অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ભારતમાં ખેતીનો પરિપ્રેક્ષ અને અભિગમ

ભારતમાં ખેતીનો પરિપ્રેક્ષ અને અભિગમ

પ્રાચીન કાળથી માનવીની મુખ્ય ત્રણ જરૂરિયાતો કેન્દ્ર સ્થાને રહી છે અને તે છે અન્ન, વસ્ત્ર તથા આવાસ. જઠરાગ્નિ શાંત કરવા આદિ માનવે શિકાર, ફળફૂલ, કંદમૂળ અને કાચા અન્નનો આશ્રય લીધો. જંગલો અને ગુફાઓ સદીઓ સુધી તેનું આશ્રય સ્થાન રહી. તેનો મોટો ભાગ ખોરાકની શોધમાં જ વ્યતિત થતો રહ્યો. ત્યાર પછી ક્રમિક રીતે ભટકતું જીવન ગુજારતા માનવના સ્થિર થવાના પ્રયત્ન શરૂ થાય છે. આદિ માનવથી આજના કહેવાતા સુસંસ્કૃત મનુષ્યે પોતાની જરૂરિયાતો કૃષિમાં શોધવાનો પ્રયત્ન કર્યો. તે પૂર્ણ કરવામાં સદીઓથી કૃષિનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

કૃષિના વિકાસને આપણે ત્રણ તબક્કામાં વહેંચી શકીએ.

1. પ્રાચીન ઉત્પતિ: પશ્ચિમ એશિયા, ઈજિપ્ત અને ભારતનો ફળદ્રુપ પ્રદેશ આયોજિત છોડોની વાવણી અને લણણીની શરૂઆતની જગ્યા ગણાય છે. ઉત્તર અને દક્ષિણ ચીન, આફ્રિકાનું સહેલ, ન્યુગ્યુઆના અને અમેરિકાના વિવિધ ક્ષેત્રોમાં કૃષિનો સ્વતંત્ર વિકાસ થયો હતો. કૃષિના આઠ કહેવાતા નૂતન પાષાણયુગના પાકો–એમ્મેર ઘઉં, ઇનકોર્ન ઘઉં, છોતરા ઉતારેલા જવ, વટાણા, મસૂર, કડવા કઠોળ, કઠોળની જાત અને શણ હતા.

2. મધ્ય યુગ: મધ્યયુગ દરમ્યાન ઉત્તર અમેરિકા અને યુરોપના ખેડૂતોએ હાઇડ્રોલિક અને હાઇડ્રોસ્ટેટિક સિદ્ધાંત પર આધારિત સિંચાઇ પદ્ધતિ અને નોરિયાઝ, વોટર રેઇઝીંગ મશીન્સ, બંધ અને સરોવરો જેવી કૃષિ તકનીકોનો ઉપયોગ કરવાની શરૂઆત કરી.

3. આધુનિક યુગ: 18મી સદીની શરૂઆત સુધીમાં કૃષિ તકનીકોનું અમલીકરણ કરવામાં આવ્યું. દાણાના  જથ્થા અને વાવેતરના છોડની પસંદગી કરવામાં આવી. જમીનના પ્રત્યેક એકમ પ્રમાણે ઉપજમાં ખાસ્સો વધારો થયો. 19મી સદીના અંત ભાગમાં અને 20મી સદીમાંયાંત્રિકરણમાં અને વિશેષ રૂપે ટ્રેકટરના આગમન સાથે ખેતીનું કામ ખૂબ ઝડપથી કરવાનું શકય બન્યું. જે અગાઉના વર્ષોમાં અશકય હતું. કૃષિની તાંત્રિકતાએ મોટું પરિવર્તન આણ્યું. આ શોધોને લીધે યુનાઇટેડ સ્ટેટ, ઈઝરાયલ, જર્મની, આર્જેન્ટિના અને કેટલાક અન્ય વિકસિત રાષ્ટ્રોના ચોક્કસ આધુનિક ખેતરોની કાર્યક્ષમતામાં વધારો થયો, જમીનની એકમદીઠ ઉત્પાદન શકિત વધી, ઉચ્ચ ગુણવત્તા યુકત પેદાશો અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો. અલબત્ત ઉત્પાદન વાસ્તવિક મર્યાદા સુધી પહોંચ્યું. ચોખા, મકાઇ  અને ઘઉં  જેવા અનાજો માનવીય ખોરાકની 60% જરૂરિયાત પૂરી પાડે છે. 1700 થી 1980 વચ્ચે સમગ્ર વિશ્વમાં વાવેતર હેઠળના કુલ વિસ્તારમાં 466%નો વધારો થયો.

 

ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી દેશના સર્વાંગી વિકાસનો આધાર ખેતી ક્ષેત્રના વિકાસ ઉપર નિર્ધારિત છે તે સ્પષ્ટ બાબત છે. ખેતી અને પાણી એકબીજા સાથે સંકળાયેલા છે. એટલેજ મનુષ્યે પોતાની સંસ્કૃતિઓને નદીઓને કિનારે વિકસાવી. તે ભારતીય સંસ્કૃતિ હોય કે મેસોપોટેમિયાની, ચીની સંસ્કૃતિ હોય કે મિસરની, યુરોપીયન સંસ્કૃતિ હોય કે આફ્રિકન. તેનું મુખ્ય કારણ પાણી હતું. જળ વિનાના જીવનની કલ્પના ઝાંઝવાના નીર સમાન જ કહેવાય. દુનિયાના વિકસિત અને અલ્પવિકસિત સૌ રાષ્ટ્રોએ કૃષિના મહત્વને જાણી પોતપોતાની ખેતીને વિકસાવવાના પ્રયત્ન કર્યા. ભારત વૈદિક યુગથી અસી, મસી અને કૃષિનો સંદેશ આપતું રહયું છે. તે ઋષિ અને કૃષિ સંસ્કૃતિનો સમન્વય અને સંમિશ્રણ ધરાવતો દેશ છે. વૈદિક યુગનો  વાસ્તવવાદી ઋષિ અનેક વિધાઓની સાથે પોતાના શિષ્યોને કૃષિનું શિક્ષણ પણ આપતો હતો. અલબત્ત પ્રાચીન કાળથી આપણી સંસ્કૃતિ કૃષિ સાથે દ્ધઢપણે જોડાયેલી રહી છે. કૃષિધન, પશુધન અને જ્ઞાનધન આપણી મૂળભૂત તાકાત રહી છે. આપણી તાકાત અને આપણાં સાધનોને  ઓળખીને આપણી પરંપરાગત નિપૂણતા કૌશ્લયને આધુનિક વિજ્ઞાન સાથે જોડીને આપણે કૃષિ શકિત અને ઋષિ શકિતનાસમન્વયથી રાષ્ટ્રને મજબૂત બનાવવું તે આપણ સૌનું ઉતરદાયિત્વ છે. પ્રાચીન ઋષિ વિદાય લેતા વિધાર્થીને કહે છે કે"ભૃત્યૈ : ન પ્રર્માદતવ્યમ"-" ધન કમાવામાં પ્રમાદ ન કરીશ અર્થાત ઐશ્ર્વર્ય  મેળવજે."" અન્ન વહુકુર્વીતતદવ્રતમ"-"અન્નના ઢગલા ઉત્પન્ન કરજે.” આવાં વ્રતો રાષ્ટ્ર અને સમાજની સમૃદ્ધિ માટે અપાયાં છે. ઋષિ સંસ્કૃતિની આ ઉત્તમોતમ વ્યવસ્થા સાધુ યુગની શરૂઆતની સાથે જ પલાયનવાદમાં ફેરવાઇ. તેમાં કૃષિ પણ કયાંથી બાકત હોય ?

 

ભારત વાસ્તવવાદની જગ્યાએ પલાયનવાદ તરફ આગળ વધી રહ્યો હતો. બાકી હતું તે મુસ્લિમ આક્રાન્તાઓને કારણે પૂરું થયું. સાતમી સદીમાંઆરબસેનાપતિ મહંમદ બિનકાસીમના ભારતના સિંધ પરના આક્રમણની સાથે જ ભારતીય સમાજ અને ગ્રામીણ સંસ્કૃતિની માઠી દશા શરૂ થઇ. તેથી, ખેતી પણ પ્રભાવિત થઇ. ત્યારપછીનો મુસ્લિમ, મોગલ અને અંગ્રેજકાળ ભારતીય ઇતિહાસની દર્દનાક ગુલામી અને પડતીનો છે તે કહેવાની જરૂર નથી. મુગલકાળમાં ખેતી માટેની સુધારણાના થોડાક પ્રયત્નો દેખાય છે. પરંતુ, ત્યાર પછી અંગ્રેજકાળ દરમિયાન ભારતની ખેતીની દશા પછાત અને સ્થગિત છે. આ પછાતપણું અને સ્થગિતતા ભારતમાંથી અંગ્રજોની વિદાય થતી નથી ત્યાં સુધી ચાલે છે. ભારતીય કૃષિનો આ સમય ભારતના ખેડૂતો અને ગ્રામીણ સમાજ માટે અસહ્ય છે. ભારતનો ખેડૂત દેવાદાર, દયનીય અને કફોડી હાલત ગુજારતો હતો. એટલે જ ભારતના ખેડૂત માટે કહેવાયું “ભારતનો ખેડૂત દેવામાં જન્મે છે, દેવામાં જીવે છે અને દેવામાં મૃત્યુ પામે  છે. ” જે મહાન રાષ્ટ્ર અને સંસ્કૃતિએ વિશ્વને ખેતી કેમ કરવી તે શીખવાડયું તે રાષ્ટ્ર અને તેનો કૃષિકાર આટલો દયનીય કેમ બન્યા ? કદાચ આપણે સારી ખેતીની સાથે સારી રક્ષા કરતાં ન શીખ્યા. પ્રાચીન સમયમાં તે વખતના દેશોના સંદર્ભમાં ભારત એક સમૃદ્ધ, સુસંસ્કૃત અને આર્થિક દ્રષ્ટિએ સંપન્ન રાષ્ટ્ર હતું. તેની ખેતી સમૃદ્ધ ગણાતી. આજે પણ કૃષિ ભારતીય અર્થતંત્રનોમહત્વનો આધાર છે, પ્રાથમિક અંગ છે. કૃષિ વિકાસ દ્ધારા જ ઉધોગો અને વેપારનો ઉત્તરોતર વિકાસ સાધી શકાયો છે. આ દ્રષ્ટિએ ભારત માટે એ બાબત સાચી છે કે કૃષિ એ ઉઘોગોની જનેતા છે અને આર્થિક જીવનનો પાયો છે. જે નીચેની બાબતોને આધારે કહી શકીએ.

 

 

  1. રષ્ટ્રિયઆવકમાં હિસ્સાની દ્રષ્ટિએ.
  2. ઉધોગોને કાચો માલ પૂરો પાડવાની દ્ષ્ટિએ.
  3. નિકાસ કમાણીની દ્રષ્ટિએ.
  4. માનવધન અને પશુધનને પોષણ આપવાની દ્રષ્ટિએ.
  5. રોજગારી સર્જનની દ્રષ્ટિએ.
  6. વિકેન્દ્રિત વ્યવસાયની દ્રષ્ટિએ.

 

ચાણકયના મહાનગ્રંથ જેને ચાણકયનું અર્થશાસ્ત્ર કહેવાય છે જેમાં ચાણકયે રાષ્ટ્રની કૃષિને મેરુદંડ ગણાવી છે અને કૃષિ વિશે વિછદ છણાવટ કરીને કૃષિને કેવી રીતે વિકસાવવી તેનો ઊંડાણપૂર્વક ખ્યાલ આપ્યો છે. ચાણકયના વખતમાં રાજકોષ વધારવાનું એકમાત્ર માધ્યમ કૃષિ  હતું. પ્રજાનો મોટોવર્ગખડૂતો અને ખેતમજૂરોનો હતો. ચાણકય ખેતીના વિકાસ માટે વધારે ભાર આપે છે. કારણ રાજયની રેવન્યુ પણ ખેતીમાંથી જ આવતી. તેથી, ખેતીનું મહત્વ સર્વાધિક હતું. ચાણકયે તેમાં જમીનના જુદાજુદા અનેક પ્રકાર અને તાસીર પણ બતાવી છે. તેમાં થનાર અનાજ વગેરે બતાવ્યા છે. ખેડૂતો અને ખેતમજૂરો વગેરેની વ્યવસ્થા બતાવી છે. કયા કયા પ્રદેશમાં કેટકેટલો વરસાદ થાય છે તે બતાવ્યું છે. સારો, મધ્યમ અને ઓછો વરસાદ થવાથી શું થાય છે અને કયાં કઇ ખેતી કરવી તે બતાવ્યું છે. સિંચાઇની વ્યવસ્થા બતાવી છે. નદી, તળાવ, સરોવર, કૂવા વગેરેમાંથી પાણી લઇને ખેતી કરવાનું જણાવ્યું છે. શાકભાજી અને ફળો ઉગાડવાનું પણ બતાવ્યું છે. ખેતીનાં બીજ વાવતાં પહેલાં તેને સાત દિવસ રાતના સમયે ઝાકળમાં રાખવાં અને પછી સાત દિવસ તડકામાં રાખવાં, શેરડી વગેરેનીકાતળીઓમાં મધ ભરીને પછી વાવવી. વાવ્યા પછી માછલીનું ખાતર આપવું અને થોરીયાનું દૂધ ખાતર સાથે આપવાથી જીવાત વગેરે પડતી નથી. થોરીયાના દૂધનો ઉપયોગ ચાણકયે તે સમયમાં બતાવ્યો છે. અનાજ સંઘરવાના કોઠારો કેવી રીતે બનાવવા તે પણ બતાવ્યું છે. અનાજનાખળામાં કોઇ પણ માણસ અગ્નિ રાખી શકે નહિ, કદાચ અગ્નિ લાગે તો જ પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે. આ રીતે પુષ્કળ અનાજ પેદા કરવું. ખેતીના પ્રમાણ પ્રમાણે કર લેવો, નવા ખેડૂતોને ખેતી કરવા મદદ કરવી. ખેતીમાં ભેલાણ ન થાય તેવી વ્યવસ્થા કરવી, જંગલી જાનવરોનો નાશ કરવો તથા ગોવાળિયાઓ ઉપર કઠોર નિયંત્રણ રાખવું જેથી ખેતી સુરક્ષિત રહે. આમ, ચાણકયે ખેતીની તમામ બાબતો ઉપર લખ્યું છે.

 

ગુલામી કાળના લાંબા સમય દરમ્યાન ખેતી ક્ષેત્રે દુર્લક્ષ સેવાયું અને સમૃદ્ધ ખેતી પછાતપણામાં ધકેલાઇ. ભારતમાં આયોજન કાળ પહેલાં ખેતી અત્યંત પછાતપણામાં હતી. ખેતી અર્થતંત્રમાં અગત્યનું સ્થાન ધરાવતી હોવાથી તેનો ઝડપી વિકાસ કરવો અનેક કારણોથી અનિવાર્ય  હતો. 1947માં આઝાદી મળ્યા પછી ભારતના મૂળ પ્રાચીન વ્યવસાયને પંચવર્ષીય યોજનાઓ દ્ધારા બેઠા કરવાના પ્રયત્નો શરુ થયા. પ્રથમ પંચવર્ષીય યોજનાનું (1951-1956) ખરેખર ખર્ચ રૂ.196૦ હતું. તેના 14.8% એટલે કે રૂ.29૦ કરોડ ખેતી ક્ષેત્ર પાછળ ખર્ચવામાં આવ્યા હતા. દશમી પંચવર્ષીય યોજનાનું (2૦૦2-2૦૦7) ખર્ચ રૂ.15,92,3૦૦ કરોડ હતું. તેના 3.70% એટલે કે રૂ.58,933 કરોડ ખર્ચવામાં આવ્યા. અગીયારમીપંચવર્ષીય યોજના (2007 -2012) નું કદ રૂ.36,44,178 કરોડ હતું. તેના 3.74% એટલે કે કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર પાછળ રૂ.1,336,381 કરોડ ખર્ચવામાં આવ્યા. 12મી યોજનાનું કદ રૂ.91,60,248 કરોડ રાખવામાં આવ્યું છે અને તેમાંથી ખેતી અને સંલગ્ન ક્ષેત્ર પાછળ રૂ.2,84,030 કરોડ ખર્ચવામાં આવશે. જે 3.10% થવા જાય છે. ખેતી ક્ષેત્રની અગત્યતાનો સ્વીકાર પંચવર્ષીય યોજનાઓમાં થતો રહયો છે. પરંતુ, પંચવર્ષીય યોજનાઓમાં ખેતી પાછળનું ખર્ચ ઓછું થતું જાય છે જે ખેતી અને ગ્રામ પ્રધાન રાષ્ટ્ર માટે સારા સંકેત નથી. આજે પણ આપણો દેશ કૃષિ પ્રધાન છે. તે ભારતની કરોડરજજું છે. દેશની 60% પ્રજા આજે પણ કૃષિ અને સંલગ્ન ધંધાઓ સાથે સંકળાયાલી છે. ગ્રામીણ લોકોની આજીવિકા અને આર્થિક ઉપાર્જનનું તે મુખ્ય સાધન છે અને ભારતના અર્થતંત્રનો મુખ્ય આધાર સ્તંભ છે. તેથી, ભારતના લગભગ બધા જ રાજયોએ ખેતી ક્ષેત્રે વિવિધ પ્રકારની રાહતો આપવાનો સ્વીકાર કર્યો છે. વર્ષ  2010-2011માં વસ્તી ગણતરીના અંદાજ મુજબ આપણે દેશની વસ્તી 121 કરોડ પહોંચી ચૂકી છે. દર વર્ષે આપણા દેશની વસ્તી સતત વધતી રહેલછે. સતત વધતી જતી વસ્તી માટે માથાદીઠ અનાજની જરૂરિયાત પણ વધતી રહેવાની છે અને તેની સામે જમીનનો વિસ્તાર વધવાનો નથી. આવી પરિસ્થિતિમાં શું કરવું ? તો તેનો જવાબ છે વિજ્ઞાનનો સ્વીકાર.

 

21મી સદીનો યુગ વિજ્ઞાન અને ટેકનોલૉજીનો યુગ છે. જે જેરાષ્ટ્રોએ વિજ્ઞાનનો સ્વીકાર કર્યો તેઓએ પ્રત્યેક ક્ષેત્રોમાં પ્રગતિ સાધી. જેઓ, પાછળ રહયા તેઓ પછાતપણામાં ધકેલાયા. તેમાં કૃષિ ક્ષેત્રનો પણ સમાવેશ થાય. વિશ્વL.P.G.મતલબL= લીબરલાઈઝેશન(ઉદારીકરણ),P = પ્રાઇવેટલાઇઝેશન (ખાનગીકરણ), G=ગ્લોબલલાઇઝેશન(વૈશ્વિકરણ)ના દોરમાંથી પસાર થઇ રહયું છે ત્યારે આપણે તેમ ન કરીએ તો વિકાસનાં સુફળ ન પામી શકીએ અને તે બાબત આપણા માટે આપઘાત સમાન સાબિત થાય. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણના યુગમાં આપણે તેનો લાભ લેવા તૈયાર રહેવું પડશે. 21મી સદીનીબદલાતી જતી રાજકીય અને આર્થિક પરિસ્થિતિની સાથે કૃષિ ક્ષેત્રે પણ બદલાવ આવી રહયો છેતે આપણા માટે સંતોષજનક ઘટના છે. ભારતની ખેતીએ વિજ્ઞાન અને ટેકનોલૉજીનો સ્વીકાર કર્યો અને તેનો અનુભવ 1960માં પંજાબમાંથી હરિયાળી ક્રાંતિ સ્વરૂપે પ્રગટયો. ડૉ.એમ.એસ. સ્વામીનાથન તેના પ્રણેતા ગણાયા. આજે દેશમાં ખેતી ક્ષેત્રે અન્ન ઉત્પાદનમાં હરિયાળી ક્રાંતિ, દૂઘ ઉત્પાદનમાં શ્વેતક્રાંતિ, તેલીબિયામાં પીળી ક્રાંતિ અને ફળ ઉત્પાદનમાં સોનેરી ક્રાંતિ દ્ધારા સીમાચિન્હ્ પ્રગતિ થઇ છે. વર્ષ 2050 સુધીમાં અનાજના વૈશ્વિક ઉત્પાદનમાં 70% નો વધારો કરવાની જરૂર પડશે. કારણકે આ સમયગાળા દરમિયાન વિશ્વની વસ્તીમાં 2.3 અબજ લોકોનો ઉમેરો થશે તેવું ફૂડ એન્ડ ઓર્ગેનાઇઝેશનનું (એફ.એ.ઓ.) કહેવું છે. યુનાઇટેડ નેશન્સની સંસ્થા યુનિસેફ- આર્થિક, શૈક્ષણિક અને આરોગ્ય જેવી બાબતોને વિકાસના માપદંડ તરીકે સ્વીકારે છે. ત્યારે એમ કહી શકાય કે કૃષિ આર્થિક અને માનવીય આરોગ્ય સાથે સીધી રીતે સંકળાયેલ છે.

  • દિનેશ પટેલ   અઘ્યા૫ક,નૂતન ગ્રામ વિદ્યાપીઠ, થવા, તા. નેત્રંગ,જિ. ભરૂચ,પીન– 393130
  • ડૉ. સતિષ પટેલ  મદદનીશ પ્રાઘ્યા૫ક, ગ્રામ વ્યવસ્થા૫ન અઘ્યયનકેન્દ્,ગૂજરાત વિદ્યાપીઠ,રાંઘેજા,જિ. ગાંઘીનગર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate