অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વીજ બચતના ઉપાયો

વીજ બચતના ઉપાયો

ઉર્જા કોઈપણ દેશના આર્થિક વિકાસ માટે મુખ્ય ઘટક છે. માનવ જાતિના રોજિંદા કામ માટે ઉર્જા એ અગત્યની જરૂરીયાત છે. ઉર્જાને એક સ્વરૂપમાથી બીજા સ્વરૂપમાં ફેરવી શકાય છે. ઉર્જા જુદા – જુદા સ્વરૂપોમાં મળે છે જેમ કે, ઉષ્મિય, પ્રકાશ, યાંત્રિક, વિદ્યુત, રસાયણિક અને ન્યુક્લિયર ઉર્જા. આ ઉર્જા પ્રદાન કરવાવાળા પદાર્થો કોલસો, ગેસ, સૂર્ય અને ઓઇલ વગેરે છે. છેલ્લા ૨૦૦ વર્ષમાં આપણે કુલ ઊર્જાના સ્ત્રોતમાંથી ૬૦% જેટલી ઉર્જાનો વપરાશ કરી ચુક્યા છીએ. હવે આ પદાર્થોની પ્રાપ્તિ માનવ જાતિને આવનારા ૫૦ થી ૧૦૦ વર્ષ સુધી જ મળે તેમ છે.
આજે દિવસે ને દિવસે મોટા મોટા ઉદ્યોગો વધતાં જાય છે અને આ ઉદ્યોગોથી માંડીને નગરપાલીકાઓમાં, મોટી મોટી ફેક્ટરીઓને લીધે વીજ વપરાશમાં સતત વધારો થતાં વીજ બિલનું ભારણ ચિંતાનો વિષય બની જાય છે. તેના માટે હવે નવી ટેકનોલોજીમાં ટી-૫ ટ્યુબલાઇટ અને સીએફએલ લેમ્પ   (કોમ્પેકટ ફ્લોરોસેન્ટ લેમ્પ) વાપરવાથી ૫૦% સુધી લાઈટીંગના વીજ વપરાશમાં બચત કરી શકાય છે. આ ઉપરાંત ટાઈમર તેમજ ફોટોસેલ વાપરીને પણ આઉટડોર લાઈટીંગ અને સ્ટ્રીટ લાઇટના વપરાશમાં ઘટાડો કરી શકાય છે. જ્યાં લાઈટીંગનો ઉપયોગ વધારે હોય ત્યાં ઓક્યુપંસી સેન્સર એટ્લે કે, જ્યારે માણસોની ઉપસ્થિતિ હોય ત્યારે લાઇટો ચાલુ હોય અને ન હોય ત્યારે લાઇટો આપમેળે બંધ થઈ જાય. તેમજ ઇન્ટેલીજન્ટ સેન્સર એટલે કે, દિવસ દરમ્યાન જ્યારે કુદરતી રોશની મળતી હોય ત્યારે લાઈટોનો પ્રકાશ અને વીજ વપરાશ પોતાની મેળે નિયંત્રણમાં રહે તેવા ઇન્ટેલીજન્ટ સેન્સર લગાડવાથી વીજ બચત કરી શકાય છે. લાઈટીંગ સિસ્ટમ માટે ૨૦૦ થી ૨૧૫ વૉલ્ટ મળે તેવું સ્પેશ્યલ ટ્રાન્સફોર્મર લગાડવાથી પણ વીજ બચત થાય છે.
જ્યાં સુધી રિન્યુએબલ ઊર્જાના સ્ત્રોતો જેવા કે, વાયુ શક્તિ, સૂર્ય શક્તિ અને ભૂ-ઉષ્મિય સ્ત્રોતોનો વિકાસ ન થાય ત્યાં સુધી ઉપલબ્ધ વપરાશી ઉર્જા સ્ત્રોતોની કરકસર જ માનવ જાતિને આવનારા સંકટોમાથી બચાવી શકશે અને ઉર્જા બચતની પ્રાથમિક જાણકારી અને ઉર્જા બચતના સાધનોનો અભ્યાસ કરવો પડશે. સારી લાઈટીંગ એ કામની ગુણવતા વધારવા, કામ કરનારનો થાક ઓછો કરવા, અકસ્માતો ટાળવા, આંખ અને નર્વસ સિસ્ટમને જાળવવા તેમજ ઉદ્યોગોમાં ઉત્પાદન અને વસ્તુની ગુણવત્તા વધારવા જરૂરી છે. વીજળીની બચત માટે નીચેના મુદાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.

કુદરતી પ્રકાશનો મહતમ ઉપયોગ:

મકાનના બારી બારણાં અને છતમાં પારદર્શક સીટ/કાચના ઉપયોગ દ્વારા મહતમ કુદરતી પ્રકાશના ઉપયોગથી વીજળીની બચત કરી શકાય છે

સી.એફ.એલ. અથવા એલ.ઇ.ડી. (લાઇટ ઇમીટીંગ ડાયોડ) ના ઉપયોગ દ્વારા વીજળીની બચત

ઘરમાં, હોટેલોમાં, રેસ્ટોરંટમાં, પ્રવેશદ્વારો તથા રોડ વગેરેમાં મોટા બલ્બ અને વધારે વોટની ટ્યૂબલાઈટની સરખામણીમાં સી.એફ.એલ. અથવા એલ.ઇ.ડી.નો ઉપયોગ કરવામાં આવે તો વીજળીની બચત કરી શકાય છે. તેમજ સારા પ્રમાણમાં પ્રકાશ પણ મેળવી શકાય છે.

વોટ (W)

કીમત (રૂ.)

જીવન કલાક

વપરાશ/દિવસ

યુનીટ/ વર્ષ

બલ્બ

૬૦

૧૦/-

૧૦૦૦

૮૮

સી.એફ.એલ.

૧૫

૨૦૦/-

૭૦૦૦

૨૨

એલ. ઇ.ડી.

૧૦

૨૫૦/-

૧૦૦૦૦

૧૫

ઇલેક્ટ્રીક ચોક દ્વારા કોઇલ પ્રકારના ચોક (પરંપરાગત)ની પુરવણી:

પરંપરાગત ચોકની જગ્યાએ ઊંચા આવર્તન (૨૮ થી ૩૨ મેગા હર્ટઝ) ધરાવતા ચોકનો ઉપયોગ કરવાથી ૩૫ % જેટલી વીજ બચત કરી શકાય છે.

લાઈટીંગ માટે અલગ ટ્રાન્સફોર્મરની સ્થાપના:

મોટા ભાગના ઉદ્યોગોમાં નેટ લાઈટીંગ લોડ ૨ થી ૧૦% ની વચ્ચે બદલાય છે. જો એકજ ટ્રાન્સફોર્મરમાંથી પાવર લોડ અને લાઈટીંગ લોડ લેવામાં આવે તો વૉલ્ટેજ વધ-ઘટનું કારણ બને છે. જેના કારણે આજુ-બાજુના પાવર લોડ અને લાઈટીંગ લોડના સાધનો ખરાબ થવાનો સંભવ રહે છે. તેથી પાવર ફિડરથી લાઇટિંગના સાધનો અલગ હોવા જોઈએ, જેથી વૉલ્ટેજ સબંધિત સમસ્યાઓ ઘટાડીને લાઈટીંગ સિસ્ટમની કાર્યક્ષમતા વધારી શકાય છે.

લાઈટીંગ સિસ્ટમ માટે સ્ટેબીલાઇઝરની સ્થાપના:

લાઈટીંગ સિસ્ટમ માટે અલગ ટ્રાન્સફોર્મર વીજ વપરાશ કર્તાને આર્થિક રીતે પરવડતું નથી તેવા સમયે લાઈટીંગ સિસ્ટમને બચાવવા માટે સ્ટેબીલાઇઝર ઉપયોગી નીવડે છે.

ઉર્જા વપરાશ પેટર્ન પર નિયંત્રણ:

કોમર્શિયલ ઇમારતો જેવી કે ખરીદીના મોલ, સરકારી ઓફીસો કે જ્યાં દિવસ દરમ્યાન વધારે લાઇટનો ઉપયોગ થતો હોય ત્યાં માઇક્રોપ્રોસેસર બેઝડ લાઇટ કંટ્રોલ સર્કિટનો ઉપયોગ કરીને તેમજ દર મહિને સ્વયંસંચાલિત ચાલુ/બંધ થઈ શકે તેવી સ્વીચનો ઉપયોગ કરીને વીજળીની બચત કરી શકાય છે.

ખેતીમાં સોલર સબમર્સીબલ પંપ સેટની સ્થાપના:

ફાયદા:

  • ૧૦૦ ટકા વીજળીની બચત થાય છે.
  • બેટરીથી ચાલતા (ઓફ ગ્રીડ) સોલાર પંપને રાત્રે પણ ચલાવી શકાય છે.
  • પાકની સીઝન પુરી થયા બાદ વીજ ઉત્પાદન પણ મેળવી શકાય છે.

ગેરફાયદા:

  • મુળ કિમત વધારે છે.
  • વાદળ છાયા વાતાવરણમાં પૂરતા પ્રમાણમાં પાવર મળી શકતો નથી.
  • બેટરી વગરના (ઑન ગ્રીડ) સોલાર પંપને રાત્રે ચલાવી શકાતો નથી.

પંપની કાર્યક્ષમતા

નિયમિત સારસંભાળ દ્વારા, એનર્જી હાર્વેસ્ટ કંટ્રોલર લગાવીને ૩૦% સુધીની બચત કરી શકાય છે. બાયપાસ અને ઓટોમેટિક સ્ટાર્ટ મોડ આપીને, ડ્રાય રન રક્ષણ કરતી સ્વિચ આપીને, ઓછા તેમજ વધારે વૉલ્ટેજનું રક્ષણ કરતી સ્વિચ આપીને, શોર્ટ શર્કિટનું રક્ષણ કરતી સ્વિચ આપીને પંપની કાર્યક્ષમતા વધારી શકાય છે.

વીજ બચત કરવા માટેના સુચનો

  1. પોતાનો રૂમ અથવા ઓફિસ છોડીએ ત્યારે લાઇટની સ્વિચ ઓફ કરવાથી વીજ બચત થઈ શકે છે.
  2. ૫૦% થી ઓછા લોડ ઉપર ચાલતી મોટરો વધારે વીજ બગાડ કરે છે.
  3. યોગ્ય ક્ષમતાના કેબલ, સ્વીચો અને સ્ટાર્ટર વાપરવા જોઈએ.
  4. ઉચ્ચ ગુણવતાવાળી વીજ મોટરો ૧ થી ૩% સુધીની વીજ બચત કરી શકે છે.
  5. લુઝ કનેક્શન ૧% થી ૨% જેટલો વીજ બગાડ કરે છે.
  6. વેરીએબલ લોડવાળી મોટરો માટે વેરીએબલ સ્પીડ ડ્રાઈવ વાપરવી જોઈએ, અને ઓછા લોડવાળી મોટરો માટે સોફ્ટ સ્ટાર્ટર વાપરવા જોઈએ.
  7. ઓછી ક્ષમતાના કેબલ વાપરવાથી જે કેબલો વધારે ગરમ થાય છે તે કેબલો ત્રણ માસમાં પોતાની કિમત જેટલો વીજ બગાડ કરે છે.
  8. સારૂ અરથીંગ સુરક્ષાની સાથે સાથે કુલ વીજ બગાડના ૧૦% ની બચત કરે છે.
  9. એરકન્ડીશનરને એરકન્ડીશનર પાવર સેવર લગાડવાથી ૫% સુધીની વીજ બચત થાય છે.
  10. ઓટોમેટીક વૉલ્ટેજ રેગ્યુલેટરના ફક્ત સિસ્ટમ વૉલ્ટેજ ફ્લક્ચુએશનથી વીજ સાધનોને સુરક્ષા મળે છે, પણ ૬% થી ૧૪% સુધી વીજ વપરાશ ઓછું કરે છે.
  11. મોનોબ્લોક મોટરની જગ્યાએ સબમર્સીબલ મોટર વાપરવાથી પણ વીજ બચત થાય છે.
લેખક:  શ્રી જે. જે. ચાવડા, શ્રી આર. એસ. ગોધાણી, ડો. ડી. કે. વ્યાસ

કૃષિ ઈજનેરી અને ટેક્નોલૉજી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, ગોધરા

પ્રકાશન: કૃષિ ગોવિદ્યા, જુન-૧૭, વર્ષ-૭૦, અંક-૨, પેજ નં.: ૨૨-૨૫

કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate