অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઘઉંમાં નીંદણ વ્યવસ્થાપન

ખેતીમાં ખેડૂતની સૌથી વિકટ સમસ્યા જો કોઇ હોય તો તે પાકમાં ઉગતા અને ઉત્પાદનમાં અડચણરૂપ થતા નીંદણો છે. નીંદણ દ્વારા પાક ઉત્પાદનમાં સરેરાશ 33 ટકા જેટલો ઘટાડો નોંધાયેલ છે. સર્વેક્ષણ અનુસાર કેટલાક કિસ્સાઓમાં નીંદણો દ્વારા આશરે ૭૦ થી ૮૦ ટકા જેટલો પાક ઉત્પાદનમાં ઘટાડો થાય છે. નીંદણ દ્વારા પાક ઉત્પાદનમાં થતું નુકસાન રોગ અને જીવાતની જેમ સ્પષ્ટ જોઇ શકાતું ન હોવાથી નીંદણને પાકનો ‘“છૂપો દુશ્મન’” ગણવામાં આવે છે. નીંદણથી થતા નુકસાનનો આધાર જમીન અને પાકનો પ્રકાર, આબોહવા (ઋતુ), પાકની વાવણી પધ્ધતિ, વાવેતર સમય, વાવણી અંતર, નીંદણનો પ્રકાર અને તેનું પ્રમાણ વગેરે પરીબળો ઉપર આધારીત છે.
ગુજરાત રાજ્યમાં વાવેતરની દ્રષ્ટિએ ધાન્ય વર્ગના પાકો ખૂબ જ અગત્યના છે. ગુજરાત રાજ્યમાં ઘઉંની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. કોઇપણ પાકમાં મહત્તમ ઉત્પાદન માટે વિવિધ પરિબળો ભાગ ભજવે છે. આ પરિબળો પૈકી નીંદણ એ અતિ મહત્વનું પરિબળ છે. ઘઉંના પાકમાં ખેડૂતો દ્વારા વર્ષોથી ૨,૪-ડી અને મેટસલ્ફ્યુરોન મિથાઈલ જેવા એકના એક નીંદણનાશકનો સતત ઉપયોગ કરવાથી ગુલ્લીદંડા, કૂતરીયુ, બંટ, જંગલી ઓટ, ચોખલીયુ, ચોકડીયુ અને ડુંગળા જેવા એકદળી વર્ગના નીંદણોનો ઉપદ્રવ વધતો જાય છે. આમ એકદળી અને દ્વિદળી બન્ને પ્રકારના નીંદણોનું એક સાથે નિયંત્રણ કરવું ખેડૂતો માટે પડકારરૂપ સમસ્યા છે.

ઘઉંના પાકના મુખ્ય નીંદણો અને તેની ઓળખ

એકદળી નીંદણો:

ગુલ્લીદંડા : શરૂઆતની અવસ્થામાં ગુલ્લીદંડાનો છોડ ઘઉંના છોડ જેવો જ દેખાવમાં હોય છે આથી ઓળખવો મુશ્કેલ બને છે. આ નીંદણ ઘઉં કરતા મોડું ઉગે છે અને ઝડપથી વૃદ્ધિ પામે છે.


કૂતરીયું: ઘઉંના પાકમાં થતા આ  નીંદણની ડૂંડી પર આવેલ ખાસ પ્રકારની રૂવાટીને કારણે ખેડૂતોને કાપણી સમયે ખુબ જ પજવે છે.


બંટ: ડાંગરના પાક પછી વાવવામાં આવતા ઘઉંના પાકમાં આ નીંદણનો ઉપદ્રવ વધારે જોવા મળે છે.


ડુંગળો: આ નીંદણ ડુંગળીના જેવા પાન ધરાવે છે પરંતું તેના થડમાંથી ઘણા બધા પ્રકાંડ નીકળે છે જે ડુંગળીના છોડથી જુદું તરી આવે છે.


જંગલી ઓટ: તેનો દેખાવ ઓટના છોડને મળતો આવે છે. ઘઉંના છોડ કરતાં તેનો વિકાસ ઝડપી થાય છે.


દ્વીદળી નીંદણો:

ચીલ: ઘઉંના પાકનું મુખ્ય નીંદણ છે. તેની બીજ ઉત્પન્ન કરવાની શક્તિ ખૂબ જ વધારે હોવાથી એક વાર તેના બીજ ખેતરમાં ખરે એટલે ઘણા વર્ષો સુધી તેનો ઉગાવો થતો રહે છે.


ચીલ બલાડો: ચીલના છોડને મળતો આવે છે પણ તેના પાન મોટા અને લંબગોળ હોય છે.


મેથીયું: મેથીના છોડ જેવો દેખાવ ધરાવે છે. તેના પાન ત્રણના ઝૂમખામાં હોય છે. તેના પર પીળા રંગના ફૂલ આવે છે.


નીંદણ નિયંત્રણ ક્યારે કરવું ?

દરેક પાકમાં કેટલોક સમયગાળો એવો હોય છે કે જ્યારે પાક અને નીંદણ વચ્ચે પ્રકાશ, પાણી, પોષક તત્વો અને જગ્યા માટે તીવ્ર હરિફાઇ ચાલતી હોય છે. આ સમયગાળાને “પાક-નીંદણ તીવ્ર હરિફાઇ ગાળા” તરીકે ઓળખવામાં આવે છે. સંશોધનના પરિણામોના આધારે ઘઉંના પાકમાં વાવણી બાદ ૩૦-૪૫ દિવસનો સમય ગાળો  “પાક-નીંદણ તીવ્ર હરિફાઇ ગાળા” તરીકે નક્કી થયેલ છે. આથી આ સમયગળા દરમ્યાન ઘંઉના પાકને નીંદણમુક્ત રાખવો જરૂરી છે.

નીંદણ નિયંત્રણ કેવી રીતે કરવું?

નીંદણને યોગ્ય પાક પધ્ધતિ, હાથ નીંદામણ, આંતરખેડ, નીંદણનાશક રસાયણ કે સંકલિત નીંદણ વ્યવસ્થાપન દ્વારા નિયંત્રિત કરી શકાય છે. નીંદણ નિયંત્રણ માટે કઇ પધ્ધતિ અપનાવવી તેનો આધાર સ્થાનિક પરિસ્થિતિ જેવી કે જમીનનો પ્રકાર, ઋતુ, પાકની વાવણી પધ્ધતિ, મજૂરોની ઉપલબ્ધતા તથા મજૂરીના દર વગેરે બાબતો ઉપર અવલંબિત છે.

યાંત્રિક ઉપાય:

જો મજૂરો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય તો ઘઉંના પાકમાં વાવણી બાદ ૨૦ અને ૪૦ દિવસે હાથ નીંદામણ કરવાથી અસરકારક નીંદણ વ્યવસ્થાપન કરી શકાય છે.

નીંદણનાશકનો ઉપયોગ:

ઘઉંના પાકમાં બધા જ પ્રકારના (એકદળી અને દ્વિદળી) નીંદણોના અસરકારક અને અર્થક્ષમ વ્યવસ્થાપન માટે નીચે પૈકીની કોઇ એક પૂર્વ મિશ્રિત નીંદણનાશકનો વાવણી બાદ ૨૫ થી ૩૦ દિવસે ફ્લેટ ફેન નોઝલનો ઉપયોગ કરી ઝાકળ ઉડી ગયા બાદ છંટકાવ કરવા ભલામણ કરવામાં આવે છે.

ઉપરોક્ત નવી ભલામણમાં દર્શાવેલ બન્ને પૂર્વ મિશ્રિત નીંદણનાશકો પૈકિ કોઈપણ એકને ૧૦ લિટર પાણીમાં ઓગાળો. આ દ્રાવણમાંથી ૫૦૦ મિ.લિ દ્રાવણ લઇ પ્રતિપંપ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. આવી રીતે એક એકરમાં ૨૦ પંપ છાંટવા.

જુદા જુદા પાકોમાં નીંદણનો ફેલાવો અટકાવવા માટેના પગલાં

  1. સંપૂર્ણ કોહવાયેલ છાણિયું ખાતર વાપરવું
  2. નીંદણનાં બીજમુક્ત બિયારણની પસંદગી કરવી
  3. શેઢા પાળા ઉપર ઉગેલ નીંદણના છોડને ફૂલ આવતાં પહેલા નાશ કરવો
  4. ખેતરમાં ચરિયાણ માટે ઘેટાં, બકરાં આવવા દેવા નહીં
  5. કોઇપણ સંજોગોમાં આવા નીંદણનો પશુઓના ઘાસચારા તરીકે ઉપયોગ કરવો નહીં
  6. ખેતીનાં સાધનો સાફ કરી ખેતરમાં દાખલ કરવા

જુદા જુદા પાકોમાં નીંદણનાશકના છંટકાવ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો.

  1. નીંદણનાશકનો છંટકાવ કરતાં પહેલાં સ્પ્રેયર પંપ સ્વચ્છ પાણીથી બરાબર સાફ કરવો
  2. નીંદણનાશકનું પ્રમાણ ભલામણ મુજબનું રાખવું જેથી નીંદણનું નિયંત્રણ સારી રીતે થઇ શકે
  3. પ્રી-ઇમરજન્સ નીંદણનાશક નીંદણ ઉગતા પહેલા, જ્યારે પોસ્ટ-ઇમરજન્સ નીંદણનાશક નીંદણ ઉગ્યા બાદ છાંટવી
  4. નીંદણનાશક છાંટતી વખતે જમીનમાં પુરતો ભેજ હોવો જરૂરી છે
  5. નીંદણનાશકનો છંટકાવ પાછા પગલે ચાલીને કરવો જોઇએ
  6. નીંદણનાશકના છંટકાવ માટે ખાસ પ્રકારની ફ્લેટફેન અથવા ફ્લડજેટ નોઝલનો ઉપયોગ કરવો
  7. નીંદણનાશક સાથે અન્ય કોઇ રસાયણ ભેળવીને છંટકાવ કરવો નહીં
  8. વધુ પવન હોય, વરસાદ હોય કે ઝાકળ હોય ત્યારે નીંદણનાશક છાંટવી નહીં

સ્ત્રોત : આણંદ યુનિવર્સીટી

કોલેજ ઓફ એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી,આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate