অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જલીય નીંદણો

જલીય નીંદણો સામાન્ય રીતે જયાં પાણી કાયમ માટે ભરાઈ રહેતું હોય ત્યાં જળાશયો, નદી, તળાવ કે નહેર જેવા વિસ્તારોમાં જોવા મળે છે. આ નીંદણો પાણીના પ્રવાહને અટકાવીને અવરોધ ઉભો કરીને વહાણવટા ઉદ્યોગને નુકશાન પહોંચાડે છે. પાણી એક એવી જીવન જરૂરીયાત ની વસ્તુ છે કે તેના સીવાય માનવજીવન, કૃષિ જીવન કે પશુ પાલન શકય નથી. આવી જીવનની એક અમુલ્ય વસ્તુ કેટલાક નીંદણોથી પ્રદુષિત થાય છે. ખાસ કરીને તળાવ જેવા બંધિયાર પાણીમાં આ નીંદણો ખૂબજ વિકાસ પામી પાણીનું મૂળ દ્વારા શોષણ કરી હવામાં ઉલ્વેદનથી ઉડાડી દે છે અને તળાવ ખાલી થઈ જાય છે. જેથી પાણીનો પશુ કે ખેતી માટે ઉપયોગ થઈ શકતો નથી. આ ઉપરાંત આવા નીંદણો કેટલાક હાનિકારક કીટકો નું આશ્રય સ્થાન બની રહે છે. ભારતમાં એક અંદાજ પ્રમાણે ૨૦ થી ૨૫ ટકા જેટલું ખેતી લાયક પાણી જળકુંભીથી વપરાય જાય છે. જો આ નીંદણોનું આવી રીતે રૂકાવટ સિવાય ફેલાવો થતો રહેશે અને તેનું સમયસર નિયંત્રણ કરવામાં નહીં આવે તો આ વધતી જતી વસ્તી, ઔદ્યોગીકરણ અને ખેતી માટે ભવિષ્યમાં પાણીની ખૂબજ તંગી નોતરશે.

મુખ્ય જલીય નીંદણો

  1. મુકત તરતા: જળકુંભી
  2. અર્ધ જળમગ્ન: કમળ
  3. જળમગ્ન:શેવાળ, હાઈડ્રીલા
  4. કિનારા પરના : નફફટીયા, ધાબાજરીયા

આ પ્રકારના નીંદણો પૈકી અમુક નીંદણ પાણીની ઉપરની સપાટીએ તરતા હોય છે. છોડ પાણીની ઉપર અને મૂળનો ભાગ પાણીમાં રહે છે. ઉપરનો ભાગ પાણીની સપાટીની બહાર રહે છે. તથા છોડનો પૂરો ભાગ પાણીની અંદર ડૂબેલો રહે છે.

જલીય નીંદણો દ્વારા થતું નુકશાનઃ

  • આ નીંદણો મુખ્યત્વે નહેર વિસ્તારમાં પાણીના પ્રવાહને અવરોધે છે. જેથી કેનાલ તૂટવાના પ્રશ્નો ઉભા થાય છે.
  • પીવાલાયક પાણીમાં પ્રદુષણ વધારે છે.
  • બંધિયાર પાણીનું શોષણ કરી પાણી હવામાં ઉડાડી દે છે
  • પાણીમાં થતાં પાકને નુકશાન કરે છે.
  • નદી અને નહેર વિસ્તારમાં પુરતું પાણી પાક વિસ્તારમાં ન મળવાથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે.
  • આ નીંદણો પાણીના પ્રાણવાયુનો ઉપયોગ કરે છે જેથી મત્સ્ય ઉદ્યોગ ઉપર માઠી અસર થાય છે.
  • નીંદણના ઉપદ્રવથી નૌકા વિહાર તથા પાણી દ્વારા થતા વાહનવ્યવહારોમાં અડચણરૂપ બને છે.

જલીય નીંદણોનો ઉપયોગ :

ઘણા નીંદણોની આડઅસર ઉપરાંત તેમાં વિશિષ્ટ પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે. જળકુંભીનો સમજ પૂર્વક ઉપયોગ કરવામાં આવે તો આ નીંદણ પાણીનું પ્રદુષણ દૂર કરવામાં મદદરૂપ થાય છે. આ નીંદણ પોતાના મૂળ દ્વારા પાણી શોષે છે. તથા પ્રદુષિત પાણીમાં રહેલી ઝેરી ઘાતુઓનું પણ શોષણ કરે છે અને પાણીનું પ્રદુષણ ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત તળાવ કે નહેર વિસ્તારમાંથી દૂર કરેલ જળકુંભીનો ખાતર તરીકે પણ ઉપયોગ થાય છે. તથા માછલીઓ અને પ્રાણીઓના ખોરાક તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. પરદેશમાં આ નીંદણોનો ઉપયોગ કાગળ ઉદ્યોગમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે.

જલીય નીંદણ અટકાવવાના ઉપાયો :

યાંત્રિક ઉપાયો :

જળાશયોમાંથી નીંદણને ખેંચીને બહાર કાઢી નાંખવા. જલીય નીંદણોને કાપીને બહાર કાઢવાની પદ્ધતિ એ મનુષ્ય દ્વારા અપનાવેલ જલીય નીંદણ નિયંત્રણ માટેનો સૌ પ્રથમ પ્રયાસ હતો. આધુનિક યુગમાં જલીય નીંદણોના નિયંત્રણ માટે વિશિષ્ટ પ્રકારના સાધનો જેવાકે નીંદણોને કાપવા, ટુકડા કરવા, ખેંચીને બહાર કાઢવા વગેરે ઉપલબ્ધ થયા છે.

નીચે પ્રમાણે જલીય નીંદણોને દૂર કરવામાં આવે છે:

  • સાંકળથી જલીય નીંદણો ખેંચી કાઢવા.
  • પાણીમાંથી નીંદણ સહિતનો કચરો તળિયા સુધી સાફ કરવો.
  • પાણીનો નીકાલ કરી નીંદણો સુકવી નાખવા.
  • જાળી દ્વારા (નેટીંગ) અટકાવવા.
  • પાણી નીચે ચાલતા વીડ કટર તંત્ર દ્વારા દૂર કરવા.

ભૌતિક નિયંત્રણોના કેટલાક ફાયદા ચોકકસ છે તેનાથી વાતાવરણીય પ્રદુષણ ફેલાતુ નથી તથા તુરતજ નિયંત્રિત કરી શકાય છે.કોઈ પણ સ્થાનિક જળાશયોમાં તે શકય બને છે. કેટલીક મર્યાદાઓ પણ છે જેમકે મજૂરો દ્વારા વારંવાર નિયંત્રણ માટે પ્રયાસ કરવા પડે છે.

નીંદણનાશકો વાપરવા પણ અનુકૂળ છે. આ પદ્ધતિના કેટલાક ફાયદા જરૂર છે.

  • યાંત્રિક પદ્ધતિ કરતા રાસાયણિક પદ્ધતિમાં નિયંત્રણ જલદી અને લાંબા સમય સુધી મળે છે.
  • વધતા જતા મજૂરીના દર તેમજ બળતણખર્ચની સરખામણીમાં નીંદણનાશકોનો ઉપયોગ ખૂબ સસ્તો પડે છે.
  • ટૂંક સમયમાં વિશાળ જળાશયોના વિસ્તારને આવરી શકાય છે.

રાસાયણિક નીંદણ-નિયંત્રણ માટે ભારતમાં ઘણી બધી રાસાયણોની ભલામણો જુદાજુદા વૈજ્ઞાનિકો દ્વારા થયેલ છે જેવી કે ૨,૪-ડી, ગ્લાયફોસેટ, પેરાકોટ, ડાલાપાન, ડાયરોન, કોપર સલ્ફટ વગેરેનો ઉપયોગ કરવાથી જલીય નીંદણો કાબૂમાં લઈ શકાય છે. પરંતુ આ રાસાયણો આપણા વિસ્તારમાં વાપરવામાં આવે તો તે પાણીમાં રહેતા અન્ય જીવો કે પાણીના અન્ય વપરાશમાં આડ અસર કરે છે કે કેમ તે સંશોધન હેઠળ છે. નીંદણનાશક દવાઓ આપણે અત્યારે વાપરવી હિતાવહ નથી. આમ છંતા જો પેરાકોટ તથા ગ્લાયફોસેટનો ઉપયોગ તાંત્રિક માહિતી કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી મેળવી સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ કરવામાં આવે તો આ નીંદણોનું અસરકારક નિયંત્રણ લાંબા ગાળે કરી શકાય તેમ છે.

ક્રુષિ રસાયણો વાપરતા પહેલાં રાખવાના સાવચેતીના પગલા :

  • જલીય નીંદણો માટે ભલામણ કરેલ નીંદણ નાશક રાસાયણોનો ઉપયોગ કરવો.
  • જો જલીય નીંદણોનું નિયંત્રણ હાથથી કે અન્ય રીતે થઈ શકે તેમ હોય તો રસાયણોનો ઉપયોગ કરવો નહીં.
  • શોષક પ્રકારની નીંદણનાશકનો છંટકાવ જલીય નીંદણો પર કરવાનો થાય તો તે જળાશયના પાણી ખેતીના પાકોમાં છંટકાવ બાદ ઉપયોગ કરવો હિતાવહ નથી.
  • વધારે ઝેરી દવાનો ઉપયોગ કરવો હિતાવહ નથી.
  • દવા છાંટયા બાદ તે જળાશયમાં તરવાનું અને સ્નાન કરવાનું કાર્ય બંધ કરવું.
  • દવા છાંટેલ પાણીનો પશુ કે મનુષ્ય માટે પીવાના પાણી તરીકે ઉપયોગ કરવો નહી
  • જો તળાવ કે અન્ય વિસ્તારમાં દવા છાંટવાની હોય તો આજુબાજુના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં અગાઉથી જાણ કરવી. દવાની માત્રા અને રીત ભલામણ પ્રમાણેજ વાપરવી. પાણીમાં રહેતા અન્ય જીવોને આડઅસર કરે તેવી હોય તો તેનો ઉપયોગ કરવો નહીં
  • જલીય નીંદણોના રાસાયણિક ઉપાય સંપૂર્ણ પણે તાંત્રિક માર્ગદર્શન અને નિરીક્ષણ હેઠળ જ યોજવા.

જૈવિક નિયંત્રણ:

પરોપજીવી કીટકો, ફૂગ તથા કેટલીક માછલી દ્વારા જલીય નીંદણ નિયંત્રણ સફળતા પૂર્વક પુરવાર થયેલ છે જે બાબત પણ ધ્યાનમાં રાખી શકાય છે.

અ.નં.           નીંદણ                        જૈવિક નિયંત્રક

1                પ્રિકલીપીયર               સચીનીયલ સ્કેલ કિટક

2               એલીગેટર વીડ            ફિલઆ બીટલ

3                જલકુંભી                    અમેરિકન ધનેડું (વીવીલ)

4                સેવિનીયા                  કુલીઓનીડ બીટલ

5                હાઈડ્રીલા                    ગ્રાસકાર્પ માછલી

સ્ત્રોત:સસ્ય વિજ્ઞાન વિભાગ, ન.મ, કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/13/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate