অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કાજુ પ્રોસેસિંગ દ્રારા તેનું મુલ્ય વર્ધન

ભારતમાં મુખ્યત્વે આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, છત્તીસગઢ વગેરે રાજ્યોમાં કાજુનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં મુખ્યત્વે કાજુનું ઉત્પાદન ડાંગ અને વલસાડ જીલ્લામાં થાય છે. તાજા લણણી કરેલ કાજુનું બાહ્ય આવરણ ખાવા માટે યોગ્ય ન હોવાથી તેને લણણી પછી યોગ્ય પદ્ધતિ દ્વારા પ્રોસેસિંગ કરી, બાહ્ય આવરણ દૂર કરી બજારમાં વેચવામાં આવે છે. લણણી કરેલ પરિપકવ કાજુનું બાહ્ય આવરણ, પ્રોસેસિંગ એટલે કે સ્ટીમિંગ, કટિંગ, સૂકવણી, પીલિંગ દ્વારા દૂર કરવામાં આવે છે. ત્યારબાદ તેનું વર્ગીકરણ અને પેકિંગ કરી બજારમાં વેચવામાં આવે છે. કાજુ પ્રોસેસિંગની પધ્ધતિ અત્રે દર્શાવેલ છે.

લણણી :

કાજુના ફળો પરિપકવ થતાં જાતે જ ઝાડ પરથી નીચે પડવા લાગે છે. સામાન્ય રીતે પરિપકવ ફળો ડાળીને હલાવીને નીચે પાડવામાં આવે છે પરિપકવ કાજુફળનું વજન ૩૦-૪૦ ગ્રામ અને રંગ લાલ અથવા લાલાશ પડતો પીળો હોય છે. લણણી દરમિયાન પરિપકવ કાચા કાજુ નટનું વજન ૫ થી ૮ ગ્રામ હોય છે. ફળો નીચે પડ્યા બાદ કાજુનટ તરજ કાજુ ફળથી અલગ કરવામાં આવે છે. જો કાજુનટને તરત અલગ કરવામાં આવે તો કાજુની ગુણવત્તા ઘટે છે અને કાજુ ઝડપથી બગડવા લાગે છે.

પ્રાથમિક સૂકવણી :

ફળોથી અલગ અલગ પાડેલ કાજુનટને ચોખ્ખી, સૂકી છાંયાવાળી જગ્યામાં ૩-૪ દિવસ સૂકવવામાં આવે છે. આ રીતે સૂકવેલા કાચા કાજુનટને કંતાનના કોથળામાં ભરી તેનો સંગ્રહ કરવામાં આવે છે. કાજુનટમાંથી કાજુ છૂટા પાડવાની પ્રક્રિયા :

સ્ટીમિંગ (વરાળ દ્વારા પ્રક્રિયા):

સ્ટીમ બોઈલરમાં જરૂરિયાત મુજબ પાણી લઈ પાણીને ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ બોઈલરમાં કાજુનટ મૂકવામાં આવે છે. લગભગ ૪૫ મિનિટ સુધી કાજુને સ્ટીમિંગ આપવામાં આવે છે. ત્યારબાદ કાજુનટને કાઢી લઈ ચોખ્ખી, સૂકી જગ્યામાં પાથરી, ૧૨ કલાક સુધી સૂકવવામાં આવે છે.

કટિંગ:

કાચા કાજુનટને બાહ્ય આવરણ (શેલ) ને ખાસ પ્રકારના મશીન દ્વારા દૂર કરવામાં આવે છે. કટિંગ મશીન દ્વારા કાજુશેલને સહેલાઈથી દૂર કરી શકાય છે. કટિંગ દરમિયાન હાથમાં રાઈ અથવા દિવેલનું તેલ લગાડવા ભલામણ કરવામાં આવે છે.

સૂકવણી :

કાજુનટના બાહ્ય આવરણ (શેલ) ને દૂર કર્યા બાદ મળતા કાજુને ત્યારબાદ ડ્રાયરમાં સૂકવવામાં આવે છે. આમ કરવાથી કાજુ પર રહેલા છોતરા સહેલાઈથી દૂર કરી શકાય છે. કાજુને ૭૫-૮૦° સે તાપમાને ર થી ૩ કલાક ડાયરમાં રાખવામાં આવે છે. કાજુને ડ્રાયરમાં સૂકવણી કર્યા બાદ ઠંડી જગ્યામાં (પંખા નીચે) લગભગ ૨૪ કલાક માટે ઠંડા કરવામાં આવે છે.

પીલિંગ (છોતરાં દૂર કરવા) :

સૂકવણી બાદ ઠંડા થયેલા કાજુ પરથી છોતરાને ખૂબ જ કાળજીપૂર્વક હાથથી દૂર કરવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા છોડા દૂર કરવાથી કાજુની ગુણવત્તા જળવાઈ રહે છે.

વર્ગીકરણ :

કાજુના છોતરાં દૂર કર્યા બાદ તેનું કદ, આકાર, અને વજન મુજબ વર્ગીકરણ કરવામાં આવે છે.

કાજુના વર્ગીકરણમાં આખા, અડધા ટુકડા, કણી વગેરે મુજબ પણ તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. દરેક વર્ગની બજાર કિંમત ભિન્ન હોય છે. આખા કાજુની કિંમત વધારે હોય છે, જ્યારે ટુકડા, કણીની કિંમત સરખામણીમાં ઓછી હોય છે.

પેકિંગ:

વર્ગીકૃત કરેલ કાજુને બજારની માંગ મુજબ પ્લાસ્ટિકની થેલી, એલ્યુમિનિયમ બેગ ટીન અથવા પ્લાસ્ટિકના ડ્રમમાં પેક કરવામાં આવે છે. આ રીતે યોગ્ય પેકિંગ કરેલ કાજુને લાંબા સમય સુધી સંગ્રહ કરી જરૂરિયાત મુજબ પેકિંગ કરી વેચાણ કરી શકાય છે. લણણી કરેલ કાજુનટ સીધા ખાવા યોગ્ય ન હોય, ઉપર દર્શાવેલ પદ્ધતિ દ્વારા કાજુનું પ્રોસેસિંગ કરી કાજુ મેળવવામાં આવે છે જેથી કાજુની વધારે કિંમત ઉપજે છે. આમ કાજુની ખેતીની સાથે સાથે કાજુનું પ્રોસેસિંગ કરી વેચવાથી વધારે કિંમત એટલે કે વધારે આવક મેળવી શકાય છે.

સ્ત્રોત : જુન-૨૦૧૮, વર્ષ :૭૧, સળંગ અંક :૮૪૨, કૃષિ ગોવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate