હોય ત્યાં વાવણી બાદ ર૦ અને ૪૦ દિવસે એમ બે વાર હાથથી નિંદામણ કરવાથી અસરકાર નિંદામણ નિયંત્રણ થઇ શકે છે, પરંતુ જો મજુરીના દર ઉંચા હોય અને નિંદણો વધારે પ્રમાણમાં થતાં હોય ત્યાં સંકલિત નિંદામણ નિયંત્રણ માટે ઓકસીડાયાઝોન (ર.૦ લીટર) નામની દવા હેકટરે ૦.પ૦૦ કિ.ગ્રા. સક્રિય તત્વ પ્રમાણે અથવા ઓકસીફતુઓરોફેન (૧.૦ લીટર) દવા હેકટરે ૦.૨૪૦ કિ.ગ્રા. સક્રિય તત્વ પ્રમાણે પ૦૦ લીટર પાણીમાં ઓગાળીને પાકની વાવણી બાદ બીજે દિવસે એટલે કે પ્રિ. ઈમરજન્સી તરીકે છટકાવ કરવાની સાથે વાવણી બાદ ૪૦ દિવસે એકવાર હાથથી નિંદામણ કરવાથી નિંદણોનું અર્થક્ષમ નિયંત્રણ થાય છે.

ડુંગળી

ડુંગળીનું વાવેતર એકદમ ટુંકા અંતરે થતું હોવાથી તેમાં સાંતીથી આાંતરખેડ કરવી શકય નથી. જેથી ડુંગળીના પાકને શરૂઆતના બે થી અઢી માસ દરમ્યાન નિંદણથી મુકત ન રાખવો ખૂબ જ જરૂરી છે. જો આ સમયગાળા દરમ્યાન ડુંગળીના પાકને નિંદામણ મુકત ન રાખવામાં આવે તો ડુંગળીના ઉત્પાદનમાં પ૦ થી ૮૫ ટકા જેટલો ઘટાડો જોવા મળે છે. આથી જયાં સસ્તાં અને પુરતા મજૂરો સમયસર મળી શકતા હોય ત્યાં રાસાયણિક દવાઓ વાપરવાને બદલે ફેર રોપણી પછી ર૦ અને ૪૦ દિવસે એક બે વાર હાથથી નિંદામણ કરવું. પરંતુ ફકત હાથ વડે નિંદામણ કરવું શકય ન હોય ત્યાં સંકલિત નિંદામણ નિયંત્રણ માટે ફલુકલોરાલીન (ર.૦ લીટર) અથવા પેન્ડીમેથાલીન (૩.૦ લીટર) નામની દવા હેકટર દીટ 0.900  કિ.ગ્રા. સક્રિય તત્વ પ્રમાણે અથવા તો ઓકસીડાયાઝોન (૩.૦ લીટર) દવા હેકટરે ૦.૭પ૦ કિ.ગ્રા. સક્રિય તત્વ પ્રમાણે પ૦૦ લીટર પાણીમાં ઓગાળીને ડુંગળીની ફેર રોપણી કરતા પહેલા છંટકાવ કરવો, ત્યારબાદ ૪૦ દિવસે હાથથી એકવાર નિંદામણ કરવું.

ઇસબગુલ

ઇસબગુલ પાકમાં અસરકારક નિંદણ નિયંત્રણ માટે પાકની વાવણી બાદ ૩૦ દિવસે એકવાર હાથ નિંદામણ કરવું. પરંતુ હાથ થી નિંદામણ મુશ્કેલ હોય કે મજૂરો મળવા મુશ્કેલ હોય તેવા સંજોગોમાં પાકની વાવણી અગાઉ પ દિવસે આઇસોપ્રોટયુરોન (૧.૦ કિ.ગ્રા.) દવા હેકટર દીટ 0.900  કિ.ગ્રા. સક્રિય તત્વ પ્રમાણે પ૦૦ લીટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવાથી નિંદણોનું અર્થક્ષમ નિયંત્રણ થાય છે.

ચિકોરી

ચિકોરી પાકમાં અસરકારક અને વધુ નફાકારક નિંદણ નિયંત્રણ માટે ફલુકલોરાલીન (૧.૦ લીટર) અથવા ટ્રાયફલ્યુરાલીન (૧.૦ લીટર) નામની દવા હેકટર દીટ 0.૫00  કિ.ગ્રા. સક્રિય તત્વ પ્રમાણે  પ૦૦ લીટર પાણીમાં ઓગાળીને વાવણી અગાઉ છુંટકાવ કરવાની અને ત્યાર બાદ ૪૫ દિવસે એક વખત હાથ વડે નિંદામણ કરવાની ભલામણ છે.

બટાટા

બટાટામાં અસરકારક નિંદણ નિયંત્રણ માટે વાવણી પછી ૩૦ દિવસે એકવાર હાથથી નિંદામણ કરવું. જો હાથથી નિંદામણ કરવું ન હોય તો રોપણી પછી તુરત જ ફલુકલોરાલીન (ર.૦ લીટર) હેકટરે  0.900  કિ.ગ્રા. સક્રિય તત્વ મુજબ અથવા મેટ્રીબ્યુઝીન (૧.પ કિ.ગ્રા.) હેકટર દીઠ સક્રિય તત્વ પ્રમાણે પ૦૦ લીટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવાથી નિંદણોનું અર્થક્ષમ નિયંત્રણ થાય છે.

સ્ત્રોત: સફળ કિસાન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/25/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate