অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ખેતીમાં આયોજનનું મહત્વ

ખેતીમાં આયોજનનું મહત્વ

આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. આપણા દેશની ૭00થી વધારે વસ્તી ખેતી આધારિત છે. આપણે આપણી ખેતીને મુખ્ય વ્યવસાય તરીકે સ્વીકારેલ છે ત્યારે બિયારણ, ખાતર, પાક સંરક્ષણ, નીંદણનાશક દવાઓ, પિયત તેમજ મજૂરી જેવી અનિવાર્ય જરૂરીયાતોમાં ખેડૂતે મોટું રોકાણ કરવું પડે છે. વળી નવી આયાત નીતિના કારણે ખેતી ઉત્પાદનના પોષણક્ષમ ભાવો ન મળતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ દિવસે દિવસે નબળી થતી જાય છે જેના કારણે ખેડૂતો ખેતી કરવામાં હતોત્સાહ થયેલ જોવા મળેલ છે. આમાં કુદરતી પરિબળો જેવા કે વરસાદ, હવામાન વગેરે પણ સીધી યા આડકતરી રીતે પાક ઉત્પાદન ઘટાડવામાં ભાગ ભજવતા હોવાથી પરિસ્થિત નબળી થતી જાય છે.

આવા સંજોગોમાં આધુનિક ખેતીમાં આયોજન કરી એકમ વિસ્તરમાંથી વધુ પાક ઉત્પાદન વધારી તેમજ એકમ વિસ્તારમાંથી પાક ઉત્પાદન ખર્ચ ઘટાડી વધુ નફો મેળવી શકાય તેમ છે. આપણે ખેતીમાં આયોજન થકી સંભવિત કુદરતી પરિબળો દ્વારા થનાર નુકસાન ઘટાડી શકીએ તેમ છીએ. ખેત ઉત્પાદન ખર્ચ ઘડાટવા માટે બિનખર્ચાળ અથવા ઓછી ખર્ચાળ ખેત પદ્ધતિઓના ઉપયોગ અને આયોજનથી ખેતીને પોષણક્ષમ બનાવી વધુ આવક મેળવી શકાય છે. વધુ ઉત્પાદન મેળવવા આયોજન કરી વિવિધ ખેતી કાર્યો સમયસર અને વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો વધુ નાણાંકીય ખર્ચ કર્યા સિવાય ખેત ઉત્પાદન વધારી શકાય તેમ છે. જૂની કહેવાત મુજબ ‘ખેડ-ખાતર અને પાણી લાવે નસીબને તાણી’ હતી તેની જગ્યાએ હવે નવી કહેવત “ખેડ-ખાતર-પાણી અને આયોજન લાવે નસીબને તાણી” કહેવું યોગ્ય લાગશે.
આપણે આપણી ખેતીમાં કયારે પણ હિસાબ રાખેલ નથી. આથી ખેડૂત મિત્રો હવે સમય આવી ગયો છે કે, આપણે આપણી ખેતીમાં હિસાબ રાખવો પડશે જ. ચોર ખાય, મોર ખાય અને છેલ્લે વધે તે ખેડૂત ખાય તે હવે નહી ચાલે. આપણે આપણી ખેતીમાં હિસાબ એટલે કે આયોજન રાખવું જ પડશે. તો અને તો જ આપણે આપણી ખેતીને નફાકારક ખેતી બનાવી શકીશું. આ માટે કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ભલામણ કરેલ અથવા ઓછી. ખર્ચાળ ખેતી પદ્ધતિનો આયોજનપૂર્વક અમલ કરવો પડશે જેવી વિગત અત્રે દર્શાવેલ છે.

જમીનની પ્રત પ્રમાણે પાકની પસંદગી :

કોઈપણ પાકની વાવણી કરતાં પહેલા આપણે આયોજન કરવું પડશે કે, આપણી જમીનમાં કયો પાક થઈ શકશે તે નક્કી કરવું પડકશે. જમીન અને ઋતુ પ્રમાણે પાકની પસંદગી કરવી જેમ કે, ખરીફ ઋતુમાં બાજરી, મગ, ચોળી, મઠ, તલ, જુવાર તેમજ દિવેલા પાક રેતાળ, ગોરાડુ તથા મધ્યમ કાળી જમીન માટે અનુકુળ રહે છે. પરંતુ જો ભારે કાળીજમીન કે જેમાં પાણી ભરાઈ રહે તેવી જમીનમાં પસંદ કરવામાં આવે તો ધારેલું ઉત્પાદન મેળવી શકાતું નથી.

સૌરાષ્ટ્રની જમીનમાં મગફળી, દક્ષિણ ગુજરાતની જમીનમાં ડાંગર, શેરડી, મધ્ય ગુજરાતની જમીનમાં તમાકુ અને ઉત્તર ગુજરાતની જમીનમાં કપાસ દિવેલાની પસંદગી કરવી નફાકારક છે.

આયોજન પૂર્વક બીજ પસંદગી :

પાકની પસંદગી કર્યા પછી જાતની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. વધુ ઉત્પાદન આપતી, રોગ પ્રતિકારક-ગુણવત્તા યુકત, જીવાત સામે પ્રતિકારક અને આબોહવાકિય વિસ્તારને અનુરૂપ જાતની પસંદગી કરવી જેથી રોગ-જીવાત નિયંત્રણ માટે કરવો પડતો ખર્ચ નિવારી શકાય.

બીજ માવજત :

સામાન્ય રીતે પ્રમાણિત બીજને એગ્રોસાન, થાયરમ, કેપ્ટાન જેવા રસાયણોની માવજત આપેલ હોય છે. તે સિવાય બીજને ભલામણ કરેલ જુદી જુદી. બીજ માવજત આપી વાવેતર કરવામાં આવે તો સારૂ સ્કૂરણ મેળવી એ કમ વિસ્તારમાં છોડની સંખ્યા વધારી પાક ઉત્પાદન વધારી શકાય છે. દા.ત. ઘઉના બીજને ઊધઈ સામે તેમજ કઠોળ વર્ગના બીજને સૂક્ષ્મ જીવાણું (રાયઝોબિયમ એઝેટોબેકટર કલ્ચર)ની માવજત આપી નહીંવત ખર્ચ વધુ પાક ઉત્પાદન મેળવી શકાય છે.

સેન્દ્રિય ખાતરનો આયોજન પૂર્વક ઉપયોગ :

કઠોળ, મરી-મસાલા અને શાકભાજીના પાકોમાં રાસાયણિક ખાતરની જરૂરિયાત ઓછી હોય છે. આથી એ ગાઉથી કયો પાક વાવવી તે નક્કી કરી જે તે ખેતરમાં લીલો પડવારા, વર્મિકમ્પોસ્ટ કે છાણીયું ખાતર ખેતરમાં પાકને વાવતા પહેલાં જમીનમાં બરાબર ભેળવી દેવાથી તેમાં રહેલા પોષક તત્વો જળવાઈ રહે છે પરિણામે જમીનની ફળદ્રુપતા લાંબો સમય સુધી જાળવી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

સમયસર વાવણીનું આયોજન :

જુદા જુદા પાકો માટે ભલામણ કરેલ સમય પ્રમાણે સમયસર વાવણીનું આયોજન કરવાથી પાક ઉત્પાદન વગર ખર્ચ જાળવી શકાય છે. ઘઉં જેવા પાકોમાં સમયસરની વાવણી માટે ૧૫ નવેમ્બર થી ૨૫ નવેમ્બર અને મોડી વાવણી માટે ડિસેમ્બરનું બીજુ એઠવાડીયું સમય નકકી કરેલ છે. પરંતુ જો નક્કી કરેલ જાતોના સમય કરતા વહેલી કે મોડી વાવણી કરવામાં આવે તો અનુક્રમે ર૧ અને ર0% ઉત્પાદનમાં ઘટાડો થાય છે.

વાવણી પદ્ધતિ અને અંતર :

હેકટર દીઠ વધુ ઉત્પાદન મેળવવા માટે માત્ર છોડની સંખ્યા પુરતી નથી પરંતુ એ કમ વિસ્તાર દીઠ નક્કી થયેલ છોડ કેટલા અંતરે ગોઠવવામાં આવે તે વધારે અગત્યનું છે. જેથી બે છોડ વચ્ચે પોષક તત્વો પાણી, પ્રકાશ વગેરે માટે ઓછામાં ઓછી હરિફાઈ અને પરિણામે વધુ ઉત્પાદન મળે તે પ્રમાણે આયોજન કરવું ખૂબ જ જરૂરી છે.

આયોજન પૂર્વક જમીન પૃથક્કરણ :

છોડ માટેના જરૂરી પોષક તત્વોનું પ્રમાણ આપણી જમીનમાં કેટલું છે તે જમીનના પૃથક્કરણ દ્વારા જાણવું ખૂબ જ જરૂરી છે જેથી પાકને આપવાની ખાતરનું પ્રમાણ જાણી તેનું આયોજન કરી ખાતર પાછyળનો બિન જરૂરી ખર્ચ ઘટાડી શકાય દા.ત. ફોસ્ફરસ અને પોટાશની માત્રી અમુક જમીનમાં પુરતી છે તેથી આવા તત્વો પાછળ બિન જરૂરી ખર્ચ ઘટાડી શકાય.

પિયત વ્યવસ્થાનું આયોજન :

પિયત વ્યવસ્થાનું આયોજન ખૂબ જ જરૂરી છે. સમયસર પિયત ન મળવાથી ઉત્પાદન ઘટે છે. આથી ભલામણ મુજબ પાકને તેની કટોકટી અવસ્થાએ પાણી મળે તે મુજબનું આયોજન ખૂબ જ જરૂરી છે. પાણી કયારે આપવું, કેટલું આપવું અને કઈ રીતે આપવું તે જાણવું ખૂબ જ જરૂરી છે.

આયોજન પૂર્વક સમયસર નીંદામણ :

નીંદણ એટલે પાકની સાથે ઉગી નીકળતી બિન જરૂરી વનસ્પતિ કે જે પાક સાથે પ્રકાશ, પાણી, પોષક તત્વો અને જગ્યાની હરિફાઈ કરી પાક ઉત્પાદનમાં ૩૦ થી ૩૫% નો ઘટાડો કરે છે. આથી સમયસર નીંદામણ કરવાનું આયોજન કરવું તે પાક ઉત્પાદન જાળવી રાખવા. માટે ખૂબ જ જરૂરી છે.

આયોજન પૂર્વક પાકની ફેરબદલી :

પાકની ફેરબદલીમાં અવિરત વધતી વસ્તીના કારણે માથાદીઠ જમીન ઘટતી જાય છે. પરિણામે ટૂંકી જમીનમાંથી વધુ આવક મેળવવા ખેડૂતો ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ અપનાવે છે. આમ થવાથી જમીનમાં પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં ચૂસાઇ ય છે . આવા સંજોગોમાં અગાઉ કઠોળ વર્ગના પાક પછી ધાન્યપાક લેવાનું શરૂઆતથી આયોજન કરવામાં આવે તો નાઈટ્રોજન યુક્ત ખાતરોનો વપરાશ ઘટાડી, ખર્ચમાં ઘટાડો કરી, વધારે આવક મેળવી શકાય છે. પિયત કે બિનપિયત બંને પ્રકારના પાકમાં યોગ્ય આયોજન કરી પાકની યોગ્ય ફેરબદલી કરવાથી પણ કુદરતી નાઈટ્રોજનનો લાભ મેળવી શકાય છે.

રોગ-જીવાત નિયંત્રણમાં આયોજન :

રોગ-જીવાત નિયંત્રણ માટે આગોતરૂ આયોજન કરી રોગ-જીવાત પ્રતિકારક જાતો પસંદ કરવી, ઉનાળામાં ઊંડી ખેડ કરવી, પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવો, ટ્રેપ કોપનું વાવેતર કરવું. વાવણીનો સમય જાળવવો તેમજ વનસ્પતિ આધારિત દવાઓ જેવી કે, લીમડામાંથી કે આકડામાંથી બનાવેલ દવાઓનો ઉપયોગ કરવો જોઈએ જેથી રોગ-જીવાત નિયંત્રણ માટે કરવો પડતો ખર્ચ ઘટાડી શકાય.

કાપણીનું આયોજન :

કાપણી કરવાના સમયનું ધ્યાને રાખી પાક મુજબ તેના પાકવાના દિવસો પ્રમાણે પ્રત્યક્ષ સ્થળ પર પાકની પરિસ્થિતિને ધ્યાને લઈ પાક પરિપક્વ થયે સમયસર કાપણી કરવાથી સુકાઈ ગયેલ દાણા ખરી પડતા અટકાવી ઉત્પાદનમાં થતી ઘટ નિવારી શકાય છે. જો વહેલી કાપણી કરવામાં આવે તો અપરીપક્વ દાણા ચીમળાઈ જાય છે અને વજનમાં ઘટાડો થાય છે. આથી સમયસર કાપણી જરૂરી છે.

આયોજન પૂર્વક ઉત્પાદનનો સંગ્રહ

પાકની યોગ્ય સમયે કાપણી કર્યા પછી દાણામાં ૮% જેટલો ભેજ રહે તે પ્રમાણે સૂર્યના તાપમાં સૂકવણી કરવાનું આયોજન કરવું. પાકમાં રહેલા વધારાનો ભેજ દુર કરવાથી સંગ્રહ દરમ્યાન પાકને રોગ-જીવાતથી નુકસાન થતું નથી અને પાકને સારી રીતે સંગ્રહ કરી શકાય છે.

આયોજન પૂર્વક મૂલ્ય વૃદ્ધિ :

પાક તૈયાર થઈ જાય પછી પાક ઉત્પાદનને બરાબર સાફ કરવામાં આવે તો બજારભાવો વધારે મેળવી શકાય છે. જેમ કે, શાકભાજી માં બગડેલા, ડંખવાળા કે ચીમળાયેલા ફળો દૂર કરી સરખા કદના તાજા ફળો વેચવામાં આવે તો બજારભાવ વધારે મેળવી શકાય છે. આ સિવાય પાકોમાંથી વિવિધ બનાવટો જેવી કે, બટાટામાંથી કાતરી વિફર) , મરચામાંથી સૂકા મરચાનો પાઉડર, કેરીમાંથી મુરબ્બો, અથાણું, આંબળામાંથી કેન્ડી, મુરબ્બો, ટામેટામાંથી કેચપ વગેરે જેવી વિવિધ બનાવટો બનાવવાનું આયોજન કરી વધારે ભાવો મેળવી આવક વધારી શકાય છે.

આમ ખેતી આયોજન પૂર્વક કરવામાં આવે તો ‘ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી’  પુનઃ સ્થાપિત કરી ખેતીને નફાકારક ખેતી બનાવી શકાશે.

સ્ત્રોત: કૃષિગૌવિધા - ફેબ્રુઆરી-ર૦૧૦૦ વર્ષ : ૬૯ અંક : ૧૦ • સળંગ અંક : ૮૨૬

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate