অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નીંદણ નિયંત્રણના ઉપાયો

અવરોધક ઉપાયો:

  • નીંદણ નિયંત્રણની આ પદ્ધતિમાં નીંદણના બીજ યા પ્રસર્જન માટે વાનસ્પતિક ભાગો ઉપદ્રવિત વિસ્તારમાંથી નીંદણમુકત વિસ્તારમાં ન ફેલાય તેવા ઉપાયો કરવામાં આવે છે જે ઓછા ખર્ચાળ અને સરળતાથી અપનાવી શકાય છે.
  • નીંદણના બીજથી મુકત શુદ્ધ બીજનો વાવણી માટે ઉપયોગ કરવો.
  • સારા કોહવાયેલા સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો. પશુઓએ ખોરાકમાં લીધેલ નીંદણના બીજ સ્કૂરણશકિત ગુમાવ્યા સિવાય છાણમાં બહાર આવે છે. જો તેને બરાબર કોહડાવવામાં ન આવે તો તે બીજની સ્કૂરણ શકિત નાશ થયા સિવાય ખેતરમાં દાખલ થાય છે. આથી સારા કોહવાયેલા સેન્દ્રિય ખાતરનો ઉપયોગ ખાતર તરીકે કરવો.
  • જાનવરોને પાકટ નીંદણના છોડ, ખોરાકમાં નીંદણના બીજ સ્કૂરણ શકિતનો નાશ કર્યા પછી જ ખવડાવવાં. દા.ત. સાઈલેજ કરવાથી નદણની સ્કૂરણ શકિત નાશ પામે છે. જાનવરોને નીંદણગ્રસ્ત વિસ્તારમાંથી નીંદણમુકત વિસ્તારમાં જતાં અટકાવવા. દા.ત. ગાડરનું જાનવરો દ્વારા પ્રસરણ
  • જે સ્થળ ઉપર નીંદણનો ઉપદ્રવ થયેલો હોય તે સ્થળની માટીનો ઉપયોગ નીંદણમુકત ખેતરમાં ન કરવો.
  • પાણીની નીકો અને ઢાળિયા નીંદણમુકત રાખવા.
  • ખેતઓજારોનો નીંદણગ્રસ્ત વિસ્તારમાં કામ કર્યા પછી સાફ કરી ઉપયોગ કરવો.
  • ખેતરમાં ખળાની જગ્યા તેમજ આજુબાજુની જગ્યા નીંદણમુકત રાખવી.
  • ધરૂ કે છોડના અન્ય ભાગોની રોપણી પહેલા ચકાસણી કરી નીંદણમુકત કર્યા બાદ ફેરરોપણી કે રોપણી કરવી.
  • ખેતરોના ખૂણાઓ, વાડની આજુબાજુ તેમજ અન્ય બિનપાક વિસ્તાર નીંદણમુકત રાખવા.

પ્રતિરોધક ઉપાયો:

નીંદણના બીજનો ખેતરમાં પ્રવેશ થઈ જાય અથવા તેનો ઉગાવો થયા બાદ વિવિધ પદ્ધતિથી નીંદણ નિયંત્રણના પગલા લેવામાં આવે તેને પ્રતિરોધક ઉપાયો કહેવાય છે. આ પદ્ધતિમાં નીંદણ નિયંત્રણને અસર કરતા પરિબળો જાણવા ખાસ જરૂરી છે જેથી ચોક્કસ નીંદણ માટે અમુક પરિસ્થિતિમાં કયા ઉપાયો વધુ અસરકારક થશે તે જાણી શકાય અને સહેલાઈથી નીંદણ નિયંત્રણ કરી શકાય.

  1. ભૌતિક પદ્ધતિ
  2. યોગ્ય પાક પદ્ધતિ
  3. જૈવિક પદ્ધતિ
  4. રાસાયણિક પદ્ધતિ
  5. લેસર કિરણની રીત
  6. કાયદાથી નિયંત્રણ
  7. સોઈલ સોલરાઈઝેશન
  8. સંકલિત નીંદણ નિયંત્રણ

ભૌતિક પદ્ધતિ :

આ રીતમાં નીંદણ નિયંત્રણ જુદી જુદી ભૌતિક પદ્ધતિઓથી કરવામાં આવે છે.

  • નીંદણના છોડ ઉપર ફૂલ કે બીજ આવે તે પહેલાં હાથથી અથવા ખુપીથી દૂર કરવા અથવા નીંદણને કાપીને પણ દૂર કરવામાં આવે છે.
  • ઉભા પાકમાં વખતો વખત આંતરખેડ કરી નીંદણનો નાશ કરવો.
  • ઉંડા મૂળવાળા નીંદણ માટે ઉનાળામાં ઉંડી ખેડ કરવી.
  • કયારી જમીનમાં પાણી ભરી નદણનો નાશ કરવો.
  • પડતર જમીનમાં કચરું પાથરી સળગાવી નદણનો નાશ કરવો.

યોગ્ય પાક પધ્ધતિ :

ખેડાણ જમીનમાં યોગ્ય પાક પદ્ધતિ નીંદણ નિયંત્રણમાં ઘણી જ અસરકાર માલુમ પડેલ છે. યોગ્ય પાક પદ્ધતિથી નીંદણની સંખ્યા ઘટે અને સાથે સાથે નીંદણ નબળાં પડે જેથી અન્ય રીતો કરતા સહેલાઈથી નીંદણ નિયંત્રિત કરી શકાય.

 

અન્ય રીતો કરતાં આ પદ્ધતિ ઓછી ખર્ચાળ છે અને અસરકારક પરિણામો મેળવી શકાય છે.

  • પાકની યોગ્ય ફેરબદલી કરવી.
  • મુખ્ય પાકને તેની લાઈનથી ૧૦ થી ૨૦ સે.મી.ના અંતરે ઓરીને ખાતરો આપવા.
  • જમીન ઢાંકી દે તેવા તેમજ જલદી વૃદ્ધિ પામતા પાકો પસંદ કરવા.
  • હેકટરે યોગ્ય પ્રમાણમાં છોડની સંખ્યા જાળવવી.
  • યોગ્ય રીતે તથા યોગ્ય સમયે પાકની વાવણી કરવી.
  • મિશ્રપાક પદ્ધતિ અપનાવવી તથા હરિફાઈ કરે તેવા પાકો કે લીલો પડવાશ કરવો.
  • ટ્રેપ ક્રિોપિંગ (કપાસ, ચોળી, સોયાબીન, સુર્યમૂખી-આગિયા માટે) પદ્ધતિ અપનાવવી.
  • પિયત માટે યોગ્ય અને ઓછા પાણીનો ઉપયોગ થાય તેવી પદ્ધતિ અપનાવી દા.ત. ટપક પિયત પદ્ધતિ
  • પાકમાં આવતા રોગ જીવાતનું સમયસર યોગ્ય પદ્ધતિથી નિયંત્રણ કરવું.
  • પાક જુસ્સાદાર અને હરિફાઈ ક્ષમ થાય તે માટે જરૂરી પગલા લેવા.

જૈવિક પદ્ધતિ :

આ રીતમાં નીંદણ માટે જીવંત આડતિયા (બાયો-એજન્ટ)નો ઉપયોગ કરવામાં આવે છે. અત્યાર સુધી કીટકો, ફૂગ, ઈતરડી, ગોકળગાય અને માછલીનો ઉપયોગ નદણ અટકાવવા અભ્યાસ કરવામાં આવેલ છે. આ આડતિયાઓની પસંદગી ઘણીજ અગત્યની છે કારણકે તે મુખ્ય પાકને બીલકુલ નુકશાનકર્તા ન હોવા જોઈએ અને તેઓ પોતાનું જીવન નીંદણ ઉપર જ પસાર કરતા હોવા જોઈએ. અત્યારે જૈવિક નીંદણ નાશકો જેને કુદરતી નીંદણ નાશકો પણ કહે છે. તેનો વપરાશ વિકસિત દેશોમાં વધુ પ્રચલિત થતો જાય છે.

રાસાયણિક પદ્ધતિઃ

આ પદ્ધતિમાં નીંદણનિયંત્રણ રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે જેને નીંદણનાશક કહેવામાં આવે છે. નીંદણનાશક દવાના વપરાશ માટે નીંદણનાશક કયારે વાપરી શકાય તથા કયા પાકમાં કયા સમયે કેટલા પ્રમાણમાં વાપરવી તે જાણકારી જરૂરી છે.

લેસર કિરણોની રીત:

આ નવી પદ્ધતિનો ઉપયોગ યુ.એસ.એ.માં જળકુંભીના નાશ માટે કરવામાં આવે છે. જેમાં લેસર કિરણો દ્વારા બંધિયાર પાણીવાળી જગ્યાએ જળકુંભીનો નાશ કરવામાં આવે છે.

કાયદાથી નિયંત્રણ:

આ માટે એક વિસ્તારમાંથી બીજા વિસ્તાર તેમજ એક દેશમાંથી બીજા દેશમાં જયારે અનાજની કે અન્ય વસ્તુની હેરફેર કરવામાં આવે ત્યારે તેની ચકાસણી કરી પ્રમાણપત્ર આપવામાં આવે પછીજ હેરફેર કરવી. કર્ણાટક રાજયમાં ગાજરઘાસનું પ્રમાણ બિનપાક તથા રહેઠાણ વિસ્તારમાં વધી જતાં કાયદો દાખલ કરેલ છે અને કાયદા દ્વારા ગાજરઘાસને અટકાવવા પગલાં લેવાની ફરજ પડી છે.

સોઈલ સોલરાઈઝેશનઃ

સોઈલ સોલરાઈઝેશન પદ્ધતિ દ્વારા વાતાવરણ, પાક, પાણી તથા જમીનને પ્રદુષિત થયા સિવાય નીંદણનિયંત્રણ કરી શકાય છે. ઉનાળામાં ખૂબ ગરમી હોય ત્યારે એપ્રિલ-મે માસ દરમ્યાન જમીન પિયત આપી વરાપ થયે પારદર્શક ૨૫ માઈક્રોન (૧૦૦ ગેજ) એલ.ડી.પી.ઈ. પારદર્શક પ્લાસ્ટિક ૧૫ દિવસ સુધી જમીન ઉપર હવાચુસ્ત રીતે ઢાંકી રાખવાથી જમીનનું તાપમાન સામાન્ય રીતે ૪૫-૪૬૦ સે. હોય છે જે સોઈલ સોલરાઈઝેશન દ્વારા ૧૦-૧૨૦ સે. વધુ ઉંચ જાય છે. જમીનના ઉપરના સ્તરમાં તાપમાન વધતાં જમીનમાં રહેલ નીંદણના બીજની સ્કૂરણ શકિત નાશ પામે છે. સોઈલ સોલરાઈઝેશન અપનાવ્યા બાદ જમીનના ઉપરના સ્તરને ઉથલપાથલ કર્યા સિવાય પાકની કે ધરૂની વાવણી કરવાથી અસરકારક નીંદણ નિયંત્રણ મળે છે. આ ઉપરાંત જમીનમાં રોગ કરનાર જીવાણુંઓ, ફૂગ તથા કૃમિનું પણ નિયંત્રણ થાય છે. આ પદ્ધતિને લીધે જમીનમાં રહેલા કેટલાક જરૂરી આવશ્યક અલભ્ય પોષકતત્વો લભ્ય સ્વરૂપમાં ફેરવાતા છોડને સહેલાઈથી શરૂઆતના ઉગાવા દરમ્યાન મળતા હોવાથી છોડ તંદુરસ્ત રહે છે. ધરૂવાડીયાના પાકો તથા વધુ આવકવાળા પાકોમાં સોઈલ સોલરાઈઝેશન પદ્ધતિનીંદણનિયંત્રણ માટે અસરકારક છે.

સંકલિત નદણ નિયંત્રણ :

બે કે વધુ નીંદણ નિયંત્રણ પધ્ધતિઓનો સમજ પૂર્વક સમન્વય કરીને અસરકારક અને નફાકારક નીંદણ નિયંત્રણ કરી શકાય.

સ્ત્રોત:સસ્ય વિજ્ઞાન વિભાગ, ન.મ, કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/10/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate